તું એ નક્કી કર કે તારે શું કરવું છે? – કૃષ્ણકાંત ઉનડકટ

તું એ નક્કી કર કે

તારે શું કરવું છે?

-કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી સે બડી સજા હી નહીં, ઔર ક્યા જુર્મ હૈ પતા હી નહીં,

ઇતને હિસ્સોં મેં બટ ગયા હૂં મેં, મેરે હિસ્સે મેં કુછ બચા હી નહીં.

-કૃષ્ણ બિહારી ‘નૂર’

જિંદગીની સૌથી મોટી મજા શું છે એ તમને ખબર છે? જિંદગી આપણને ઘણા બધા વિકલ્પો આપે છે. જિંદગી આપણને કહે છે કે, તારી સામે આટલા બધા રસ્તા છે, તું નક્કી કર કે તારે કયા રસ્તે જવું છે? જિંદગી કહે છે કે, તારી સામે આટલા બધા લોકો છે, તું નક્કી કરે કે તારે કોની સાથે સંબંધો રાખવા છે? જિંદગી કહે છે કે, હું તારી છું, તું નક્કી કર કે તારે મને કેવી રીતે જીવવી છે? જિંદગી કહે છે કે, તારી પાસે ભૂલવાની પણ ક્ષમતા છે અને યાદ રાખવાની પણ શક્તિ છે, તું નક્કી કર કે તારે શું યાદ રાખવું છે અને શું ભૂલી જવું છે? જિંદગીની સૌથી મોટી સજા પણ એ જ છે કે, એ ઘણા વિકલ્પો આપે છે! વિકલ્પો છે એટલે જ તો અવઢવ છે, વિકલ્પો છે એટલે તો મૂંઝવણ છે, વિકલ્પો છે એટલે જ તો એવો સવાલ ઉઠે છે કે, શું કરવું? ખોટો વિકલ્પ પસંદ થઇ જશે તો? હું જેને પ્રેમ કરીશ એ મને પ્રેમ નહીં કરે તો? મારી પસંદગી જ ખોટી નીકળશે તો? મેં જે રસ્તો પસંદ કર્યો છે એ અચાનક જ પૂરો થઇ જશે તો? આપણે બધા જિંદગીની મંઝિલ શોધતા રહીએ છીએ અને રસ્તાને કોસતા રહીએ છીએ. જિંદગીની મજા સફરમાં છે, મંઝિલમાં નહીં. સફર છે તો માર્ગમાં ક્યાંક અંધકાર હોવાનો, ક્યાંક ચઢાવ હોવાનો, ક્યાંક ખોડો હોવાનો! બધું જ ખરાબ જ હોય એવું જરૂરી નથી. ક્યાંય ફૂલો પણ હોવાના, ક્યાંક છાંયો પણ હોવાનો, ક્યાંય હાશ પણ થવાની! ક્યારેક એવું લાગે છે કે, બધું જ સરસ જઇ રહ્યું છે, કોઇ જ પ્રોબ્લમ નથી. દરેક વ્યક્તિને જિંદગીમાં એક વખત તો એવું ફીલ થયું જ હોય છે કે, મારા જેવું સુખી બીજું કોઇ નથી. જિંદગીમાં એક વખત એવું પણ થયું હોય છે જ્યારે માણસને એમ થાય છે કે, મારા જેવું દુખી કોઇ નથી. જિંદગી આપણને ઝૂલાવતી રહે છે, કયારેક સુખ તરફ તો ક્યારેક દુ:ખ તરફ, ક્યારેક ખુશી તરફ તો ક્યારેક ગમ તરફ, ક્યારેક હાસ્ય તરફ તો ક્યારેક આંસુ તરફ! કોઇ જ અવસ્થા કાયમી નથી. બધું જ બદલતું રહે છે. બધું જ સરકતું રહે છે. આ બધા વચ્ચેથી આપણે સુખ, શાંતિ, પ્રેમ, આત્મીયતા, હૂંફ, આદર અને જિંદગી શોધવાની હોય છે. જિંદગીના સવાલોના જવાબો શોધવાના હોય છે.

આપણી સાથે જે ઘટનાઓ બને છે તેને આપણે કેવી રીતે લઇએ છે? કોઇ એકશન સામે આપણું રિએકશન કેવું હોય છે? કોઇ આઘાતનો પ્રત્યાઘાત કેવો હોય છે? આપણે ખીજ કેવી રીતે ઉતારીએ છીએ? રાડો પાડીએ છીએ કે ચૂપ થઇ જઇએ છીએ? કોઇને દોષ આપીએ છીએ કે છાના ખૂણે રડી લઇએ છીએ? આપણે જે કંઇ કરીએ છીએ એવું શા માટે કરીએ છીએ? દરેકની પોતાની જીવવાની અને જીરવવાની એક રીત હોય છે. એક છોકરીની આ વાત છે. તેને એક છોકરા સાથે પ્રેમ હતો. બંને વચ્ચે બ્રેકઅપ થઇ ગયું. છોકરી દુખી હતી. તેની ફ્રેન્ડસને થયું કે, ચાલો આપણે બધા તેને મળવા જઇએ. તેને હસાવીએ. તેને પ્રેમીનો ગમ ભૂલાવી દઇએ. તેણે છોકરીને વાત કરી કે, અમે બધા તારી પાસે આવીએ છીએ. છોકરીએ કહ્યું કે, મને ખબર છે કે તમે શા માટે આવો છો. તમને બધાને મારી ચિંતા છે. તમારી લાગણી બદલ થેંક યુ પણ સાચું કહું, મને અત્યારે એકલા રહેવાનું મન છે. પ્લીઝ તમે કોઇ ન આવો. મારા એકાંતમાં જ હું શાંતિ શોધું છે. મને મારી શાંતિની શોધ મારી રીતે કરવા દો. એટલો ભરોસો રાખજો કે, હું તૂટી નહીં જાઉં! આપણે ઘણી વખત કોઇને મદદ કરવા જતા હોઇએ છીએ પણ હકીકતે તો આપણે તેને પરેશાન કરતા હોઇએ છીએ. આપણે હાથે કરીને દોઢ ડાહ્યા થતાં હોઇએ છીએ. સ્વસ્થ થવાની દરેકની રીત અલગ હોય છે. આપણી આવશ્યકતા હોય ત્યાં જ હાજર રહેવું જોઇએ. હાજરીની જરૂર હોય ત્યાં ગેરહાજર રહેવું જેટલું ખોટું છે એટલું જ ખરાબ જ્યાં આપણી આવશ્યકતા ન હોય ત્યાં હાજર રહેવું છે.

આપણે પણ એ નક્કી કરવું પડે છે કે, ક્યારે એકલું રહેવું છે અને ક્યારે બધાની સાથે રહેવું છે. માણસે પોતાની જાત સાથે પણ રહેવું જોઇએ. આપણા બધાનો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે આપણી સાથે તો રહેતા જ નથી. આપણી સાથે રહેતા નથી એટલે આપણે આપણને જ ઓળખતા નથી. આપણે દુનિયા તરફ ભાગતા રહીએ છીએ, આપણી તરફ તો નજર જ નથી નાખતા. એક માણસ દુનિયાના તમામ તીર્થ સ્થાનોએ જઇ આવ્યો. એ એક સંતને મળ્યો. તેણે કહ્યું, મેં બધી જ યાત્રાઓ કરી નાખી છે. સંત હસવા લાગ્યા. સંતે કહ્યું, મને તો એવું નથી લાગતું. પેલા માણસે પૂછ્યું, કેમ? કેમ તમને એવું નથી લાગતું? સંતે કહ્યું કે, હમણા તો તું એક માણસ સાથે ઝઘડો કરતો હતો, એને ગાળો દેતો હતો. એમ કહેતો હતો કે, તને ખબર છે કે, હું કોણ છું? સાચું કહું, મને ખબર છે કે તું કોણ છે, તકલીફ એ છે કે તેને જ ખબર નથી કે તું કોણ છે? તેં બધી યાત્રાઓ તો પૂરી કરી પણ તું તારી તરફ તો ગયો જ નથી. એક યાત્રા પોતાના તરફની હોય છે. એ યાત્રા જો પૂરી ન થાય તો બીજી બધી જ યાત્રાનો કોઇ અર્થ નથી.

એક ઝેન સાધુ હતા. તેના એક અનુયાયી તેને સતત એવો આગ્રહ કરતા હતા કે, એક વાર અમારે ત્યાં પધારો અને બધા સાથે સત્સંગ કરો. ઝેન સાધુ તેમને ત્યાં ગયા. સાતમા માળના હોલ પર બધા ભેગા થયા હતા. સાધુ વાતો કરતા હતા. તેમણે કહ્યું કે, માણસે આખરે તો એ નક્કી કરવાનું હોય છે કે, મારે શું કરવું છે? બધી વાતો ચાલતી હતી ત્યાં ધરતીકંપ આવ્યો. બધા ઉઠીને ભાગવા લાગ્યા. જલ્દીથી નીચે પહોંચી જઇએ એટલે સેઇફ થઇ જવાય એવું વિચારીને બધા ભાગ્યા. જેણે સત્સંગ ગોઠવ્યો હતો એ યજમાન પણ ભાગ્યા. થોડાક નીચે ગયા ત્યાં એને વિચાર આવ્યો કે, ઝેન સાધુ ક્યાં છે? એ તો સલામત છેને? આજુબાજુમાં જોયું પણ સાધુ ક્યાંય દેખાયા નહીં. એ માણસ ફરીથી સાતમા માળે ગયો. તેણે જોયું તો, સાધુ આંખો બંધ કરીને આરામથી બેઠાં હતા. ધરતીકંપ શમી ગયો. સાધુએ આંખો ખોલી. પેલા માણસે કહ્યું કે, મહારાજ બધા ભાગ્યા હતા, તમે કેમ ન ભાગ્યા? સાધુએ કહ્યું, કોણ એવું કહે છે કે હું નથી ભાગ્યો? હું પણ ભાગ્યો હતો. ફેર માત્ર એટલો હતો કે, તમે બધા બહારની તરફ ભાગ્યા હતા અને હું અંદરની તરફ ભાગ્યો હતો! આપણે પોતાની અંદર એક સેફ પ્લેસ બનાવવી પડે છે. કોઇ તકલીફ વખતે આપણે આપણી અંદર જવાનું હોય છે, આપણે બહાર ફાંફા મારીએ છીએ. ભાગતા રહીએ છીએ. હું દોડીને મારી જ અંદર ચાલ્યો ગયો હતો. જાત સાથે. મારી સલામત જગ્યાએ. એવી જગ્યા જ્યાં કોઇ ડર નથી, કોઇ ચિંતા નથી, કોઇ ફફડાટ નથી, બસ સમર્પણ છે. પોતાની જાતનું પોતાની તરફ અને પોતાની જાતનું પરમાત્મા તરફ. જે માણસે પોતાની અંદર સુંદર જગ્યા બનાવી લીધી છે એને બહાર ભટકવું નથી પડતું.

આપણને પણ બધું બહારી ગમે છે. સંબંધો માટે પાર્ટીઓ કરીએ છીએ. બધાને સારું લગાડીએ છીએ. મજા બીજા પાસેથી શોધીએ છીએ. આનંદ પણ બીજા સાથે જ આવે છે. બહાર બધું કરો પણ પહેલા પોતાની અંદર જાવ, જાતમાં એક એવી જગ્યા બનાવો જ્યાં તેમને એકલા હોવ તો પણ એકલું ન લાગે અને આનંદ આવે. જિંદગી માટે સંબંધો જરૂરી છે પણ એનાથીયે વધારે તો પોતાની શોધ છે, પોતાની સમજ છે, પોતાની ઓળખ છે. તમે ક્યારેય વિચારો છો કે, મારી સાથે મારો સંબંધ કેવો છે? ક્યાંક હું જ તો મારો દુશ્મન નથીને? પહેલા પોતાના દોસ્ત બનો, પહેલા પોતાના ફોલોઅર બનો, પોતાને પ્રેમ કરો. જો તમે તમારામાં પ્રેમ, સુખ અને શાંતિ નહીં શોધી શકો તો તમને બહાર ક્યાંયથી નહીં મળે!

છેલ્લો સીન :

જિંદગી તો આપણી નજીક જ હોય છે. આપણે જ દૂર ભાગી જતા હોઇએ છે. જે હાથવગું હોય છે એને જોતા નથી અને જે હોતું નથી એના માટે દોડતા રહીએ છીએ!                -કેયુ

(‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 28 નવેમ્બર 2021, રવિવાર.  ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તું એ નક્કી કર કે તારે શું કરવું છે? – કૃષ્ણકાંત ઉનડકટ

    1. Dil thi thay a prem ane aankho thi thai a attraction. dekhav manas ne attract kare che… gun ane sanskar lagni peda kare che.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *