ચિંતા તો રહેવાની જ છે પણ એનો લોડ નહીં લેવાનો! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ચિંતા તો રહેવાની જ છે
પણ એનો લોડ નહીં લેવાનો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

ચિંતા, ઉપાધિ, ફિકર, ટેન્શન અને પ્રેસર તો જિંદગીમાં રહેવાનાં જ છે.

જો એ તમારા પર સવાર થઈ ગયાં તો

આવી બન્યું જ સમજજો!


———–


ચિંતા ચિતાસમાન છે એવું આપણે ત્યાં પ્રાચીન સમયથી કહેવાતું આવ્યું છે. ચિંતા, ફિકર, ઉપાધિ, ટેન્શન, પ્રેશર આ બધું જ હેલ્થ અને જિંદગી માટે જોખમી છે એ આપણે બધા જાણીએ છીએ પણ એનાથી મુક્ત થઇ શકતા નથી. દરેકના મોઢે એ વાત સાંભળવા મળે છે કે, યાર ઘણી બધી ચિંતાઓ છે! નોકરી કરે છે એના પર પણ ગોલ અને ટાર્ગેટ પૂરા કરવાનું ટેન્શન છે. જે લોકો બિઝનેસ કરે છે એને પણ સર્વાઇવ થવાનું પ્રેશર છે. સ્ટુડન્ટ્સને ભણવાનું પ્રેશર છે તો યંગસ્ટર્સને જોબની ચિંતા છે. મોટી ઉંમરના તો ઠીક છે, હવે તો બાળકો પણ ટેન્શનમાં રહે છે. બાળકોમાં પણ ડિપ્રેશનનું જોખમ વધી ગયું છે. આપણે બધા શાંતિ અને સુખ માટે ફાંફાં મારીએ છીએ. ધ્યાન, યોગ અને ફરવા જવાથી માંડીને જુદા જુદા નુસખા અપનાવીએ છીએ પણ ક્યાંય શાંતિ મળતી નથી. ક્યારેક તો સવાલ થાય છે કે, આપણે કરીએ છીએ શું? આખરે આપણે કરવું છે શું? આટલા બધા ભાગીને પહોંચવું છે ક્યાં? આખો દિવસ હાયવોય કર્યા પછી જે જોઇએ એ તો મળતું જ નથી? આપણે શાંતિના ભોગે કેટલું બધું કરીએ છીએ અને સરવાળે જે છે એ પણ ગુમાવીએ છીએ.
ચિંતા, ટેન્શન અને પ્રેશર ઉપર અનેક રિસર્ચ થયાં છે. ટેન્શનના કારણે લાઇફ સ્ટાઇલ ડિસીઝમાં પણ વધારો નોંધાયો છે. આ વિશે દરેક અભ્યાસ એવું કહે છે કે, ચિંતા કરવાનું ટાળો. હવે આમ જોવા જાવ તો આ વાતમાં પણ કંઈ નવું નથી. બધાને એ વાતની ખબર જ છે કે, ઉપાધિ કરીને કંઇ મળી જવાનું નથી પણ પરિસ્થિતિ જ એવી હોય તો માણસ શું કરે? ઘણા તો વળી એમ પણ કહેશે કે, બધાને વાતો કરવી છે, એ તો જેના પર વીતતી હોય એને ખબર પડે. સાવ સાચી વાત છે. હવેના સમયમાં ટેન્શનથી મુક્તિ તો શક્ય જ નથી. આ મુદ્દે હમણાં એક નવું અને રસપ્રદ સંશોધન થયું છે. એ એવું કહે છે કે, તમે ગમે તે કરો ટેન્શન તો રહેવાનું જ છે. આપણે બસ ધ્યાન એટલું રાખવાનું છે કે, એને મગજ પર હાવી થવા દેવાનું નથી. ટેન્શન અને પ્રેશરને પાર્ટ ઓફ લાઇફ અથવા તો પાર્ટ ઓફ જોબ તરીકે સ્વીકારવાનું!
દરેક વાતને દિલ પર લેવાની જરૂર નથી. આપણે બધી વાતોને આપણા પર સવાર થવા દઇએ છીએ એટલે દુ:ખી થઇએ છીએ. ટેન્શન વિશે અભ્યાસ કરનાર અમેરિકાના ડૉ. ટ્રેસી માર્કસ કહે છે કે, ચિંતા ખરાબ નથી, એને સમજવાની જરૂર છે. જો એ હદબહાર ગઇ તો માણસને પોતાના સકંજામાં લઈ લેવાની છે. મોટા ભાગે લોકો ઓવરથિકિંગ કરતા હોય છે અને પછી વિચારોના ભાર નીચે જ દબાઇ જતા હોય છે. આમ થશે તો? તેમ થશે તો? સારું રિઝલ્ટ નહીં મળે તો? હું સફળ નહીં થાઉં તો? મારે જે કરવું છે એ નહીં કરી શકું તો? આપણે વધુ પડતા વિચારો કરીને આપણામાં જ ગૂંચવાઇ જઇએ છીએ અને પછી એમાંથી બહાર નીકળી શકતા નથી.
બધી વાતોને સીરિયસલી લેવાની પણ જરૂર હોતી નથી. જે વાતને જેટલું ઇમ્પોર્ટન્સ આપવું જોઇએ એટલું જ આપવાની જરૂર હોય છે. પરફેક્શન સારી વાત છે પણ બધામાં પરફેક્ટ તો કોઈ હોતું નથી. એક અભ્યાસમાં દસ લોકોને એકસરખો જ ટાસ્ક આપવામાં આવ્યો હતો. અમુક સમયમાં અમુક કામ પાર પાડવાનું હતું. એ દસેદસનું સ્ટ્રેસ લેવલ સતત માપવામાં આવતું હતું. દસમાંથી બે-ત્રણ લોકો એકદમ ટેન્શનમાં હતા. બે એવા હતા જે એકદમ રિલેક્સ હતા. તેનો એપ્રોચ એવો હતો કે, થઇ જશે. આપણે કરી લઈશું. એને કામ થઈ જવાનો વિશ્વાસ તો હતો જ, સાથોસાથ એ એવું પણ વિચારતા હતા કે નહીં થાય તો કંઇ આભ ફાટી પડવાનું નથી. કોઇ કામ પૂરું ન થાય તો કંઇ જિંદગી હારી જવાના નથી. બધાં કામ બધાથી થાય એવું જરૂરી પણ નથી. દરેક માણસની કેપેસિટી અલગ અલગ હોય છે. કોઇ એક કામ સારી રીતે કરી શકે, બીજો એ જ કામ યોગ્ય રીતે ન પણ કરી શકે! માણસે પોતાની સરખામણી બીજા સાથે પણ ન કરવી જોઇએ. ઘણા લોકો પોતાના વિશે જ એવું વિચારતા રહે છે કે, બધાથી થાય છે તો મારાથી કેમ નથી થતું? ન થાય. મહાન કામો કરનારા લોકો પણ કેટલાંક સામાન્ય કામ કરી શકતા નહોતા એ વાત સાબિત થયેલી છે!
ઘણી વખત આપણે જેને મોટી સમસ્યા માની લઇએ છીએ એ એક ઘટના હોય છે. જિંદગીમાં કોઇ ને કોઇ પડકારો તો આવતા જ રહેવાના છે. અગાઉના સમયમાં પણ પડકારો તો હતા જ, હવે કદાચ એમાં થોડો વધારો થયો છે. માણસની લાઇફ સ્ટાઇલ બદલાઈ છે. સૂવાના અને ઊઠવાના સમયમાં ફેરફાર થઇ ગયો છે. એક સમયે રાતે બાર વાગ્યા સુધી જાગવાને ખરાબ આદત માનવામાં આવતી હતી. રખડું લોકો જ બાર વાગ્યા સુધી ભટકતા રહેતા. હવે બાર વાગ્યા સુધી જાગવું સાવ કોમન છે. લોકો મોબાઇલ લઇને બેઠા રહે છે અને કાં તો ટીવી.માં વેબ સીરિઝ જોતા રહે છે. લાઇફસ્ટાઇલના કારણે ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હાઇપર ટેન્શન, ડિપ્રેશન જેવી બીમારીઓમાં વધારો થયો છે. આ બીમારીઓ થાય એટલે પાછી લાઇફસ્ટાઇલ ડિસ્ટર્બ થાય છે. લોકો ભલે શાંતિની વાતો કરે પણ હવે લોકો શાંતિથી રહેવાનું જ ભૂલી ગયા છે. આદત જ નથી રહી શાંતિથી જીવવાની! શાંતિ બધાને પચતી નથી. માણસને સાવ શાંત જગ્યાએ મૂકી આવીએ તો એ ગાંડા જેવો થઇ જશે. શાંતિથી રહેવું કંઈ સહેલું થોડું છે? આપણને ઉત્પાતની આદત પડી ગઇ છે. એક સાઇકિયાટ્રિસ્ટે કહેલી આ વાત છે. તેની પાસે એક પેશન્ટ આવ્યો હતો. તેણે કહ્યું કે, હું શાંતિથી બેસી જ નથી શકતો. હું એમને એમ બેઠો હોઉં તો મને ડર લાગવા માંડે છે. એવું લાગે છે જાણે હું એકલો થઈ ગયો છું. મોબાઇલ લઇને બેઠો રહું છે.
દરેક માણસે સમયે સમયે પોતાની આદતો વિશે વિચારતા રહેવું જોઇએ. વાત પર્સનલ હોય કે પ્રોફેશનલ, કોઇ વાતને દિલ પર ન લો. કોઇ મામલે ઓવરથિંકિંગ ન કરો. આપણે આપણી ચિંતાઓનો સામનો ચિંતાઓથી દૂર રહીને કરવાનો છે. ચિંતાને આપણામાં ઘૂસવા દેવાની નથી. રાતે ઊંઘ ન આવે તો વિચારજો કે કેમ નથી આવતી? સવારે ઊઠીને કોઇ વાતે ફડકો રહે તો વિચારજો કે, મને આવું કેમ થાય છે? જીવવાની મજા ન આવતી હોય તો કારણ શોધજો. સફળ થવું હોય તો પણ પહેલાં રિલેક્સ રહેતા શીખજો, કારણ કે વધુ પડતી ચિંતાઓ નિષ્ફળતાનું કારણ પણ બને છે. સ્વસ્થ અને મસ્ત રહેવું હોય તો પણ તમારા સ્ટ્રેસને તમારા પર જરાયે હાવી થવા દેતા નહીં. આપણું સ્વાસ્થ્ય બગડ્યું તો એનાથી કોઇને કંઇ ફેર પડવાનો નથી, આપણી હાલત ખરાબ થઇ જવાની છે. આપણી સાથે જે થાય છે એના માટે જવાબદાર છેલ્લે તો આપણે જ હોઇએ છીએ. તમે કેટલું ટેન્શન લો છો? ચેક કરજો. જરાકેય એવું લાગે કે, તમે વધુ પડતી ફિકર કરી રહ્યા છો તો આજથી જ ચિંતા કરવાનું ટાળજો. એક વાત યાદ રાખજો, હળવાશ હશે તો જ જિંદગી જીવવાની મજા આવશે! ભાર લઇને ફરવાથી તો ભાંગી જ પડાશે!
હા, એવું છે!
ટેન્શન વિશેનો એક સાયન્ટિફિક સ્ટડી એવું પણ કહે છે કે, સફળતા માટે થોડોક સ્ટ્રેસ તો રહેવો જ જોઈએ. તમારે કોઈ પરીક્ષા આપવાની હોય કે કોઇ કામ પાર પાડવાનું હોય ત્યારે થોડોક સ્ટ્રેસ તમને એ એક્ઝામ કે કામ પ્રત્યે એલર્ટ રાખે છે. દરેક વખતે અને તમામ બાબતોમાં સાવ બેફિકર, બેફામ કે બિન્ધાસ્ત રહેવું વાજબી નથી!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 15 ફેબ્રુઆરી 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: