તમે પોતાને કેટલા અપડેટ રાખો છો? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે પોતાને કેટલા
અપડેટ રાખો છો?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

ઘણા લોકો કેટલાંક મુદ્દે એવું વિચારે છે કે, આપણને શું ફેર પડે છે?
દેશ અને દુનિયાની ઘટનાઓથી દરેક માણસને નાનો કે મોટો ફેર તો પડતો જ હોય છે!


———–

દુનિયા રોજે રોજ બદલી રહી છે. ડિજિટલ ટેક્નોલોજીમાં તો એટલા ચેન્જિસ આવી રહ્યા છે કે આપણી બુદ્ધિ બહેર મારી જાય. તમે થોડાક દિવસ કંઇ નવું વાંચ્યા, જોયા કે સાંભળ્યા વિના રહો તો તમે પાછળ રહી જાવ એટલી સ્પીડે બધું બદલી રહ્યું છે. મોબાઇલ એપ્લિકેશનમાં સમયે સમયે અપડેટ આવ્યા રાખે છે. દરેકે દરેક ક્ષેત્રમાં રોજે રોજ નવી નવી ટેક્નોલોજી આવી રહી છે. લોકોની લાઇફ સ્ટાઇલ પણ દિવસે ન બદલાય એટલી રાતે અને રાતે ન બદલાય એટલી દિવસે બદલાતી રહે છે. દેશ અને દુનિયામાં જે પરિવર્તનો આવી રહ્યા છે એનાથી આપણે કેટલા અપડેટ રહીએ છીએ? હવે લોકોના વર્તનમાં અગાઉના સારખામણીમાં ઘણા ફેરફાર થતાં જોવા મળે છે. જે વ્યક્તિ જે ફિલ્ડમાં હોય એમાં પૂરેપૂરો રસ લે છે પણ બીજા ક્ષેત્રો વિશે જાણવાની જરાયે દરકાર કરતા નથી. આપણે એના વિશે જાણીને શું કામ છે? આપણે ભલા અને આપણું કામ ભલું. એક રીતે જોવા જઇએ તો તેમાં કશું ખોટું નથી પણ બધા વિશે થોડું થોડું જ્ઞાન હોય તો એમાં ખોટું શું છે? જ્ઞાન વિશે એવું કહેવાતું રહ્યું છે કે, જ્ઞાન જેટલું વધુ હશે એટલું કામ લાગશે. કોઇ વિષયની જાણકારી હશે તો ક્યારેક કોઇક જગ્યાએ ઉપયોગી થશે.
કરિયર અને નોલેજ વિશે ખૂબ ચર્ચાઓ થતી રહે છે. એક સવાલ દરેક યંગસ્ટર્સને થતો હોય છે કે, કરિયર શેમાં બનાવવી? એ વિશે ચાણક્યએ કહેલી એક વાત યાદ રાખવા જેવી છે. ચાણક્યએ કહ્યું હતું કે, તમે જે કામમાં કુશળ હોવ એ કામમાં જોડાયેલા રહો. તમને જેમાં મજા આવતી હશે, તમને જે કામ ફાવતું હશે, એ જ કામ તમને આગળ લઇ જશે. તમારી પંસદનું નહીં હોય એવું કામ તમને ઢસરડો જ લાગશે. કામના પેશન વિશે એક સરસ મજાની વાત છે. એક વિદ્યાર્થીએ તેના ગુરૂને પૂછ્યું, પેશન એટલે શું? મારું પેશન મને કેવી રીતે ખબર પડે? ગુરૂએ કહ્યું, ગમે તે થાય મારે આ કરવું છે એવો જેના વિશે વિચાર આવે એ તમારું પેશન છે. કેટલાંક કિસ્સાઓમાં આપણે પણ એવું કહેતા હોઇએ છીએ કે, એકેય રૂપિયા ન મળે તો કંઇ નહીં પણ મારે આ કામ કરવું છે! સામા ખર્ચવા પડે તો પણ આપણે આપવા તૈયાર હોઇએ છીએ. કૂચે મરવામાં પણ મજા આવે એ પોતાનું પેશન છે. સફળ થવા માટે પોતાના ક્ષેત્રના નોલેજ સાથે આપણી આજુબાજુમાં જે બની રહ્યું હોય એની જાણકારી પણ જરૂરી છે.
અમેરિકામાં હમણાં સફળ લોકો પર એક સર્વે થયો હતો. આ સર્વેમાં એવું બહાર આવ્યું હતું કે, જે લોકો પોતાના કાર્યક્ષેત્ર ઉપરાંત વિવિધ ક્ષેત્રોની ગતિવિધિઓથી અવગત હતા તેઓ વધુ સફળ હતા. તેનું કારણ એ હતું કે, તેઓ કોઇપણ મુદ્દા પર વાત કરી શકતા હતા. બધા સાથે ભળી શકતા હતા. માણસે અનેક લોકોને મળવાનું થતું હોય છે. બધાને માત્ર આપણને રસ હોય એ જ વાતમાં રસ હોય એવું જરૂરી નથી. માણસને નજીક લાવવા માટે તેના રસના વિષયો છેડવા પડે છે. પ્રેમીઓ કે દંપતિ માટે પણ આ બહુ જરૂરી છે. પ્રેમિકાની વાતમાં રસ ન હોય કે કંઇ ખબર પડતી ન હોય તો એને પણ પ્રેમીમાંથી રસ ઉડી જાય છે. વિવિધ ક્ષેત્રનું નોલેજ હશે તો તમે વાતચીત કે ચર્ચા કરી શકશો.
પોતાનું વજૂદ ટકાવવા માટે માણસને પોતાના ગામ, શહેર, પ્રદેશ અને દેશમાં શું ચાલી રહ્યું છે એની પણ જાણકારી હોવી જોઇએ. ઘણા લોકોના મોઢે આપણે એવી વાત સાંભળીએ છીએ કે, આપણને રાજકારણમાં નયા ભારનો રસ નથી. રાજકારણમાં રસ હોવો જોઇએ. કોણ નેતા છે, એ કેવા છે, ખરેખર એનામાં દેશનું ભલું કરવાની કોઇ ક્ષમતા છે ખરી? આ બધું જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે એની સાથે આપણી જિંદગી જોડાયેલી છે. સરકારના નિર્ણયો દેશની દરેક વ્યક્તિ માટે મહત્ત્વના હોય છે. માત્ર દેશમાં જ નહીં, દુનિયામાં જે ચાલી રહ્યું છે એની પણ જાણકારી હોવી જોઇએ. દુનિયા હવે ગ્લોબલ વિલેજ બની ગઇ છે. એક દેશ બીજા દેશ પર આધાર રાખતો થઇ ગયો છે. હવે બધી જ ચીજવસ્તુઓ બધે જ મળવા લાગી છે. હજુ અઢી-ત્રણ દાયકા પહેલાની વાત છે. વિદેશથી કોઇ આવતું તો લોકો ત્યાંથી ચીજ વસ્તુઓ મંગાવતા હતા. હવે ફોરેનથી આવનારા કોઇ પૂછે કે, તમારા માટે શું લઇ આવું? તો એવો જ જવાબ મળે છે કે, કંઇ નહીં, અહીં બધું મળે છે. વિદેશ સાથે રોજનો વ્યવહાર થઇ ગયો છે.
આપણો દેશ યંગસ્ટર્સનો દેશ છે. દુનિયામાં સૌથી વધુ યુવાનોની સંખ્યા આપણા દેશમાં છે. આપણા દેશનો યંગસ્ટર્સ હોંશિયાર, મહેનતુ અને ડાહ્યો છે. એનામાં કાબેલિયતની કોઇ કમી નથી. અલબત્ત, યુવાનોમાં પણ એક વર્ગ એવો છે જે પોતાના કામ સિવાય બાકીની બાબતોને લાઇટલી લે છે. મોટા ભાગે એને એટલી જ જાણકારી હોય છે જે સોશિયલ મીડિયા પર ફરતું હોય છે. સોશિયલ મીડિયામાં કંઇ ખોટું નથી પણ એક વાત યાદ રાખવા જેવી છે કે, સોશિયલ મીડિયા નોલેજનો સોર્સ નથી. તમને સોશિયલ મીડિયા પરથી ઇન્ફરર્મેશન મળી જશે પણ બાકીનું કંઇ નહીં સમજાય. તેનું એક ઉદાહરણ સમજવા જેવું છે. આપણા દેશમાં જી-20ની બેઠક દબદબાભેર યોજાઇ ગઇ. બાઇડેનથી માંડીને અનેક નેતાઓ ભારત આવ્યા. તેમનું આગમન, સ્વાગત, સંબોધન વિગેરે બધું જ સોશિયલ મીડિયા પર અવેલેબલ હતું. એની જાણકારી હોવી સારી વાત છે. ભારતમાં જે થયું તેનાથી આપણા દેશને કેટલો ફાયદો થયો છે? ભારતને જોવાની દુનિયાની નજર કેટલી બદલાઇ છે? આંતરરાષ્ટ્રીય સંબંધોના સમીકરણો કઇ રીતે કામ કરે છે? આ બધું જાણવું પણ જરૂરી છે.
અમેરિકાના એક એક્સપર્ટે હમણાં એક સરસ વાત કરી. તેમણે કહ્યું કે, પોતાની જાતને અપડેટ રાખવા માટે પણ સમય ફાળવો. જે નવું આવે છે એના વિશે જાણો અને શીખો. રસ લેશો તો જરાયે અઘરું નહીં લાગે. નવો મોબાઇલ આવે તો આપણે થોડા જ સમયમાં તેનાથી યુઝ-ટુ થઇ જઇએ છીએ. મોબાઇલ ફાવી જાય છે કારણ કે આપણને તેમાં રસ છે. જે વાતમાં રસ લેશો એ બધું જ આવડી જશે. આ જ એક્સપર્ટે બીજી એક વાત પણ કરી છે. તેમણે કહ્યું કે, જિંદગીનો અહેસાસ માણવા કોઇપણ એક શોખ વિકસિત કરો. વાંચો, લખો, મ્યુઝિક શીખો, મ્યુઝિક સાંભળો, કોઇપણ રમત રમો, ફરવા જાવ, પર્વતારોહણ કરો, કંઇકને કંઇક કરતા રહો. મેન્ટલી અને ઇમોશનલી પણ લાઇફને અપડેટ કરવી પડે છે. હવે થાય છે એવું કે, સમય મળે ત્યારે લોકો વેબ સીરિઝ જોયે રાખે છે, મોબાઇલ લઇને બેસી રહે છે, તેના કારણે શોખના વિષયોમાં જે સમય આપવો જોઇએ એ અપાતો નથી. તમે જરાક એ વિચારજો કે, તમારા રોજિંદા કામ સિવાય તમને બીજું કંઇ આવડે છે? આવડતું હોય તો સારી વાત છે પણ ન આવડતું હોય તો હજુ કંઇ મોડું થયું નથી. દરેક એ પણ વિચારવું જોઇએ કે, હું અપડેટ તો છુંને? સરકારી નોકરી મળી જાય પછી ઘણા લોકો એવું વિચારે છે કે, બસ જે ધ્યેય હતું એ સિદ્ધ થઇ ગયું છે. હવે નવું કંઇ જાણવાની કે શીખવાની જરૂર નથી. આવી માનસિકતા ધીમે ધીમે આપણા મગજ પર કાટ ચડાવી દેતી હોય છે. આપણે અપડેટ ન રહીએ તો બીજાને કે દુનિયાને કોઇ ફેર પડવાનો નથી, હા તમને પોતાને ચોક્કસ ફેર પડશે!
હા, એવું છે!
કોઇપણ અભ્યાસ, જાણકારી કે જ્ઞાન ક્યારેય નકામું હોતું નથી. એ જરૂર પડે ત્યારે કામ લાગે જ છે. કામ ન લાગે તો પણ જ્ઞાન એક જાણકાર વ્યક્તિની ઇમેજ તો ખડી કરે જ છે. બોઘા કે મૂરખા સાબિત થવું ન હોય તો એટલી તો જાણકારી રાખવી જ જોઇએ કે, મારા ગામથી માંડી મારા દેશમાં અને દુનિયામાં શું ચાલી રહ્યું છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 20 સપ્ટેમ્બર, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *