તું નક્કી કરી લે કે તારે
સંબંધ રાખવો છે કે નહીં?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ક્યારે ઊઘડે એ જ વિચારે, હું ઊભો છું એના દ્વારે,
સાવ એકલું કાં લાગે છે? ચાલું છું હું સહુની હારે,
જે ખોવાયું અજવાળામાં, એને શોધું છું અંધારે,
મુઠ્ઠીમાં તો ખાલીપો છે, દુનિયા છોને કંઈ પણ ધારે.
-ઉર્વીશ વસાવડા
સાચો સંબંધ એ છે જેમાં હળવાશ હોય. કોઇ વાત કરવામાં ભાર ન લાગે. વાત કરતાં પહેલાં ભૂમિકા બાંધવી ન પડે. કેટલાંક સંબંધોમાં વાત કરતા પહેલાં શબ્દો ગોઠવવા પડે છે. વાત શરૂ કરતાં પહેલાં ઘણું બધું વિચારવું પડે છે. હું જે કહીશ એનો કેવો મતલબ એ કાઢશે? એનો રિસ્પોન્સ કેવો હશે? જે વાતની શરૂઆત જ અવઢવ અને અસમંજસથી થઇ હોય એનો અંત સારો ન જ હોય. વાત ક્યાંથી શરૂ થઈ હોય છે અને ક્યાં પહોંચી જાય છે. વાતનું વતેસર થઇ જાય છે. સંબંધમાં તણાવ હોય ત્યારે ઘણી વખત સમજાતું નથી કે, શું વાત કરવી? મનમેળ ન હોય ત્યારે કોઇ વાત મહત્ત્વની નથી લાગતી. એવો વિચાર આવી જાય છે કે, શું ફેર પડે છે? સંબંધ સહજ હોય ત્યારે ગોસિપ પણ ભવ્ય લાગે છે. સમયની નજાકત સંબંધની ઘનિષ્ઠતાથી અનુભવાતી હોય છે. કોઇની સાથે કલાકો પણ ઓછી પડે છે. કોઇની સાથે ક્ષણ પણ લાંબી લાગે છે. જે સંબંધમાં સતત ભાર લાગતો હોય એ સંબંધ જિવાતો હોતો નથી પણ ખેંચાતો હોય છે. ખેંચાતા સંબંધ ક્યારે તૂટી જાય એ નક્કી હોતું નથી. એક છોકરો અને છોકરી દોસ્ત હતાં. બંનેને નાની નાની વાતે ઇશ્યૂ થતા હતા. એક સમય તો એવો આવ્યો કે, બંને મળે ત્યારે બંનેને એવું લાગે કે, હમણાં કંઈક ઝઘડો થશે. આખરે છોકરાએ નક્કી કર્યું કે, હવે તેને મળવાનું ઓછું કરી નાખવું. સંબંધ વળાંક લઇ લેતા હોય છે. ધીમે ધીમે મળવાનું અને બોલવાનું પણ ઓછું થતું જાય છે, યાદ પણ ઓછી આવવા લાગે છે. આપણે બધા જ લોકો કોઇ એવા સંબંધમાંથી પસાર થયા હોઇએ છીએ કે, જેની સાથે ક્યારેક રોજ વાત થતી હતી એ હવે યાદ પણ ક્યારેક જ આવતા હોય છે.
કેટલાંક સંબંધો સરકી જવા માટે જ સર્જાતા હોય છે. આપણે ગમે એટલું ઇચ્છીએ તો પણ એ ટકતા નથી. સંબંધનું સત્ત્વ તો જ જળવાઇ રહે જો સંબંધ બંને પક્ષે જિવાતા હોય. સંબંધોમાં પણ સ્પષ્ટતા જરૂરી હોય છે. એક છોકરો અને છોકરી એકબીજાને ગમતાં હતાં. છોકરાએ એક દિવસ મોકો જોઇને છોકરી સમક્ષ પોતાના પ્રેમનો એકરાર કર્યો. છોકરીએ હા પણ ન પાડી અને ના પણ ન કહી. એ રમત કર્યે રાખતી હતી. આખરે એક દિવસ છોકરાએ તેને કહ્યું કે, તું નક્કી કરી લે કે તારે સંબંધ રાખવો છે કે નહીં? જો તારી ઇચ્છા ન હોય તો કોઇ ઇશ્યૂ નથી. આપણે પ્રેમથી છૂટાં પડી જઈશું પણ એક વાત નક્કી તો હોવી જોઈએને? મને પણ એ ખબર પડે કે, તારા વિચારો ક્યાં સુધી કરવા? ક્યાં સુધી તારી રાહ જોવી?
સંબંધ સ્થિર હોવા જોઇએ. ક્યારેક બે વ્યક્તિને કોઇ બાબતે મતભેદ કે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય એ હજુ પણ સમજી શકાય પણ ઘડીકમાં આમ અને ઘડીકમાં તેમ એવું ન ચાલે. ઘણી વખત પ્રેમમાં માણસ પીસાતો હોય છે. બે ભાઇઓની આ વાત છે. પિતાની મિલકત બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. ભાગ પડી ગયા પછી બંને ભાઇ અલગ થઇ ગયા હતા. નાનો ભાઇ સમજુ હતો. તેણે જૂની વાત અને ઝઘડો મગજમાંથી ખંખેરી નાખ્યો હતો. મોટા ભાઈના વર્તનમાં ઉતાર-ચડાવ આવતા રહેતા. ક્યારેક એ નાના ભાઇ અને તેના પરિવાર પર વરસી પડતા અને ક્યારેક સાવ અજાણ્યાની જેમ વર્તતા. ક્યારેય પ્રેમથી વાત કરે તો ક્યારેક ઝઘડા પર ઊતરી આવે. નાના ભાઈને દર વખતે ટેન્શન લાગે કે, આજે મોટા ભાઇ કેવી રીતે વર્તશે? એક દિવસ નાના ભાઇથી ન રહેવાયું. તેણે મોટા ભાઇને ચોખ્ખા શબ્દોમાં કહ્યું કે, કાં તું પ્રેમ કર અને કાં તો તું નફરત કર પણ આવું ન કર. સંબંધમાં સાતત્ય પણ હોવું જોઇએ.
નફરતનો એક ફાયદો એ છે કે, આપણને ખબર જ હોય છે કે, એ માણસ આપણી સામે છે. આપણે તેની પાસેથી કોઈ સારી આશા રાખવાની જ નથી. એની સામે લડી લેવામાં પણ કોઇ વાંધો હોય નહીં. ઘડીકમાં સાથે હોય અને ઘડીકમાં સામે હોય તેવી વ્યક્તિ સાથે ડીલ કરવામાં બહુ પ્રોબ્લેમ થતાં હોય છે. આપણી લાઇફમાં ઘણા લોકો એવા હોય છે જે ક્યારેક સીધા ચાલે તો ક્યારેક વાયડાઈ પર ઊતરી જાય. અનપ્રિડિક્ટેબલ લોકો સાથેના સંબંધો જીરવવા પડે છે. ઘણા લોકો જાય ત્યારે હાશ થાય છે. એ હોય ત્યારે એક અજાણ્યો ભાર લાગે છે. આપણે એને કહી પણ શકતા નથી કે, મને તારી સાથે ફાવતું નથી. આપણે સંબંધ બગાડવા હોતા નથી. એવા લોકોના મોઢે આપણા માટે પણ ફરિયાદ જ હોવાની છે. તું તો દેખાતો જ નથી કે દેખાતી જ નથી? તારી પાસે તો ફોન કરવાનો પણ ટાઇમ નથી? અમારા કરતાં મહત્ત્વના બીજા મળી ગયા છે કે શું? બહુ મોટો માણસ થઇ ગયો છેને કંઇ? અમારા જેવાને પણ ક્યારેક યાદ કરાય હોં! એના મોઢે ટોણા જ હોય. આપણે નક્કી ન કરી શકીએ કે, આને જવાબ શું આપવો? સાચા સંબંધમાં ગમે એટલા લાંબા સમય પછી મળીએ તો એવી ને એવી ઉષ્મા વર્તાય. સમયનું મહત્ત્વ હોતું નથી, સ્નેહનું ઇમ્પોર્ટન્સ હોય છે. આપણી લાઇફમાં એવા કેટલા લોકો હોય છે જેને થોડા દિવસ પણ ન મળાય તો એની યાદ આવે? ક્યાંય જઇએ તો એને મિસ કરીએ? બહુ ઓછા લોકો એવા હોય છે. યંગ હોઇએ ત્યારે હજુયે ઘણા બધા મિત્રો હોય છે. મોટા થઇએ એમ એમ માણસ સિલેક્ટિવ થતો જાય છે. દોસ્તી અને સંબંધ ઘટતા જાય છે. ક્યારેક તો એવો પણ વિચાર આવી જાય કે, ક્યાં જવું? તમારી પાસે એવી કેટલી વ્યક્તિ છે જેને તમે ફટ દઇને ફોન કરી શકો? આપણે તો હવે ફોન કરતાં પહેલાં પણ વિચાર કરવા લાગ્યા છીએ. એને ફોન કરું કે નહીં? ફોન પર શું વાત કરવી? ઘણું બધું નક્કી નથી થતું. એક તબક્કે એવું થાય છે કે, જવા દેને, કોઈને ફોન નથી કરવો. બધા પોતપોતાની લાઇફમાં બિઝી છે. કેટલાંક સંબંધોમાં આપણે ફોનની રાહ જોઇને બેઠા હોઇએ છીએ પણ ફોન કરતા નથી. એ તો મને ક્યારેય ફોન નથી કરતો, મારે જ કરવાનો? આપણે સંબંધોમાં ગણતરી કરવા લાગ્યા છીએ. હિસાબો માંડીને હેત ન વરસાવાય. ત્રાજવું માંડીને સાથ ન જળવાય. સંબંધ તો વહેતા રહેવા જોઇએ. તમને જેના પર લાગણી છે એની સાથેનો સંબંધ સદાયે જીવતો રાખો. ધબકતા સંબંધો ધીમેધીમે દુર્લભ થતા જાય છે. એક ઘરમાં જીવતા લોકો પણ અજાણ્યાની જેમ રહેવા લાગ્યા છે. લોકોનાં ઘર મોટાં થતાં જાય છે અને દિલ સાંકડાં થવાં લાગ્યાં છે. સંબંધમાં ડેપ્થ વર્તાતી નથી. બધું બહુ છીછરું અને હલકું થવા લાગ્યું છે. એક માણસ સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો કે, સંબંધો હવે કેમ પાતળા પડતા જાય છે? સંતે કહ્યું, સંબંધ પાતળા કે જાડા નથી હોતા, માણસનું પોત નબળું પડતું જાય છે. તું બીજાને સુધારી શકવાનો નથી. આજના સમયમાં એ જ વાતનું ધ્યાન રાખવું પડે એમ છે કે, હું ન બગડું. હું સારો રહું. હું હળવો રહું. માણસે સુધરવાનું પોતાને છે અને તે દોષ બધાને આપે છે. ફરિયાદ કરવાનો અધિકાર પણ એને જ છે જેની સામે બીજા કોઇને કશી ફરિયાદ ન હોય. આપણે સારા હોઈશું તો દુનિયા થોડીકેય સારી લાગશે. આપણે સારા નહીં હોઈએ તો બધા આપણા જેવા જ લાગવાના છે!
છેલ્લો સીન :
સંબંધમાં જ્યારે સંઘર્ષ વધવા લાગે ત્યારે માણસ માથાકૂટ કરવાને બદલે હાએ હા કરવાનું પસંદ કરવા લાગે છે. એને જેમ કરવું હોય એમ કરે એવો વિચાર ધીમેધીમે અંતર વધારે છે. દરેક મૌન પાછળ કોઈ મર્મ હોય છે. કોઇ માણસ ન બોલે ત્યારે એ પણ વિચારવું જોઇએ કે, એની ચૂપકીદી પાછળનું રહસ્ય શું છે? -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 02 જુલાઈ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com