સંવેદના વગરનો માણસ
સાંત્વના શું આપવાનો?
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
તારે જ તારું અજવાળું પ્રગટાવવું પડે,
ચાહે ભલે આકાશને ખોદાવવું પડે,
આ રેત, રણના કૂળની છે, ઝટ નહીં રીઝે,
એકાદ વાદળને હવે બોલાવવું પડે.
-ધૂની માંડલિયા
માણસ એની સંવેદનાથી ઓળખાતો હોય છે. સંવેદના સાત્ત્વિક હોવી જોઈએ. આપણી સંવેદનાઓ ‘સિલેક્ટિવ’ થઈ ગઈ છે. સંવેદના માણસે માણસે બદલાતી રહે છે. કોઈના પ્રત્યે વધુ સંવેદના તો કોઈના પ્રત્યે ઓછી. કોઈના માટે આપણે વરસી પડીએ છીએ, કોઈ આપણા માટે તરસી જાય તો પણ આપણામાં સહેજેય સ્પંદન ઊઠતાં નથી. ઘણા લોકો માટે તો આપણે જડ થઈ ગયા હોઈએ છીએ. જડ થઈ ગયેલો માણસ ઝટ મળતો નથી. ભૂલા પડી જવામાં અને ખોવાઈ જવામાં ફરક છે. ભૂલો એ પડે છે જે રસ્તો ચૂકે છે. ખોવાઈ એ જાય છે જેને ખુદની ખબર નથી. ઘણા લોકો મળે ત્યારે એ ક્યાંક ખોવાયેલા હોય છે. જે પોતાને જ મળતા ન હોય એ બીજાને શું મળી શકવાના? ખાલી માણસ પાસેથી ખાલીપો જ મળવાનો છે. ભરેલો માણસ જ બીજાને ભીંજવી શકે. રંગીન હોય એ જ રંગી શકે, ગમગીન હોય એને ગોતવો પડે.
આપણા ચહેરાઓ ગંભીર છે, કારણ કે આપણાં મન ઉદાસ છે. આપણે ઉદાસી ઓઢીને ફરીએ છીએ. આવડત હોવાના દાવાઓ કરીએ છીએ અને હસવાનું ભૂલી જઈએ છીએ. એક કોલેજના પ્રોફેસરે પોતાના સ્ટુડન્ટ્સની વાત કરી. તેણે કહ્યું, હવે આપણું એજ્યુકેશન શાર્પ થઈ ગયું છે. એ બધું જ ભણતર માત્ર ડિગ્રીઓ માટે છે. જિંદગી માટે નથી. જીવવા માટે હવે નવા ક્લાસ શરૂ કરવા પડશે. આજે સૌથી વધુ જરૂર હોય તો લોકોને હળવા રહેતા શીખવવાની. આપણો સિલેબસ માણસને સેડ અને સિલી બનાવે છે, સ્વીટ અને સુખી નહીં. હવે એવું શિખવાડવાની જરૂર છે કે હસવું કઈ રીતે? જીવવું કઈ રીતે? પેટમાં આંટી વળી જાય એવું તમે છેલ્લે ક્યારે હસ્યા હતા? કોઈની પીડા, વેદના, દર્દ, ઉચાટ કે વલોપાત જોઈને તમારી આંખનો ખૂણો ક્યારે ભીનો થયો હતો? તમારી ઉષ્મામાં ક્યારે ઊભરો આવ્યો હતો? હવાની રૂખને તમે છેલ્લે ક્યારે મહેસૂસ કરી હતી? કોયલના ટહુકાની તમે ક્યારે હાજરી પૂરી હતી? છેલ્લે તમારા દિલમાંથી ક્યારે ‘વાહ’નો ઉદગાર નીકળ્યો હતો? ફૂલની પાંદડીના સ્પર્શ માટે ક્યારે તમારાં ટેરવાં સળવળ્યાં હતાં? આપણી સંવેદનાઓ સળવળતી નથી, કારણ કે આપણે ટળવળતાં હોઈએ છીએ. આપણે આપણને જ ટાળતા હોઈએ છીએ. સમય આપણી મુઠ્ઠીમાં નથી હોતો, આપણે સમયની મુઠ્ઠીમાં હોઈએ છીએ.
તમારામાં સંવેદના છે? હા છે! સંવેદના હોય જ. સંવેદના વગરનો માણસ હોઈ જ ન શકે. આપણે એ સંવેદનાની દરકાર કરતા નથી. સંવેદનાઓ કોઈ એક ખૂણે દબાયેલી હોય છે અને આપણે આપણી અંદર જ ધરબાયેલા હોઈએ છીએ. રિલેક્સ થવા માટે આપણે હવે મહેનત કરવી પડે છે. હળવાશ માટે પ્લાનિંગ કરવું પડે છે. મજા માટે આપણે ટેક્નોલોજીના મહોતાજ થઈ ગયા છીએ. આપણે બહુ ફાસ્ટ થઈ ગયા છીએ. એટલા બધા ફાસ્ટ કે આપણે સ્લો થવાનું શીખવું પડે. બ્લડપ્રેશર હાઈ રહે છે. પ્રેશરને કંટ્રોલ કરવા ગોળી લેવી પડે ત્યારે સમજવું કે આપણે સ્લો, સહજ અને સરળ રહેવાનું ભૂલી ગયા છીએ. આપણે આપણને કંટ્રોલમાં ન રાખી શકીએ ત્યારે ગોળીઓ લેવી પડતી હોય છે. ટેબ્લેટ એટલે જિંદગી જીવવામાં લેટ થવાની કિંમત.
સંવેદના અને ઉદાસી તમારા આજુબાજુના વાતાવરણ અને તમારી વ્યક્તિઓને સીધી અસર કરતી હોય છે. ઘરમાં એક વ્યક્તિની ઉદાસી આખા ઘરને ઉદાસીનતા ઓઢાડી દે છે. એક વ્યક્તિનું હાસ્ય આખા ઘરને જીવતું કરી દે છે. આપણે ઘણી વખત આપણી સંવેદનાની તો પરવા કરીએ છીએ, પણ આપણે જેને પ્રેમ કરતા હોઈએ એની સંવેદનાની અવગણના કરતા હોઈએ છીએ. આપણને ગમતું હોય એવું જ નહીં, આપણી વ્યક્તિને ગમતું હોય એવું કરવું એ જ સંવેદનાની શ્રેષ્ઠતા છે. એક પતિ-પત્નીની વાત છે. પત્ની એકદમ લાઇવ હતી. તે હસતી રહેતી. બધાં કામને એન્જોય કરતી. અચાનક તેના વર્તનમાં પરિવર્તન આવ્યું. હસવાનું ઘટી ગયું. ફરિયાદો વધી ગઈ. ઘરનું વાતાવરણ બોઝિલ થવા લાગ્યું. પતિ અત્યંત સંવેદનશીલ હતો. એક દિવસ તેણે કહ્યું કે, મેં બે દિવસની રજા લીધી છે. ચાલને ક્યાંક ફરવા જઈએ. કોઈ એવી જગ્યાએ જ્યાં આપણે પ્રકૃતિની નજીક હોઈએ. પતંગિયું ઊડે એટલી નજાકતથી થોડાક ખૂલીએ. દરિયાનાં મોજાંની રિધમને અનુભવીએ. બંને ફરવા ગયાં. ફરીને પાછાં આવ્યાં ત્યારે પત્ની ફરીથી જીવતી થઈ ગઈ હતી.
તમારામાં સંવેદના હોય તો તમારી વ્યક્તિની સારવાર માટે સાઇકિયાટ્રિસ્ટની જરૂર પડતી નથી. વેદનાનો ઇલાજ સંવેદના જ છે. આપણને ઘણી વખત એવું લાગે છે કે મારામાં કંઈક મરી ગયું છે. મારામાં કંઈક ખૂટી ગયું છે. એ સંવેદના હોય છે. ક્યાંય ગમતું નથી, ગમે એવું થઈ શકતું નથી, જિંદગી જીવતા હોય એવું નહીં, પણ ઢસડતા હોય એવું લાગે છે. ડિપ્રેશન એ બીજું કંઈ નથી, પણ સંવેદનાનું ડેથ છે. સંવેદનાને જીવતી કરવી અઘરી છે એટલા માટે જ મહત્ત્વનું એ છે કે સંવેદનાને મરવા ન દેવી.
એક માણસ સાધુ પાસે ગયો. તેણે સાધુને કહ્યું કે, હું મારા લોકોને મજામાં રાખી શકતો નથી. મને જીવવાની મજા આવતી નથી. મારા અસ્તિત્વને ઉદાસીએ ઘેરી લીધું છે. સાધુએ તેને ઝૂંપડી બહાર એક ઝાડ બતાવ્યું. એ ઝાડમાં એકેય પાંદડું ન હતું. બધી ડાળીઓ સાવ સૂકી હતી. સાધુએ કહ્યું કે, જા ઓલા ઝાડના છાંયામાં બેસ. એ માણસે કહ્યું કે એ ઝાડનો છાંયો ક્યાં છે? એ ઝાડની ડાળીનો તો માત્ર પડછાયો છે. સાધુ બોલ્યા, હું એ જ કહું છું પડછાયો છાંયો ન આપી શકે. છાંયા માટે ઝાડમાં પાંદડાં હોવાં જોઈએ. તારે છાંયો આપવો છે, પણ તારાં જ પાંદડાં ખરી ગયાં છે. પહેલાં તું પૂરેપૂરો ખીલી જા, તો જ તું તારા લોકોને મજામાં રાખી શકીશ. આલિંગનમાં ઉષ્મા હોવી જોઈએ. કોઈને ભેટીએ ત્યારે ખાલીપા સિવાય કંઈ વર્તાતું નથી અને કોઈને હગ કરીએ ત્યારે આપણામાં કંઈક ઉમેરાયું હોય એવું લાગે છે. હાશ થાય છે, હળવાશ લાગે છે. કોઈના હાથ માથા પર મુકાય ત્યારે એવું લાગે છે કે મારા ઉપર કંઈક વરસ્યું છે અને હું થોડોક છલકાયો છું. ઘણા હાથ રણ જેવા હોય છે, એમાં રેતીનો સુકારો અને ઝુરાપો જ હોય છે. તમારી અંદર જે હોય એ જ તમે આપી શકો.
બે મિત્રોની આ વાત છે. એક મિત્ર વારંવાર કહેતો કે ચાલને આપણે મળીએ. બીજો મિત્ર ટાળતો. હમણાં નહીં, થોડાક સમય પછી મળીએ. થોડા દિવસો પછી બંને મળ્યા. મિત્રએ પૂછ્યું કે તું કેમ મળવાનું ટાળતો હતો? મિત્રએ સાચો જવાબ આપ્યો કે હું મજામાં ન હતો. મારી સંવેદનાઓ ક્ષુબ્ધ હતી. મારી સંવેદના જ સજીવન ન હોય તો હું તને શું આપવાનો? હું માનું છું કે મજામાં ન હોઈએ ત્યારે કોઈને ન મળવું. સંવેદના ન હોય એ સાંત્વના શું આપવાનો? એ સુખ શું આપવાનો?
સંવેદના સુષુપ્ત થઈ ગઈ હોય ત્યારે આમ તો મળતા પણ રહેવું જોઈએ. ધ્યાન એટલું જ રાખવું કે એવી વ્યક્તિને મળવું જે અત્યંત સંવેદનશીલ હોય. જે મૌનને પણ સમજી શકે, જે ચહેરા પરની રેખાને ઉકેલી શકે, જે આંખના ભેજથી ભીંજાઈ શકે અને જે અવાજના ટોનને ઓળખી શકે. અસંવેદનશીલ માણસોને મળીએ તો એ તળિયું પણ સૂકવી નાખે. એવા લોકોને મળો જેની પાસેથી તમને કંઈક મળે. થોડીક ઋજુતા, થોડીક ભીનાશ, થોડીક હળવાશ, થોડીક આશ, થોડાક શ્વાસ અને થોડોક વિશ્વાસ. તરસ હોય ત્યારે નદી પાસે જ જવું પડે, દરિયા પાસે જાવ તો ખારાશ જ મળે. નદી જ પ્યાસ બુઝાવી શકે, દરિયો નહીં. તમારી પાસે તમારી નદી છે? તમારું ઝરણું છે? અમુક લોકો દરિયા જેવા હોય છે, જેની પાસે હોય છે અઢળક પણ એક ટીપુંયે કામ લાગતું નથી. ઝરણું નામ હોય છે, પણ તૃપ્ટિ માટે એ પૂરતું હોય છે. આપણી આસપાસના લોકોમાં પણ આપણને એ ઓળખતા આવડવું જોઈએ કે આ દરિયો છે કે ઝરણું?
તમારે તમારી સંવેદનાને જીવતી રાખવી છે? તો દરેક ક્ષણની સંવેદનાને માણો. આપણે તો સંવેદનાને સજીવન કરવા માટે પણ પ્લાનિંગ કરવા લાગ્યા છીએ. ફરવા જઈએ છીએ. બીમાર માણસ જેમ દવાખાનામાં દાખલ થવા જાય એમ આપણે ફરવા જવા લાગ્યા છીએ. દવાખાનામાંથી સાજા થઈને બહાર આવવાની અને ફરી આવીને તાજા થઈ જવાની દાનત રાખતા થઈ ગયા છીએ. તાજા થઈએ છીએ, પણ પાછા આવીને ફરીથી વાસી થઈ જવાની શરૂઆત થઈ જાય છે. સતત તાજા રહેવા માટે તમારી આસપાસ જે છે એને જીવતા રહો. ફૂલ તો આપણા ઘરની નજીક પણ ખીલતાં હોય છે, પક્ષીઓ પણ કલરવ કરતાં જ હોય છે, બાળકો રમતાં જ હોય છે, પ્રકૃતિ ખીલતી જ હોય છે. ઘણી વખત આપણે દૂર એટલા માટે જવું પડે છે, કારણ કે આપણી નજીક જે હોય છે એની ઉપર આપણે નજર નાખતા હોતા નથી. તમારે જિંદગી મસ્ત રીતે જીવાય છે એવું ફીલ કરવું છે? તો બસ, તમારી સંવેદનાને મરવા ન દો! તમારી દરેક ક્ષણને, તમારા દરેક કણને અને તમારા દરેક જણને જીવો, જિંદગીનો ક્યારેય થાક નહીં લાગે.
છેલ્લો સીન:
માણસ બીજાના મનની વાત માત્ર સહાનુભૂતિ અને પ્રેમથી જ જાણી શકે, ઉંમર કે બુદ્ધિથી નહીં.
-શરદચંદ્ર.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 16 નવેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)