મને પ્રેમનો દેખાડો
કરવો ગમતો નથી
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઘરની બહાર લોક તો વાતો કરે રે લોલ,
ગઈ કાલ મારી આંખમાં મેળો ભરે રે લોલ,
ખૂંચ્યા કરે છે રાત દી’ આંખોમાં જાગરણ,
આવી વ્યથાને કોણ નહીં સંઘરે રે લોલ.
-કૈલાસ પંડિત
પ્રેમ હોય એટલું પૂરતું નથી. પ્રેમ દેખાવો જોઇએ. પ્રેમ વિશે આમ તો પહેલેથી એવું કહેવાતું આવ્યું છે કે, તમને પ્રેમ છે તો તમે તમારી વ્યક્તિને કહો કે, હું તને બહુ પ્રેમ કરું છું. મારા માટે તું સર્વસ્વ છે. દરેક વ્યક્તિને ખબર હોય છે કે, મારી વ્યક્તિ મને પ્રેમ કરે છે છતાં એની એવી ઇચ્છા તો હોય જ છે કે, પોતાની વ્યક્તિ પ્રેમ જતાવતી રહે. પ્રેમ અને દાંપત્યમાં એ પણ જરૂરી છે કે, આપણે પોતાની વ્યક્તિને ઇમ્પોર્ટન્સ આપીએ, પેમ્પર કરીએ અને તેનાં વખાણ પણ કરીએ. સંબંધોનો સૌથી મોટો આધાર શબ્દો પર જ છે. જેને સારી રીતે વાત અને વખાણ કરતાં આવડે છે એના સંબંધ પણ સજીવન રહે છે. આપણે જેવું કહીએ એવું જ આપણને મળતું હોય છે. એક કપલની આ વાત છે. પતિ-પત્ની સરસ રીતે રહેતાં હતાં. કંઈક સારું કામ કરે એટલે પત્ની પતિને કહે કે, તું બહુ સારો છે. તારો આ ગુણ મને ખૂબ ગમે છે. પતિ પણ સામે એવું જ કહેતો કે, તું પણ સારી છે. હું લકી છું કે, મને તારા જેવી લાઇફ પાર્ટનર મળી. બીજા એક કપલની વાત સાવ જુદી છે. પતિને પત્નીમાં કોઇ ને કોઇ વાંધો જ દેખાય. તને આ નથી આવડતું અને તને તે નથી આવડતું. શરૂ શરૂમાં તો પત્નીએ સહન કરી લીધું પણ વાત જ્યારે હદની બહાર જવા લાગી ત્યારે પત્ની પણ કહેવા લાગી કે, તમને કેટલી ભાન પડે છે એ મને ખબર છે. તારામાં ક્યાં કંઇ આવડત છે? તારો કોઇ ભાવ પૂછે છે ખરું? મને કંઇ કહેતાં પહેલાં તું તારું જો કે તું કેવો છે! આવું થતું હોય છે. કદર ન કરો તો આદર મળવાનો નથી. દરેક વ્યક્તિમાં કંઇક સારું અને કંઇક આપણને ન ગમે એવું હોય છે. આપણે તેનામાં શું જોઈએ છીએ તેના પર ઘણો આધાર રહેતો હોય છે. એક પતિ-પત્ની હતાં. પતિ ઓછું બોલતો હતો. પત્નીના પિયરમાં બંને જાય ત્યારે પત્નીની ફ્રેન્ડ્સ એવું કહેતી કે, તારો હસબન્ડ તો કંઇ બોલતો જ નથી, મીંઢો છે, તારી સાથે પણ આવી જ રીતે રહે છે? પત્ની કહેતી કે, એને બહુ બોલવાની આદત નથી પણ એ સિવાય એ બહુ જ સારો માણસ છે. ગમે તે બોલે એના કરતાં ઓછું બોલે છે એ સારું છે. એ કોઇની ખટપટ કરતો નથી, કોઇનું બૂરું બોલતો નથી અને કોઇનું બૂરું ઇચ્છતો પણ નથી. હું એની સારી બાજુઓ જ જોઉં છું. હું મારી વ્યક્તિમાં એવું શોધતી જ નથી જે મને ગમતું ન હોય, હું એવું જ શોધું છું જે મને ગમે છે. એનામાં સો સારી વાત છે એ મારા માટે મહત્ત્વની છે. એક-બે સારી વાત ન હોય તેના પર હું નજર જ નથી કરતી. તમને કોઈ પૂછે કે, તમારી વ્યક્તિના પ્લસ પોઇન્ટ્સ કયા છે તો તમે શું જવાબ આપો? ક્યારેક વિચારી જોજો અને શોધી પણ જોજો, ઘણુંબધું સારું મળી આવશે. સારું માત્ર શોધતા નહીં, એને એપ્રિસિએટ પણ કરજો.
હવેનો પ્રેમ બદલાયો છે. પ્રેમ હવે સોશિયલ મીડિયાની દીવાલ પર ચોંટાડવામાં આવે છે અને સ્ટેટસમાં ટીંગાડવામાં આવે છે. અલબત્ત, એમાં કશું ખોટું નથી. એ પણ પ્રેમ વ્યક્ત કરવાની આધુનિક રીત જ છે. મુશ્કેલી ત્યારે થાય છે જ્યારે એવું કરવા માટે કહેવામાં આવે છે. એક કપલની આ સાવ સાચી વાત છે. બંનેના એરેન્જ મેરેજ હતા. બંને સોશિયલ મીડિયા પર પણ હતાં. સારી સારી વાતો પણ લખતાં હતાં. એવામાં પત્નીનો બર્થ ડે આવ્યો. પત્નીને એમ હતું કે, પતિ મારી સાથેના ફોટાની રીલ્સ કે ક્લિપ બનાવશે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરશે. પતિએ એવું ન કર્યું. પત્નીને પૂછ્યું કે, તેં કેમ બર્થ ડેનું સોશિયલ મીડિયા પર ન મૂક્યું? પતિએ કહ્યું કે, મને પ્રેમનો દેખાડો કરવો ગમતો નથી. તને ખબર છેને કે, હું તને પ્રેમ કરું છું, બસ મારા માટે એ પૂરતું છે. બધાને કહેવાની શું જરૂર છે? પત્નીએ કહ્યું કે, બધાને ખબર પડે તો પ્રોબ્લેમ પણ શું છે? બધાને ભલેને ખબર પડે કે, આપણે સરસ રીતે રહીએ છીએ. પતિએ સવાલ કર્યો, તું એવું માને છે કે, જે કપલ્સ ફોટો અપલોડ કરે છે એ બધા સરસ રીતે રહે છે? પત્નીએ થાકીને કહ્યું, રહેવા દે, તારી સાથે દલીલો કરવાનો કોઇ અર્થ નથી. આવો જ એક બીજો કિસ્સો પણ માણવા જેવો છે. એક કપલ હતું. પતિ સોશિયલ મીડિયા પર હતો પણ એ ભાગ્યે જ કંઇ અપલોડ કરતો હતો. પત્નીનો બર્થ ડે આવ્યો ત્યારે તેણે સરસ મજાના ફોટા સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા અને સુંદર વાતો લખી. પત્નીને આશ્ચર્ય થયું. તેણે પતિને કહ્યું કે, મને તો એમ હતું કે તું સોશિયલ મીડિયા પર કંઇ મૂકવાનો નથી. તને તો નથી ગમતુંને? પતિએ કહ્યું, હા, મને નથી ગમતું પણ તને તો ગમે છેને? તને ગમે છે એટલે મેં મૂક્યું છે! પોતાની વ્યક્તિને શું ગમે છે એની પરવા હોય તો પૂરતું છે, એની સાથે પોતાની વ્યક્તિને શું નથી ગમતું એ પણ જાણવું, સમજવું અને સ્વીકારવું જોઇએ. જબરદસ્તી કરવાનો કોઈ મતલબ નથી હોતો. માત્ર પતિ-પત્નીની વાત નથી. દરેક સંબંધ હવે સોશિયલ મીડિયા પરથી માપવામાં આવે છે! હમણાંની એક સાવ સાચી ઘટના છે. મધર્સ ડે હતો. દીકરો મમ્મીના ડિનર માટે લઇ ગયો. આખું ફેમિલી હતું. મમ્મીએ દીકરાને કહ્યું, બધા સાથે મારો ફોટો પાડ અને પછી સોશિયલ મીડિયામાં મધર્સ ડે સેલિબ્રેટ કર્યો એવું લખ. દીકરાની ઇચ્છા નહોતી પણ માએ કહ્યું એટલે દીકરાએ કર્યું. સંબંધો પણ હવે સોશિયલ મીડિયા પર દેખાડવાની ચીજ બની ગઇ છે. સાચું કહેજો, તમે તમને પસંદ ન હોય એવું સોશિયલ મીડિયા પર મૂકો છો કે નહીં? એકનો બર્થ ડે હોય ત્યારે મૂક્યું હોય એટલે બીજાનો બર્થ ડે હોય ત્યારે મૂકવું જ પડે. પહેલાં મને સ્ટેટસ મૂકી દેવા દે, નહીંતર વળી એને ખરાબ લાગી જશે એવું આપણે ઘણાનાં મોઢે સાંભળ્યું હોય છે. લોકો યાદ રાખે છે કે, કેટલાં લોકોએ મારું સ્ટેટસ મૂક્યું? મેં જેનાં સ્ટેટસ મૂક્યાં હતાં એણે મૂક્યું છે કે નહીં? સંબંધોમાં જુદી રીતની ગણતરીઓ થવા લાગી છે. સંબંધોને સહજ રહેવા દો, જો સંબંધોને જુદી રીતે માપવા જશો તો પામેલા સંબંધો પણ ગુમાવવાનો વારો આવશે!
છેલ્લો સીન :
બધું બધાને કહેવાની કંઈ જરૂર હોતી નથી. બધાને આપણી વાત સમજાતી પણ હોતી નથી. આપણા હોય અને આપણને સમજી શકતા હોય એવા પાસે જ પેટછૂટી વાત કરવાનો કોઈ અર્થ હોય છે. અયોગ્ય વ્યક્તિને વાત કરવાથી ક્યારેક અનર્થ પણ સર્જાતો હોય છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 26 મે 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com