જવાનું તો છે યાર પણ જરાયે મન નથી થતું! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જવાનું તો છે યાર પણ

જરાયે મન નથી થતું!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હાથ નથી હું લાંબો કરતો સૂરજ પાસે,

પોતીકું અજવાળું મારું સાથે રાખું!

મરતાંને ક્યારેય નથી મેં મર કીધું તો,

યાર, તમારું ભાવિ કેમ અમંગળ ભાખું?

-કિશાર જીકાદરા

આપણું મન આપણને સંકેતો અને ઇશારા આપતું હોય છે. મન હંમેશાં આપણાથી એક કદમ આગળ હોય છે. ક્યાંય જવાનું હોય ત્યારે આપણી પહેલા આપણું મન ત્યાં પહોંચી જતું હોય છે. મન ક્યારેક મૂંઝાય છે અને ક્યારેક મૂરઝાઇ પણ છે. મન ઘણી વખત આપણને રોકે છે. કંઇક કરવું હોય ત્યારે મન ના પાડે છે કે, રહેવા દે, આ તને નથી શોભતું, આ તારે લાયક નથી, આવું કરીને તને શું મળી જવાનું છે? મન જે કહે એની સામે જ આપણે દલીલો કરતા હોઇએ છીએ. મન માને નહીં અને જીવ ચાલે નહીં એવું ન કરવું જોઇએ. આપણું મન માત્ર આપણી જ વાત કરે એવું જરૂરી નથી. ઘણી વખત આપણી વ્યક્તિ વિશે પણ મન સંકેતો આપતું હોય છે. એક પતિ પત્ની હતા. પતિ બહારગામ જવાનો હતો. ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી. તેની પત્નીએ કહ્યું કે, આજે જવાનું કેન્સલ કરાવી દેને, મારો જીવ મૂંઝાય છે. મારું મન ના પાડે છે. તું ન જા એવું હું ઇચ્છું છું. પતિએ કહ્યું, મારે જવું પડે એમ છે. પત્નીની વાત અવગણીને પતિ બહારગામ જવા નીકળી ગયો. શોફર ડ્રિવન કારમાં એરપોર્ટ જતો હતો અને કારમાં પંચર પડ્યું. પંચર રિપેરિંગનું સ્થળ દૂર હતું. એરપોર્ટ જવાની બીજી કોઇ વ્યવસ્થા થઇ શકે એમ નહોતી. થયું એવું કે, ફ્લાઇટ મિસ થઇ ગઇ. પતિને એવો વિચાર આવી ગયો કે, પત્નીએ રોક્યો એમાં જ આ બધું થયું. કોઇપણ રીતે એ પાછો ઘરે પહોંચ્યો. થોડા જ સમયમાં એવા ખબર આવ્યા કે, જે ફ્લાઇટ તેણે મિસ કરી હતી એ ક્રેશ થઇ ગઇ અને તમામ મુસાફરોના મોત થયા! પત્નીએ કહ્યું, મારું મન તો ના પાડતું હતું પણ પંચર પાડીને કુદરતે પણ એમાં સૂર પૂરાવ્યો. કેટલીક ઘટનાઓ આપણને અંધશ્રદ્ધા કે નબળી માનસિકતા લાગતી હોય છે પણ એવું ઘણી વખત થતું હોય છે જ્યારે આપણે શું સાચું અને શું ખોટું એ નક્કી જ ન કરી શકીએ. ઘણી વખત કોઇ કામ કરતી વખતે આપણને પહેલેથી જ એવું થતું હોય છે કે, આ નથી થવાનું, એ ખરેખર થાય જ નહીં. આપણે ખરા દિલથી પ્રયત્નો કર્યા હોય છે, તો પણ થતું નથી. કોઇના મન વિશે એવું કહેવામાં આવે છે કે, બીજાના મનને કળવું અઘરું છે. ક્યારેક તો એવું પણ લાગે કે આપણા મનને પણ આપણે ક્યાં પૂરેપૂરું કળી શકતા હોઇએ છીએ? આપણું મન પણ ઘણી વખત આપણા કંટ્રોલમાં રહેતું નથી. ક્યારેક કોઇ ભ્રમ થાય છે તો ક્યારેક કોઇ અણસાર આવી જાય છે. ક્યારેક સચેત થઇ જઇએ છીએ તો ક્યારેક ભયભીત થઇ જઇએ છીએ.

સંબંધોમાં પણ મન મહત્ત્વની ભૂમિકા ભજવતું હોય છે. એવા અનુભવો તો આપણને બધાને થયા જ હોય છે કે, અમુક સમયે કોઇને મળીએ ત્યારે આપણું મન જ તેની નજીક જવાની કે સંબંધો વિકસાવવાની ના પાડે છે. આપણે કહીએ છીએ કે, ખબર નહીં કેમ પણ જે વાઇબ્સ આવવા જોઇએ એ આવ્યા નહીં. કેટલાંક કિસ્સામાં નેગેટિવ વાઇબ્સ આવતા હોય છે. આપણે કોઇને મળીએ એ પછી જલ્દીથી દૂર થઇ જવાનું મન થઇ આવે છે. કેટલાંક સ્થળે ગયા પછી એવું થાય છે કે, અહીંથી ચાલ્યા જઇએ. આવું થાય ત્યારે એને મનના સંકેત ગણી શકાય કે નહીં? સંબંધોમાં જ્યારે સૂકારો આવે ત્યારે મન આપણને રોકતું હોય છે. એક સાવ સાચી ઘટના છે. એક ભાઇને એક નજીકના સગાનું ઇન્વિટેશન મળ્યું. એની પત્નીએ પૂછ્યું, તું જવાનો છે? પતિએ કહ્યું કે, જવાનું તો છે યાર પણ મન નથી માનતું. પત્નીએ કહ્યું, મન ન માનતું હોય તો ન જા. તું જઇશ તો પણ તને મજા નહીં આવે. તારા મને પહેલેથી જ તને દૂર કરી દીધો છે.

મન બહુ ચંચળ છે. મનને પણ ઘણી વખત તર્ક અને બુદ્ધિના ચકડોળે ચડાવવું પડે છે. મન તો ક્યારેક મસ્તીએ પણ ચડ્યું હોય છે. મન થાય એ બધું કરાય નહીં. મન અને મગજ વચ્ચે બેલેન્સ રાખવું પડે છે. મન કહે એને મગજથી કસવું પડે છે અને મગજ કહે એને થોડુંક મનથી પણ વિચારવું પડે છે. ક્યારેક બંને વચ્ચે સંઘર્ષ પણ થાય છે. મન કંઇક કહેતું હોય છે અને મગજ જુદું જ કહે છે. ઇચ્છા થતી હોય છે પણ મગજ ના પાડે છે. મગજ કહે છે કે, રહેવા દે, એ જોખમ લેવા જેવું નથી. વિચારવાની જરૂર ત્યારે જ પડે છે જ્યારે અસમંજસની સ્થિતિ પેદા થાય છે. મન ક્યારેક ભારે થઇ જાય છે. આપણે જ જાતજાતના વિચારો કરીને મનને મૂંઝવી નાખીએ છીએ. વધુ પડતા વિચારો કરવાનો પણ ઘણી વખત કોઇ અર્થ હોતો નથી. એક છોકરીની આ વાત છે. એક પ્રસંગમાં તેને એક સગા સાથે માથાકૂટ થઇ ગઇ. બોલાચાલી એ હદે થઇ કે બધાને એવું લાગ્યું કે, હવે આ બંને કોઇ દિવસ બોલશે જ નહીં. થોડો સમય થયો. જે સગા સાથે માથાકૂટ થઇ એને ત્યાં એક પ્રસંગ આવ્યો. છોકરીને તેનું આમંત્રણ મળ્યું. છોકરીની માતાએ તેને પૂછ્યું, તું જવાની છે? છોકરીએ કહ્યું, અફકોર્સ જઇશ. એની સાથે ઝઘડો થયો હતો પણ એ વાત તો ત્યારે જ ખતમ થઇ ગઇ હતી. ઝઘડવાનું હતું ત્યારે ઝઘડી લીધું. વાત પૂરી થઇ ગઇ. એને યાદ રાખીને શું ફાયદો? આપણે મનને શા માટે જડ બનાવી દેવું જોઇએ, મનને પણ વાળી લેવાનું હોય છે. મનને પ્રેમથી મનાવો તો મન માની પણ જતું હોય છે. ઘણી વખત આપણે પોતે જ મનને છેતરતા હોઇએ છીએ. મનને મૂરખ બનાવવાની કોશિષ કરતા હોઇએ છીએ. આપણો ઇગો અને આપણો સ્વાર્થ ઘણી વખત આપણા મન પર હાવી થઇ જતો હોય છે. મન મૂંઝાય એ જુદી વાત છે અને હાથે કરીને મનને મૂંઝવી નાખવું એ વળી સાવ જુદી વાત છે. મન પર પણ અતિક્રમણ કરવાનું ટાળવું જોઇએ. મન હળવું તો જ રહેશે જો આપણે જે કંઇ બને છે એને હળવાશથી લઇએ. જિંદગીમાં સારું અને નરસું બનતું જ રહેવાનું છે. બધું જો આપણે મન પર લાદતા રહીએ તો મન ભારે જ રહેવાનું છે. ઘણા લોકોના ચહેરા જ ચાડી ખાઇ જતા હોય છે કે, આનું મન ઠેકાણે નથી. દરેક માણસે સમયે સમયે ચેક પણ કરતા રહેવું જોઇએ કે, મારું મન તો જીવતું છેને? મન મરી જાય તો પછી જિંદગી જીવવાની મજા રહેતી નથી!

છેલ્લો સીન :

કેટલાંક સંબંધો એવા થઇ જાય છે જે જીવાતા પણ નથી હોતા અને જીરવાતા પણ નથી હોતા. એવા સંબંધો નિભાવવા ખાતર નિભાવાતા હોય છે. ધરાર નિભાવાતા સંબંધોનો ભાર ન કહેવાય કે ન સહેવાય જેવો હોય છે!    -કેયુ

(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 01 સપ્ટેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *