ચાલ, આપણે એકડે એકથી બધું ફરીથી શરૂ કરીએ! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


ચાલ, આપણે એકડે એકથી
બધું ફરીથી શરૂ કરીએ!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


જિંદગી સે યહી ગિલા હૈ મુઝે, તૂ બહુત દેર સે મિલા હૈ મુઝે,
તૂ મોહબ્બત સે કોઈ ચાલ તો ચલ, હાર જાને કા હૌસલા હૈ મુઝે.
-અહમદ ફરાઝ


જિંદગીને સમજવી બહુ અઘરી છે. એનું કારણ એ છે કે, જિંદગી ક્યારેય પૂરેપૂરી સમજાતી જ નથી. આપણે એવું માનતા હોઇએ છીએ કે, હું જિંદગીને સમજું છું પણ જિંદગી આપણને ક્યારેક એવા ગોટે ચડાવી દે છે કે આપણે આપણને જ મળતા નથી! જિંદગીમાં ઘણું બધું હવા અને શ્વાસ જેવું હોય છે. જે દેખાતી નથી એ હવા આપણે શ્વાસમાં ભરીએ છીએ અને એનાથી જ આપણી જિંદગી ચાલે છે. જિંદગીમાં પણ ક્યાં બધું દેખાતું હોય છે? એ તો માત્ર અનુભવાતું હોય છે! પ્રેમ ક્યાં દેખાય છે? લાગણી ક્યાં માપી શકાય છે? દુશ્મની પણ કેટલી છે એ ક્યાં ખબર પડે છે? કોના મનમાં શું ચાલી રહ્યું છે એ ક્યાં કળી શકાય છે? એક યુવાન હતો. તે એક સાધુ પાસે ગયો. તેણે સાધુને પૂછ્યું, જિંદગી શું છે? સાધુએ કહ્યું કે, પહેલાં તું કહે, તું જિંદગી વિશે શું માને છે? યુવાને કહ્યું કે, જિંદગી જેમ જેમ સમજાતી જાય છે એમ એમ વધુ વેદના આપતી જાય છે. ક્યારેક તો એમ થાય છે કે, જિંદગી સમજાતી જ ન હોત તો કેવું સારું હતું? શાળામાં મિત્રો હતા ત્યારે કોઇને કોઇ પાસે કંઇ જ અપેક્ષાઓ નહોતી. મોટા થયા. સમજતા થયા. મિત્રો પાસેથી અને પોતાના લોકો પાસેથી પણ અપેક્ષાઓ રાખવા માંડ્યા. પ્રેમ કરવા માટે પણ પ્રયત્નો કરવા પડે છે. પોતાના લોકોને રાજી રાખવાનો પણ થાક લાગે છે. સફળ થવાનું ટેન્શન છે. ટકી રહેવા માટે ઝઝૂમવું પડે છે. ક્યારેક તો સમજાતું નથી કે, લાઇફમાં શું ચાલી રહ્યું છે? સાધુ હસવા લાગ્યા. સાધુએ હળવેકથી પૂછ્યું, જીવવાની મજા આવે છે ખરી? જો મજા ન આવતી હોય તો માનજે કે, જિંદગી તને સમજાઇ જ નથી! તું જિંદગીને સમજવાનો પ્રયાસ કરે છે પણ તારી દિશા જ સાવ જુદી છે. તું દુ:ખ, પીડા, વેદના, ઉપાધિ, ટેન્શન અને પ્રેશરના પોઇન્ટ્સથી જિંદગીને સમજવાનો પ્રયાસ કરે છે. તારી તો રીત જ ખોટી છે. તું જિંદગીને સુખ, શાંતિ, સંબંધ, કરુણા, આનંદ, ખુશી અને હળવાશથી સમજ તો જિંદગી સાચી રીતે સમજાશે.
આપણે ક્યારેય વિચારીએ છીએ કે, આપણી જિંદગી કઈ તરફ જઇ રહી છે? એક સંતે તેના શિષ્યને પૂછ્યું, તારી જિંદગી કઇ તરફ જઇ રહી છે? શિષ્યએ જવાબ આપ્યો કે, મૃત્યુ તરફ! સંતને આઘાત લાગ્યો. તેણે કહ્યું, મૃત્યુ તરફ? જિંદગી તો જીવન તરફ જવી જોઇએ. જિંદગીને સૌથી પહેલાં તો આયુષ્યથી સમજવી જોઇએ. એ પછી દાયકાઓમાં વિભાજિત કરીને જિંદગી પર નજર માંડવી જોઇએ. બાદમાં વર્ષ, મહિનો, દિવસ, કલાક, મિનિટ અને છેલ્લે ક્ષણને સમજવાની હોય છે. ક્ષણ નહીં સમજાય તો સમય નહીં સમજાય, સમય નહીં સમજાય તો જિંદગી નહીં સમજાય! ક્ષણને જીવતા આવડે છે? ક્ષણને જ મણ જેવી કરી નાખીએ તો જિંદગી ભારે જ લાગેને? ચેક કરો, તમારી અત્યારની ક્ષણ કેવી છે? તમે અત્યારે હળવા છો? તમને અત્યારે જીવવાની મજા આવે છે? તો તમે સુખી છો! તો તમે જિંદગીને સમજો છો અને તો તમે જિંદગીને જીવી જાણો છો!
એક જિંદગીમાં પણ ઘણી બધી જિંદગી જિવાતી હોય છે. બચપણની જિંદગી જુદી હોય છે. યુવાનીની લાઇફ વળી તદ્દન અલગ જ હોય છે. જિંદગીના પણ અલગ અલગ પડાવ હોય છે. આ પડાવ દરમિયાન ઘણું બધું આવે છે, ઘણું બધું છૂટે છે, કેટલુંક પાછું પણ મળે છે. એક છોકરો અને છોકરી હતાં. બંને કૉલેજમાં સાથે ભણતાં હતાં. બંને એકબીજાને પસંદ કરતાં હતાં પણ કાસ્ટ જુદી જુદી હતી એટલે એકબીજાને કહેતાં ડરતાં હતાં. છોકરાએ એક વખત હિંમત કરીને પ્રેમનો એકરાર કરી દીધો. છોકરીએ કહ્યું કે, મને પણ તું ગમે છે પરંતુ મારા ઘરના લોકો નહીં માને. આપણે સારા દોસ્ત બનીને રહીએ એ જ બહેતર છે. સમય વિતતો ગયો. કૉલેજ પૂરી થઇ. બંને પોતપોતાની જિંદગી તરફ વળી ગયાં. બંને જોબ કરવા લાગ્યાં. ચાર વર્ષ પછી છોકરાએ જોબ ચેન્જ કરી. એ નવી જગ્યાએ ગયો તો તેના આશ્ચર્યનો પાર જ ન રહ્યો. તેની દોસ્ત ત્યાં જ જોબ કરતી હતી. બંનેએ હજુ મેરેજ કર્યાં નહોતા. એક વખત છોકરીએ કહ્યું કે, ચાલ, આપણે બધું જ ફરી એકડે એકથી શરૂ કરીએ. છોકરાએ સવાલ કર્યો, હવે કોઇ પ્રોબ્લેમ નહીં થાય? છોકરીએ કહ્યું કે, પ્રોબ્લેમ તો થશે જ પણ હવે પ્રોબ્લેમનો સામનો કરવાની મારી તૈયારી છે. જિંદગીમાં અમુક વખતે આપણે તૈયાર હોતા નથી. ધીમેધીમે સમજ આવે છે. લડવાની પણ તાકાત મળે છે.
માણસમાં સમજ આવવાની પણ એક રિધમ હોય છે. એક સમય હોય છે. એક વયોવૃદ્ધ વ્યક્તિ હતી. તેને એક યુવાને સવાલ પૂછ્યો. તમે જે જિંદગી જીવ્યા છો એ જો પાછી જીવવાની મળે તો તમે કઈ ભૂલો ન કરો? વૃદ્ધ હસી પડ્યા અને કહ્યું કે, ભૂલો? ભૂલો વગરની જિંદગી થોડી હોવાની? મેં કરી છે એ ભૂલો ન કરું તો નવી ભૂલો કરીશ પણ ભૂલો તો થવાની જ છે. ભૂલ થાય એનો વાંધો નથી, ભૂલ સમજાવી જોઇએ. જે ભૂલ સુધરી શકે એ સુધારવી જોઇએ. જે સુધરી શકે એમ ન હોય એને ભોગવી લેવાની હોય છે! આપણે બધા કંઇક ને કંઇક ભોગવતા જ હોઇએ છીએ. આપણી અંદર સતત કંઇક ચાલતું જ હોય છે. કાશ, જિંદગીમાં આમ થયું હોત તો કેવું સારું હતું? કાશ, એ સમયે ભૂલ ન કરી હોત તો કેટલું સારુ થાત? ક્યારેક તો એવું લાગે છે કે, એ વિચારો પણ ખોટા છે. યાદ કરવું હોય તો એ યાદ રાખો જે જિંદગીમાં સારું થયું છે. દરેક માણસને નાની-મોટી સફળતા મળી જ હોય છે. આખી જિંદગી ક્યારેય ખરાબ હોતી જ નથી. જિંદગીનો અમુક સમય ખરાબ હોઈ શકે પણ એમાંયે જો આપણે ધ્યાનથી જોઇએ તો ખરાબ સમય ઓછો અને સારો સમય જ વધુ હોય છે. જેને જિંદગી ખરાબ લાગે છે એ મોટા ભાગે ખરાબ સમયને જ પકડીને બેઠા હોય છે. જિંદગીમાં શું પકડી રાખવું એની જેને સમજ છે એને જિંદગી ખરાબ લાગતી નથી.
જિંદગીને હળવાશ અને ઉત્સાહથી ચકચકિત રાખવી પડે છે. જો જિંદગીને ચમકતી ન રાખીએ તો જિંદગી પર પણ કાટ લાગી જાય છે. પાગલપન એ બીજું કંઇ નથી પણ જિંદગી પર લાગી ગયેલો કાટ છે. જિંદગીને સમયે સમયે તપાસતા રહેવું પડે છે કે, જિંદગી રાઇટ ટ્રેક પર તો છેને? હસવાનું ઘટી નથી ગયુંને? ભસવાનું વધી નથી ગયુંને? આપણે કેટલા પ્રસન્ન હોઇએ છીએ? માત્ર બહારથી જ નહીં, અંદરથી પણ! એક યુવાનની આ વાત છે. એના ચહેરા પર ખુશી જ વર્તાતી નહોતી. એ ખુશ રહેવાનો બહુ પ્રયાસ કરતો હતો. એક વખત એક સંતનો તેને ભેટો થઇ ગયો. સંતને તેણે કહ્યું કે, ગમે તે કરું, મજા આવતી નથી. ખુશ રહેવાનો બહુ પ્રયાસ કરું છે પણ મેળ પડતો નથી. સંતે કહ્યું કે, તને સાચી ખુશી ત્યારે જ મળશે જ્યારે એ ખુશી સહજ હશે. મહેનત કરીને ખુશી પેદા કરી શકાતી નથી. એવી ખુશી મળે તો પણ એ લાંબી ટકતી નથી. વિચારો જ્યારે બદલાશે ત્યારે બદલાવ આવશે. વિચારોમાં જ ચિંતા, ફિકર, ઉપાધિ, અફસોસ અને વસવસો હોય તો ખુશી ક્યાંથી વર્તાવાની છે? બધો જ ભાર ખંખેરી નાખ, હળવાશ તો જ લાગશે! આપણે બેગેજ લઇને ફરીએ છીએ એટલે જ ભાર લાગે છે. હળવા રહેવા અને જિંદગી જીવવા માટે ભાર ઉતારી નાખવો પડતો હોય છે!
છેલ્લો સીન :
આપણે માનતા હોઈએ એ જ સાચું અને આપણે ન માનતા હોઈએ એ ખોટું એવું ક્યારેય હોતું નથી. આપણને જેની ખબર ન હોય એને ખોટું હોય એવું જરૂરી નથી. દરેક સત્ય પણ આપણને ક્યાં ખબર હોય છે? -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 01 જાન્યુઆરી ૨૦૨૩, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *