આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી થઈ શકશે લોયલ્ટી ટેસ્ટ! સાબિત કર કે તું મને વફાદાર છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી થઈ શકશે લોયલ્ટી ટેસ્ટ!
સાબિત કર કે તું
મને વફાદાર છે !

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

 
ચીનના હેફેઇ કોમ્પ્રિહેન્સિવ નેશનલ સાયન્સ સેન્ટરના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે

તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એવી ટેક્નિક શોધી છે જેનાથી માણસ કેટલો વફાદાર છે તેની ખબર પડી જશે! 

આગામી સમયમાં લોકો સંબંધ બાંધતા પહેલાં લોયલ્ટી ટેસ્ટ કરવા લાગે તો એમાં નવાઈ પામવા જેવું કંઈ નહીં હોય!

અલબત્ત, તેનાથી સંબંધો વધુ બગડે એવો ખતરો પેદા થવાનો છે! 

આખી દુનિયા અત્યારે ભયંકર રિલેશનશિપ ક્રાઇસીસમાંથી પસાર થઇ રહી છે.

મોટા ભાગના લોકોને પોતાની નજીકની કોઇ ને કોઇ વ્યક્તિ સાથે પ્રોબ્લેમ છે !


———–

હમણાંનો એક સાવ સાચો કિસ્સો છે. એક પતિને પત્ની પર એવી શંકા હતી કે, એને કોઇની સાથે સંબંધ છે. પતિએ પત્નીનો મોબાઇલ હાથમાં લીધો. મોબાઇલ લૉક હતો. પતિએ પત્નીને પૂછ્યું, તારા ફોનનો પાસવર્ડ શું છે? પત્નીએ પતિના હાથમાંથી મોબાઇલ લીધો. થોડી વારમાં પાછો આપ્યો. પત્નીએ કહ્યું કે, મેં મારા ફોનમાંથી પાસવર્ડ જ હટાવી દીધો છે. તું તારે રોજ મારો ફોન જોઇ લેજે, એવું કરીને પણ જો તારા મગજમાં શંકાનો જે કીડો ઘૂસી ગયો છે એ નીકળતો હોય તો!
આખી દુનિયા અત્યારે ભયંકર રિલેશનશિપ ક્રાઇસીસમાંથી પસાર થઇ રહી છે. બહુ ઓછા સંબંધો હવે સીધા રહ્યા છે. સંબંધો હવે આડા, ઊભા અને ત્રાંસા બાંગા થઇ ગયા છે. મોટા ભાગના માણસોને નજીકની કોઇ ને કોઇ વ્યક્તિ સામે પ્રોબ્લેમ છે. આજના સમયમાં જોઇને આંખો ઠરે એવાં દંપતીની સંખ્યા ઘટતી જાય છે. બંનેને એકબીજા સામે કોઇ ને કોઇ વાંધા હોય છે. કોણ કોની સાથે સંપર્કમાં છે, કોણ કોની સાથે ચેટ કરે છે, કોણ સોશિયલ મીડિયા પર કોને ફોલો કરે છે, કોને લાઇક કરે છે અને કેવી કમેન્ટ કરે છે? પોતાની વ્યક્તિનું ધ્યાન ક્યાં છે એ વિશે બંનેને શંકા-કુશંકાઓ હોય છે. હવે આવા સંજોગોમાં જો લોયલ્ટી ટેસ્ટ થઈ શકતો હોય તો?
દરેક પ્રેમી પોતાની વ્યક્તિનો લોયલ્ટી ટેસ્ટ કરતા હોત ! કદાચ એવો સીન પણ ક્રિએટ થાત કે કોઈ છોકરો પોતાને ગમતી છોકરીને કે કોઇ છોકરી પોતાને ગમતા છોકરાને પ્રપોઝ કરે ત્યારે આઇ લવ યુની સાથે એવું પણ કહેવામાં આવે કે પહેલાં લોયલ્ટી ટેસ્ટ આપ! પાસ થઇ જઇશ તો પછી આગળ વિચારીશું! આપણે ઘણી વખત એવું બોલતા કે વિચારતા હોઇએ છીએ કે કાશ, માણસનો ચહેરો કે વર્તન જોઇને ખબર પડી જતી હોત કે તે કેવો માણસ છે! ભરોસો કરવા જેવો છે કે નહીં?
હવે એ સમય દૂર નથી કે માણસનો લોયલ્ટી ટેસ્ટ શક્ય બને! ચીનના હેફેઇ કોમ્પ્રિહેન્સિવ નેશનલ સાયન્સ સેન્ટરના વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો છે કે, તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી એવી ટેક્નિક શોધી છે જેનાથી માણસ કેટલો વફાદાર છે તેની ખબર પડી જશે! વૈજ્ઞાનિકોએ કહ્યું કે, માણસના ફેસ એક્સપ્રેશન એટલે કે ચહેરાના હાવભાવ, મગજનું ઇઇજી રીડિંગ એટલે કે ઇલેક્ટ્રોનસેલ્ફાલોગ્રામ અને ચામડીમાં ઊઠતાં કંપનો પરથી એ જાણી શકાશે કે એનામાં વફાદારીના કેટલા ગુણો છે! ચીનના આ ઇન્સ્ટિટ્યૂટે તો આવા લોયલ્ટી ટેસ્ટનો એક વીડિયો પણ રિલીઝ કર્યો હતો. એમાં એક માણસની આદતથી માંડીને દાનત સુધીની વિગતો ફટાફટ મળવા લાગી હતી. ચીનને એ વાતનો ડર લાગ્યો કે આ વીડિયોથી હોબાળો મચી શકે છે અથવા તો ચીનના પ્રયોગો જાહેર થઇ શકે એમ છે એટલે તેણે એ વીડિયો હટાવી દીધો હતો. જોકે વૈજ્ઞાનિકોએ એમ તો કહ્યું જ કે, અમને લોયલ્ટી ટેસ્ટ કરવામાં સફળતા મળી છે ! ચીન આ માઇન્ડ રીડિંગ મશીનથી ચાઇનીઝ કમ્યુનિસ્ટ પાર્ટી પોતાના નેતાઓ અને કાર્યકરોની વફાદારીનો ટેસ્ટ કરવાની છે એવી વાતો પણ બહાર આવી છે. આ ટેસ્ટ અંગે એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે કોઈના મનમાં જો વિદ્રોહ કે બળવો કરવાની લાગણી થતી હશે તો એની પણ ખબર પડી જશે! ચીન વાતો ભલે માત્ર રાજકીય ઉપયોગની કરતું હોય પણ ચીન કંઈ પણ કરી શકે એમ છે. ચીન જાસૂસી માટે માહેર છે. ચીનની સરકારની નજર દરેકે દરેક વ્યક્તિ પર હોય છે. ચીનની આ ટેક્નોલોજી વહેલી કે મોડી માર્કેટમાં આવી જાય તો પણ કોઇને જરાયે આશ્ચર્ય થવાનું નથી!
ગુનેગારો પાસેથી સત્ય ઓકાવવા માટે આપણે ત્યાં ઓફિશિયલી લાઇ ડિટેક્ટર ટેસ્ટ અથવા તો પોલિગ્રાફી ટેસ્ટ કરવામાં આવે છે. આ બધું તો લિગલ પ્રોસિજર ફોલો કરીને ગુનેગારો પર કરવામાં આવે છે પણ સામાન્ય લોકોને જ્યારે એકબીજા પર શંકા હોય ત્યારે શું કરવું? અગાઉના જમાનામાં કોઇને કંઇ શક હોય તો એ ડિટેક્ટિવને હાયર કરતા હતા. હજુ પણ એ તો ચાલુ જ છે પણ હવે ટેક્નોલોજીના કારણે માણસ પોતે જ અડધો ડિટેક્ટિવ થઇ ગયો છે. આજે પોતાની વ્યક્તિની મોબાઇલ હિસ્ટ્રી મેળવવા માટે અને પોતાની વ્યક્તિ પર વોચ રાખવા માટે એટલી બધી મોબાઇલ એપ્લિકેશન આવી ગઇ છે કે વાત ન પૂછો. હવે ફોન હેક જ નથી થતો પણ આખેઆખો કોપી થઇ જાય છે. મતલબ કે આપણી વ્યક્તિ મોબાઇલ પર કંઈ પણ કરતી હોય તો એ જ સમયે આપણને એની જાણ થઇ જાય છે કે શું ચાલી રહ્યું છે !
લોકો હવે પોતાની વ્યક્તિ પર નજર રાખવા માટે છૂપા કેમેરા ગોઠવવા લાગ્યા છે. એ સિવાય પણ ઘણુંબધું કરે છે. એક ડિટેક્ટિવ એજન્સીના મેનેજરે એવું કહ્યું કે, હવે પતિ-પત્ની બંને કામ કરે છે. કામના સંદર્ભે ઓફિસે અને ઘણા કિસ્સામાં આઉટ ઓફ સ્ટેશન જવાનું પણ થતું રહે છે. આવા સમયમાં એકબીજા પર પૂરો ભરોસો હોય એ જરૂરી છે. તકલીફ એ વાતની છે કે સમયની સાથે ભરોસો સતત ઘટી રહ્યો છે અને શંકામાં સતત વધારો થઇ રહ્યો છે. જ્યાં સુધી વાત લોયલ્ટી ટેસ્ટની છે તો એ ટેસ્ટ પણ કંઇ પરમેનન્ટ થોડો રહેવાનો છે? માનો કે, આજે કોઇ છોકરો કે છોકરી લોયલ્ટી ટેસ્ટમાં પાસ થઇ ગયાં એટલે એ કાલે પણ લોયલ જ રહેશે એની કોઇ ગેરંટી થોડી છે? બીજી વાત તો લોયલ્ટીની વ્યાખ્યા કરવાની પણ છે! લોયલ્ટી કોને કહેશો? કઈ હદ સુધીના સંબંધોને સ્વીકાર્ય ગણશો? આજના સમયમાં વાઇફ કોઇ પુરુષ સાથે વાત ન કરે કે હસબન્ડ કોઇ સ્ત્રી જોડે સંપર્કમાં ન હોય એવું તો બનવાનું જ નથી. આપણે ત્યાં એવું કહેવાતું આવ્યું છે કે શંકાનું કોઇ ઓસડ નથી! સંબંધમાં શ્રદ્ધા, વફાદારી, સમર્પણ અને પ્રેમ હોય તો જ સંબંધ ટકે! જમાનો જેમ જેમ આધુનિક થતો જાય છે એમ એમ વિશ્વાસ ઊઠતો જાય છે. આજે ઘણા લોકોએ ઘરમાં પગ મૂકતા પહેલા કેટલાંક વોટ્સએપ મેસેજીસ ડીલિટ કરવા પડે છે. પતિ-પત્ની એકબીજાનો મોબાઇલ ખાનગીમાં ચેક કરતાં રહે છે. સાથે જીવનારી બે વ્યક્તિને એકબીજાના પાસવર્ડની પણ ખબર હોતી નથી. વાતાવરણ જ એવું થઇ ગયું છે કે શું ચાલતું હશે એનો ભ્રમ અને ભય સતત ઝળુંબતો રહે છે.
લોયલ્ટી ટેસ્ટની બોલબાલા આગામી સમયમાં વધે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. અલબત્ત, એનાથી કંઈ સંબંધો સુધરી જવાના નથી. શંકાનો કીડો વિચિત્ર હોય છે. એ એક વખત લાગી ગયો પછી ઘડીકમાં પીછો છોડતો નથી. આ દુનિયા વિશ્વાસ પર ચાલે છે. આપણા સંબંધોનો મુખ્ય આધાર જ પ્રેમ અને વિશ્વાસ છે. એ અકબંધ રહે એ જરૂરી છે. શ્રદ્ધા ઊઠી જશે તો ખાલીપો સતત વિસ્તરતો જ જશે. માણસ એકલો પડતો જશે. આપણી જિંદગી સરવાળે આપણી વ્યક્તિના કારણે જ જીવવા જેવી બનતી હોય છે. કોઇ રાહ જુએ, પ્રેમ કરે, કેર કરે, કોઇ પેમ્પર કરે એનાથી વધારે કશું હોતું જ નથી. લોકોના મોઢે આપણે એવું સાંભળતા આવીએ છીએ કે પ્રેમ જેવું હવે ક્યાં કંઈ રહ્યું જ છે? ઘણી વખત પ્રેમ દેખાય છે પણ એનું ક્યારે બાષ્પીભવન થઇ જાય એનું નક્કી હોતું નથી! લોયલ્ટી ટેસ્ટ વિશે મજાકમાં એવું પણ કહેવાવા લાગ્યું છે કે તમે જોજો, લોકો હવે વધુ ચાલાક થઇ જશે અને એના રસ્તા પણ શોધી લેશે કે, લોયલ્ટી ટેસ્ટમાં પાસ કેવી રીતે થઇ જવાય? કેવું છે નહીં, એવું કોઈ કહેતું નથી કે પ્રેમથી કેમ જિવાય? વફાદાર કેમ રહેવાય? રિલેશનશિપ ક્રાઇસીસ આવનારા સમયમાં વધુ ખતરનાક થઈ જાય એવાં એંધાણો જ ચારે તરફથી મળી રહ્યાં છે !
હા, એવું છે !
પ્રેમમાં હોઈએ ત્યારે પેટમાં પતંગિયાં ઊડતાં હોય એવું લાગે છે. શંકાની સાથે જ એ પતંગિયાની કબર દિલમાં સર્જાઈ જાય છે. એક અભ્યાસ એવું કહે છે કે શંકા સુંદર સંબંધોની પણ ઘોર ખોદી નાખે છે. વાંક હોય કે ન હોય, શંકા હોય એટલે સંબંધ પૂર્ણવિરામ તરફ જ આગળ વધે છે !
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 03 ઓગસ્ટ, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: