મિત્રો તો આપણાં સારાં નસીબની નિશાની છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મિત્રો તો આપણાં સારાં
નસીબની નિશાની છે!


ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


દિલ ધડકને કા સબબ યાદ આયા,
વો તેરી યાદ થી અબ યાદ આયા,
આજ મુશ્કિલ થા સંભલના એ દોસ્ત,
તૂ મુસીબત મેં અજબ યાદ આયા.
-નાસીર કાજમી


દોસ્ત, મિત્ર, યાર, ભાઈબંધ, જીગરી, ફ્રેન્ડ, દોસ્તાર, ભેરું, તેને તને ગમે તે નામે પુકારો એ એક એવો સંબંધ છે જેનો જોટો ક્યારેય જડવાનો નથી. આપણે જે કંઈ હોઇએ છીએ એમાં આપણા દોસ્તનો ફાળો બહુ મોટો હોય છે. સીધાં કામો ગમે તેણે શીખવ્યાં હોય પણ બધાં જ ઉલટાં કરતૂતોમાં મિત્ર કોઈ ને કોઈ રીતે સામેલ હોય છે. ફ્રેન્ડને એમ જ તો પાર્ટનર ઓફ ઓલ ક્રાઇમ્સ નહીં કહેવાતું હોયને? તમે યાદ કરજો, તમારામાં જે કંઈ વ્યસન કે બીજી કુટેવો છે એ સૌથી પહેલી તમે કોની સાથે કરી હતી? એ મિત્ર જ હોય છે જે આપણને કોઈ ન કરાવે એવાં કારનામાં કરાવે છે. બે ઘડી વિચાર કરો, મિત્ર ન હોત તો આપણે કેટલી બધી ઘટનાઓથી વંચિત રહી જાત? દોસ્ત અને દોસ્તીની બીજી એક સૌથી રસપ્રદ હકીકત એ છે કે, માણસ માત્ર ને માત્ર મિત્ર સાથે જ જેવો હોય એવો પેશ આવે છે. તેની પાસે કંઈ જ સાબિત કરવાનું હોતું નથી. એ આપણને નખ-શિખ ઓળખતો હોય છે. બે મિત્રો હતા. એક મિત્રને તેના બીજા જાણીતાએ એમ કહ્યું કે, તારો પેલો ભાઈબંધ છેને એણે આજે પેલા સાથે બદમાથી કરી! આ વાત સાંભળીને એ મિત્રએ કહ્યું કે, હોય જ નહીં, હું એને બરાબર ઓળખું છું. એ એવું કરે જ નહીં. આપણને મિત્ર વિશે ભરોસો હોય છે. ઘણા મિત્રો એવા પણ હોય છે કે, કોઈ કહે કે ન કહે, આપણને ખબર જ પડી જાય કે આ કારસ્તાન આપણા મિત્રનું જ છે!
મિત્રો વિશે એવું કહેવાતું રહ્યું છે કે, માણસ કેવો છે એ જાણવું હોય તો સૌથી પહેલાં એની તપાસ કરો કે એના મિત્રો કોણ છે? માણસની ઉઠકબેઠક કોની સાથે છે? મિત્રો સૌથી વધુ લાઇક માઇન્ડેડ હોય છે. આપણા મિત્રો મોટા ભાગે આપણા જેવા જ હોય છે. આપણને કોઈ વ્યક્તિ પહેલી વખત મળે કે તરત જ મિત્ર બની જતી નથી. આપણને એનામાં કંઈક ટચ કરે છે. એવું લાગે છે કે, આ મારા જેવો છે કે મારા જેવી છે. ગમા અને અણગમા, ટેવ અને કુટેવ બધું જ સરખું હોય છે. આપણને ધીમેધીમે એની સાથે ફાવવા માંડે છે. સારી વાતો પણ મિત્ર પાસેથી શીખવા મળે છે. માણસ પર સૌથી વધુ અસર એના મિત્રની જ થતી હોય છે. એ કહે એનાથી ફેર પડતો હોય છે. એની વાતને આપણે ગંભીરતાથી લઈએ છીએ, કારણ કે એ જે કહે છે એની પાછળ એનો કોઈ સ્વાર્થ હોતો નથી. મિત્ર એવી વ્યક્તિ છે જે ક્યારેય તમારું બૂરું ન ઇચ્છે. જો એ બૂરું ઇચ્છે તો સમજવું કે એ મિત્ર નથી પણ પોતાનો સ્વાર્થ સાધવા જ સારું લગાડે છે.
એક સારો મિત્ર હોય એ સારી જિંદગી જીવવા માટે પૂરતું છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. એ અનાથ હતો. નાનો હતો ત્યારે જ કોઇ તેને અનાથ આશ્રમના દરવાજા પાસે મૂકી ગયું હતું. એ મોટો થયો. તેની લાઇફમાં એક છોકરી આવી. તેણે કહ્યું કે, તું સાવ અનાથ છે. એ યુવાને કહ્યું, ના, હું બિલકુલ અનાથ નથી. મારી પાસે સારા મિત્રો છે. મને જ્યારે અનાથ આશ્રમના દરવાજે તરછોડી દેવાયો હતો ત્યારે હું અનાથ હતો પણ હું સમજણો થયો ત્યારથી મને મારા મિત્રોએ ક્યારેય એકલો કે અનાથ હોવાનો અહેસાસ થવા દીધો નથી. ઘણા લોકો બધા હોય તો પણ એકલા હોય છે. સાચા અનાથ એ છે જેની પાસે બધા હોય છે પણ વાત કરી શકાય કે વાત સમજી શકે એવું કોઇ હોતું નથી. મિત્ર હોય એ માણસ કોઇ દિવસ અનાથ હોઈ જ ન શકે.
દોસ્તીને ડિસ્ટન્સ કે બીજું કંઈ નથી નડતું. પ્રેમ માટે એવું કહેવાતું રહ્યું છે કે, પ્રેમમાં એકબીજાને મળતાં રહેવું જરૂરી છે. વાતો અને મુલાકાતો થતી રહેવી જોઇએ. દોસ્તીમાં એવું હોતું નથી. સાચો મિત્ર ગમે એટલા લાંબા સમય બાદ મળે પણ એ જેવો સામે આવે કે પસાર થયેલા તમામ દિવસો વચ્ચેથી ગાયબ થઇ જાય છે અને એ બંને હોય એવા ને એવા બની રહે છે.
દોસ્તી વિશે ઘણા સવાલો પણ થતા રહે છે. એક તો એ કે, એક છોકરો અને એક છોકરી ક્યારેય દોસ્ત હોઈ શકે નહીં. આ વાત તદ્દન ખોટી છે. એક છોકરો અને છોકરી બેસ્ટ ફ્રેન્ડ હોય જ શકે છે. છોકરા અને છોકરીની દોસ્તી એક અલગ લેવલ પર જિવાતી હોય છે. બીજી વાત એ કે બે છોકરા અને બે છોકરી વચ્ચેની દોસ્તીમાં કંઈ ફેર હોય છે ખરો? બંનેમાં કેટલીક વાતો તો કોમન જ રહેવાની છે પણ છોકરીઓની લાઇફ છોકરાઓની લાઇફથી થોડીક જુદી પડતી હોય છે એટલે છોકરીઓની દોસ્તી જુદા પ્રકારની હોય છે. બે છોકરી નાની હોય ત્યારે પાક્કી બહેનપણીઓ હોય પછી મોટી થાય ત્યાં સુધી દોસ્તી રહે. બંનેના મેરેજ થાય એટલે બંને થોડી દૂર થવાની છે. છોકરીઓએ દોસ્તી નિભાવવા માટે પતિ અને સાસરિયાં કેવાં મળે છે એના પર પણ ઘણો આધાર રહે છે. બે બહેનપણીઓ હતી. બંનેના મેરેજ થયા. એ પછી બંને મળતી રહેતી. જોકે, બંનેના હસબન્ડને એકબીજા સાથે ફાવતું નહોતું. એના કારણે મળવાનું ધીમે ધીમે ઓછું થઇ ગયું. ઘણા કિસ્સાઓમાં એવું પણ થાય છે કે, બે બહેનપણીઓના પતિ પણ એકબીજાના ખાસમખાસ મિત્ર બની જાય. કોને કોની સાથે ફાવે અને કોની સાથે ન ફાવે એ કંઇ નક્કી નથી હોતું. દોસ્તીની કોઇ સ્પષ્ટ ફોર્મ્યુલા નથી હોતી. એ તો બસ થઇ જતી હોય છે.
દોસ્તી પણ કદાચ ઉપરથી લખાઈને જ આવતી હોય છે. દોસ્ત વિશે તમને ક્યારેય એવો વિચાર આવે છે કે, કેમ આ જ વ્યક્તિ મને મિત્ર તરીકે મળી? દુનિયામાં ઘણા માણસો હોય છે, કેમ અમુક લોકો સાથે જ આપણને ક્લિક થાય છે? બે એક્સ્ટ્રીમ વિચારસરણીવાળી વ્યક્તિ પણ સારા મિત્ર હોય શકે. એનું કારણ એ જ હોય છે કે, દોસ્તીમાં કંઈ પ્રૂવ કરવાનું જ હોતું નથી! દોસ્તી વિશે ઘણા સ્ટડી થયા છે, તેમાં એક અભ્યાસ એવું પણ કહે છે કે, બહુ ગંભીર દોસ્તની સરખામણીમાં હેપી ગો લકી કીસમના મિત્રો હોય એ માણસની જિંદગી વધુ સુખી હોય છે. બધે ડાહી ડાહી, જ્ઞાનની કે બૌદ્ધિક વાતો કરવાની કોઇ આવશ્યક્તા નથી. દરેકને કોઈ ભાર વગર જીવવું હોય છે, એ માત્ર ને માત્ર મિત્ર સાથે જ જીવી શકાય છે. દોસ્તી માટે દોસ્ત જેવા થવું પણ પડે છે. તમે ગમે તે હોવ એનાથી એને કોઈ ફેર પડતો નથી. એના માટે તો તમે માત્ર મિત્ર જ છો. વધુ પડતી હોશિયારી, બુદ્ધિ કે જ્ઞાન દોસ્તીમાં ન ચાલે, ત્યાં તો બિન્ધાસ્ત જ રહેવાનું હોય. તું ગમે તે હોય તારા ઘરે, તું તુર્રમખાન હોય તો પણ મને કોઇ ફેર પડતો નથી. જે દોસ્તી સ્ટેટ્સ કે સંપત્તિ જોઈને કરે છે એની મિત્રતા ખોખલી હોય છે. અત્યારનો જમાનો બહુ જુદો છે. મિત્ર બનીને આવતા બધા લોકો મિત્રો જ હોય એવું જરૂરી નથી. દોસ્તીનો અંચળો ઓઢીને આવતા દુશ્મનોને પણ પારખતાં આવડવું જોઇએ. સાચા મિત્રને સાચવતા અને ખોટા મિત્રને પારખતા જેને નથી આવડતું એને પસ્તાવાનો વારો આવે છે.
છેલ્લો સીન :
દોસ્તી એક જ એવો સંબંધ છે, જ્યાં નયા ભારની અપેક્ષા નથી, કોઇ નિયમ નથી, કોઈ બંધન નથી. આ સંબંધ સાવ મુક્ત છે. કશાનો ભાર ન હોય ત્યાં જ જિંદગી પૂર્ણ રીતે જિવાતી હોય છે. માણસ મિત્ર પાસે જ હન્ડ્રેડ પર્સન્ટ હળવો રહી શકતો હોય છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 06 ઓગસ્ટ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *