જિંદગી સારી રીતે જીવવા
માટે ખરેખર શું જોઈએ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
રોટી, કપડાં અમે મકાનને દરેક માણસની મૂળભૂત જરૂરિયાત ગણવામાં આવે છે,
પણ માત્ર એ ત્રણ હોય એનાથી વાત પૂરી થતી નથી.
સારી રીતે જીવવા માટે પ્રેમ, દોસ્તી, લાગણી, સાથ અને સહકારની પણ જરૂર પડે છે
———–
જિંદગી વિશે આપણે બધા ઘણી વાતો કરતા અને સાંભળતા હોઇએ છીએ. સારી રીતે જીવવા માટે આખરે જોઇએ કેટલું? એ વિશે આમ તો દરેકની ફિલોસોફી, માન્યતા અને જરૂરિયાતો જુદી હોય છે. રોટી, કપડાં અને મકાનને માણસની બેઝિક નીડ ગણવામાં આવે છે. ખાવાનું, પહેરવાનું અને રહેવાનું હોય એ મિનિમમ જરૂરિયાત છે પણ એટલું હોય એટલે વાત પૂરી થઇ જતી નથી. હવે તો માણસને મોબાઇલ જોઇએ છે, લેપટોપ કે ટેબલેટ જોઇએ છે, ડિજિટલ વોચ જોઇએ છે, ટુ વ્હીલર કે કાર જોઇએ છે. માત્ર રોટીથી ક્યાં કોઇને સંતોષ થાય છે, ભાતભાતનાં ભોજન જોઇએ છે. રેડીમેડ કપડાંથી વૉર્ડરોબ ભરેલો જોઇએ છે. મકાન પણ નાનું ખપતું નથી. સપનાં તો મસમોટા બંગલા અને ફાર્મહાઉસનાં હોય છે. અલબત્ત, એમાં કશું જ ખોટું નથી. સારી રીતે જીવવાની તમન્ના બધાની હોવાની જ છે. સપનાં અને ઇચ્છાઓ છે એટલે તો માણસ આખો દિવસ મહેનત કરે છે. સમય બદલાતો જાય છે. માણસની જરૂરિયાતો વધતી જાય છે. ટીવી, ફ્રિઝ, વોશિંગ મશીન, વાઇફાઇ અને એના જેવું બીજું ઘણું બધું મસ્ટ થઇ ગયું છે. અગાઉના સમયમાં માત્ર જરૂરિયાતો હતી, હવે એન્ટરટેઇનમેન્ટનું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે. એની પાછળ પણ મોટી રકમ ખર્ચાવા લાગી છે. આટલું ઓછું હોય એમ ફરવા જવાનું ચલણ પણ સતત વધતું જાય છે. વર્ષમાં બેચાર ટ્રીપ દેશમાં અને એકાદી ફોરેન ટૂર કરવાની દરેકની ઇચ્છા હોય છે. સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ્સના ફોટા અને વીડિયો જોઈને એવું પણ થાય છે કે, આપણે ક્યારે આવું કરીશું? દેખાદેખી પણ ખૂબ વધી ગઈ છે. બધાને માત્ર સારી લાઇફ જીવવી જ નથી, દુનિયાને બતાવવું પણ છે કે, જુઓ હું કેવી મસ્ત લાઇફ જીવું છું.
વૅલ, આ બધી વાત કરવાનું કારણ એ છે કે, તમારી પાસે સાધન-સુવિધાના નામે બધું હશે તો પણ તમારી જિંદગી ખુશહાલ હશે એની કોઇ ગેરંટી નથી. એ વાતથી કોઇ ઇનકાર ન થઇ શકે કે, સાધનો અને સુવિધાઓ આપણી જિંદગીને સારી બનાવે છે. કમ્ફર્ટ આપણને સારી લાઇફસ્ટાઇલ આપે છે પણ સુખ અને શાંતિ તદ્દન અલગ જ ચીજ છે. આ વિશે હમણાં થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, સુખી જિંદગી માટે પ્રેમ, લાગણી, સંબંધ અને સમાજ ખૂબ જ જરૂરી છે. કોઇ તમારી રાહ જોતું હોય, તમને કોઇની ચિંતા હોય, કોઇને મળવાનું મન થતું હોય, કોઇ ખૂબ વહાલું હોય એનાથી બહુ ફેર પડે છે. માણસને સુખની અનુભૂતિ ક્યાંથી મળે છે? માત્ર પોતે જ ખુશ હોય એનાથી માણસ ખુશ રહી શકતો નથી. પોતાના લોકોને પણ એ ખુશ જોવા ઇચ્છતો હોય છે. તમે માર્ક કરજો, આપણી પરિસ્થિતિ ગમે એટલી સારી હોય પણ ઘરનો કોઇ સભ્ય બીમાર હશે તો આપણે મજામાં રહી શકીશું નહીં. સામા પક્ષે આપણે બીમાર હોઇએ અને કોઇ પૂછવાવાળું ન હોય તો સાજા થવામાં થોડીક વધુ વાર લાગે છે. વિદેશમાં સિસ્ટમ જરાક જુદી છે. કોઇ બીમાર પડે અને તેને સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવે એ પછી દર્દી સાથે કોઇને રહેવા દેવામાં આવતા નથી. હોસ્પિટલમાં દર્દીની સારવાર અને સેવા-સુશ્રૂષા માટે ડૉક્ટર, નર્સ સહિત પૂરી વ્યવસ્થા હોય છે. એક ઇન્ડિયનની આ સાવ સાચી વાત છે. બ્રિટનમાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તેણે વિનંતી કરી કે, મારી વાઇફને સાથે રહેવા દો. હોસ્પિટલવાળા માન્યા નહીં. હોસ્પિટલના મેનેજમેન્ટે કહ્યું કે, તમારું પૂરું ધ્યાન રાખવામાં આવશે. તમે કોઈ વાતની ચિંતા ન કરો. વડીલે કહ્યું, વાત ચિંતાની નથી, વાત બીમારીની પણ નથી, વાત સંગાથની છે. મને એ મારી નજર સામે જોઇએ. તમે જો એવું ઇચ્છતા હો કે હું જલદી સાજો થાઉં તો તમે મારી વાઇફને મારી સાથે રહેવા દો.
ઘણા લોકો સારી જિંદગી માટે સારો આહાર અને સારા વાતાવરણને પણ જવાબદાર ગણે છે. સાચી વાત છે, એનાથી ફેર તો પડે જ છે પણ એમાંયે જો કોઈ વાત કરવાવાળું કે સાંભળવાવાળું ન હોય તો એકલતા કોરી ખાય છે. બ્રિટનની લાફબોરો યુનિવર્સિટીના જૈવિક માનવવિજ્ઞાનના પ્રોફેસર બેરી બોગિને કરેલો એક અભ્યાસ પણ આ વાતને અનુમોદન આપે છે. તેમણે માણસની ઊંચાઇ, શારીરિક અને માનસિક વિકાસ પર સતત પચાસ વર્ષ અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ બાદ તેમણે કહ્યું કે, ઊંચાઇથી માંડીને શારીરિક વિકાસમાં માત્ર ખોરાક, વ્યાયામ કે વારસામાં મળેલા જનીન જ જવાબદાર નથી, પરંતુ પ્રેમ, સહકાર, આનંદ અને ખુશી પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. માણસ પાસે બધું જ હોય પણ જો એ ભાવનાત્મક દબાણમાં રહેતો હોય તો એનો પૂરો શારીરિક અને માનસિક વિકાસ થવાનો નથી. આપણે ઘણા કિસ્સામાં એવું જોયું છે કે, અતિ ધનવાન પરિવારનું બાળક પણ માનસિક રીતે નબળું હોય છે. રોગપ્રતિકારક શક્તિ સાથે પણ માનસિકતા જોડાયેલી છે. જેનું મન મજબૂત હોય એ દરેક પરિસ્થિતિનો હિંમતભેર સામનો કરી શકે છે. તન બીમાર હશે તો વાંધો નહીં આવે પણ મન જો માંદલું હશે તો મુશ્કેલી સર્જાશે. મન ત્યારે જ પ્રફુલ્લિત રહેવાનું છે જ્યારે તમારા સંબંધો સ્વસ્થ અને મસ્ત હોય. સાથે મજા કરવાવાળું કોઇ હોય.
અત્યારના સમયમાં પોઝિટિવિટી અને મૉટિવેશનની બહુ વાતો થાય છે. સકારાત્મક્તા બધાને ગમે છે. બધાને પોઝિટિવ જ રહેવું છે પણ એવી સ્થિતિ તો હોવી જોઈએને? રિલેશનશિપ હવે ટોક્સિક થતી જાય છે. દરેકને એકબીજા સામે કોઈ ને કોઈ ઇશ્યૂ છે. સંબંધો આપણી લાઇફને અસર કરે છે પણ એ સંબંધો સારા અને સાત્ત્વિક હોવા જોઇએ. આપણે એવા ઘણા લોકો પણ જોયા છે જેના સંબંધો અસંખ્ય હોય, ફેમિલી બહુ મોટું હોય, મિત્રોની સંખ્યા ઘણી હોય, છતાં એ ટેન્શનમાં જ હોય છે. એના ટેન્શનનું કારણ જ એના સંબંધો હોય છે. જે સંબંધો માત્ર ને માત્ર પીડા, દર્દ અને વેદના જ આપતા હોય એના વિશે પણ કોઈ નિર્ણય કરવો પડતો હોય છે. મનોવૈજ્ઞાનિકો કહે છે કે, ક્યાં સુધી સહન કરવું અને ક્યારે મુક્ત થઇ જવું એ દરેક વ્યક્તિએ જિંદગીમાં ક્યારેક તો નક્કી કરવું જ પડતું હોય છે. સંબંધો એવા જ રાખો જે તમને સુખ અને શાંતિ અર્પે. હા, ગમે તેવા સારા સંબંધો હશે તો પણ ક્યારેક નાનામોટા મતભેદો થવાના જ છે પણ જો સંબંધ સાચો હશે તો એ થોડા જ દિવસમાં બધું પાછું સરખું થઇ જશે. જે સંબંધ ખરેખર જેન્યુઇન હોય એને તૂટવા ન દો. જે દરેક સ્થિતિમાં આપણી નજીક હોય એને દૂર જવા ન દો. બ્લડ રિલેશન અને બીજાં સગાંસંબંધીઓમાં ચોઇસ મળતી નથી પણ એમાંયે થોડાક લોકો તો સારા હોય જ છે. સંબંધોમાં પણ ઘણી વખત પસંદગી કરવી પડતી હોય છે. તમારે સુખી અને ખુશ રહેવું હશે તો માત્ર સાધન-સુવિધાઓથી ચાલવાનું નથી. જેની સાથે મજા આવતી હોય એવા લોકોને મળતા રહો. આપણે આપણી માનસિક સ્થિતિ અને ક્ષમતાને પણ રિચાર્જ કરતા રહેવી પડે છે. સુખનાં કારણો શોધો અને દુ:ખમાં મારણ શોધો. એવું જ કરો અને એવા જ લોકો સાથે રહો જેની સાથે તમને જીવવાની મજા આવે!
હા, એવું છે!
માણસ થોડો સમય અથવા તો થોડા દિવસો મૌન રહી શકે છે પણ કોઇ માણસ કાયમ માટે ચૂપ રહી ન શકે. દરેકને વાત કરવા માટે કોઇની જરૂર પડે છે. જે લોકો બોલી શકતા નથી, મૂંગા છે એ પણ ઇશારાની ભાષાથી કમ્યુનિકેટ તો કરતા જ હોય છે. એક અભ્યાસથી એ પ્રૂવ થયું છે કે, માણસ બધા વગર રહી શકે પણ માણસ વગર રહી શકતો નથી!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 27 સપ્ટેમ્બર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
