યોગ માણસને પોતાની
સાચી ઓળખ કરાવે છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
દુનિયામાં તણાવ અને તંગદિલીમાં સતત વધારો થઈ રહ્યો છે, એટલે જ
જેમ જેમ સમય જશે એમ એમ યોગની આવશ્યક્તા વધતી જવાની છે!
———–
આજે યોગ દિવસ છે. યોગ કોઈ વ્યાખ્યા કરવાનો વિષય નથી. યોગ તો અનુભૂતિનો વિષય છે. જે લોકો નિયમિત રીતે યોગ કરે છે એને પૂછી જોજો કે, યોગ કરવાથી શું થાય? તેનો જવાબ એવો જ હશે કે, યોગ એક એવો અલૌકિક અહેસાસ છે જે માણે એ જાણે! યોગ હવે આખી દુનિયાએ અપનાવ્યો છે. યોગ વિશે હજુ એવું જ કહેવાઇ રહ્યું છે કે, જેમ જેમ સમય જશે એમ એમ યોગની વધુ ને વધુ જરૂરિયાત વર્તાવાની છે. યોગ જ એવી ક્રિયા છે જે માણસને શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ અને સજ્જ રાખી શકે. તમે માત્ર થોડી મિનિટો યોગને આપો, યોગ તમારો આખો દિવસ સુધારી દેશે. યોગનો અનુભવ થશે એ પછી તો તમને યોગની આદત પડી જશે. એક વખત એક યોગીને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે, યોગ અને કસરતમાં શું ફેર છે? યોગીએ જવાબ આપ્યો હતો કે, પ્લેઝર અને એન્જોયમેન્ટમાં જે ભેદ છે એ જ યોગ અને કસરતમાં છે. પ્લેઝર અંદર ઊઠે છે જ્યારે એન્જોયમેન્ટ બહારથી આવે છે. યોગ એ એવી ક્રિયા છે જેનાથી માણસને પોતાનામાં કંઈક ઉમેરાતું હોય એવું લાગે. યોગ સહજ છે, યોગ સાત્ત્વિક છે એટલે જ યોગ શ્રેષ્ઠ છે.
યોગનો સૌથી મોટો ફાયદો એ છે કે, એ માણસને પોતાની નજીક લઇ જાય છે. અધ્યાત્મની શરૂઆત પોતાને ઓળખવાના પ્રયાસથી જ શરૂ થાય છે. યોગ એવી અનુભૂતિ કરાવે છે કે, જે કંઈ છે એ આપણી અંદર જ છે. બહારની દોડ જ ખોટી છે. એક સરસ મજાની કથા છે. એક સાધુ હતા. સાધુના એક અનુયાયીએ તેમને પોતાના ઘરે સત્સંગ માટે આમંત્રણ આપ્યું. સાધુએ હા પાડી. અનુયાયી ખૂબ ધનવાન હતો. તેણે પોતાની બિલ્ડિંગના બારમા માળે સાધુ માટે રહેવાની વ્યવસ્થા ગોઠવી. આ જ માળે બધાને સત્સંગ માટે બોલાવ્યા. સેંકડો લોકો સત્સંગમાં આવ્યા. સાધુ પ્રવચન આપતા હતા. બરાબર એ જ સમયે ધરતીકંપ આવ્યો. સત્સંગ માટે આવેલા લોકો જીવ બચાવવા નીચે ભાગવા લાગ્યા. જોતજોતામાં તો આખો માળ ખાલી થઇ ગયો. થોડીક ક્ષણોમાં ધરતીકંપ અટકી ગયો. લોકો થોડાક સ્વસ્થ થયા. તેમને અચાનક યાદ આવ્યું કે, સાધુ મહારાજ ક્યાં? જેમણે બોલાવ્યા હતા એ અનુયાયી પાછા બારમા માળે ગયા. તેણે જોયું તો સાધુ જ્યાં બેઠા હતા ત્યાં જ સમાધિ અવસ્થામાં આરામથી બેઠા હતા. અનુયાયીએ સાધુને પૂછ્યું. તમને ડર ન લાગ્યો? તમે ભાગ્યા કેમ નહીં? સાધુએ હસીને જવાબ આપ્યો. ભાગ્યો’તોને! તમારી જેમ હું પણ ભાગ્યો હતો. ફર્ક એટલો હતો કે તમે બધા બહાર ભાગ્યા હતા અને હું મારી અંદર ભાગ્યો હતો. મેં એ વિચાર કર્યો કે, કુદરતે જે નિર્માણ કર્યું હશે એ થશે. ભગવાને મારી સાથે ધાર્યું હશે એ કરશે. બહાર ભાગવાનો કોઇ મતલબ નથી. આપણે જિંદગીમાં ક્રાઇસીસ આવે ત્યારે આવું જ કરતા હોઇએ છીએ. જવાનું હોય છે અંદર અને બહાર ફાંફાં મારતા રહીએ છીએ. ઓળખવાના હોય છે પોતાને અને દુનિયા પાસે કરગરતા રહીએ છીએ. યોગ આપણને પોતાની સાચી ઓળખ કરાવે છે.
પોતાને સાધવાની, પોતાને સમજવાની અને પોતાને પામવાની પ્રક્રિયા એક રીતે જોવા જઇએ તો અઘરી નથી. તમે શાંતિથી ધ્યાન ધરીને બેસો તો ખરા. સ્વ સાથે થોડીક ક્ષણો મૌન તો રહો. વિચારોને પણ શાંતિ ખપતી હોય છે. આપણે મગજને પણ ક્યાં નવરું રહેવા દઇએ છીએ? વિચારોની ગતિ મર્યાદા ચૂકે ત્યારે જિંદગી ગોથે ચડી જાય છે. શાંતિ તો આપણી આસપાસ હોય છે. સુખ તો આપણી નજીક જ હોય છે. આપણે તેનાથી દૂર હોઇએ છીએ. યોગ એટલે પોતાની નજીક આવવાની ક્રિયા. યોગ કરતા હશે તેને એવી અનુભૂતિ થઇ જ હશે કે, બધું મારી સાથે અને મારી પાસે જ છે. મારે ક્યાંય ભટકવાની જરૂર જ નથી. યોગ કંઇ આજકાલના નથી. યોગ તો પાંચ વર્ષ જૂની પદ્ધતિ છે. એ વખતથી જ્યારે કસરતની કોઇને ખબર નહોતી. શ્રમ સહજ હતો. જિમની તો કોઇએ કલ્પના સુધ્ધાં કરી નહોતી. એક રીતે જોવા જઇએ તો જ્યારે કંઇ જ નહોતું ત્યારે પણ યોગ હતો. યોગ એટલે એકાંતનું એવું પરમ સ્ટેજ જ્યાં માણસને પોતાની સાથે મુલાકાત થાય છે. બધું જ ભુલાઇ જાય છે. પોતાનું અસ્તિત્વ પણ યાદ ન રહે ત્યારે પરમ શાંતિનો અનુભવ થાય છે અને એ માત્ર ને માત્ર યોગથી જ શક્ય બને છે.
યોગ પહેલાં પણ હતો, આજે પણ છે અને યોગ કાયમ માટે રહેવાનો છે. અત્યારના આધુનિક અને હાઇટેક સમયમાં લોકોની લાઇફસ્ટાઇલ સતત ઉચાટમાં રહે એવી જ થઇ ગઇ છે. દરેકના ચહેરા પર એક છૂપો અજંપો છે. ભાગ્યે જ કોઇ માણસના ચહેરા પર હળવાશ જોવા મળશે. હસવાનું લોકો ભૂલતા જાય છે. આખો દિવસ માણસ મોબાઇલમાં રચ્યાપચ્ચા રહે છે. પોતાના સ્ટેટસમાં લાઇફ ઇઝ બ્યુટીફૂલ લખે છે પણ બ્યુટીફૂલ કોને કહેવાય એની જ ખબર નથી. એક દોડ મચી છે. એવી દોડ જે ક્યાંય ખતમ જ થતી નથી. યોગ તમને એ વિચારવાની તક આપે છે કે, આખરે દોડી દોડીને જવું છે ક્યાં? ક્યાંય પહોંચવું હશે, કોઇ સફળતા મેળવવી હશે, સ્વાસ્થ્ય સાચવવું હશે તો પણ અંતે તો યોગ અકસીર સાબિત થવાનો છે. હવે માણસ નાનીનાની વાતે ઉશ્કેરાઇ જાય છે. જિંદગીમાં નાનીઅમથી કોઇ ઘટના બને તો ડિસ્ટર્બ થઇ જાય છે. મનોચિકિત્સકોને ત્યાં ભીડ વધતી જાય છે. આપણી આસપાસ જે કાંઇ થઇ રહ્યું છે એ અશાંતિ જ પેદા કરે એવું છે. માણસ ખુશ રહેવા માટે, સુખ ફીલ કરવા માટે અને શાંતિ શોધવા માટે નાણાં ખર્ચે છે પણ ક્યાંય શુકૂન મળતું નથી. યોગ આ બધાનો ઉપાય છે. મજાની વાત એ છે કે, યોગમાં નયા ભારનો ખર્ચ નથી. બધા યોગ અઘરા નથી. આખેઆખું શરીર આપણે ઇચ્છીએ એમ વળી જાય એ જ માત્ર યોગ નથી પણ આપણું મન આપણા કાબૂમાં રહે એ જ ખરો યોગ છે.
લોકો સૌંદર્ય પાછળ હજારો, લાખો રૂપિયા ખર્ચે છે. ગમે એવો મેકઅપ કરાવે તો પણ ચહેરા પર તેજ આવતું નથી. સૌંદર્ય પ્રસાધનનો ઉપયોગ કરશો તો પણ થોડો સમય સારા દેખાશો. મેકઅપ જેવો હટશે કે તરત જ ઓરિજિનલ ચહેરો દેખાઇ જ આવવાનો છે. યોગમાં સૌંદર્ય જાળવવાની પણ ગજબની ખૂબી છે. એવું સૌંદર્ય જેમાં સહજતા અને સૌમ્યતા છે. નિયમિત રીતે યોગ કરનારની ઓરા જોજો, તમને એનામાં કંઇ સ્પર્શ્યા વગર નહીં રહે. આજે યોગ દિવસ છે. લોકોનાં સ્ટેટસમાં આજે યોગની મુદ્રાઓ કે યોગની તસવીરો જોવા મળશે. ફાઇન, એમાં પણ કશું ખોટું નથી પણ સાચી અનુભૂતિ તો ત્યારે જ થશે જ્યારે યોગનો અનુભવ કરશો. યોગ વિશે એવો સવાલ પણ કરવામાં આવે છે કે, યોગની વ્યાખ્યા શું? યોગની વ્યાખ્યાઓ તો શબ્દો દ્વારા ઘણી રીતે કરવામાં આવી છે. અલબત્ત, યોગ એ વ્યાખ્યા કરવાનો વિષય નથી. યોગ એ તો અનુભવ, અહેસાસ, અનુભૂતિ અને પોતાની ઓળખનો વિષય છે. યોગ દિવસની સાચી ઉજવણી યોગની નજીક જવામાં છે, કારણ કે યોગ જ આપણને આપણી નજીક લઇ જવાની ક્ષમતા ધરાવે છે. યોગ દિવસની શુભકામનાઓ.
હા, એવું છે!
યોગ વિશે દેશ અને દુનિયામાં અસંખ્ય અભ્યાસો, સંશોધનો, સરવૅ અને રિસર્ચ થયાં છે. આ તમામે તમામમાં યોગને માત્ર ને માત્ર ફાયદારૂપ જ ગણાવાયો છે. યોગ એક એવી પ્રક્રિયા છે જેની કોઇ નકારાત્મક અસરો છે જ નહીં! સામા પક્ષે યોગથી થતાં ફાયદાઓનું લાંબું લિસ્ટ છે. યોગ વિશે એવું પણ કહેવાયું છે કે, યોગને ધર્મ સાથે નહીં પણ મર્મ અને કર્મ સાથે વધુ લાગેવળગે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 21 જૂન, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
