તું તારા મન પર કોઈને કબજો જમાવવા ન દે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું તારા મન પર કોઈને

કબજો જમાવવા ન દે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જે ડૂબ્યું ખોળવાનો અર્થ નથી, આંસુને ડહોળવાનો અર્થ નથી,

ઘરપણું થઈ ગયું છે મેલું ત્યાં, ભીંતને ઘોળવાનો અર્થ નથી,

એ મળે તો સહજ રીતે જ મળે, બાકી ફંફોળવાનો અર્થ નથી,

ઝીલતાં આવડે તો જ ઉછાળો, શબ્દ ફંગોળવાનો અર્થ નથી.

-મનોજ ખંડેરિયા

હળવાશ, મુક્તિ, આઝાદી, સ્વતંત્રતા અને નિજાનંદનો સીધો સંબંધ મન સાથે છે. મન જો ભારે હોય તો હળવાશ લાગવાની નથી. કંઈ પણ ફીલ કરવા માટે દિલ સાબૂત, સજ્જ, સહજ અને સક્ષમ હોવું જોઈએ. મૂંઝાયેલું કે માંદલું મન મૂંઝારો જ આપે છે. મન પણ ફૂલ જેવું છે. મનને સીંચવું પડે છે. મનને સમજાવવું પડે છે. મનને ક્યારેક મારવું પણ પડે છે. તમારા મન ઉપર તમારો કેટલો કાબૂ હોય છે? મનની લગામ તમારા હાથમાં છે કે પછી મન છુટ્ટા ઘોડાની જેમ ભટકતું રહે છે? નાની-નાની વાતમાં ઉશ્કેરાટ આવી જાય તો સમજવું કે મન તમારા કાબૂમાં નથી. આપણે આપણા મનને સલામત રાખવું પડતું હોય છે. મોટાભાગે એવું થતું હોય છે કે આપણે આપણા મનની લગામ કોઈના હાથમાં આપી દઈએ છીએ. કોઈ આપણને જરાકેય ચીડવે અને આપણે છંછેડાઈ જઈએ છીએ. કોઈ એક નબળો શબ્દ બોલે અને આપણું મગજ છટકી જાય છે. કોઈ આપણને નચાવે છે અને આપણે નાચતા રહીએ છીએ!

આપણા ઉપર બીજાની કેટલી અસર થાય છે એના ઉપરથી એ નક્કી થાય છે કે આપણા ઉપર આપણો કેટલો કબજો છે. આપણે સતર્ક ન હોઈએ તો કોઈ આપણા મન પર પણ આધિપત્ય જમાવી દે છે. તન કરતાં પણ મનનું આધિપત્ય વધારે ખતરનાક હોય છે. તમને કોઈ બાંધી ન રાખે, પણ તમે તમારી ઇચ્છા મુજબ જીવી ન શકો તો એ એક પ્રકારનું આધિપત્ય જ છે. માણસ ક્યારેક આઝાદીને સમજવામાં પણ થાપ ખાઈ જાય છે. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. પ્રેમી એની પ્રેમિકાને ખૂબ જ પ્રેમ કરે. પ્રેમમાં પાગલ પ્રેમિકા તેની દરેક વાત માને. ધીમે ધીમે તેના પ્રેમીએ મન પર કબજો જમાવવાનું શરૂ કર્યું. તારે આવું નહીં કરવાનું, સોશિયલ મીડિયા પર ફોટા અપલોડ નહીં કરવાના, મિત્રો સાથે ચેટિંગ નહીં કરવાનું, ક્યાંય જવાનું હોય તો મને કહીને જવાનું જેવા નિયમો લાદવા માંડ્યો. ચાલાક લોકો એવી વાત કરે છે કે, મને તારી ચિંતા રહે છે. હું તો તારા ભલા માટે આવું બધું કહું છું. કાળજીના નામે પ્રતિબંધો લાદનારા લોકો આધિપત્ય જમાવવામાં માહેર હોય છે.

આપણી વ્યક્તિ જ ક્યારેક આપણને અણસાર ન આવે એમ આખા દિવસનો હિસાબ માંગતી રહે છે. તેં આજે શું કર્યું? કોની સાથે વાત કરી? શું વાત કરી? આપણે ખુલ્લા દિલે બધી વાત કરી દઈએ છીએ. આપણને અણસાર ન આવે એમ એવું કહેવા લાગે છે કે, તારે એ રીતે વાત કરવાની જરૂર નહોતી. તારે એને મોઢામોઢ ચોપડાવી દેવાની જરૂર હતી. આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ એના નિર્ણયો પણ જ્યારે બીજા કરવા લાગે ત્યારે સમજવું કે આપણે માનસિક ગુલામીમાં જ જીવીએ છીએ. માણસ એવી અપેક્ષા રાખતો થઈ જાય છે કે, એ જે કંઈ કરે એ મને પૂછીને કરે. પૂછીને કર્યા પછી પણ શું કર્યું એનો રિપોર્ટ આપે! મજાની વાત એ છે કે, મોટાભાગે પ્રેમના નામે આવું બધું ચાલતું હોય છે. અમુક આધિપત્ય પણ ‘સુગર કોટેડ’ હોય છે.

આપણને અણસાર કે અંદાજ ન હોય એ રીતે આપણા પર ‘વોચ’ રહેતી હોય છે. હાઇફાઈ ટેક્નોલોજીએ આપણને બધાને સર્વેલન્સમાં મૂકી દીધા છે. પ્રાઇવસીમાં એન્ક્રોચમેન્ટ આજે જેટલું સહજ છે એટલું અગાઉ ક્યારેય ન હતું. સીસીટીવી લગાવવા પાછળ દરેક વખતે દાનત સુરક્ષાની નથી હોતી. મારી ગેરહાજરીમાં તું શું કરે છે એ જાણવાની પણ હોય છે. મૂવમેન્ટ મુક્ત ન હોય ત્યારે સમજવું કે આપણે ગુલામીમાં જીવી રહ્યા છીએ. સંબંધો જ્યારે શંકાના દાયરામાં આવે ત્યારે સ્વતંત્રતા સંકોચાઈ જતી હોય છે. એક યુવાનની આ વાત છે. તેણે ઘરમાં સીસીટીવી લગાવ્યા હતા. ઘરમાં જે થતું હોય એ પોતાના મોબાઇલ ઉપર જોઈ શકતો હતો. ઓફિસે ગયા પછી પણ એ થોડી થોડી વારે એ ચેક કરી લે કે ઘરમાં શું ચાલે છે? ધીમે ધીમે એ પત્નીને ડિક્ટેટ કરવા લાગ્યો. ફ્રી થઈને બેઠી છે શું? પેલું કામ કરી નાખને? એક વખત પત્ની ફોન પર વાત કરતી હતી. ફોન પત્યો એટલે પતિએ ફોન કરીને પૂછ્યું, કોની સાથે વાત કરતી હતી? ધીમે ધીમે પત્નીને એ વાત સમજાઈ ગઈ કે, આ તો મારા ઉપર વોચ રાખે છેે! એક વખત પત્નીએ કહ્યું કે, તેં સીસીટીવી મારી સુરક્ષા માટે લગાવ્યા છે કે પછી મારા પર નજર રાખવા માટે? ધ્યાન રાખવું અને નજર રાખવી એમાં બહુ ફર્ક છે. હવે તો મને કંઈ કરતા પહેલાં એવો વિચાર આવી જાય છે કે, તું જોતો હોઈશ! મારે મારા જ ઘરમાં મારા વર્તન પર કાબૂ રાખવો પડે છે! હું તો ક્યારેય એ ચેક નથી કરતી કે, ઘરેથી બહાર ગયા પછી તું ક્યાં જાય છે? કોને મળે છે? શું કરે છે? હું કંઈ ખોટું કરું પછી તું કહે તો એ સમજી શકાય. આ તો જાસૂસી છે! પ્લીઝ, તું આવું ન કર!

દરેક આધિપત્ય ખરાબ જ હોય એવું જરૂરી નથી. અમુક આધિપત્ય સ્વીકારેલું હોય છે. અમુક આધિપત્ય આપણને ગમતું પણ હોય છે. આપણને બધી જ વાત આપણી વ્યક્તિને કરવી ગમતી હોય છે. આપણે આપણા લોકો સાથે બધી વાત શેર પણ કરીએ છીએ. આપણી વ્યક્તિ આપણને કંઈ ન પૂછે તો ઘણી વખત આપણને એવું પણ થાય છે કે, એને તો મારી કંઈ પડી જ નથી! એને તો મારી કોઈ ચિંતા જ નથી! એક પતિ-પત્ની હતાં. બંને ખૂબ જ સમજુ. એકબીજા પર પૂરો ભરોસો. પતિ ક્યારેય પત્નીને ન પૂછે કે, તેં શું કર્યું? એક વખત પત્નીએ કહ્યું કે, ક્યારેક તો પૂછ કે તેં આખો દિવસ શું કર્યું? પતિએ કહ્યું, તેં જે કર્યું હશે એ યોગ્ય જ હશે! તું સમજુ છે, મેચ્યોર છે, સારા-નરસાનું તને ભાન છે પછી પૂછ-પૂછ શું કરવાનું? પત્નીએ કહ્યું, તો પણ તું મને પૂછે તો ગમે! માણસને અમુક બંધન પણ ગમતાં હોય છે. જે બંધનમાં પ્રેમ હોય, એ બંધન સ્વૈચ્છિક હોય અને બંધન પાછળની દાનત બંધક બનાવવાની ન હોય!

તમને સતત કોઈના વિચાર આવે છે? આવતા હોય છે. આપણે જેને પ્રેમ કરતા હોઈએ એના વિચારો આવે એ સ્વાભાવિક છે. આપણા અસ્તિત્વ સાથે જોડાયેલી વ્યક્તિ આપણા વિચારોમાં સામેલ હોય છે. આપણે તે ન હોય તો પણ તેની હાજરી મહેસૂસ કરીએ છીએ. એની ગેરહાજરીમાં પણ એની સાથે સંવાદ ચાલતો હોય છે. ટેલિપથી ત્યારે જ સર્જાય છે જ્યારે બે વ્યક્તિની સંવેદનાઓના તાર એકસરખા જોડાયેલા અને ઝણઝણતા હોય! એકબીજાના વિચારોને વાંચી શકાય એ પ્રેમની શ્રેષ્ઠતમ અવસ્થા છે. બંને પક્ષે એકસરખું સમર્પણ હોય ત્યારે પ્રેમ પરમતત્ત્વની કક્ષાએ જિવાતો હોય છે. આવો પ્રેમ થવો, આવો પ્રેમ હોવો, આવો પ્રેમ મળવો અને આવો પ્રેમ ટકવો એ સારા નસીબનું શ્રેષ્ઠ પરિણામ છે. દરેક વ્યક્તિ આવો પ્રેમ ઝંખતી હોય છે. દરેકને એવી ઇચ્છા હોય છે કે મારી જિંદગીમાં એવી વ્યક્તિ હોય, જે આખી જિંદગી મારા મય હોય. એ મને ખૂબ પ્રેમ કરે. મારી કેર કરે. મારી સાથે વાત કરે. મારી વાત સાંભળે. જે મને પૂરી રીતે મહેસૂસ કરે. જેના દરેક અહેસાસમાં હું હોઉં. જે મને પોતાની જિંદગીનું કારણ સમજે અને જે મને પોતાનું સારું નસીબ સમજે! આવું ન થાય ત્યારે આપણને આપણા નસીબ સામે જ સવાલો થાય છે. આપણે પ્રેમ કરતા હોઈએ એ આપણને આપણા જેટલી જ ઉત્કટતાથી પ્રેમ કરતા હોતા નથી. એમાંયે જ્યારે એવું લાગે કે, સામા પક્ષે તો પ્રેમ જેવું જ નથી ત્યારે આયખું અઘરું લાગતું હોય છે!

બે બહેનપણી હતી. એક બહેનપણીને એક છોકરા સાથે પહેલાં દોસ્તી અને પછી પ્રેમ થયો. થોડા સમયમાં એ ફ્રેન્ડનું બિહેવિયર ચેન્જ થવા લાગ્યું. કોઈ નિર્ણય કરવાનો હોય તો પણ એ એનો પ્રેમી કહે એ જ નિર્ણય લે. પોતાની ફ્રેન્ડમાં આ પરિવર્તન જોઈને એક દિવસ તેની બહેનપણીએ કહ્યું કે, તને એની સાથે પ્રેમ છે એમાં કંઈ ખોટું નથી. ખોટું એ છે કે તું તારી રીતે વિચારતી જ બંધ થઈ ગઈ છે! તું પ્રેમ કર, પણ તું તારા મન પર કોઈને કબજો જમાવવા ન દે! પ્રેમમાં પરાધીન થવામાં મોટું જોખમ છે. તું તો સામે ચાલીને તારું આધિપત્ય એને સોંપી રહી છે. પ્રેમના કારણે આપણા વિચારો, આપણી કલ્પનાઓ, આપણી ક્રિએટિવિટી અને આપણું અસ્તિત્વ નિખરવું જોઈએ! પ્રેમ તો મુક્તિ આપે છે! બાય ધ વે, તમારો પ્રેમ કેટલો મુક્ત છે? પ્રેમમાં તમે તમારી રીતે જીવી શકો છો? પોતાની વ્યક્તિની વાત માનવામાં કંઈ ખોટું કે ખરાબ નથી, એની વાત માનતી વખતે માત્ર એટલું વિચારજો કે એવી વાત વાજબી તો છે ને? જે વાજબી નથી હોતું, એ વહેલું કે મોડું વલોપાત સર્જતું હોય છે!

છેલ્લો સીન :

સાચો પ્રેમ વિચારોને પાંખો આપે છે. પાંજરામાં ન હોઈએ, પણ પાંખો કાપી નાખવામાં આવે તો એ કેદ જ છે!     -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 13 મે 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *