તમે દરરોજ કેટલા વાગ્યે સૂઓ છો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે દરરોજ કેટલા
વાગ્યે સૂઓ છો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

દેશ અને દુનિયામાં થયેલો એક સરવૅ એવું કહે છે કે,
દિવસે ને દિવસે લોકોનો સૂવાનો સમય મોડો થતો જાય છે.
આપણા દેશના 58 ટકા લોકો રાતના 11 વાગ્યા પછી સૂએ છે.
મોબાઇલ અને ઓટીટી પ્લેટફોર્મે ઊંઘની આદતો બદલાવી નાખી છે!


———–

જેમ જેમ સમય જાય છે એમ એમ લોકોનો સૂવાનો સમય મોડો ને મોડો થતો જાય છે. કોઇ અત્યારે એવું કહે કે, હું આઠ કે નવ વાગ્યે સૂઇ જાઉં છું તો ઘણાને આશ્ચર્ય થાય છે. એક સમય એવો હતો જ્યારે મોટા ભાગના લોકો રાતે આઠ નવ વાગ્યે ઊંઘી જતા હતા. સૂરજ ઊગે એ પહેલાં લોકો ઊઠી જતા હતા. હવે ઊગતો સૂરજ જોવાનું દુર્લભ થઇ ગયું છે. તમે છેલ્લે ક્યારે ઊગતો સૂરજ જોયો હતો? બહુ ઓછા લોકો વહેલા સૂએ છે અને વહેલા ઊઠે છે. જે લોકો આવું કરે છે એણે પણ પરાણે કરવું પડે છે એટલે કરતા હોય છે. જોબ કે બીજાં કોઈ કારણસર વહેલું ઊઠવું પડે એમ હોય એટલે વહેલા સૂઇ જાય છે. વહેલા ન સૂએ તો ઊંઘ પૂરી ન થાય, ઊંઘ પૂરી ન થાય તો કામ પર અસર આવે અને હેલ્થ પણ બગડે. કામના દિવસોએ વહેલા ઊઠતા લોકો પણ રવિવારે આરામથી ઊઠે છે. એક દિવસ તો શાંતિ જોઈએને! અત્યારે જે વડીલો છે એને પૂછજો કે, તમે નાના હતા ત્યારે કેટલા વાગ્યે સૂતા હતા? એનો જવાબ એવો જ હશે કે, નવદસ વાગ્યે સૂવાનું તો મોડું ગણાતું હતું. રાતના બાર વાગ્યા સુધી જાગીએ તો એવા ટોણા પડતા કે, શું મધરાત સુધી રખડો છો! વડીલો કદાચ એમ પણ કહેશે કે, અમારા સમયમાં મોબાઇલ કે ટીવી નહોતાંને! રાતના કરવાનું શું? ગામના ચોરે બધા ભેગા થતા, ગપ્પાં મારતા અને નવ વાગ્યે ત્યાં ઘરે આવી જતા. વહેલા સૂઇ જતા એટલે વહેલા ઊઠી પણ જતા.
પ્રાચીન સમયથી એક સૂત્ર ચાલ્યું આવે છે. રાત્રે વહેલા જે સૂએ, વહેલા ઊઠે વીર, બળ, બુદ્ધિ અને ધન વધે, વળી સુખમાં રહે શરીર. અગાઉના સમયમાં લોકો બ્રાહ્મમુહૂર્તમાં જાગી જતા હતા. બાહ્મમુહૂર્તમાં જાગવું શુભ મનાતું હતું. બાહ્મમુહૂર્ત એટલે કયો સમય? એ સમય સૂર્યોદયના 1 કલાક અને 36 મિનિટ પહેલાં શરૂ થાય છે અને 48 મિનિટ પહેલાં પૂરો થાય છે. ધ્યાન, તપ, સાધના અને સ્વાસ્થ્ય માટે પણ આ મુહૂર્તને શુભ માનવામાં આવે છે. માનો કે બાહ્મમુહૂર્તમાં ન જગાય તો પણ સવારે સાડા છથી સાત વાગ્યા વચ્ચે ઊઠી જવું જોઇએ એવું નિષ્ણાતો કહે છે. આઠ કલાકની ઊંઘ ગણીએ તો સાત વાગ્યે ઊઠવા માટે અગિયાર વાગ્યે સૂઇ જવું પડે. વહેલા ઊઠવાની વાત તો દૂર રહી, અત્યારે સ્થિતિ એવી છે કે, મોટા ભાગના લોકો એલાર્મની મદદ વગર ઊઠી જ નથી શકતા. એનું કારણ એ છે કે, રાતે મોડા સૂએ છે એના કારણે ઊંઘ પૂરી થતી નથી. બહુ ઓછા લોકો નોર્મલી ઊઠે છે. તમે માર્ક કરજો. મોટા ભાગના લોકો જાગે એ પછી તેના શરીરમાં થાક વર્તાતો હોય છે. ઊંઘ પછી તો રિલેક્સ ફીલ થવું જોઇએને? એના બદલે ઊઠીએ ત્યારે જ થાકેલા હોય એવું ફીલ થાય છે. મોટા ભાગના લોકોએ પોતાની બોડી ક્લોકને જ ડિસ્ટર્બ કરી નાખી છે.
ધ ગ્રેટ ઇન્ડિયન સ્લીપ સ્કોરકાર્ડના એક રિપોર્ટમાં એવું બહાર આવ્યું છે કે, ભારતના 58 ટકા લોકો રાતે અગિયાર વાગ્યા પછી સૂએ છે. મોડા સુનારાઓની સંખ્યા હજુ વધવાની છે. મોટા ભાગનાં શહેરોમાં નાઇટલાઇફના નામે મોડે સુધી બધું ચાલે છે. જે લોકો બહાર જતા નથી એ બધા ઘરે બેસીને મોબાઇલ કે ટીવી જોતાં રહે છે. રાતે મોડા મોડા ઓનલાઇન ઓર્ડર કરીને ખાવાનું મંગાવે છે અને અડધી રાત સુધી જાગે છે. મોબાઇલે સ્લીપ પેટર્ન જ બદલી નાખી છે. દેશના 88 ટકા લોકો સૂતા પહેલાં મોબાઇલ જોઇ લે છે. આ આંકડો 2019માં 62 ટકાનો હતો. મોટા ભાગના લોકો ઊઠવાની સાથે પહેલું કામ મોબાઇલ ચેક કરવાનું કરે છે. લોકોનો સ્ક્રીન ટાઇમ વધી રહ્યો છે, એના કારણે આંખો અને મગજ પર અસર થાય છે. જેટલો સમય ઊંઘ કરીએ એ સમયે પણ ગાઢ ઊંઘ આવતી નથી. લોકો અંજપામાં જીવી રહ્યા છે અને ઉચાટમાં જ ઊંઘી રહ્યા છે. પડખાં ઘસે ત્યારે માંડમાંડ ઊંઘ આવતી હોય ત્યારે ડીપ સ્લીપ ક્યાંથી ફીલ થવાની છે. તમને રાતે ઊંઘ ન આવે તો માનજો કે તમે તમારા દિવસ સાથે ચેડાં કર્યાં છે.
આપણે જેને લાઇફસ્ટાઇલ ડિસીઝ કહીએ છીએ એની પાછળ જે કારણો છે તેમાં એક કારણ અપૂરતી અને અધકચરી ઊંઘ પણ છે. ડાયાબિટીસ, બ્લડપ્રેશર, એંગ્ઝાઇટી, ડિપ્રેશન સહિતની બીમારીઓ પાછળ અપૂરતી ઊંઘ જ જવાબદાર છે. કામ ખાતર જાગવું પડે એ જુદી વાત છે, મોટા ભાગના લોકો મજા માટે મોડે સુધી જાગતા રહે છે. આજે દરેક માણસ પાસે એન્ટરટેઇનમેન્ટનો ભંડાર છે. મોબાઇલમાં રીલ્સ જોવાનું ચાલુ થાય પછી અટકતું નથી. વેબસીરિઝ જોવા બેઠા પછી એમ થયા રાખે છે કે, એક એપિસોડ હજુ જોઈ લઉં. ધીમેધીમે જાગવાની આદત પડી જાય છે. એક મનોચિકિત્સકે કહેલી વાત સમજવા જેવી છે અને શક્ય હોય તો તેનો અનુભવ પણ કરવા જેવો છે. રોજ રાતે બાર, એક વાગે સુનારા લોકોને નવ વાગ્યે સૂઇ જવાનું કહેવામાં આવ્યું ત્યારે એને ચેન પડતું નહોતું. કંઇ કામ નહોતું, સાવ ફ્રી જ હતા, રાતે નવ વાગ્યે આરામથી સૂઇ શકે એમ હતા પણ ઊંઘ આવે તોને? સૂવાની અને ઊઠવાની આદત પડતા પણ વાર લાગે છે. કોરોના બાદ માત્ર આપણા દેશમાં જ નહીં, આખી દુનિયામાં સૂવા અને જાગવાના ટાઇમટેબલમાં ઉથલપાથલ મચી ગઇ છે. કોરોનાના સમયમાં બધા મોડે સુધી જાગતા હતા. કોરોનાકાળ ખતમ થયો ત્યારથી મનોચિકિત્સકો કહી રહ્યા છે કે, હવે ફરીથી અગાઉની જેમ રહેવા લાગે. કોરોના વખતે એક શબ્દ બહુ સાંભળવા મળતો હતો, ન્યૂ નોર્મલ. માસ્ક, સેનિટાઇઝર, સોશિયલ ડિસ્ટન્સ અને બીજી આદતો અપનાવવી પડી હતી. બધું પતી ગયું પછી એવું કહેવાયું હતું કે, હવે ઓલ્ડ નોર્મલમાં પાછા આવી જાવ. કોરોનાના કારણે એક બીજી ઇફેક્ટ પણ આવી છે, એ છે મસ્તીથી જીવી લો. કોરોનામાં બધાએ જોયું કે, જિંદગીનો કોઇ ભરોસો નથી, ખોટી હાયવોય કરવાનો કોઇ મતલબ નથી, મજા કરી લો. વાત ખોટી નથી પણ એવી મજા ન કરો કે હેલ્થ પર અસર થાય. એક સ્ટડી એવું કહે છે કે, મેડિકલ ફેસેલિટીઝના કારણે લોકોનો લાઇફ સ્પાન વધ્યો છે. આયુષ્ય લંબાયું છે. જોકે, હવે અપૂરતી ઊંઘના કારણે આયુષ્ય ઘટતું હોવાનું પણ બહાર આવ્યું છે. શરીરને આઠ કલાકની ઊંઘ જોઇએ છે. બાકીના 16 કલાક સારી રીતે જાય એ માટે આઠ કલાકની મસ્ત ઊંઘ આવે એ જરૂરી છે. આ આઠ કલાકનાં ટાઇમિંગ પણ ફિક્સ રાખવાં જોઇએ. બને એટલું વહેલું સૂવાનું રાખો અને વહેલા ઊઠો. હવે લોકો બેઠાડું જીવન જીવવા લાગ્યા છે. આખા દિવસમાં તમે કેટલો શ્રમ કરો છો? લોકોની ફૂડ હેબિટ પણ બદલાઇ ગઇ છે. આપણા બાપ-દાદા જે ખાતા હતા એવું આપણી થાળીમાં કેટલું હોય છે? ફાસ્ટ ફૂડ કલ્ચર જે રીતે ડેવલપ થયું છે એ પણ તબિયત બગાડે એવું છે. અપૂરતી ઊંઘ અને અયોગ્ય ખોરાકના કારણે સ્થૂળતા પેદા થાય છે અને ઓબેસિટીના કારણે નવી નવી બીમારીઓના ભોગ બને છે. આ એક વિસ્યસ સાઇકલ છે. એક વખત ચાલુ થઇ એટલે ચાલતી જ રહેવાની છે. સમય વર્તે સાવધાન થઇ જવાની જરૂર છે. જિંદગીમાં પરિવર્તન લાવવા માટે કોઇ સમય ખોટો હોતો નથી. રાઇટ ટાઇમની રાહ જોનાર માટે ક્યારેય એ સમય આવતો નથી. ઊંઘ તરફ ધ્યાન આપો, તો જ જાગ્રત અવસ્થામાં સશક્ત અને સક્ષમ રહેશો.


———

પેશ-એ-ખિદમત
વો ચાંદ હૈ તો અક્સ ભી પાની મેં આયેગા,
કિરદાર ખુદ ઉભર કે કહાની મેં આયેગા,
સૂરત તો ભૂલ બૈઠા હૂં આવાઝ યાદ હૈ,
ઇક ઉમ્ર ઔર જેહન ગિરાની મેં આયેગા.
-ઇકબાલ સાજિદ
(અક્સ/પ્રતિબિંબ – જેહન/સ્મરણશક્તિ – ગિરાની/બોજ

)(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 29 મે 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *