મારો પ્રોબ્લેમ એ છે કે હું માફ કરી શકતો નથી!
ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ
ગેરસમજણ સામટી ફેલાવ ના,
દુશ્મનોની જેમ તું બોલાવ ના,
કાં મને પડકારવાનું બંધ કર,
કાં સુલેહી વાવટો ફરકાવ ના.
– શૈલેન રાવલ
ગુલાબનું ફૂલ કાંટાને માફ કરી દેતું હશે? કદાચ કરી દેતું હશે. જો માફ કરતું ન હોય તો ગુલાબ ખીલી જ ન શકે. ઓટ આવે ત્યારે દરિયો ચંદ્રને માફ કરતો હશે? પાનખરમાં પાંદડાં ખરે ત્યારે ઝાડ પ્રકૃતિને માફ કરી દેતું હશે? બધું આપણને ગમતું હોય એવું થતું નથી. માણસ દરેક જીવમાં સૌથી વધુ શક્તિશાળી છે. માણસ બધું કરી શકે છે. બસ, માફ નથી કરી શકતો!
કુદરતે માણસને સુખી થવા અને આનંદમાં રહેવા માટે ચોઇસ આપેલી છે. માણસ પસંદગી કરી શકે છે. તમે કાં તો માફ કરો અને કાં તો દુશ્મનીને જીવતી રાખો. તમારી ચોઇસ. માફ કરીને તમે શું મેળવો છો અથવા તો દુશ્મની રાખીને તમે શું ગુમાવો છો એના વિશે વિચાર કરશો તો માફ કરવાનું વધુ સરળ લાગશે. માણસે માફ કરવામાં સ્વાર્થી થવું જોઈએ! કારણ કે એમાં ફાયદો આપણો જ છે. આપણે દરેક કામમાં એવું વિચારીએ છીએ કે મને શું ફાયદો, મને શું લાભ? માફ કરવામાં ફાયદો એ છે કે આપણે મુક્ત થઈ જઈએ છીએ. માફ કરવું એટલે આપણે આપણને જ બાંધી રાખતી જંજીરોમાંથી છુટકારો મેળવવો.
એક યુવાનની આ વાત છે. સફળતા માટે એ ખૂબ મહેનત કરતો. તેના વિરોધીઓ અને હરીફો એ યુવાન સફળ ન થાય એના માટે ખૂબ જ પ્રયત્નો કરતા હતા. બધાને ખબર હતી કે અમુક લોકો તેને સફળ થવા દેવા ઇચ્છતા નથી. જોકે, આખરે એ યુવાન સફળ થયો. એ યુવાનને પૂછવામાં આવ્યું કે તું કેમ આટલી સફળતા મેળવી શક્યો? તેં તારા વિરોધીઓને માફ કરી દીધા? યુવાને કહ્યું, હા મેં તો તરત જ માફ કરી દીધા હતા. એટલા માટે માફ કરી દીધા હતા કે મારે બીજું ઘણું કરવાનું હતું. મેં માફ કર્યા ન હોત તો હું કદાચ આ સ્થાને પહોંચી ન શક્યો હોત! હું માત્ર માફ નથી કરતો, જરૂર લાગે ત્યારે માફી માગી પણ લઉં છું. રોડ પર પથરો આવે ત્યારે આપણે વાહનને બાજુએ તારવી પસાર થઈ જઈએ છીએ. જો ન થઈએ અને પથરા પર વાહન ચડી જાય તો થડકો આપણને જ લાગે છે. જિંદગીનું પણ આવું જ છે. તમારા રસ્તે આગળ વધતા હોય ત્યારે ઘણી જગ્યાએ તમારી જાતને તારવી લેવાની હોય છે.
ગાલિબે સરસ કહ્યું છે. ઇસ તરહા સે હમને જિંદગી કો આસાં કર લિયા, કિસી સે માફી માંગ લી, કિસી કો માફ કર દિયા. તમારે જિંદગીને આસાન કરવી છે? તો માફી માંગવાની અને માફ કરવાની આદત કેળવવા જેવી છે. મારે જિંદગીમાં હવે ક્યારેય એનું મોઢું જોવું નથી, હું ક્યારેય એને માફ કરવાનો નથી. એણે મારું દિલ દુભાવ્યું છે. મને હર્ટ કર્યું છે. સાચી વાત છે, આવું થતું હોય છે. કોઈ આપણું દિલ દુભાવે ત્યારે લાગી આવતું હોય છે. સાચી વાત એ હોય છે કે કોઈએ તો આપણું એક જ વાર દિલ દુભાવ્યું હોય છે, એ યાદ કરીને આપણે વારંવાર આપણું દિલ દુભાવતા રહીએ છીએ. માણસ સૌથી વધુ અન્યાય પોતાની જાતને કરતો હોય છે.
આપણે ઘણી વખત કેવું કરતા હોઈએ છીએ? માફી માગનારને પણ આપણે કરગરાવતા હોઈએ છીએ. બે મિત્રો હતા. એક મિત્રથી મશ્કરી દરમિયાન થોડાક ન બોલવાના શબ્દો બોલાઈ ગયાં. મિત્ર હર્ટ થઈ ગયો. આ વાતની ખબર પડી એટલે બીજા મિત્રએ સોરી કહ્યું. તો પણ મિત્રનું વર્તન ન બદલ્યું. બીજા મિત્રએ આખરે કહ્યું કે યાર મેં તને અનેક વખત સોરી કહ્યું. હવે તો મને માફ કરી દે. એ માફ નહોતો કરતો. એક વખત તેના બીજા મિત્રએ કહ્યું કે એ માફી માગે છે પછી શું છે? એ યુવાને કહ્યું કે, એ ભલે માફી માગે, પણ હું માફ કરવાનો નથી! એને રિયલાઇઝ થવું જોઈએ કે તેણે ભૂલ કરી છે! આપણે શું રિયલાઇઝ કરાવવાનું ઇચ્છતાં હોઈએ છીએ? એ કરગરે, પગમાં પડી જાય? આવું કરવાથી ઘણાનો ઇગો સંતોષાતો હોય છે.
રબર અમુક હદ સુધી તણાય છે. આપણે પછી પણ ખેંચતા રહીએ તો તૂટી જાય છે. કોઈ માફી માગે અને ન આપીએ ત્યારે માફી માગનારને પણ ઘણી વાર એવું થાય છે કે મેં તો માફી માગી લીધી, એ ન આપે તો એનો પ્રોબ્લેમ છે. માફી ન આપીએ તો ઘણી વાર વાંક આપણો જ હોય છે. સોરી ફીલ કરાવવાની પણ એક હદ હોય છે. એકલતાનું એક કારણ આપણી માફ કરવાની અક્ષમતા પણ હોય છે. બધા જ હોય છે, આપણે દૂર હટી ગયા હોઈએ છીએ. કોઈએ આપણને એકલા પાડ્યા હોતા નથી, આપણે નજીક જવાનું ટાળીએ છીએ.
એક પરિવારની વાત છે. એક મુદ્દે ઘરમાં ઝઘડો થયો. વાત વણસી ગઈ. બધા જુદા થઈ ગયા. બોલવાના સંબંધો પણ ઘટી ગયા. એ દરમિયાન એક ભાઈના ઘરે સારો પ્રસંગ આવ્યો. નારાજ હતો તેને કાર્ડ મોકલ્યું. ફોન કે મેસેજ ન કર્યો, આવવું હોય તો આવે, મારે કંઈ ગરજ નથી. એના વગર પણ પ્રસંગ પતી જ જવાનો છે. ગરજ કોઈને નથી હોતી, અટકતું કંઈ પણ નથી હોતું. બસ, એક નાનકડો ખાલીપો સર્જાતો હોય છે. આ ખાલીપો ન ભરાય ત્યારે માણસ ખાલીપા સાથે પણ મન મનાવી લેતો હોય છે. પ્રસંગ હતો ત્યારે એ વ્યક્તિ આવી. આંખો મળી ત્યારે માફી માગી પણ લેવાઈ અને માફી આપી પણ દેવાઈ. માફી માગવા માટે કે માફી આપવા માટે દરેક વખતે શબ્દોની જરૂર પડતી નથી! તું આવ્યો તો મને ગમ્યું. એણે કહ્યું, હું એટલો પણ જડ નથી. સાવ સાચું કહું, બહાનું શોધતો હતો!
આપણે ઘણી વખત માફી માગવી પણ હોય છે અથવા તો માફ કરી દેવા પણ હોય છે. મોકાની રાહ જોતા હોઈએ છીએ! મોકાની રાહ જોવામાં ઘણી વખત મોડું થઈ જાય છે. એક બાપ-દીકરીની વાત છે. દીકરીએ પોતાની પસંદગીની વ્યક્તિ સાથે મેરેજ કર્યા. બાપે ચોખ્ખું સંભળાવી દીધું કે આજથી તું મારા માટે મરી ગઈ છે. હવે કોઈ દિવસ તારું મોઢું ન બતાવતી. વર્ષો વહી ગયાં. એક પ્રસંગમાં દીકરી અને બાપ અચાનક જ મળી ગયાં. દીકરીને જોઈને બાપની આંખો ભીની થઈ ગઈ. દીકરીને ગળે વળગાડી દીધી. બાપે કહ્યું, એક વખત પણ તને એમ ન થયું કે ડેડી સાથે વાત કરું? દીકરીએ કહ્યું કે, તમે તો કહી દીધું હતું કે, તું મારા માટે મરી ગઈ છે. હું જીવતી હતી, પણ તમારા શબ્દો મને રોજ થોડું થોડું મારતા હતા. પિતાએ કહ્યું, હું ગુસ્સામાં હતો. બોલાઈ ગયું હતું. રાહ જોતો હતો કે તું આવે. આપણા લોકો રાહ જ જોતા હોય છે. આપણે બસ, એક ડગલું આગળ વધવાની જરૂર હોય છે.
એ મને માફ નહીં કરે એવું વિચારીને પણ ઘણી વખત આપણે માફી માગતા નથી. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે કોઈ શું કહેશે એનું આપણે વધુ વિચારીએ છીએ, આપણે શું કરવું જોઈએ એનું આપણે જરાયે વિચારતા નથી! આપણે માણસ છીએ. ક્યારેક જાણતાં અને ક્યારેક અજાણતાં ભૂલ થઈ જાય છે. જાણતાં થઈ ગયેલી ઇરાદાપૂર્વકની ભૂલ પણ ઘણી વખત મોડેથી સમજાતી હોય છે. આપણે બસ માફ કરવામાં કે માફી માગવામાં મોડું ન કરવું જોઈએ. દિલ પર રહેલો ભાર આપણા હાથે જ હળવો કરવો પડે છે અને હળવાશ માટે ‘માફી’ સૌથી અસરકારક છે. પછી એ માગવાની હોય કે આપવાની!
છેલ્લો સીન:
વેર લેવાની સૌથી સરળ રીત જો કોઈ હોય તો એ છે, આપણા દુશ્મન, વિરોધી કે હરીફને માફ કરી દેવો! -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા.28 સપ્ટેમ્બર, 2016, બુધવાર. ચિંતનની પળે કોલમ)
Nice Article Sir…..
Thank you
Kitna kiya h dil ne intezar tera ,
Thoda to kar ab tu aitbar mera ,
Kyu tadpaa rhi h tu yu kamosh rehkar ,
Puri shiddat se maafi maang rha h dil aaj mera
Vah…