સારા બનવામાં મૂરખ ન
બની જવાય એ જોજે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મેં મને ધાર્યો હતો એવો ન નિકળ્યો ક્યાંય પણ,
જાત આખી જોઈ એ દર્પણ વિશે ના પૂછ તું,
સાવ સીધા માર્ગ પર ડગલુંય મંડાતું નથી,
ભીતર અવઢવ અને અડચણ વિશે ના પૂછ તું,
-વંચિત કુકમાવાલા
દરેક માણસનો પોતાનો એક અનોખો સ્વભાવ હોય છે. બધાની થોડીક ખૂબીઓ હોય છે, થોડીક ખાસિયતો હોય છે, થોડીક ખામીઓ પણ હોય છે. એક માણસને એનો સ્વભાવ જ બીજા માણસથી જુદો પાડે છે. કેટલાંક લોકો મોઢાના મોળા હોય છે. કેટલાંક મોઢાના તીખા હોય છે. કોઇ કંઇ બોલે ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે, જોજે હો, આ જ મોઢાનો રહેજે! આપણે ક્યારેય વિચારીએ છીએ કે, આપણે કેવા મોઢાના છીએ? ઘણા બ્લન્ટ હોય છે. એ સાચેસાચું મોઢામોઢ કહી દે છે. ઘણા મુત્સદ્દી હોય છે, એ કોથળામાં પાંચ શેરી રાખીને મારે છે. બહુ ઓછા લોકો દરેક પરિસ્થિતમાં જેવા હોય એવા રહેતા હોય છે. માણસ અનુકૂળતા મુજબ બદલાતો રહે છે. પોતાની નીચેના લોકો સાથે રોફ મારતો માણસ શક્તિશાળી માણસ પાસે બકરી જેવો થઇ જતો હોય છે. જે બોલે એ પાળે જ એવા લોકો પણ પડ્યા છે. અમુક લોકો બોલે છે કંઈક અને કરે છે કંઈક. જેને પોતાના શબ્દોની કિંમત ન હોય એ માણસ ભરોસાપાત્ર હોતો નથી. આપણા શબ્દો અને આપણા વર્તન દ્વારા લોકો આપણું માપ કાઢતા હોય છે. માણસનું ઊંડાણ એના વર્તનથી જ મપાતું હોય છે. ઘણા લોકો સાવ છીછરા હોય છે, એમાં આપણે ન તરી શકીએ, ન ડૂબી શકીએ, પૂરેપૂરા ભીંજાઈએ પણ નહીં. માણસ બહાર ભલે ગમે એવા દેખાવાનો પ્રયાસ કરે પણ માણસને પોતાને તો એ ખબર જ હોય છે કે, એ કેવો છે! પોતાની હાનું કેટલું વજન છે અને પોતાની નાનું કેટલું મૂલ્ય છે એનું માણસને ભાન હોય એ જરૂરી છે. જિંદગીમાં સૌથી અઘરી વાત એ હોય છે કે, ક્યારે હા પાડવી અને ક્યારે ના પાડવી!
કોઈ માણસ ક્યારેય બધાને ખુશ કરી શકતો નથી. જે બધાને ખુશ કરવાના પ્રયાસો કરે છે એ ક્યારેય ખુશ રહી શકતો નથી. એક યુવાનની આ વાત છે. બધા એને કામ સોંપતા રહે. એ કોઇને ના જ ન પાડી શકે. એ યુવાન બીજાનાં કામો કરવામાંથી જ નવરો નહોતો પડતો. એ પોતાનાં કામ પણ કરી શકતો નહીં. તેના મિત્રએ એક વખત તેને કહ્યું કે, આ તું શું કરે છે? તેં બધાનાં કામ કરવાનો ઠેકો લીધો છે? બધા લોકો તો તારા સારાપણાનો ફાયદો ઉઠાવે છે. તું બધાને સારું લાગે એટલે કોઇને ના નથી પાડતો પણ એ બધા પોતાનાં કામ કઢાવીને તને તો સરવાળે મૂરખ જ સમજે છે. ક્યારેક આપણે સારા થવાની લાયમાં મૂરખ બનતા હોઇએ છીએ. ફાયદો ઉઠાવવાળા લોકોની દુનિયામાં કોઈ કમી નથી. પોતાના લોકો માટે ગમે તે કરી છૂટો પણ ગમે તેના માટે ગમે તે કરવાની કંઈ જરૂર હોતી નથી. એક સાધુ હતા. એક ગામના લોકો આવ્યા અને તેમને કહ્યું કે, તમે અમારા ગામે પધારો અને સત્સંગ કરો. સંતે ના પાડી દીધી. એ લોકો ગયા પછી સંતના શિષ્યએ સવાલ કર્યો કે, તમે સત્સંગની કેમ ના પાડી? સંતે કહ્યું, આજે એક ગામવાળાએ બોલાવ્યો, બીજા ગામવાળાને ખબર પડશે તો બીજા ગામવાળા બોલાવશે. હું તો પછી નવરો જ નહીં થાઉં. એ બધાને જો ખરેખર સત્સંગ કરવો જ હોત તો એ અહીં આવ્યા હોત. આપણે અહીં સત્સંગ કરીએ જ છીએ. એ બધાને ઘેરબેઠાં બધું જોઇએ છે. તમે જઇને પીરસો તો એ ખાય. તરસ્યાએ નદી પાસે જવું જોઇએ. આ તો નદીને બોલાવવાની વાત થઈ! સંતે કહ્યું, માણસ પાસે દિવસના ચોવીસ કલાક હોય છે, એ એને ક્યાં વાપરવા અને કેવી રીતે વાપરવા એની ખબર હોવી જોઇએ. તમારા સમયનું મૂલ્ય તમને જ નહીં હોય તો બધા તમારો સમય વાપરી જશે. માણસે અમુક બાબતોમાં સ્વાર્થી થવું પડતું હોય છે. તમે બધા માટે નથી. અમુક ચોક્કસ લોકો માટે જ છો.
દરેક માણસે મોઢાના સ્પષ્ટ બનવું જોઇએ. હા પાડવાની હોય ત્યાં જ હા પાડો અને એવું લાગે કે અહીં હા પાડવા જેવું નથી ત્યાં નમ્રતાપૂર્વક ના પાડી દો. માણસ કોને કેવું લાગશે એ વિચારીને ઘણી વખત પોતાની જાત પર જુલમ કરતો હોય છે. જેને જેવું લાગવું હોય એવું લાગે એવું કરવું પણ વાજબી નથી. આપણું વર્તન આપણા ગૌરવને છાજે એવું હોવું જોઇએ. ઘણા એવી રીતે ના પાડતા હોય છે કે, સામાવાળા માણસને લાગી આવે. આપણી તો ના એટલે ના. તને ના પાડીને, કોઇ વાત સમજાતી નથી? એક પતિ-પત્ની હતાં. પત્ની કંઈ પૂછે ત્યારે પતિ હા પણ ન પાડે કે ના પણ ન પાડે. દરેક વખતે વાત લટકતી જ રાખે. એક વખત પત્નીએ કહ્યું કે, કાં તો હા પાડ અને કાં ના પાડી દે. તું જે કરે છે એ વાજબી નથી. હા પણ ન કહેવી અને ના પણ ન પાડવી એ આપણી નિર્ણયશક્તિનો જ અભાવ દર્શાવે છે. જરૂર લાગે ત્યારે હા પણ પાડવી જોઈએ અને યોગ્ય ન લાગે ત્યારે ના પણ પાડી દેવી જોઈએ.
માણસે સ્થિતિ પ્રમાણે વર્તતા પણ શીખવું જોઇએ. મારાથી આમ ન જ થાય અથવા તો હું આમ ન જ કરું એવું દરેક વખતે થઇ શકતું નથી. હા, વાત જ્યારે સાચાખોટાની હોય ત્યારે માણસે પોતાના સત્યને દૃઢપણે વળગી રહેવું જોઈએ પણ અમુક સમયે માણસે સંજોગો મુજબ ફ્લેક્સિબલ પણ થવું પડતું હોય છે. બે મિત્રોની આ વાત છે. એક મિત્ર બીજા મિત્ર પાસે જરૂર હોય ત્યારે રૂપિયા માંગતો રહે. એ કાયમ કડકો જ હોય. એક વખત થયું એવું કે, બીજા મિત્રને આર્થિક સંકટ પેદા થયું. જે કાયમ રૂપિયા માંગતો હતો એ મિત્રએ કહ્યું કે, બોલને કેટલા જોઇએ છે? મિત્રએ કહ્યું, મને ખબર છે કે તારી પાસે કંઈ નથી, તું મને ક્યાંથી આપવાનો છે? તેના મિત્રએ કહ્યું, હું તને ઓળખું છું, તું કોઇ પાસે રૂપિયા માંગી શકવાનો નથી. મને માંગવાની ફાવટ છે. તું કહે તારે કેટલા જોઈએ છે, હું બીજા પાસે લઈને તને આપીશ. આપણા મિત્રો અને આપણા લોકોને આપણા સ્વભાવની ખબર હોય છે. બધા એ મિત્ર જેવા હોતા નથી. મોટા ભાગના લોકો તો આપણો સ્વભાવ જાણીને એનો ઉપયોગ જ કરતા હોય છે. આપણી નબળી અને સબળી કડીઓની એને જાણ હોય છે, અને કઈ કડી ક્યારે દબાવવી એની પણ એને આવડત હોય છે. બધા માટે થાય એ બધું કરો પણ કોઇ તમને મૂરખ ન બનાવી જવું જોઈએ. આપણને અનુભવ થતા હોય છે. આપણને જે અનુભવો થાય છે એમાંથી આપણે કંઈ ન શીખીએ તો મૂરખ બનવાનો વારો આવે છે. એક મિત્ર બીજા મિત્ર પાસે મદદ માંગતો રહેતો. આટલા રૂપિયા આપ, થોડાક દિવસમાં આપી દઇશ. બે-ત્રણ વખત તો મિત્રએ રૂપિયા આપ્યા પણ ખરા. મિત્ર ધનવાન હતો. એને રૂપિયા આપવામાં કંઈ વાંધો પણ નહોતો. ચોથી વાર રૂપિયા માંગ્યા ત્યારે એણે ના પાડી દીધી. તેણે કહ્યું કે, ત્રણ વખત તેં પાછા આપવાનું કહીને પરત નથી કર્યાં. તેના મિત્રએ કહ્યું, તારી પાસે ક્યાં કમી છે કે તું ના પાડે છે? એ મિત્રએ કહ્યું, તારી વાત સાચી છે, મારે કોઈ કમી નથી પણ તેં પાછા આપવાનું કહ્યું હતું. તેં એમ કહ્યું હોતને કે મને મદદની જરૂર છે તો હું તને એમને એમ આપત. તેં જે કહ્યું છે એ કર્યું નથી એટલે તને ના પાડું છું. તું મને મૂરખ બનાવે એ વાજબી નથી. દરેક માણસ આપણને બનાવતો હોય છે, આપણે બનતા પણ હોઇએ છીએ. ક્યારેક સારા બનીએ છીએ, ક્યારેક નઠારા પણ બનીએ છીએ. બાકી ગમે તે બનીએ પણ મૂરખ બનવું ન જોઈએ. ના પાડતા ન આવડે તો મૂરખ બનવાની શક્યતા અનેકગણી વધી જાય છે!
છેલ્લો સીન :
માણસને ક્યારેક ચકાસતા પણ રહેવું જોઈએ. જેના માટે ઘસાઈએ છીએ એને આપણી કદર તો છેને? આપણું મૂલ્ય ન હોય એના માટે ઘસાવવું એ મૂરખ બનવા જેવું જ છે. કોઈ મુરખ બનાવે અને આપણે બનતા રહીએ એના જેવી મૂર્ખામી બીજી કોઈ નથી! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 04 જૂન, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com