હું એવું ન કરી શકું,
મારે એમાં નથી પડવું!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
આ ક્ષણો દુશ્મન બની ચોકી કરે, કોને કહું?
ને હવા પણ મારી જાસૂસી કરે, કોને કહું?
મોકલે છે કોણ જાસો રોજ મારા નામનો?
ગુપ્તવેશે કોઇ બદમાશી કરે, કોને કહું?
-ચતુર પટેલ
કોઇ કામ કરવું કે ન કરવું? કોઇ વાતમાં પડવું કે ન પડવું? કોઇની વાત માનવી કે ન માનવી? દિલ કહે એમ કરવું કે પછી દિમાગનું કહ્યું માનવું? આપણી જિંદગીમાં ઘણી વખત ટુ બી ઓર નોટ ટુ બીની સ્થિતિ પેદા થતી જ હોય છે. આરામથી ચાલ્યા જતા હોઇએ અને આગળ એક સાથે અનેક રસ્તા ખૂલતા હોય ત્યારે એવી દ્વિધા થવાની જ છે કે, કયા રસ્તે જવું? સામાન્ય રસ્તો હોય તો પાછા પણ વળી શકાય, જિંદગી દરેક વખતે ઓપ્શન આપતી નથી. જિંદગી પણ ઘણી વખત આપણને વન-વે પર મૂકી દે છે, જ્યાંથી પાછું ફરવું શક્ય હોતું નથી. જિંદગીમાં ક્યારેક એવું પણ થતું હોય છે કે, આપણી સામે જેટલા વિકલ્પો હોય એ બધા જ સારા હોય, બંને હાથમાં લાડુ હોય અને એવું કહેવામાં આવે કે, એક લાડુ જ રાખવાનો છે, એક છોડવાનો છે ત્યારે કયો લાડુ છોડવો એ નક્કી કરવું અઘરું હોય છે. ઘણી વખત આપણે કિંગ ટોસ કરીને કે ચિઠ્ઠી ઉછાળીને નિર્ણય કરીએ છીએ. વાત સાદીસીધી હોય ત્યારે આવું કરીએ એ ઠીક છે પણ જિંદગીના કેટલાંક નિર્ણયો સમજી વિચારીને લેવા પડતા હોય છે.
કોઈ નિર્ણય કરી લીધા પછી પણ ક્યારેક એવું ફીલ થાય છે કે, આમ કર્યું એના કરતાં તેમ કર્યું હોત તો સારું હતું. એક યુવાનની આ વાત છે. બિઝનેસ માટે તેની પાસે ઘણા ઓપ્શન હતા. એક વિકલ્પ તેણે પસંદ કર્યો. ધંધો જમાવવા માટે ખૂબ મહેનત કરવી પડતી હતી. એક વખત તેણે પોતાના ફ્રેન્ડને કહ્યું કે, યાર, ખોટી લાઇન પસંદ થઇ ગઇ. આના કરતાં બીજો ધંધો શરૂ કર્યો હોત તો સારું હતું. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, એ તો તેં બીજો ધંધો નથી કર્યો એટલે તને એવું લાગે છે. બીજા ધંધામાં પણ કોઇ ગેરન્ટી તો હતી જ નહીંને? એક વખત નિર્ણય કરી લીધા પછી અફસોસ કરવો એના જેવી મૂર્ખામી બીજી કોઇ નથી. ઝુકાવ્યું છે તો લડી લેવાનું. સાચો પડે કે ખોટો, સફળ જાવ કે નિષ્ફળ, એ મારો નિર્ણય હતો. પોતાના ડિસિઝનનું જેને પ્રાઉડ નથી હોતું એ અફસોસ જ કરતા રહે છે. એક વખત નિર્ણય કરો અને તેને વળગી રહો. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે ઝડપથી સફળ થવું હોય છે. આપણે જે પ્લાનિંગ કરીએ છીએ એ પણ ફટાફટ રિઝલ્ટ આપે એવું કરીએ છીએ. સફળતાની પણ એક રિધમ હોય છે. એક સ્ટ્રોકમાં પેઇન્ટિંગ બનતું નથી. સાજ વગાડવાની સાથે ધૂન બેસી જતી નથી. ચાકડા પર માટી મૂકતા જ માટલું બની જતું નથી. સમય લાગતો હોય છે. સંબંધ પણ ક્યાં પહેલા ધડાકે જામી જતો હોય છે? એકબીજાને મળીએ, વાતો કરીએ, સમજીએ, ક્યારેક થોડાક ઝઘડીએ ત્યારે એકબીજા સાથે જામશે કે નહીં જામે એ નક્કી થતું હોય છે. કંઈ પણ હોય, એ સમય માંગી લે છે!
અવઢવ થાય, મૂંઝવણ અનુભવાય કે અસમંજસ રહે ત્યારે દિલ કહે એ સાંભળવું જોઇએ. દિલ કહે એ સાંભળો. દિલ પણ ક્યારેક બદમાશી કરતું હોય છે. ક્યારેક એક વાત કરે અને ક્યારેક પલટી મારી જાય. આમ છતાં કંઈક એવું હોય છે જેના વિશે દિલ આપણને વારંવાર કહેતું રહે છે કે, આમ કર. પ્રેમ અને સંબંધ માણસને સવાલો કરે છે. જવાબ માંગે છે. પ્રેમમાં એક વાત યાદ રાખવાની હોય છે કે, અમુક લોકો માટે લાંબું નહીં વિચારવાનું. એક યુવાનની આ વાત છે. તેની એક પ્રેમિકા હતી. બંનેને સારું બનતું હતું. પ્રેમિકાને એક સાહસ કરવું હતું. પ્રેમીને એવું લાગતું હતું કે, એ કરવા જેવું નથી. પ્રેમિકાએ ફાઇનલ હા કે ના પાડવાનું કહ્યું ત્યારે પ્રેમીએ ફટાક દઇને હા પાડી દીધી. પ્રેમિકાએ કહ્યું, મને એમ હતું કે, તું ઘસીને ના પાડી દઇશ પણ તેં તો હા પાડી. તેં આવું કેમ કર્યું? પ્રેમીએ કહ્યું, દરેક વખતે હું સાચો હોઉં એવું જરૂરી નથી. સાચો પ્રેમ એ છે જે દરેક વાતમાં સાથ આપે. માનો કે તું નિષ્ફળ જઇશ તો પણ થઇ થઇને શું થઇ જવાનું છે? તું સફળ નહીં થાય તો પણ હું તારી સાથે હોઇશ. હું તો તારા માટે મારાથી થઇ શકે એ બધું જ કરીશ, જેના કારણે તું નિષ્ફળ ન જાય. હું તારી સાથે છું. આપણે કોઇને પ્રેમ કરતા હોઇએ ત્યારે એવું ઇચ્છવા લાગીએ છીએ કે, એ મારું કહ્યું માને. સાચો પ્રેમ એ છે કે, એને જે કરવું હોય એ કરવા દે, માત્ર કરવા જ ન દે, દરેક સ્થિતિમાં એની સાથે રહે. સાથ હોવાની એક જબરજસ્ત તાકાત છે. કોઇ મનથી સાથે હોય ત્યારે માણસની શક્તિ બેવડાઇ જતી હોય છે. એક ભરોસો પણ હોય છે કે, હું નિષ્ફળ જઇશ તો પણ મને સંભાળી લેશે. પ્રેમમાં કોઇ ડર ન હોવો જોઇએ. ઘણા કિસ્સાઓમાં થાય છે એવું કે, આપણે નિર્ણય કર્યો હોય પછી બેકઅપ માઇન્ડમાં સતત એ ભય રહે કે, નિષ્ફળ જઇશ તો? મારે સાંભળવું પડશે તો? પ્રેમ દિલની વાત છે. એ અંદરુની મામલો છે. બહારની કોઇ પરિસ્થિતિ એને અસર કરવી ન જોઇએ. બહારનાં તત્ત્વો ઘૂસે ત્યારે અંદરનું વાતાવરણ ડહોળાય છે. આપણે બહુ બધું મિક્સઅપ કરી દઇએ છીએ. ક્યાં શું કરવું અને ક્યાં શું ન કરવું એની સમજ પ્રેમમાં જરૂરી છે. આમ તો પ્રેમનો સિદ્ધાંત એ જ છે કે, હું તારી સાથે છું, સંજોગો ભલેને બદલાય હું નહીં બદલાઉં.
બધામાં હા પાડવાની પણ જરૂર હોતી નથી. યોગ્ય લાગતું હોય તો ના પણ પાડવી જોઇએ પણ ના પાડવાનાં કારણો હોવાં જોઇએ, કારણો આપવાં પણ જોઇએ. ના પાડવામાં પણ ગ્રેસ જળવાવો જોઇએ. તને ના પાડીને, ના એટલે ના, તારે કરવું હોય તે કર પછી જે પરિણામ આવે એ ભોગવજે, કંઇ ખરાબ થાય તો મને નહીં કહેવાનું! આવું કહેતાં પહેલાં એટલું વિચારવું જોઇએ કે, તમને ન કહે તો કોને કહે? સાચો પ્રેમ એ છે કે, કંઈ કહેતાં પહેલાં કોઇ વિચાર ન કરવો પડે. જે કહેવું હોય એ ખુલ્લા દિલે કહી શકાય. એક ભરોસો હોવો જોઇએ કે, મારી વાત સાંભળશે. હા પાડવામાં કે ના પાડવામાં સંબંધની કક્ષા પણ તપાસવી પડતી હોય છે. બધા સંબંધમાં આંખો મીંચીને હા પાડી ન શકાય. અમુક વખતે સ્પષ્ટ થઇને ના પાડવી પડતી હોય છે. બે મિત્રોની વાત છે. એક મિત્રએ કહ્યું કે, મારે આમ કરવું છે. તારો સાથ જોઇએ છે. મિત્ર જે કરવાનો હતો એ નૈતિક રીતે અયોગ્ય હતું. બીજા મિત્રએ કહ્યું કે, હું એવું ન કરી શકું. મારાથી એવું ન થાય. આપણને જ્યારે દિલ રોકતું હોય ત્યારે ના પાડી દેવી જોઇએ. આપણા પોતાના સંસ્કારો હોય છે, સિદ્ધાંતો હોય છે, મૂલ્યો હોય છે. પોતાના સિદ્ધાંતો સાથે જે બાંધછોડ કરે છે એ સરવાળે પસ્તાતો જ હોય છે. મન ન માને એવું ન કરો. ભલે ક્યારેય પકડવાવવાના ન હોઇએ, ભલે કોઇને ખબર પડવાની ન હોય પણ આપણને જ્યારે એવું લાગે કે, આવું કરવામાં મારું મન નથી માનતું કે મારો જીવ નથી ચાલતો ત્યારે એનાથી દૂર રહેવું. આપણું દિલ આપણને વોર્નિંગ આપતું હોય છે. એને જ્યારે નજરઅંદાજ કરીએ ત્યારે એનાં પરિણામો ભોગવવાં પડે છે. આપણને એટલી તો ખબર પડવી જ જોઇએ કે, શું કરાય અને શું ન કરાય. બધામાં આંખો મીંચીને કૂદી ન પડાય. આપણા નિર્ણયો જ આપણા જીવનને સ્વર્ગ કે નર્ક બનાવી દેતા હોય છે! ભૂલ ન થઇ જાય એનું ધ્યાન એટલા માટે જ રાખવું પડતું હોય છે, કારણ કે દરેક ભૂલ ભોગવવી પડતી હોય છે!
છેલ્લો સીન :
જ્યારે આપણું ધ્યાન ન પડે ત્યારે કુદરત પર છોડી દેવું. દિશા સૂઝતી ન હોય ત્યારે રોકાઈ જવામાં કશું ખોટું નથી. ધરાર ચાલતા રહીએ તો ભટકી જવાનો ભય રહે છે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 12 ફેબ્રુઆરી ૨૦૨૩, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com