તું મજામાં હોવાનો દેખાડો બંધ કર! : ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

તું મજામાં હોવાનો
દેખાડો બંધ કર!


ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ


શ્વાસ ચાલે છે સતત, ત્યાં સુધી છે આ બધું,
એ ન બોલાવે પરત, ત્યાં સુધી છે આ બધું,
લાગણી તો સાવ સસ્તી ગણાતી ચીજ છે,
જ્યાં સુધી આપો મફત, ત્યાં સુધી છે આ બધું.
ડૉ. કેતન કારિયાઉદાસી, ગમગીની, નારાજગી, અજંપો, સન્નાટો, ડૂમો અને એકલતા ક્યારેક ને ક્યારેક આપણા પર હાવી થઇ જાય છે. કંઇક એવું થાય છે જે આપણને મૂંઝવી નાખે છે. જિંદગી સામે સવાલો થાય છે. દુનિયા સામે પ્રશ્નો ઊઠે છે. કેમ બધું આવું છે? કોઇને દિલ દુભાવતા પહેલાં કેમ કોઇ વિચાર આવતો નથી? હું જેની સાથે સારી રીતે વર્તું છું એ કેમ મને હર્ટ કરે છે? કોઇ પણ જાતના સ્વાર્થ વગર રાખેલા સંબંધમાં સામેથી કેમ કોઈ રણકો વર્તાતો નથી? આવા ઘણા કેમ, શા માટે, શું કામ, બટ વ્હાયના કોઈ જવાબ મળતા નથી. અમુકના પ્રશ્નોના જવાબમાં પીડા, વેદના અને પસ્તાવો જ હોય છે. હું જ મૂરખ છું, મારી જ ભૂલ છે, એવું પણ ક્યારેક લાગે છે. પડઘો ન પડે ત્યારે અવાજ દીધાનો અફસોસ થાય છે. જેની રાહ જોતા હોઇએ એ ન આવી શકે તો હજુયે સમજી શકાય પણ કોઇ રાહ જુએ છે એની એને પરવા જ ન હોય ત્યારે રાહ અને ચાહ આહમાં બદલાઇ જાય છે! આખરે આપણે પણ માણસ છીએ. આપણાં પણ ઇમોશન્સ છે. આપણી તીવ્ર સંવેદનાઓને જ્યારે લાઇટલી કે ટેકન ફોર ગ્રાન્ટેડ લેવામાં આવે ત્યારે લાગી તો આવે જ.
એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. પ્રેમી દરેક વખતે ભૂલો કરે, પ્રોમિસ ન પાળે, કહ્યું હોય એમ ન કરે અને પછી સોરી કહી દે. પ્રેમિકા માફ પણ કરી દે. એક વખત પ્રેમિકાએ કહ્યું કે, તને મારી માફ કરી દેવાની વૃત્તિ પણ માફક આવી ગઇ છે. તને ખબર છે, સોરી કહેવામાં એક ગંભીરતા હોવી જોઇએ. માફી માંગવામાં ગંભીરતા ન રહે તો પછી માફી આપવાની અસર પણ ઘટતી જાય છે. માફી માંગવાનો કોઇ મતલબ ન રહે ત્યારે માફી આપવાનો પણ કોઈ અર્થ રહેતો નથી. સોરીને એટલી સસ્તી ન બનાવ તે માફીનું કોઇ મૂલ્ય ન રહે! ક્યારેક કેટલાંક સંબંધો પણ પૂર્ણવિરામ મૂકી દેવાનું મન થઇ આવે છે, પણ એવું નથી થઇ શકતું. આપણે મન મનાવીએ છીએ કે, એના જેવું કોણ થાય? હું પણ એવું કરું તો પછી મારામાં અને એનામાં ફેર શું?આપણે ઘણી વખત તો આપણી જાતને જ છેતરતા હોઈએ છીએ. બંને તરફે સજીવન હોય એ જ સાચો સંબંધ છે. હા, એક પક્ષે વધુ અને એક પક્ષે થોડો ઓછા હોય શકે પણ જેટલો હોય એટલો દેખાવો જોઇએ, વર્તાવો જોઇએ. દરેક વખતે પ્રેમ બોલકો કે એક્સપ્રેસિવ જ હોય એવું જરૂરી નથી. એક પ્રેમીએ એની પ્રેમિકા વિશે એવું કહ્યું હતું કે એ બોલતી નથી, મેસેજ નથી કરતી પણ મને ખબર છે કે, એ મને પ્રેમ કરે છે. એણે મને કહ્યું છે કે, એ મને પ્રેમ કરે છે. એની હાજરીમાં એ વર્તાય છે. પ્રેમની ખબર હોય એ પૂરતું છે.
પ્રેમનો ભ્રમ ભયંકર હોય છે. પ્રેમમાં છેતરપિંડી ન હોવી જોઇએ. હવે તો એ નક્કી કરવું પણ અઘરું થવા લાગ્યું છે કે, એને ખરેખર પ્રેમ છે કે નહીં? પ્રેમ અપેક્ષાઓ લઇને આવે છે. એટલિસ્ટ એટલી અપેક્ષા તો હોય જ કે, એ પૂછે કે તું ઓકે તો છેને? પ્રેમમાં સાવ કોમન શું હોય છે એ ખબર છે? દરેક પ્રેમી અને પ્રેમિકા માટે એ સવાલ કોમન હોય છે કે, તું જમ્યો કે તું જમી? તેં કંઈ ખાધું? શું જમ્યો કે શું જમી? એક પ્રેમિકા એના પ્રેમીને રોજ પૂછે કે, તું જમ્યો? એક વખત પ્રેમીએ કહ્યું કે, યાર હું જમી લઇશ. મારી આટલી બધી ચિંતા ન કર. પ્રેમિકાએ કહ્યું, હું પૂછું એમાં તને કંઇ પ્રોબ્લેમ છે? જોકે, પ્રેમિકાએ પછી પૂછવાનું બંધ કરી દીધું. એક વખત પ્રેમી કામમાં એટલો બિઝી હતો કે જમવાનો મેળ જ ન પડ્યો. પ્રેમિકાનો ફોન આવ્યો. પ્રેમીને એમ થયું કે કાશ, આજે એ પૂછે કે તેં કંઈ ખાધું? આપણે ઘણી વખત જે પ્રશ્નને ગણકારતા હોતા નથી એ જ પ્રશ્ન ક્યારેક બહુ મહત્ત્વનો બની જતો હોય છે. પ્રેમિકાએ ન પૂછ્યું એટલે પ્રેમીએ કહ્યું કે, યાર આજે તો કંઈ ખાવાનો મેળ જ પડ્યો નથી. પ્રેમિકાએ કહ્યું, બધું જ છોડીને પહેલાં કંઇક ખાઇ લે. આપણે ખાઇ જ લેવાના હોઇએ પણ કોઇ પૂછવાવાળું હોય તો ભૂખ પણ મધુરી લાગે છે. માત્ર પ્રેમી-પ્રેમિકાની જ વાત નથી. પતિ બહારગામ હોય અને એનો ફોન આવે ત્યારે પત્નીનો પહેલો સવાલ એ હોય છે કે, જમ્યો? પ્રેમ બહુ સૂક્ષ્મ હોય છે. પ્રેમમાં નાની નાની વાતો પણ અસામાન્ય બની જાય છે.
પ્રેમમાં દરેકને એવું હોય છે કે મારો પાર્ટનર મારી કેર કરે. મારી ચિંતા કરે. મને પૂછે કે, તું કેમ છે? એવું ન થાય ત્યારે દિલમાં ચાસ પડે છે. એક છોકરીની આ વાત છે. તે જે છોકરાને પ્રેમ કરતી હતી તે એની સાથે ચિટ કરતો હતો. એક વખતે પ્રેમિકાને ખબર પડી ગઇ કે, આ તો મારી સાથે રમત રમે છે. તેણે બ્રેકઅપ કરી નાખ્યું. એ બહુ હર્ટ થઇ હતી. પોતાની ઉદાસી છુપાવવા માટે તે એવી રીતે રહેવા લાગી જાણે તેને કશાથી કોઇ ફેર જ પડતો નથી. એ મસ્ત મસ્ત ફોટા પાડીને અને રિલ્સ બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા લાગી. આ જોઇને તેની એક ફ્રેન્ડ તેની પાસે આવી. તેણે પૂછ્યું, શું થયું છે? તું જે કરે છે એ શું છુપાવવા માટે કરે છે? સાચું કહું, મજામાં છે એવો દેખાડો કરવાનું બંધ કર અને સાચી વાત હોય એ કહે. એ છોકરી બહેનપણી પાસે ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગી. તેણે કહ્યું, બહુ પેઇન થાય છે. નથી સહન થતું. બહેનપણીએ કહ્યું કે, તો રડી લે પણ હસવાનાં નાટક ન કર. પીડા થવાની છે. જિંદગીમાં પીડા સહન કરતા પણ આવડવું જોઇએ. એ ભલે રમત કરતો હતો પણ તેં તો પ્રેમ કર્યો હતો, એટલે વેદના તો થવાની જને? વેદનામાંથી પસાર થઇ જા. વેદનાને દબાવવાનો પ્રયાસ પણ ન કરવો જોઇએ. હા, વેદનામાં પડ્યા ન રહેવાય, એમાંથી પસાર થઇ જવાનું. પીડામાંથી પસાર થવાની પણ દરેકની પોતાની રીત હોય છે. એક છોકરીની આ વાત છે. તે ડિસ્ટર્બ હોય ત્યારે એ પોતાના ફ્રેન્ડ્સને કહી દેતી કે, મને એકલી છોડી દો. મને સ્પેસ આપો, હું મારી રીતે જ બહાર આવી જઇશ. બધા એકલા રહીને હાર્ડ ટાઇમ પસાર કરી શકતા નથી. એવા સંજોગોમાં જેને કહી શકાય એમ હોય એને એવું કહી દેવામાં પણ કશું ખોટું નથી કે, મને અત્યારે તારી જરૂર છે. ઘણી વખત એકલા રહેતા પણ ડર લાગતો હોય છે. એક વ્યક્તિ જાય ત્યારે સાવ એકલા પડી ગયા હોઈએ એવું લાગે છે.
આપણે લોકો પીડા ભોગવવામાં કે વેદના સહન કરવામાં પણ કેટલા નેચરલ હોઇએ છીએ? આપણે કેમ બધું દબાવી રાખીએ છીએ? મારે કોઇને નથી કહેવું, કોઇને કંઇ ફેર પડતો નથી, કોઇ પાસે મારા માટે સમય જ ક્યાં છે, મારે કોઇને હેરાન કરવા નથી, મારા કારણે જે થયું છે એ મારે જ ભોગવવાનું છે, હું નથી ઇચ્છતી કે ઇચ્છતો કે મારા પેઇનમાં કોઇ ભાગીદાર થાય, મદદ કરવાવાળા પણ સમય આવ્યે જતાવશે કે, મેં તારા માટે આટલું કર્યું હતું, આવા વિચારો આવી જાય પણ એવા સમયે એક વાત યાદ રાખવાની હોય છે કે જેને આપણા પ્રત્યે લાગણી છે એવા લોકો પણ હોય જ છે. દુનિયામાં કેટલાંક લોકો કિનારા, આશરા અને વિસામા જેવા હોય છે. તમારી જિંદગીમાં એવા કોણ છે જેણે એમ કહ્યું હોતું નથી કે, આઇ એમ ઓલવેઝ ધેર ફોર યુ પણ એ હોય છે. એણે કહેવું નથી પડતું કે, હું છું, એ હોય જ છે. એવા લોકોને સાચવી રાખજો, કારણ કે એ જ આપણને અણીના સમયે તૂટવા નહીં દે! બાય ધ વે, તમે કોઇના માટે એવા છો ખરા કે, એને ભરોસો હોય કે દુનિયામાં કોઇ નહીં હોય પણ જરૂર પડ્યે તમે તો હશો જ! આપણા લોકો માટે એવા બનવું એ પણ નાનીસૂની વાત નથી!


છેલ્લો સીન :
અંધારું છે તો જ પ્રકાશનો મહિમા છે. દુ:ખ વગર સુખની સાચી સમજ પડતી નથી. કોઇ પણ પરિસ્થિતિથી ડરવાની નહીં, એ સ્થિતિને સમજવાની જરૂર હોય છે. –કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, 28 ઓગસ્ટ,૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: