હશે, દરેકને પોતાની પ્રાયોરિટી હોય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હશે, દરેકને પોતાની
પ્રાયોરિટી હોય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


હોય એટલું જોર હવે લગાવ જિંદગી,
દમ હોય તો મને હવે સતાવ જિંદગી,
સુખની વ્યાખ્યા મેં જડમૂળથી બદલી,
દમ હોય તો દુ:ખ હવે બતાવ જિંદગી.
-બૈજુ જાની



સમય અને સંબંધમાં એક સામ્ય છે, બંને બદલાતા રહે છે! જે એક સમયે સૌથી નજીક હોય, જેનું મોઢું જોયા વગર ચાલતું ન હોય, જેને ગૂડ નાઇટ કહ્યા વગર ઊંઘ ન આવતી હોય અને જેને ગૂડ મોર્નિંગ કહ્યા વગર સવાર પડતી ન હોય એ વ્યક્તિ ક્યારેક જોજનો દૂર થઇ જાય છે. બે ફ્રેન્ડની આ વાત છે. બંને કૉલેજમાં સાથે ભણતા હતા. ખાસમખાસ દોસ્ત. કૉલેજ પૂરી થઇ પછી પણ બંને એકબીજાના લાઇવ સંપર્કમાં હતા. ધીમેધીમે કોન્ટેક્ટ ઓછો થતો ગયો. એક વખત એક મિત્રએ કહ્યું, જેના વિશે રજેરજની માહિતી રહેતી હતી એના ખબર હવે તેને સોશિયલ મીડિયા પર અપલોડ કરેલા સ્ટેટસથી મળે છે! એક સમય હતો, જ્યારે કંઈ પણ નવી વાત, ઘટના કે પ્રસંગ હોય ત્યારે એ મને કહેતો અને હવે આખા જગતની સાથે મને જાણ થાય છે! ક્યારેક કહેવાનું મન થઇ આવે છે કે, હવે તારા વિશેની ખબર મને સોશિયલ મીડિયા થકી પડશે? આપણા બધા સાથે એવું થતું છે. ક્યારેક કોઇ અંગત વ્યક્તિની સારી વાત સોશિયલ મીડિયા પર વાંચીને ખુશીની સાથે પેઇન પણ થાય છે. મને કહેવાની જ દરકાર પણ હવે એને રહી નથી! પોસ્ટને લાઇક કરવી કે શું કમેન્ટ કરવી એ નક્કી ન થઇ શકે! સોશિયલ મીડિયાની વૉલ પર જ્યારે અંગત વ્યક્તિની વાત જોઈએ ત્યારે એ વૉલ જોઇને એવો વિચાર આવી જાય કે, આટલી મોટી દીવાલ અમારા વચ્ચે ઊભી થઇ ગઇ છે! એક નિસાસા સાથે લાઇક કરીએ છીએ ત્યારે આંખોના ખૂણામાં થોડો ભેજ બાઝી જતો હોય છે! એક ટીસ ઊઠતી હોય છે. કેટલીક ટીસ આપણને છેડી અને છંછેડી જાય છે. વિચારોને ટાળવાનો પ્રયાસ કરીએ છીએ પણ થતું નથી. સાવ આવું? આવું થોડું હોય? એવા સવાલ ઊઠે. ઘણા સવાલોના જવાબો મળતા નથી ત્યારે આ સવાલો શૂળ બનીને ભોંકાતા હોય છે!
જિંદગી અને સુખની વાત જ્યારે પણ નીકળે ત્યારે એક વાત કહેવાતી હોય છે કે, જેના સંબંધો સજીવન હોય છે એને જ સુખનો અહેસાસ થાય છે. સાધનો અને સુવિધાઓ જરૂરી છે પણ એ તમને આરામ આપે છે, આનંદ નહીં. ખુશીની અનુભૂતિ સંબંધો વગર શક્ય નથી. એ વાત સાચી કે, સૌથી વધુ સુખ સંબંધો જ આપે છે પણ સાથોસાથ એ પણ હકીકત છે કે, સૌથી વધુ વેદના, પીડા, દર્દ અને પેઇન પણ સંબંધ જ આપે છે. જે વ્યક્તિ જેટલી નજીક એટલું વધુ પેઇન આપવાની એનામાં તાકાત હોય છે. અજાણ્યાથી આપણને કોઇ ફેર પડતો નથી. એક વ્યક્તિની આ વાત છે. તેના એક મિત્રએ તેને કહ્યું કે, પેલો ભાઇ તારા વિશે આવું બોલતો હતો. તેણે કહ્યું, બોલવા દેને, મને તેનાથી કોઇ ફેર પડતો નથી. જેનાથી ફેર પડે છે એ લોકો પણ જો મનફાવે એમ બોલતા હોય તો પછી જેનાથી ફેર ન પડતો હોય એનું શું માઠું લગાડવું? દુશ્મન, હરીફ કે વિરોધી હોય તો લડી પણ લઇએ, પોતાના હોય એનું શું કરવું?
મોબાઇલની ફોટો ગેલેરી ક્યારેક ખુશીનું કારણ બને છે તો ક્યારેક એ પણ દુઃખી કરી જાય છે. એક સમયે જ્યારે નજીક હોઇએ ત્યારે હાથમાં હાથ લઇને પડાવેલી તસવીર હાથ છૂટી જાય પછી અઘરી લાગે છે. હથેળીમાં પરસેવો વળી જાય છે. હાથની રેખાઓ સામે સવાલ થાય છે કે, આ રેખાઓમાં એની સાથેનો રસ્તો આટલો જ લખ્યો હતો? કેટલીક તસવીરો નથી ડિલીટ કરી શકાતી કે નથી જોઇ શકાતી! સોશિયલ મીડિયા પણ ઘણી વખત માંડમાંડ ભૂલેલું અને ન યાદ અપાવવા જેવું યાદ અપાવી દે છે. મેમરી તાજી થઇને સામે આવે છે કે, તેં એક વર્ષ પહેલાં આમ કર્યું હતું, બે વર્ષ પહેલાં તેમ કર્યું હતું. ક્યારેક તો એ જોઇને એવો વિચાર આવી જાય છે કે, એમ ન કર્યું હોત તો સારું હતું! અનફ્રેન્ડ કરી દીધા પછી પણ ઘણા લોકો ક્યાં ભૂલી શકાતા હોય છે? એક છોકરાની આ વાત છે. તેને એક છોકરી સાથે પ્રેમ હતો. બંનેને સારું બનતું હતું. છોકરીએ ડીચ કર્યું. બીજા છોકરા સાથે ફરવા લાગી. છોકરાથી તેની સાથેનો સમય ભુલાતો નહોતો. છોકરાએ કહ્યું, એક સમયે ફોટાઓની આપ-લે થતી હતી, હવે તેનો ફોટો ખાલી પ્રોફાઇલ પિક્ચરમાં જોવા મળે છે!
દરેકે દરેક માણસે સંબંધનું નાનું કે મોટું પેઇન ભોગવ્યું જ હોય છે. પોતાના માન્યા હોય એ જ પારકાને સારા કહેવડાવે એવું કરતા હોય છે. આપણને એમ થાય કે, એને જૂનું કંઈ યાદ આવતું નહીં હોય? માણસ આ હદ સુધી કેવી રીતે બદલાઈ શકે? આંખની ઓળખાણ હોય તો પણ માણસ સંબંધ જાળવે છે અને આને તો કંઈ અસર જ નથી! બે મિત્રો હતા. બંને નજીક હતા. એક મિત્ર જરાક મોટો માણસ થઇ ગયો. તેના નવા મિત્રો બની ગયા. એક વખત તેણે પાર્ટી યોજી હતી. ઘણા મિત્રોને બોલાવ્યા હતા. આવી કોઇ પાર્ટી હતી એ તેના મિત્રને સોશિયલ મીડિયાની પોસ્ટ જોઇને ખબર પડી. તેના મિત્રએ બીજા મિત્રને કહ્યું, હવે હું તેને યાદ પણ આવતો નથી? બીજા મિત્રે કહ્યું, જવા દેને યાર, લોકોની પ્રાયોરિટી બદલાતી હોય છે! ઘણા તો આવી ઘટનાઓનો પણ ફાયદો ઉઠાવતા હોય છે! ફોન કરીને પૂછે કે, તમે કેમ ન દેખાયા? મને નહોતો બોલાવ્યો કે મને તો ખબર જ નહોતી એ વાત કહેતી વખતે પણ વેદના થતી હોય છે! એનું કારણ પણ અલ્ટિમેટલી તો એ જ હોય છે કે આપણે ક્યારેક એ વ્યક્તિને પોતાની સમજી હોય છે!
કેટલાંક ઘા ઝીરવવાના હોય છે. પ્રેમ કરવાની, લાગણી રાખવાની, સ્નેહ વરસાવવાની પણ ક્યારેક કિંમત ચૂકવવી પડતી હોય છે. દરેક સંબંધ સજીવન રહેવા સર્જાયા હોતા નથી, કેટલાંક સ્વાર્થ સાધવા પણ રચવામાં આવ્યા હોય છે. ઘણી વખત ટૂંકા કે લાંબા ગાળે એ વાત સમજાતી હોય છે કે, એ સંબંધમાં કંઇ સત્ત્વ બચ્યું જ નહોતું. જે હાથ છોડીને ચાલ્યા ગયા હોય તેની પાછળ બહુ અફસોસ કરવો પણ યોગ્ય નથી. હા, એની સાથે જેટલો સમય સારી રીતે જિવાયો હોય એને દિલના એક ખૂણામાં સંઘરી રાખવાનો. ક્યારેક કોઇ સારી યાદ તાજી થઇ જાય તો થોડુંક ખુશ થવાનું અને પછી ભૂલી જવાનું. બે પ્રેમીઓની આ સાવ સાચી વાત છે. બંનેને સારું બનતું હતું. લગ્ન થઇ શકે એમ નહોતાં. બંને હસી-ખુશીથી છૂટાં પડ્યાં. જુદાં પડી ગયા પછી બેમાંથી કોઇએ એકબીજાનો સંપર્ક કરવાનો પ્રયાસ ન કર્યો. વર્ષો બાદ યુવતીને તેના જૂના પ્રેમીનો નંબર મળ્યો. તેણે મેસેજ કર્યો અને કહ્યું કે, આપણે મળીએ. એ પુરુષે સારી ભાષામાં ના કહી દીધી. તેણે લખ્યું કે, તારી સાથેની યાદો મારામાં જીવંત છે. મારા મનમાં તારી જે મૂર્તિ છે એને મારે ખંડિત થવા દેવી નથી. હું પણ હવે પહેલાં જેવો રહ્યો નથી. સારી વાત એ છે કે, આપણે બંને સાથે વિતાવેલા સુંદર સમયને વાગોળતાં રહીએ. જિંદગીમાં જે સંબંધ હોય એને જાળવો પણ જો એ સંબંધ છૂટી જાય તો એને છૂટો મૂકી દો. પકડી રાખીએ તો પીડા જ મળે. સંબંધોનું આયુષ્ય પૂરું થાય ત્યારે એના દિવસો પણ ખૂટી જતા હોય છે. એ સંબંધ પછી ફોનબુકમાં એક નંબર બનીને રહી જાય છે. ક્યારેક ફોનબુકના નંબરો પર નજર નાખી જોજો, આવા ઘણા મરેલા સંબંધો જોવા મળશે જે ક્યારેક સજીવન હતા અને દરેક ક્ષણે ધબકતા હતા. માત્ર આપણે પ્રેમ કરીએ એ પૂરતું નથી, પ્રેમ બંને તરફે રહેવો અને ટકવો જોઇએ. છેલ્લે એક વાત, જે સંબંધ સજીવન છે એને જીવીએ અને જે સંબંધ ટક્યા નથી એની પાછળ જીવ ન બાળીએ!
છેલ્લો સીન :
દુનિયા સ્ટેજ નથી, તો પણ માણસ નાટક ભજવતો રહે છે! સામે જેવી વ્યક્તિ હોય એવું મહોરું પહેરી લે છે! આ દુનિયામાં બહુ ઓછા લોકો જેવા હોય એવા જ રહી શકે છે! કેટલાંક તો કાચિંડાને આપઘાત કરી લેવાનું મન થઇ આવે એટલા રંગ બદલતા હોય છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 03 ડિસેમ્બર 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *