લોનલીનેસ : એકેલે હૈ
તો બહોત ગમ હૈ!
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
એકલતા માણસને ઓગાળી નાખે છે. લોકોને એકલતાથી
બચાવવા માટે જાપાને લોનલીનેસ મિનિસ્ટ્રી બનાવી છે.
હેપીનેસ કે લોનલીનેસ મંત્રાલયથી
ખરેખર કોઇ ફેર પડે ખરો?
*****
વર્ચ્યુઅલ વર્લ્ડના આજના યુગમાં માણસ
વધુને વધુ એકલો પડતો જાય છે.
ટોળા વચ્ચેની એકલતા બહુ અઘરી અને આકરી હોય છે
*****
માણસ દિવસે ને દિવસે વધુ ને વધુ એકલો પડતો જાય છે. બધાને એકલતા કોરી ખાય છે. અંદર એક એવી ઘૂટન ચાલે છે, જે સહન થતી નથી. કોઇ વાત કરવાવાળું નથી. કોઇ વાત સાંભળવાવાળું નથી. જેના ઉપર ભરોસો મૂક્યો હોય છે એ બદમાશ, દગાખોર કે બેવફા નીકળે છે. એવા એવા અનુભવો થાય છે કે, દુનિયા ઉપરથી ભરોસો જ ઊઠી જાય. કોઇ કોઇનું નથી. બધા સ્વાર્થી છે. સંબંધો પણ હવે પોતાના ફાયદા માટે જ રાખવામાં આવે છે. કામ હોય ત્યારે માણસ ગમે ત્યાંથી શોધી કાઢે છે. આપણને કામ હોય ત્યારે ફોન ઉપાડતા નથી કે મેસેજનો જવાબ પણ આપતા નથી. આત્મીયતા બતાવતા હોય એ પણ કેટલા આપણા હોય છે? આવા વિચારો આવે પછી એક તબક્કે એવું થાય છે કે, કોઇ મતલબ નથી આવા સંબંધોનો, આવી જિંદગીનો અને આવી સંવેદનાઓનો!
સોશિયલ મીડિયા પર ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સ વધતાં જાય છે અને જેની પાસે દિલની વાત કરી શકાય એવા લોકો ઘટતા જાય છે. ફ્રેન્ડ્સના ગ્રૂપમાં લાંબી લાંબી ચેટ કર્યા પછી પણ એવું જ ફીલ થાય છે કે, સાવ એકલો છું. ટોળાની વચ્ચે હોય તોયે એવું લાગે છે કે, મારું કોઇ નથી. મને કોઇ સમજતું નથી. લોકો ફાંફાં મારે છે. પ્રેમ, લાગણી, આત્મીયતા, સાંત્વના, સહાનુભૂતિ અને હોંકારા માટે લોકો તરસી રહ્યા છે. કોરોનામાં સોશિયલ ડિસ્ટન્સની સાથે ઇમોશનલ ડિસ્ટન્સ પણ વધી ગયું છે. કોરોનામાંથી તો પંદર દિવસના ક્વોરન્ટાઇન પછી બહાર આવી જવાય છે પણ અંદર જે ખાલીપો છે એનું શું?
એકલતા આજના સમયની સૌથી મોટી સમસ્યા છે. લોનલીનેસના કારણે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે. જાપાનમાં એકલતાના કારણે આપઘાતનું પ્રમાણ વધી જતાં જાપાનની સરકારે હમણાં લોનલીનેસ મિનિસ્ટ્રી ઊભી કરી છે. એક મંત્રીની પણ વરણી કરવામાં આવી છે. આ વિભાગના પ્રધાન તાત્સુશી સકામોટોએ કહ્યું કે, વડાપ્રધાન યોશીહિદે સુગાએ એકલતાને રાષ્ટ્રીય સમસ્યા ગણાવીને આ વિશે કામ કરવા કહ્યું છે. બ્રિટન પણ અગાઉ લોનલીનેલ મિનિસ્ટ્રી બનાવી ચૂક્યું છે. સવાલ એ છે કે, મંત્રાલય ખડું કરી દેવાથી લોકોની એકલતા દૂર થઇ જાય ખરી? એકલતા એ વ્યક્તિગત પ્રશ્ન છે કે સરકારની સમસ્યા છે? અત્યારે લોનલીનેસ મિનિસ્ટ્રીની વાતો ચાલે છે, થોડા સમય અગાઉ આવી જ રીતે હેપીનેસ મિનિસ્ટ્રીની વાતો થઇ હતી. યુનાઇટેડ અરબ અમિરાતે હેપીનેસ મિનિસ્ટ્રી શરૂ કરી હતી. આપણા દેશમાં પણ મધ્ય પ્રદેશ, આંધ્ર પ્રદેશ સહિત અનેક રાજ્યોએ હેપીનેસ વિભાગ શરૂ કર્યો હતો. આવું બધું કરવાથી કેટલા લોકો ખુશ કે સુખી થઇ ગયા એ સવાલ છે.
હમણા એક સરસ મેસેજ વાંચ્યો. ટોળે વળીને બેઠા છે લોકો, કોને ખબર કોને એકલો પાડવો હશે? ભેગા મળીને પણ બધા શું કરતા હોય છે? કોનું સારું ઇચ્છતા હોય છે? કોની મુશ્કેલીમાં મદદે દોડી જતા હોય છે? સોશિયલ વર્ક કરનારા લોકો ઘણા છે. કોરોના વખતે ગરીબોને ફૂડ પેકેટો આપનારા ઘણા હતા પણ એકલતાના કારણે રડનારા વ્યક્તિના આંસુ લૂછનારા ક્યાંથી કાઢવા? નોકરી ગુમાવનારા સામે સવાલો મોઢું ફાડીને ઊભા હતા કે, હવે મારું શું થશે? ઘર કેમ ચાલશે? ઉચાટ, ઉત્પાત અને અજંપો વલોપાત સર્જે છે. અંદર કંઇક ખોખલું થતું હોય એવું અનુભવાય છે. અસ્તિત્વ ઓગળતું હોય એવું લાગે છે.
લોનલીનેસ કે હેપીનેસ એ વ્યક્તિગત બાબત છે. હવેનો સમય એવો છે કે, માણસે થોડુંક પોતાની રીતે જીવતા શીખવું પડે. પોતાની મજા, પોતાની ખુશી, પોતાનું સુખ પોતાની જાતે ક્રિએટ કરવું પડે. એકાંતમાં જીવવાની જેને ફાવટ છે એને એકલતા બહુ નડતી નથી. આપણે ઇમોશનલ બાબતોમાં પણ બહુ ડિપેન્ડન્ટ રહેવા લાગ્યા છીએ. જિંદગીમાં કોઇ હોય તો સારી વાત છે, પણ કોઇ નથી અથવા તો હતું એ ચાલ્યું ગયું છે તો એના આઘાત પચાવતા પણ આવડવું જોઇએ. આપણે એકાંતને માણવાનું અને એકલા રહેવાનું ભૂલી ગયા છીએ. જરાકેય એકલા પડીએ કે તરત જ આપણને એકલું લાગવા માંડે છે. મહત્ત્વાકાંક્ષાઓ એટલી બધી સવાર થઇ ગઇ છે કે, જરાકેય ધાર્યું ન થાય તો આપણને હતાશા ઘેરી વળે છે. આપણે આપણી સરખામણી બીજાની સાથે કરવા લાગ્યા છીએ અને આપણી જાતને જ નબળી કે ઓછી ઊતરતી માનવા લાગ્યા છીએ. જે છે એનાથી સંતોષ નથી અને જે નથી એનો વસવસો કરતા રહીએ છીએ. સતત કશુંક ખૂટતું હોય એવું જ લાગે, તો જે છે એનો આનંદ ક્યાંથી મળવાનો છે? બીજી એક વાત પણ યાદ રાખવા જેવી છે. તમને કોઇ પ્રેમ કરે છે? કોઇ એવું છે જેને તમારાથી ફેર પડે છે? એને સાચવી રાખજો. એની પણ દરકાર રાખજો કે, એને એકલું ન લાગે. જિંદગી ક્યારેય પરફેક્ટ નહીં હોવાની, જે છે એનાથી તમે ખુશ રહેશો તો જ જિંદગી જીવવાની મજા આવશે.
*****
પેશ-એ-ખિદમત
શામ સે આંખ મેં નમી સી હૈ,
આજ ફિર આપ કી કમી સી હૈ,
વક્ત રહતા નહીં કહીં ટિક કર,
આદત ઇસ કી ભી આદમી સી હૈ.
– ગુલઝાર
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 07 માર્ચ 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com