મારે એની દરેકે દરેક ઇચ્છા પૂરી કરવી છે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


મારે એની દરેકે દરેક
ઇચ્છા પૂરી કરવી છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


સૌને બારીમાંથી દ્વાર થવું છે,
મારે તો બસ ખુદની પાર થવું છે,
આજ ફૂલો પણ લો એ વાતે ઝઘડ્યાં,
સૌને ઈશ્વર દ્વારે હાર થવું છે.
-કમલેશ ચૌધરી `અમન’


ઘડિયાળના કાંટા એકસરખી ગતિએ ફરતા રહે છે પણ સમય ક્યારેય એકસરખો રહેતો નથી. સમયની ફિતરત જ માણસને ક્યારેય ન સમજાય એવી છે. સમય ઘડીકમાં માણસને સાતમા આસમાને પહોંચાડી દે છે તો ક્યારેક સમય માણસને એવી જગ્યાએ મૂકી દે છે જ્યાં કોઇની નજર જ ન પડે. દોમદોમ સાહ્યબીમાં જીવતા માણસને સમય પાઇ પાઇ માટે મોહતાજ કરી દે છે તો ક્યારેક કોઇ ભાવ પણ ન પૂછતું હોય એવા માણસને સર્વોચ્ય સ્થાને બેસાડી દે છે. સમય ક્યારેક આપણી સાથે એવી રમત રમે છે કે, આપણું ક્યાંય ધ્યાન ન પડે! સમજાય જ નહીં કે, આપણી સાથે આ બધું શું થઇ રહ્યું છે? સમય પાછો અચાનક બધું સારું પણ કરી દે છે. સારું થાય ત્યારે એવું લાગે છે જાણે કોઇ ચમત્કાર થયો! આપણા બધાની લાઇફમાં ક્યારેક ને ક્યારેક અણધાર્યા વળાંક આવ્યા જ હોય છે.
સમય ક્યારેય કોઇના કંટ્રોલમાં રહ્યો નથી. એક યુવાન હતો. નાની ઉંમરે તેણે ઘણી ચડતીપડતી જોઇ હતી. એ યુવાનનો ભેટો એક સંત સાથે થઇ ગયો. યુવાને સંતને પૂછ્યું, સમયને કંટ્રોલમાં રાખવાનો કોઇ ઉપાય છે ખરો? સંતે કહ્યું, હા છેને! સમયને છટકવા ન દેવો એ સમયને મર્યાદામાં રાખવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. યુવાને પૂછ્યું, એ કેવી રીતે બને? સંતે કહ્યું, દરેકે દરેક ક્ષણ પૂરેપૂરી જીવીને! દરેક પળમાં સોએ સો ટકા ઓતપ્રોત થઈને! આપણે ઘણી વખત સમયની સાથે તાલ મિલાવી શકતા નથી એટલે સમય આગળ નીકળી જાય છે. સમયનો સ્વભાવ સતત સરકતા રહેવાનો છે અને આપણે એવું માનીને ફરીએ છીએ કે, હજુ તો ઘણો સમય છે. સમયને આપણે અંડરએસ્ટિમેટ કરીએ છીએ એટલે જ સમય આપણને થાપ આપી જાય છે. આપણે કેટલું બધું કાલ ઉપર પેન્ડિંગ રાખીએ છીએ? કરીશું, થઇ જશે, એવી ક્યાં ઉતાવળ છે? દિવસના ક્યાં દુકાળ છે? ફુરસત મળે એટલે કરીશું! સમય ક્યારેય ફુરસત આપતો જ નથી.
મોટા ભાગે અફસોસનું કારણ એ હોય છે કે, આપણે જ્યારે જે કરવું જોઇએ એ કરતા નથી! એક સાવ સાચો કિસ્સો છે. એક પતિ-પત્ની હતાં. બંનેએ લવમેરેજ કર્યાં હતાં. બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરતાં હતાં. પતિને બહુ સારો બિઝનેસ હતો. બધું સરસ ચાલતું હતું. કોઇ જ પ્રોબ્લેમ નહોતો. લગ્ન કર્યાં ત્યારે પતિએ પત્નીને કહ્યું હતું કે, હું તારી બધી જ ઇચ્છાઓ પૂરી કરીશ. પતિએ તો પત્નીની ઇચ્છાઓનું એક લિસ્ટ પણ બનાવ્યું હતું. લિસ્ટ સામે હતું પણ પતિને એમ થતું હતું કે, સમય આવ્યે બધું કરીશું. પત્નીના વિશ-લિસ્ટમાં એક હતી યુરોપની ટૂર! યુરોપની ટૂર પર જઇ શકાય એટલાં નાણાં તો હતાં પણ પતિને બિઝનેસમાંથી સમય જ નહોતો મળતો. પત્ની ક્યારેય જીદ ન કરતી. એક દિવસ અચાનક પત્નીને ચક્કર આવ્યાં અને તે પડી ગઇ. તેને દવાખાને લઇ જવામાં આવી. બધા રિપોર્ટ્સ કરાવ્યા. ડૉક્ટરે પતિને બોલાવીને કહ્યું કે, તમારી વાઇફને બ્રેન ટ્યૂમર છે. હવે તેની પાસે લાંબો સમય નથી. મેક્સિમમ એક વર્ષ. પતિને આઘાત લાગ્યો. તેણે ડૉક્ટરને રિકવેસ્ટ કરી કે પ્લીઝ, તમે મારી પત્નીને ન કહેતા કે તેની પાસે હવે લાંબો સમય નથી. પતિએ પત્નીથી બીમારી જીવલેણ છે એની વાત છુપાવી.
પતિને પત્નીનું વિશ-લિસ્ટ યાદ આવ્યું. થોડા જ દિવસોમાં પતિએ પત્નીને કહ્યું કે, આપણે યુરોપની ટૂર પર જઇએ છીએ. પત્નીએ પૂછ્યું, કેમ આમ અચાનક? પતિએ કહ્યું, અરે, આપણે તો જવું જ હતુંને? હવે હું બિઝનેસમાંથી નીકળી શકું એમ છું તો થયું કે ફરી આવીએ. મારે તારી દરેક ઇચ્છાઓ પૂરી કરવી છે. બીમારીથી અજાણ પત્ની ખૂબ ખુશ થઇ. બંનેએ યુરોપની ટૂર પર જવાની તૈયારીઓ શરૂ કરી. પતિના મિત્રને આ વાતની ખબર પડી ત્યારે તેણે કહ્યું કે, આ તારે વહેલા કરવાની જરૂર હતી! મિત્રની વાત સાંભળીને યુવાને એવું કહ્યું કે, મારી વાઇફને ક્યાં ખબર છે કે એના પાસે હવે વધુ સમય નથી? મિત્રએ કહ્યું, તારી વાઇફને ખબર નથી પણ તને તો ખબર છેને? એ કોઇ પણ જાતની ફિકર વગર ફરતી હશે તો પણ તું મજામાં રહી શકીશ? તું આ ટૂર એન્જોય કરી શકીશ? તારા બેકઅપ માઇન્ડમાં સતત એ વાત ઘોળાતી રહેશે કે, એ હવે લાંબો સમય મારી સાથે નથી! તું એની ઇચ્છા પૂરી કરે છે પણ એ ક્યારે કરે છે? તું તો તારું ગિલ્ટ ઓછું કરવા માટે હવે બધું કરી રહ્યો છે. એ ચાલી જાય પછી તને એમ ન થાય કે મેં તેની ઇચ્છા પૂરી ન કરી! આપણે બધા ઘણી વખત ઘણુંબધું કરતા હોઇએ છીએ પણ ટાઇમિંગ ગલત હોય છે. એન્ડ ટાઇમે ગમે એટલું કરો તો પણ એનો મતલબ રહેતો નથી.
બીજી એક ઘટના પણ સમજવા જેવી છે. એક માતા-પિતાનો એકનો એક દીકરો હતો. બહુ જ ડાહ્યો અને હોશિયાર. ભણવામાં અવ્વલ. સ્ટડી પૂરો કર્યો ત્યાં જ વિદેશી કંપનીની ઓફર આવી અને એ લંડન ચાલ્યો ગયો. મા-બાપ ભારતમાં એકલાં હતાં. કોઇ ફરિયાદ નહોતી પણ મા-બાપને એમ થતું કે, દીકરો થોડા દિવસો તેની સાથે રહે. દીકરાને સમય જ નહોતો મળતો. મા-બાપ વૃદ્ધ થઇ ગયાં. દીકરાને થયું કે, મા-બાપને મારે સમય આપવો જોઇએ. એ થોડા દિવસ ઇન્ડિયા આવ્યો. તેણે મા-બાપને કહ્યું કે, હવે હું દર થોડા સમયે થોડાક દિવસો માટે તમારી સાથે રહેવા આવીશ. પિતાએ કહ્યું કે, એવી કોઇ ચિંતા ન રાખતો. આમેય હવે અમારો સમય તો ઘરમાં અને પથારીમાં જ વીતે છે. જ્યારે ક્યાંક જઇ શકાય એમ હતું અને શરીર ચાલતું હતું ત્યારની વાત અલગ હતી. આટલી ગઇ છે તો હવે બાકીની લાઇફ પણ ચાલી જશે. સાથે મજા કરવાની પણ એક ઉંમર હોય છે. આપણે ઘણી વખત સેવા કરવા જઇએ છીએ પણ મજા કરાવવા જતા હોતા નથી!
બીજા માટેની વાત તો દૂર છે, માણસ પોતાના માટે પણ સમય કાઢતો નથી. તમને કોઈ પૂછે કે, તમારું બકેટ લિસ્ટ શું છે તો તમે શું જવાબ આપો? વિચારી જોજો. એમાંથી ઘણું એવું હશે જે તમે આજે જ પૂરું કરી શકો! તમને કોણ રોકે છે? જિંદગી પ્લાનિંગમાં ન જવી જોઇએ પણ એક્ઝિક્યૂશનમાં જવી જોઇએ. જીવી લો, કોઇ ના નથી પાડતું! આપણે જ આપણને રોકતા હોઇએ છીએ. એક વૃદ્ધની આ વાત છે. ઉંમર મોટી હતી. એક વખત પરિવાર સાથે બેઠા હતા. હસતાં હસતાં એવું બોલ્યાં કે, ઈશ્વર ગમે ત્યારે બોલાવી લે તો પણ કોઇ પ્રોબ્લેમ નથી! આ વાત સાંભળીને દીકરાના દીકરાએ પૂછ્યું, તમને જિંદગીથી સંતોષ છે? દાદાએ કહ્યું, હા પૂરેપૂરો સંતોષ છે. એનું કારણ એ છે કે, મેં ક્યારેય જે કરવું હતું એ કરવામાં મોડું કર્યું નથી. મનને મારી રાખ્યું નથી. હા, આપણે ધારતા હોઇએ એ બધું ન થાય! જોકે, જિંદગીમાં ન થાય એવું હોય એના કરતાં થાય એવું ઘણું બધું હોય છે. તમને માલદીવ જવાની ઇચ્છા હોય અને માનો કે તમે માલદીવ ન જઇ શકો પણ ગોવા તો જઇ શકોને? બધું ન કરી શકાય તો કંઇ નહીં, જેટલું થાય એટલું તો કરો જ! મેં એવું જ કર્યું છે. બે ઘડી વિચારજો, તમે તમારી ઇચ્છાઓ પૂરી કરો છો ખરા? જે પોતાની ઇચ્છાઓ પૂરી કરતો નથી, એ બીજાની ઇચ્છાઓ તો ક્યાંથી પૂરી કરવાનો છે? સમય નથી મળતો એ બહાનું છે, આપણે સમય કાઢવો નથી હોતો. જેને સમય કાઢવો છે એ ગમે તેમ કરીને કાઢી જ લે છે, પોતાના માટે અને પોતાની વ્યક્તિ માટે પણ! સમય નથી કાઢતા એણે જ બહાનાં કાઢવાં પડે છે!
છેલ્લો સીન :
કામ કાલ પર છોડજો પણ પ્રેમ કરવામાં, દિલની વાત કહેવામાં અને પોતાની વ્યક્તિ માટે જે કરવું હોય એ કરવાનું ક્યારેય પેન્ડિંગ ન રાખતા. પેન્ડિંગ રહી જતું ઘણું બધું ક્યારેક પરમેનન્ટ પેઇન બનીને રહી જતું હોય છે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 05 માર્ચ, ૨૦૨૩, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: