THE MISSING TILE SYNDROME આપણી પાસે જે હોય છે એની આપણને કદર જ નથી હોતી! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

THE MISSING TILE SYNDROME
આપણી પાસે જે હોય છે એની
આપણને કદર જ નથી હોતી!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

જે માણસ પોતાની પાસે જેટલું હોય એને પૂરેપૂરું માણી શકે છે એ દુનિયાનો સૌથી સુખી માણસ છે!

આપણે બધા ન હોય એને જ ઝંખતા રહીએ છીએ!​ ​

એક હકીકત એ પણ છે કે, જે જોઈતું હોય એ મળી જાય પછી એનું કોઇ મહત્ત્વ રહેતું નથી.

આપણે હન્ડ્રેડ પર્સન્ટ કંઈ એન્જોય કરતા જ નથી!

————–


દિલ પર હાથ મૂકીને આ સવાલનો જવાબ આપજો. તમે તમારી જિંદગીથી ખુશ છો? તમે તમારી જાતને સુખી માનો છો? પહેલે ધડાકે તો આપણે એવો જ જવાબ આપીએ કે, હા હું ખુશ છું. મને કોઇ પ્રોબ્લેમ નથી. જો આવું જ હોય તો આપણે જિંદગીની દરેક ક્ષણ માણી કેમ નથી શકતા? સતત કંઇક ખૂટતું હોય એવું કેમ લાગે છે? આખો દિવસ મહેનત-મજૂરી કરીને પણ આપણને શાંતિ તો નથી જ મળતી! આપણે રોજ કામ કરીએ છીએ પણ આપણને કામના બદલે હાયવોય કરતા હોઇએ એવું જ લાગે છે. હવે વધુ એક સવાલ, તમે મજાથી જીવી શકો એટલું તમારી પાસે છે કે નહીં? વાત જરૂરિયાતની છે, લક્ઝરીની નહીં. ઇચ્છાઓનો તો કોઈ અંત જ નથી. જેની પાસે મર્સિડીઝ કે રોલ્સ રોયસ છે એને પોતાનું હેલિકોપ્ટર કે પ્રાઇવેટ જેટ લેવું છે. માર્કેટમાં રોજેરોજ કંઇક ને કંઇક નવું આવતું જાય છે અને આપણે એવું માનવા લાગીએ છીએ કે મારી પાસે જે છે એ તો આઉટડેટેડ છે. આપણે જે નથી એને ઝંખતા રહીએ છીએ અને દુ:ખી થતા રહીએ છીએ. કોઈ ઝંખના, કોઈ ઇચ્છા કે કોઈ સપનું હોય એમાં કશું ખોટું નથી, સવાલ એ છે કે જે છે એને આપણે કેટલું એન્જોય કરીએ છીએ?
તમે ધ મિસિંગ ટાઇલ સિન્ડ્રોમની વાત સાંભળી છે? આમ તો એ એક સાઇકોલૉજિકલ એક્સપેરિમેન્ટ છે. એક માણસને પોતાના શહેરમાં કોઇએ ન બનાવી હોય એવી ભવ્ય હોટલ બનાવવાનું મન થયું. તેણે બેસ્ટ કારીગરોને બોલાવી મસ્ત હોટલ બનાવડાવી. હોટલમાં એક સ્વિમિંગ પૂલ બનાવ્યો હતો. આ સ્વિમિંગ પૂલમાં વર્લ્ડની બેસ્ટ ઇટાલિયન ટાઇલ્સ લગાવી હતી. લોકો આ સ્વિમિંગ પૂલને જોઇને દંગ રહી જતા હતા. કારીગરની ભૂલના કારણે આ સ્વિમિંગ પૂલમાં એક ટાઇલ લગાવવાની રહી ગઇ હતી. લોકો પહેલાં તો સ્વિમિંગ પૂલ જોઇને આફરીન પોકારી જતા હતા પણ જેવી તેમની નજર એક ટાઇલની ખાલી જગ્યા પર જતી ત્યારે એને થતું કે, આવી ભૂલ? એક ટાઇલ નથી એમાં આખો સીન માર્યો જાય છે! બધાની નજર ત્યાં જ જતી અને અફસોસ વ્યક્ત કરતા. હોટલના માલિકને પણ વાત કરતા કે, બધું જ સરસ છે. બસ, આ એક ટાઇલ નથી એ ખટકે છે! હોટલના માલિકે કહ્યું કે, એ ટાઇલ જાણીજોઇને લગાવી નથી. એ મેસેજ આપવા માટે કે જે એક નાનકડી વસ્તુ નથી એની તરફ જ બધા લોકોનું ધ્યાન જાય છે. આખો સ્વિમિંગ પૂલ ભવ્ય છે એની મજા કોઇ લેતું નથી, વાત એક મિસિંગ ટાઇલની જ કરે છે. જરાક વિચાર કરજો, આપણે બધા પણ આવું જ કરતા હોઇએ છીએ. નવી લીધેલી કારમાં એક લિસોટો પડી જાય તો આપણે દુ:ખી દુ:ખી થઇ જઇએ છે. એક ઘસરકાથી કાર ચાલવામાં કોઇ પ્રોબ્લેમ થવાનો નથી. કારના એન્જિનમાં કંઈ વાંધો હશે તો આપણે બહુ દરકાર નહીં કરીએ પણ ક્યાંક નાનો ઘોબો પડ્યો હશે તો આપણને કનડતો રહેશે!
આપણું ધ્યાન ખામી, મર્યાદા કે નેગેટિવિટી તરફ જ કેમ જાય છે? એક કથકલી ડાન્સરે કહેલી આ સાવ સાચી વાત છે. તેણે કહ્યું કે, એક વખત હું સ્ટેજ પર પરફોર્મ કરતી હતી. મેં બેસ્ટ ડાન્સ કર્યો હતો. કાર્યક્રમ પૂરો થવાનો હતો એની થોડી જ મિનિટ પહેલાં મને એક ઠેબું આવ્યું. હું સ્ટેજ પર પડતાં પડતાં રહી ગઈ. મેં તરત જ મારી જાતને સંભાળી લીધી અને ફરીથી ડાન્સ કરવા લાગી. મજાની વાત એ છે કે બધાએ મેં ઠેબું ખાધું’તું એ જ વાત યાદ રાખી. એ એક ક્ષણને બાદ કરતા મેં કેવું પરફોર્મ કર્યું એની કોઈને પરવા નહોતી.
આપણાં સુખ, દુ:ખ, ખુશી, આનંદ, નારાજગી, ઉદાસી સરવાળે એના પર જ આધાર રાખે છે કે આપણી સાથે અને આપણી આજુબાજુમાં જે બની રહ્યું છે એના પ્રત્યે આપણો અભિગમ કેવો છે? સુખ કે ખુશીને આપણી પાસે કેટલું છે એની સાથે કંઈ જ લાગતુંવળગતું નથી. જિંદગી માટે સુવિધા અને સાધનો જરૂરી છે એનાથી ઇનકાર ન થઇ શકે પણ સારી રીતે જિવાય એટલું તો મોટા ભાગના લોકો પાસે હોય જ છે. એક સંતે કહેલી આ વાત છે. તેણે કહ્યું કે, બે ટંક જમવાનું મળી જાય એ પછી આપણી પાસે જે હોય છે એ સુખેથી રહેવા માટે જ હોય છે. નાનકડું ઘર ઘણી વખત મોટા બંગલાની ગરજ પણ સારતું હોય છે. તમે સરવાળે તો એમાં કેવી રીતે રહો છો એ જ મેટર કરતું હોય છે.
તમે બીજી એક વાત પણ માર્ક કરજો. આપણી પાસે જે ન હોય એના માટે આપણે મથતા હોઈએ છીએ. ખૂબ મહેનત કરીને આપણે એ મેળવીએ પણ છીએ. એ મળી જાય પછી આપણને એની કિંમત રહેતી નથી. નિદા ફાઝલીએ લખેલી રચના યાદ છે? દુનિયા જીસે કહેતે હૈ, જાદુ કા ખિલોના હૈ, મિલ જાયે તો મિટ્ટી હૈ, ખો જાયે તો સોના હૈ. હવે રોમાંચ બહુ ઝડપથી ઓસરી જાય છે અને વસવસો બહુ લાંબો ટકે છે. આપણે નવો મોબાઇલ કે નવું કંઇક ખરીદીએ ત્યારે બે-ચાર દિવસ તેનો રોમાંચ રહે છે. થોડા જ સમયમાં બધું રૂટિન થઇ જાય છે. કંઇ નવું લાગતું નથી. એક બીજો કિસ્સો સાંભળો. બે મિત્રો મળ્યા. એકે પૂછ્યું, શું છે નવીનમાં? મિત્રએ જવાબ આપ્યો, રોજેરોજ શું નવું હોય? બધું એનું એ જ જૂનું અને કંટાળાજનક છે! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, એવું શા માટે વિચારે છે? સમય રોજ નવો હોય છે, રોજ નવી સવાર પડે છે, શ્વાસ રોજ નવા હોય છે. જિંદગીમાં આપણામાં રોજેરોજ કંઇક નવું ઉમેરાતું હોય છે. આપણે એને કેમ ફીલ કરતા નથી?
જિંદગી અને સુખ વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, સાચું સુખ અને ખરો આનંદ સારા સંબંધોથી જ મળે છે. આપણા સંબંધો પણ હવે પાતળા પડી રહ્યા છે. સંબંધોમાં અપેક્ષાઓ એટલી બધી વધી ગઇ છે કે કોઇ ક્યારેય પૂરી જ ન કરી શકે. પ્રેમ બહુ ઝડપથી ઓસરી જાય છે. પ્રેમીઓના કિસ્સા પણ જોજો. જ્યાં સુધી બંને મળ્યાં ન હોય ત્યાં સુધી એકબીજાને મેળવવા માટે કંઈ પણ કરી છૂટવા તૈયાર હોય છે. આખી દુનિયા સામે બગાવત કરવાનું ઝનૂન હોય છે. જેવા ભેગા થઇ જાય કે તરત જ પ્રેમનો ડાઉનફોલ શરૂ થઇ જાય છે. સંબંધોનો ગ્રેસ જળવાઇ રહેવો જોઇએ. લાઇફ બહુ ઇઝી હોય છે. આપણે જ એને અઘરી બનાવી દઇએ છીએ. આપણા વિચારો, આપણી માન્યતાઓ, આપણા ખયાલો અને આપણી ગ્રંથિઓ આપણને જ કેવી ઝકડી લે છે એની સમજ ઘણી વખત આપણને પડતી નથી. નેગેટિવિટી બહુ ઝડપથી હાવી થઇ જાય છે અને પોઝિટિવિટી માટે પ્રયાસો કરવા પડે છે. જિંદગીમાં જે નથી એના કરતાં જે છે એનું ઇમ્પોર્ટન્સ વધારે છે. તમે અત્યાર સુધી મહેનત કરીને જે મેળવ્યું છે એને માણો. દરેક ક્ષણને માણીને જીવશો તો જિંદગીનો થાક નહીં લાગે. કંઇક તો ખૂટવાનું છે, કશુંક તો ઘટવાનું જ છે, દરેક ઇચ્છા તો ક્યારેય પૂરી થવાની નથી. લાઇફ ઇઝ બ્યુટીફૂલ. અલબત્ત, તેની સૌથી મોટી શરત એ છે કે તમે પોતે માનતા હોવા જોઇએ કે, જિંદગી ખૂબસૂરત છે અને મારી પાસે અત્યારે જે છે એ સરસ રીતે જીવવા માટે પૂરતું છે!
———–
હા, એવું છે!
દુનિયાના 3.8 ટકા લોકો ડિપ્રેશનથી પીડાઇ રહ્યા છે. આ આંકડો સતત વધી રહ્યો છે. હવે તો બાળકો પણ ડિપ્રેશનનો ભોગ બની રહ્યાં છે. આ વાત સાબિત કરે છે કે આપણે જીવવાનું ભૂલતા જઇએ છીએ!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 12 ઓક્ટોબર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *