ખામોશીમાં થતા સંવાદનું માધુર્ય અનોખું હોય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખામોશીમાં થતા સંવાદનું

માધુર્ય અનોખું હોય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખોટું ન લાગે તો વાત એક કહું, હું થોડા દિવસ હવે તારામાં રહું?

કામમાં હશે તો હું વાત નહીં માંડું, મૌનમાંય કોઈ દી ના છાંટા ઉડાડું,

સમણાનો કાયદોય હાથમાં ન લઉં, હું થોડા દિવસ હવે તારામાં રહું?

-મુકેશ જોશી

સંવાદ દર વખતે શબ્દોનો મોહતાજ હોતો નથી. વાતો આંખોથી પણ થાય છે. હું તને પ્રેમ કરું છું એવું બોલવાની જરૂર દર વખતે પડતી નથી. હાથમાં લીધેલો હાથ ઘણું બધું બોલી દેતો હોય છે. અમુક સાંનિધ્યમાં શ્વાસનું પણ સંગીત સંભળાતું હોય છે. શબ્દોનો અર્થ મર્યાદિત હોય છે. સ્નેહનો અર્ક અમર્યાદિત હોય છે. આંખો ઉપર આંગળીનું ટેરવું મુકાય ત્યારે આખા આયખાની ટાઢક અનુભવાતી હોય છે. અમુક હાસ્ય પ્રકૃતિના તમામ સૌંદર્યને એકસામટા તાણી લાવે છે. આંખોની ચમક આદરની ઉત્કૃષ્ટ અભિવ્યક્તિની ગરજ સારે છે. તારું હોવું એ જ સર્વસ્વ છે. તારું આવવું મારા માટે જિંદગીના તમામ રંગોનું એકસાથે ઊમટવું છે. ખામોશીમાં મદહોશી હોય છે. શબ્દો વગરના સંવાદમાં એક કેફ હોય છે. અહેસાસ અલગારી બની જાય છે. જિંદગી જીવવાનો અર્થ સોએ સો ટકા અનુભવાય એવી ઘડીઓ જિંદગીમાં આવતી હોય છે. મોટાભાગે આ અહેસાસ અલૌકિક ખામોશીમાં જ થતો હોય છે. કંઈ બોલવાની, કંઈ કહેવાની, કંઈ સાંભળવાની કે કંઈ સમજવાની જરૂર જ નથી હોતી, અનુભૂતિ જ કાફી હોય છે!

સંવેદનાઓ જ્યારે સોળે કળાએ ખીલે ત્યારે ઘણી વખત શબ્દો સંકોચાઈ જતા હોય છે. સંકોચાયેલા શબ્દો ક્યારેક આંખોમાં આંસુની બુંદ બની ફૂટે છે તો ક્યારેક ટેરવાંની નાજુક રગોમાં ખીલે છે. સ્નેહ હોય કે સંબંધ, સાંત્વના હોય કે શાબાશી, મૌન ક્યારેક શબ્દો કરતાં વધુ બોલકું બની જાય છે. નિ:શબ્દતા એ શબ્દોની ગેરહાજરી નથી, પણ હજારો ડિક્શનરીઓની હાજરી હોય છે. ફૂલોની ભાષા નથી, પણ એ એની સુગંધ દ્વારા પોતાની હયાતી પ્રસરાવે છે. બાળક જન્મે ત્યારે બોલતું હોતું નથી, પણ માતા સાથે એનો સતત સંવાદ ચાલતો રહે છે. સર્વશ્રેષ્ઠ પ્રેમ કદાચ મૌનથી જ ઉજાગર થાય છે. કંઈ બોલવાની જરૂર ત્યારે નથી પડતી જ્યારે મૌન બધું જ કહી દેતું હોય! ક્યારેક આપણે ચૂપ રહીએ છીએ, કંઈ બોલવાનું મન નથી થતું. ક્યારેક કંઈ જ બોલી શકાતું નથી. કહેવું હોય છે, પણ શબ્દો મળતા નથી. શબ્દો મળે એ બધા વામણા લાગે છે. અમુક લાગણીઓ શબ્દો અને અર્થોને અતિક્રમી જતી હોય છે.

એક પતિ-પત્ની અને પત્નીની બહેનપણી સાથે ચાલ્યાં જતાં હતાં. બહેનપણીને મજાક સૂઝી. તારો હસબન્ડ તો કંઈ બોલતો જ નથી. છેલ્લે તેણે તને આઇ લવ યુ ક્યારે કહ્યું? તેની ફ્રેન્ડ સામે જોઈને બોલી. હમણાં જ એણે આઇ લવ યુ કહ્યું! તેં સાંભળ્યું નહીં! બધું આમેય ક્યાં સંભળાતું હોય છે? તેં જોયું, આપણે સાથે ચાલ્યાં જતાં હતા ત્યારે એક પગથિયું આવ્યું. હું તારી સાથે વાતો કરવામાં મશગૂલ હતી. પગથિયું આવ્યું ને એણે મારો હાથ પકડી લીધો. મારી ગતિને સહેજ ધીમી પાડી દીધી. મેં હળવેકથી પગથિયે પગ મૂકી દીધો. એને ફીકર થઈ કે ક્યાંક આ ઠેબું ખાઈ ન જાય! તેણે હાથ પકડ્યો ત્યારે સ્પર્શમાં જાણે એ કહેતો હતો કે આઇ લવ યુ!  બોલ્યા વગર કહેવાઈ જાય એ જ સાચો પ્રેમ હોય છે.

લસરી ગયેલી ચુનરી જ્યારે ખભા પર હળવેકથી ગોઠવી દેવાય એ પ્રેમ છે. આઇસ્ક્રીમનો કોન ખાતી વખતે નાક પર લાગેલા આઇસ્ક્રીમને ટિસ્યૂ લઈ નજાકતથી લૂછી લેવાય એ પ્રેમ છે. ચશ્માંની આડે આવતી વાળની લટ સલુકાઈથી કાન પાછળ ગોઠવી દેવાય એ પ્રેમ છે. પ્રેમ બતાવવા માટે છાતી ચીરવાની ક્યાં જરૂર હોય છે? એ તો નાના-નાના વર્તનમાં પ્રગટ થતો હોય છે. એક પ્રેમી અને પ્રેમિકા હતાં. કારમાં બંને લોંગ ડ્રાઇવ પર નીકળ્યાં હતાં. પ્રેમિકા ધીરે ધીરે કારના દરવાજાને ટેકો દઈને સામે જોવા લાગી. બરાબર એ જ સમયે પ્રેમીએ સેન્ટ્રલ લોકથી કારના દરવાજા લોક કરી દીધા! પ્રેમિકાને કહેવાનું મન થઈ આવ્યું કે, પડી નહીં જાઉં! એ કંઈ જ ન બોલી. એ લોક માત્ર કારનું ન હતું, તેના દિલની અંદર તેણે મને સાચવી લીધી હતી. તાવ આવતો હોય ત્યારે માથે મુકાતો હાથ ખબર પૂછી લેતો હોય છે. એ સમયે બંધ થતી આંખો કહી દેતી હોય છે કે મને સારું છે. પ્રેમ, સ્નેહ, લગન, વાત્સલ્ય, ઉષ્મા અને સંવેદના મૌનમાં વધુ સાકાર થતી હોય છે.

ગેરહાજરીમાં પણ ખામોશી બોલવા લાગતી હોય છે. તું ન હોય ત્યારે પણ હું તારી સાથે વાતો કરતો હોઉં છું. કંઈક બને ત્યારે તારી સાથે વાતો માંડું છું. તું મને જવાબ પણ આપતી હોય એવું લાગે છે. દરેક હોંકારાના અવાજ નથી હોતા. મારે તને બધું કહેવું હોય છે. તું હોય જ એવું જરૂરી થોડું છે? તારી હાજરી મારી અંદર હોય છે. પ્રેમ થાય ત્યારે દિલના મંદિરમાં એક મૂર્તિનું સ્થાપન થઈ જતું હોય છે. તેની સાથે વાતો ચાલતી જ રહે છે. ક્યારેક આરતીના મધુર અવાજનો અહેસાસ થાય છે. એક પ્રેમી-પ્રેમિકા મળ્યાં. પ્રેમીએ કહ્યું કે, તું સાથે ન હોય ત્યારે તારી સાથે કેટલી બધી વાતો કરતો રહું છું. તું મળીશ ત્યારે આ વાત કરીશ, તે વાત કરીશ એવું થાય છે. તું મળે છે ત્યારે કંઈ જ સૂઝતું નથી. કંઈ બોલવાનું મન પણ થતું નથી. તારી સાથે બસ બેસી રહેવાનું મન થાય છે. તું જાય પછી એવું થાય છે કે અરે! આ વાત તો રહી ગઈ! મારે તને કેટલું બધું કહેવું હતું! મને પછી વિચાર આવે છે કે તું હતી ત્યારે કંઈ જ બોલ્યા વગર પણ મેં તને કેટલું બધું કહી દીધું હતું! બગીચામાં બાંકડે બેઠાં હતાં ત્યારે પીપળાનું એક પાન ખરીને તારા ખોળામાં પડ્યું. એ મેં લઈ લીધું હતું. એ મેં બુકમાં રાખ્યું છે. એ હવે મારું બુકમાર્ક છે. પાનું ફેરવતી વખતે જ્યારે એ પાંદડાને સ્પર્શું છું ત્યારે આખો બગીચો અને તારો ખોળો દરેક વખતે સજીવન થઈ જાય છે. મૂલ્ય વગરની ચીજો જ્યારે અમૂલ્ય બની જાય તારે સમજવું કે આપણી લાગણીઓ તેમાં રોપાઈ ગઈ છે. રૂમાલમાં લાગેલું લિપસ્ટિકનું નિશાન પછી આખેઆખા હોઠની ગરજ સારતું હોય છે.

શબ્દો જો બોલી શકતા હોત તો કદાચ એણે એવું કહ્યું હોત કે, જ્યાં જરૂર ન લાગે ત્યાં મારો ઉપયોગ ન કરો. બધાની વ્યાખ્યા કરવાની જરૂર હોતી નથી. અર્થમાં પડવાનું પણ કોઈ મહત્ત્વ રહેતું નથી. આપણા મનમાં જે ચાલતું હોય છે એનું વર્ણન પણ ક્યાં થઈ શકતું હોય છે? એક બાપની આ વાત છે. દીકરી સાસરે ગઈ પછી એને બહુ એકલું એકલું લાગતું હતું. તેને બધી વાતો યાદ આવી જતી. કપડાં પહેરું ત્યારે કહેતી કે એની સાથે આ મેચ થતું નથી. શર્ટ ચેઇન્જ કરી નાખો. ઇનશર્ટ કર્યું છે તો સેંડલ ન પહેરો, બૂટ પહેરો. દીકરી ઘરે હતી ત્યારે પિતા એના રૂમમાં ભાગ્યે જ જતા. એ સાસરે ગઈ પછી રોજ એના રૂમમાં જઈ પાંચ-સાત મિનિટ બેસતા. જાણે દીકરીને હગ કરતા હોય એવું ફીલ થતું. ટેબલ પર દીકરીએ રાખેલી ડેડી સાથેની તસવીર જોતા રહેતા. દીકરીના ડ્રેસિંગ ટેબલ સાથેના મિરર પર ચોંટેલી દીકરીની બિંદી દીકરીના આખેઆખા અસ્તિત્વને જીવતું કરી દેતી હતી. ફોનના હોમ સ્ક્રીન પર રાખેલો દીકરીનો ફોટો જોઈને એ બહાર નીકળી જતો. એક દિવસ એ દીકરીના રૂમમાંથી બહાર જતો હતો ત્યાં જ દીકરી ઘરે આવી ચડી. પિતા સામે જોયું તો એની આંખોમાં થોડોક ભેજ વર્તાયો. પિતાને વળગી પડી. આંખમાં બાઝેલો ભેજ ક્યારેક વાદળું બનીને વરસવા માંડતો હોય છે. કયા શબ્દો આ દૃશ્યને વર્ણવવા માટે સક્ષમ છે? એકેય નહીં!

દરેક સંબંધમાં શબ્દોની જરૂર નથી હોતી. ઇશારાની પણ આવશ્યકતા હોતી નથી. વેવલેન્થ એ બીજું કંઈ નથી, પણ કંઈ જ બોલ્યા વગર એકબીજાને સમજવાની અને એકબીજાને પામવાની એક અલૌકિક ઘડી જ હોય છે. ખામોશીની એક ભાષા હોય છે. એ ભાષા પાસે શબ્દકોશના દરેક શબ્દ ફીકા પડે છે. મૌન એક સાધના છે. સાત્ત્વિક મૌન માણસને ઉમદા બનાવે છે. એકાંતનું મહત્ત્વ એટલા માટે જ છે કે માણસ શબ્દો બોલ્યા વગર પોતાની સાથે સંવાદ સાધી શકે. આપણી વ્યક્તિ આપણી સાથે હોય ત્યારે પણ એક અલૌકિક એકાંતનો અહેસાસ થઈ શકે, શરત એટલી જ હોય છે કે બંને એક શબ્દ પણ બોલ્યા વગર એકબીજા સાથે સંવાદ સાધી શકે અને સંવાદ સમજી શકે. હાજરી હોય એ જ પૂરતું છે. એકબીજામાં એકબીજાની હાજરી એ સંબંધ અને સંવાદની અલૌકિક અવસ્થા છે. ઓતપ્રોત હોવાનો અર્થ જ એ છે કે એકબીજામાં ખોવાઈ જવું!

છેલ્લો સીન :

મૌનનું માન, મૌનની મર્યાદા અને મૌનની ગરિમા જાળવવાનું જે જાણે છે એને શબ્દોના સહારાની જરૂર નથી પડતી. તમારી લાઇફમાં તમારું મૌન સમજી શકે એવું કોઈ હોય તો એને જતનથી જાળવી રાખજો. અમુક માણસો પણ દુર્લભ હોય છે.                          -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 20 ફેબ્રુઆરી 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “ખામોશીમાં થતા સંવાદનું માધુર્ય અનોખું હોય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

  1. Sir..તમે કેટલું મસ્ત લખો છો..No Words to express… હું કુયારે આવું લખી શકીશ ! તમે જે લખો છો એ જે વ્યક્તિ વાંચે એની life રિલેટેડ જ લાગે….heart touching sir… big big big fan of yours 🙂

Leave a Reply

%d bloggers like this: