જિંદગી સારી રીતે જીવવા માટે ચાર-પાંચ મિત્રો જ કાફી છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી સારી રીતે જીવવા માટે
ચાર-પાંચ મિત્રો જ કાફી છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

જિંદગીમાં ખરેખર કેટલા મિત્રો હોવા જોઈએ?

એ વિશે એવું કહેવાય છે કે, મિત્રોનાં ટોળાં ન હોય!
તમારે કેટલા મિત્રો છે? ખરેખર એવા કેટલા દોસ્ત હોય છે
જેને આપણી અને આપણને એની બધી ખબર હોય?


———–

દુનિયામાં સૌથી અનોખો જો કોઈ સંબંધ હોય તો એ દોસ્તીનો છે. મિત્ર એ એવી વ્યક્તિ છે જે આપણી જિંદગીને મજેદાર બનાવે છે. છોકરો હોય કે છોકરી, દરેકની લાઇફમાં ફ્રેન્ડનું એક આગવું ઇમ્પોર્ટન્સ હોય છે. માણસ સૌથી વધુ લાગણીઓ પોતાના ફ્રેન્ડ્સ સાથે જ શૅર કરે છે. જિંદગીની કેટલીક વાતો અને કેટલીક ઘટનાઓ એવી હોય છે જે માત્ર ને માત્ર મિત્રને જ ખબર હોય છે. આપણા દરેક કારનામામાં મિત્ર ભાગીદાર હોય છે. આપણી મોટા ભાગની કુટેવોનો આરંભ મિત્રો સાથે જ થયો હોય છે. દોસ્ત એ આપણો રિઅલ ક્રાઇમ પાર્ટનર છે. દોસ્ત વિશે એવી વાતો પણ થાય છે કે, કુદરતના બધા સંબંધો વિશે પૂરેપૂરી સમજ હતી. કોઈ સંબંધ સંપૂર્ણ રહેવાનો નથી એવી પણ કુદરતને ખાતરી હતી. દરેક સંબંધ બનાવીને કુદરતને જિંદગી અધૂરી લાગી હશે એટલે તેણે દોસ્તનું સર્જન કર્યું! દોસ્તીનો સંબંધ બધા સંબંધોથી ઉપર છે. કોઇ સ્વાર્થ નહીં, કોઈ અભિમાન નહીં, સારું લગાડવાનો કોઇ ભાર નહીં અને ખરાબ લાગી જવાનો કોઈ ભય નહીં, આવું માત્ર ને માત્ર દોસ્તીમાં જ સંભવ છે. બાકીના તમામ સંબંધમાં કંઇક ને કંઇક ધ્યાન રાખવું પડે છે, ફ્રેન્ડશિપમાં એવું કોઈ ટેન્શન હોતું નથી!
દોસ્તો જિંદગી માટે જરૂરી છે એ તો આપણે સહુ સારી રીતે જાણીએ છીએ, સવાલ એ છે કે આખરે જીવનમાં કેટલા મિત્રો હોવા જોઇએ? બ્રિટનની લેખક અને રિલેશનશિપ એક્સપર્ટ એલિઝાબેથ ડેનું ફ્રેન્ડોહોલિક નામનું એક નવું પુસ્તક પ્રસિદ્ધ થયું છે. આ બુકમાં એલિઝાબેથે દોસ્ત અને દોસ્તી વિશે અનેક એંગલથી વાતો કરી છે. એલિઝાબેથે એક સવાલ ઉઠાવ્યો છે એની ચર્ચા આખી દુનિયામાં ચાલી છે. આખરે માણસને કેટલા મિત્રો હોવા જોઇએ? તે લખે છે કે, લાઇફમાં મેક્સિમમ ચારથી પાંચ દોસ્ત હોય તો એ પૂરતું છે. વધુ મિત્રો ઘણી વખત મુશ્કેલીનું કારણ બને છે. ઘણા લોકોના અસંખ્ય મિત્રો હોય છે. એકબીજાને ઓળખતા હોઇએ, સારું બનતું હોય અને દોસ્ત હોય એ વાત જુદી છે. આપણે કહેવા ખાતર તો ઘણા લોકો માટે એવું કહી દેતા હોઇએ છીએ કે, એ મારો દોસ્ત છે કે એ મારી ફ્રેન્ડ છે પણ ખરેખર એ ફ્રેન્ડની વ્યાખ્યામાં આવે છે કે કેમ એ સવાલ હોય છે. સાચી દોસ્તી માટે કોઇ પ્રયાસો કરવા પડતા નથી, એ આપોઆપ થઇ જતી હોય છે. અચાનક જ કોઇની સાથે ક્લિક થઇ જતું હોય છે. ઘણાબધા મિત્રો સોશિયલ લાઇફ માટે અવરોધ બનતા હોય છે. એલિઝાબેથે પોતે જ અનુભવેલી એક વાત પુસ્તકમાં લખી છે. તેણે લખ્યું કે, કોરોનાના સમય દરમિયાન હું ઘણી ફ્રી હતી. આ સમય દરમિયાન મેં અસંખ્ય મિત્રો બનાવ્યા. થોડા સમયમાં મને સમજાયું કે, બધા સાથે સંબંધો હું મેન્ટેન કરી શકતી નથી. ધીમે ધીમે તો મને ટેન્શન લાગવા માંડ્યું હતું. તમે બધાના કૉલ એટેન્ડ કરો, બધાને જવાબ આપો, કોઈનું કંઈ કામ હોય તો કરી આપો, એમાં ઘણો બધો સમય અને ઘણીબધી શક્તિની જરૂર પડતી હોય છે. બધા સાથે પાછી એટલી આત્મીયતા પણ નથી હોતી.
મિત્રો વિશે એક બીજી વાત પણ યાદ રાખવા જેવી છે. મિત્રોની કોન્ટિટી નહીં પણ ક્વોલિટી જરૂરી હોય છે. બે-ચાર મિત્રો હોય અને એ આપણને જરૂર હોય ત્યારે બોલાવ્યા વગર હાજર રહેતા હોય તો એ પૂરતું છે. દોસ્તી બાંધવાની મહેનત ન કરો. તમે ધરાર કોઇની નજીક જશો, કોઈને તમારે ત્યાં બોલાવશો, પાર્ટી કરશો તો તમારા સંબંધો વધશે પણ એ સંબંધો બિઝનેસ કે કામ પૂરતા મર્યાદિત હશે. એવું કરવામાં પણ કશું ખોટું નથી, યાદ એટલું જ રાખવાનું કે એ મિત્ર નથી. મિત્રને કોઈ કામ સાથે કંઈ લાગતુંવળગતું જ નથી. એને મળવાનાં કોઇ કારણો હોતાં નથી. એ ગમે ત્યારે આવી ચડે છે અને એ આવે ત્યારે મજા જ આવે. એની હાજરીનો કોઇ ભાર નથી લાગતો, ઘણી વાર તો તેની હાજરી આપણને હળવાશ આપતી હોય છે. દરેકની લાઇફમાં અમુક નાજુક સમય આવતો હોય છે. એ વખતે મિત્રો જ સાચો આધાર હોય છે. એ આપણને તૂટવા પણ નથી દેતા અને કોઇની સામે ઝૂકવા પણ નથી દેતા.
દોસ્ત અને દોસ્તીની વાત ચાલી રહી છે ત્યારે અમેરિકાની વેન સ્ટેટ યુનિવર્સિટીએ કરેલા એક રિસર્ચ પર પણ નજર નાખવા જેવી છે. આ અભ્યાસ એવું કહે છે કે, હવે કિશોરો અને યુવાનો મિત્રોના પણ દબાણમાં રહેવા લાગ્યા છે! એક ગ્રૂપ હોય એમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવાના પ્રયાસો થવા લાગ્યા છે. હું શક્તિશાળી છું, હું પહોંચેલો છું, હું બધું મેનેજ કરી શકું છું અથવા તો હું નાણાં ખર્ચી શકવા સમર્થ છું એવું સાબિત કરવાના પ્રયાસો થાય છે. દોસ્તીમાં આવું બધું ટાળવું જોઇએ. દોસ્તી બરાબરની વ્યક્તિ સાથે જ થાય એવું જરૂરી નથી. દોસ્તી કોઈની પણ સાથે થઇ શકે છે. વિચારો મળવા જોઇએ. લાઇક માઇન્ડેડ વ્યક્તિ સાથે જ દોસ્તી થતી હોય છે. દોસ્તી થઇ જાય પછી દોસ્ત સાથે કોઇ સરખામણી કરવાના કે મિત્રથી ચડિયાતા સાબિત થવાના પ્રયાસો ટાળવા જોઇએ. સોશિયલ મીડિયા અને બીજાં ઘણાં કારણસર હવે મિત્રોમાં પણ સ્પર્ધા અને હરીફાઈનું તત્ત્વ જોવા મળે છે. વાત તો ત્યાં સુધી લંબાઇ છે કે, કોના ફોલોઅર્સ વધારે છે અથવા તો કોને વધુ લાઇક મળે છે? અમુક કિસ્સામાં એવું પણ જોવા મળ્યું છે કે, એક મિત્ર બહુ જાણીતો બની જાય તો બીજા મિત્રને હતાશા થાય છે. એવા વિચારો આવે છે કે, મારો મિત્ર ક્યાંનો ક્યાં પહોંચી ગયો અને હું પાછળ રહી ગયો. આવાં કારણસર પણ ડિપ્રેશનના કિસ્સાઓ વધી રહ્યા છે. સમય બદલાઇ ગયો છે. હવે મિત્રોમાં પણ એકબીજાથી ચડિયાતા સાબિત થવાની દોડ જોવા મળી રહી છે. આવું થાય ત્યારે સરવાળે દોસ્તી લાંબી ટકતી નથી. જોકે આ મુદ્દે પણ નિષ્ણાતોમાં મતમતાંતર છે. તેઓનું કહેવું એવું છે કે, જે આવું કરે એ સાચા મિત્ર હોતા જ નથી. સાચી દોસ્તીમાં આવું થાય જ નહીં. ખરી મિત્રતા તો એ છે જેમાં એકબીજાને આગળ લાવવામાં મદદ કરે. દોસ્તમાં કંઇ ખૂટતું હોય તો એ પૂરું કરે. દોસ્તને એવી રીતે મદદ કરે કે તેના મિત્રને અણસાર પણ ન આવે. બીજી એક મહત્ત્વની વાત એ કે, જો તમારી પાસે સાચો દોસ્ત હોય તો એને જાળવી રાખો. ઘણી વખત સમય, સ્થિતિ અને સંજોગો બદલાય એમ માણસ સંબંધ પણ બદલી નાખતો હોય છે. સારો સમય હોય ત્યારે નજીક આવવાવાળા લોકોની સંખ્યા પણ વધી જતી હોય છે. સમય બદલાય એટલે એ બધા ગાયબ થઇ જતા હોય છે. ઘણાં જીવડાં ટ્યૂબલાઇટ નજીક આવે છે. લાઇટ ચાલુ હોય ત્યારે એ આવી જાય છે અને લાઇટ જેવી બંધ થાય કે એ તરત જ ગુમ થઇ જતાં હોય છે. કેટલાંક લોકો પણ એવા જ હોય છે, જેવો આપણો સમય થોડોકેય નબળો પડે કે એ તરત જ ચાલ્યા જાય છે. સાચા મિત્ર એ જ છે જેને આપણી સ્થિતિ, આપણી શક્તિ, આપણા હોદ્દા કે બીજા કશા સાથે કંઇ લાગતુંવળગતું નથી. એ તો દરેક સ્થિતિમાં સાથે જ હોય છે. જિંદગીમાં આવા બે-ચાર હોય તો પૂરતા છે!
હા, એવું છે!
તમે તમારા મિત્ર સાથે કેટલો સમય વિતાવો છો? જે લોકો પોતાના મિત્રોને નિયમિત રીતે અને સંતોષ થાય એટલો સમય મળે છે એ લોકોનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે એવું એક અભ્યાસ કહે છે. દોસ્ત એ જીવનની એવી મૂડી છે જેને જેટલી વાપરો એટલી વધે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 01 નવેમ્બર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *