કોણ શું બોલે છે એના તરફ તું ધ્યાન ન દે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કોણ શું બોલે છે એના

તરફ તું ધ્યાન ન દે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

હું કદી ના ગણું તુજને પથ્થર સમો,

તું જ એ રૂપ ધારે, તો હું શું કરું?

આંસુઓ ખૂબ મોંઘા છે માન્યું છતાં,

કોઇ પાલવ પ્રસારે, તો હું શું કરું?

આદિલ મન્સૂરી

માણસને માણસ સાથે રોજનો નાતો છે. આપણે બધા માણસોથી ઘેરાયેલા રહીએ છીએ. પરિવારના લોકો, મિત્રો, સ્નેહીજનો, સાથે ભણતા કે સાથે કામ કરતા લોકો સતત આપણી આસપાસ હોય છે. દરેક વ્યક્તિ સાવ નજીક નથી હોતી. અમુક લોકો થોડાક દૂર હોય છે. દરેક સંબંધની એક ધરી હોય છે. એ ધરીની આસપાસ આત્મીયતા, સંવેદના અને સ્નેહ ઘૂમતા રહે છે. કોઇકથી આપણને બહુ ફેર પડે છે. એની વાત, એના શબ્દો, એનો અભિગમ, એનું મંતવ્ય, એની ઇચ્છા, એના ઇરાદા આપણને અસર કરે છે. એની પાસે આપણને અપેક્ષાઓ પણ હોય છે. કોની કેટલી વાત સાંભળવી, કોની કેટલી વાત માનવી, કોને કેટલી ગંભીરતાથી લેવા, કોને ઇન્કાર કરવો, કોને પડતા મૂકવા, એની સમજ સુખ અને શાંતિ માટે જરૂરી છે.

આપણે ગમે એટલા સારા હોઇએ તો પણ બધા લોકો આપણું સારું જ ઇચ્છે એવું જરૂરી નથી. ખરાબ ઇચ્છવાવાળા, ખરાબ બોલવાવાળા, ખરાબ કરવાવાળા લોકો હોવાના જ છે. આપણી ગતિ, આપણી પ્રગતિ, આપણી સફળતા, આપણા વિજય સાથે જેને કંઇ લાગતું-વળગતું ન હોય એ લોકો પણ આપણું ભલું ઇચ્છતા હોતા નથી. એક યુવાનની આ વાત છે. તેના મિત્રએ તેને કહ્યું કે, ‘તારા પેલા સગાં છે ને, એ તારું ખરાબ બોલતા હતા.’ આ વાત જાણીને યુવાનને આશ્ચર્ય થયું. ‘એ મારું ખરાબ બોલતા હતા? મેં તો એનું કંઇ બગાડ્યું નથી. મારાથી એને કોઇ ગેરફાયદો કે નુકસાન પણ નથી. આમ જુઓ તો, મારા કામ અને મારા નામ સાથે એને કંઇ લાગતું-વળગતું પણ નથી. એ મારું શા માટે ખરાબ બોલતા હશે?’ તેના મિત્રએ કહ્યું, ‘અમુક લોકો હોય છે જ એવા! એને બીજાની ખણખોદ કરવામાં મજા આવતી હોય છે. મેં તને આ વાત એટલા માટે કરી કે, તું આવા લોકોને ગંભીરતાથી ન લેતો. એને ઇગ્નોર કરજે.’

જે લોકો આપણી પીઠ પાછળ વાતો કરે છે, એ કોણ છે, કેવા છે, શા માટે એવું કરે છે, એ વિશે પણ થોડોક વિચાર કરવો જોઇએ. એક છોકરી હતી. તેની એક બહેનપણી તેની એક નંબરની ટીકાકાર. કંઇ હોય તો તરત જ રોકે. કંઇ ભૂલ થાય તો તરત જ ટોકે. છોકરીને થયું કે, આ મારી ફ્રેન્ડથી હું સહન થતી નથી. તેને મારામાં કંઇ ને કંઇ પ્રોબ્લેમ જ દેખાય છે. એક દિવસ એ છોકરીને તેની એક બીજી ફ્રેન્ડે કહ્યું કે, ‘તારી પેલી બહેનપણી છે ને, એ તારા વિશે બહુ સારું બોલતી હતી! તારા વખાણ કરતી હતી. તું બહુ મહેનત કરે છે. તું એકદમ ફોકસ્ડ છે. નકામી બાબતોમાં તું પડતી નથી.’ છોકરીને આશ્ચર્ય થયું. એમ? એ મારું સારું બોલતી હતી? મારા મોઢે તો એણે ક્યારેય સારી વાત કરી નથી! તેની ફ્રેન્ડે કહ્યું, એક વ્યક્તિએ તો તારી ટીકા કરી ત્યારે એ ગુસ્સે થઇ ગઇ હતી. તેને સંભળાવી દીધું કે, જે બોલ એ સમજી વિચારીને બોલજે. હું મારી ફ્રેન્ડ વિશે કંઇ ઘસાતું સાંભળી નહીં શકું!

એ છોકરી જ્યારે તેની ફ્રેન્ડને મળી ત્યારે તેણે પૂછ્યું, તું મારા વખાણ કરતી હતી? મેં એવું સાંભળ્યું છે કે, તું મારા માટે ઝઘડો કરવા પણ તૈયાર થઇ ગઇ હતી! તેની ફ્રેન્ડે કહ્યું, મને જે તને કહેવા જેવું લાગે એ મોઢામોઢ કહું છું. મને તારા વિશે જે લાગે એ બધાની વચ્ચે કહું છું. અમુક વાતો વન ટુ વન હોય છે. અમુક વાતો વન ટુ ઓલ હોય છે. અમુક માણસોની ફિતરત જ ડબલ ઢોલકી જેવી હોય છે. એ વિચારે છે કંઇક અને બોલે છે કંઇક. ઘણા લોકો તો એવા હોય છે જે વિચારતા હોય છે જુદું, મોઢામોઢ બોલતા હોય છે બીજું અને આપણી પાછળ ત્રીજી જ વાત કરતાં હોય છે. આજના સમયમાં પારદર્શક લોકો બહુ ઓછા બચ્યા છે. સારા માણસો લુપ્ત થતી પ્રજાતિમાં આવી ગયા છે. જેવા હોય એવા દેખાય, જેવા દેખાય એવા જ વર્તાય, એવા લોકો તમારી આજુબાજુમાં હોય તો એનું જતન કરજો!

એક બદમાશ માણસ હતો. રગેરગથી લુચ્ચો. એક નંબરનો સ્વાર્થી. બધામાં એ પોતાનો ફાયદો જ જુએ. પોતાનું ભલું થતું હોય તો એ કોઇનું બૂરું કરવામાં પણ વિચાર ન કરે. આ માણસ એક વખત એક સંતને મળ્યો. સંતને એના વિશે બધી જ ખબર હતી. એ માણસે સંતને પૂછ્યું, ‘મારામાં કંઇ જ સારી વાત નથી? તમને મારામાં કંઇ સારું, પોઝિટિવ કે વ્યાજબી લાગતું હોય તો મને કહો ને? મારામાં કશું સારું છે?’ સંતે કહ્યું, ‘છે ને! તારામાં જે સારું છે એવું તો બહુ ઓછા લોકોમાં હોય છે!’ પેલા માણસને આશ્ચર્ય થયું. મારામાં પણ કંઇ સારું છે! તેણે સંતને કહ્યું, ‘એવું શું સારું છે મારામાં?’ સંતે કહ્યું, ‘તું જેવો છે એવો જ બધાની સામે આવે છે. બદમાશ, સ્વાર્થી અને લુચ્ચો. તારામાં સૌથી સારી વાત એ છે કે, તું સારા હોવાનો દેખાવ નથી કરતો, સારા હોવાનું નાટક નથી કરતો. જેવો છે એવો પેશ આવે છે. આ પણ એક પ્રકારની પ્રામાણિકતા છે. એક રીતની ઓનેસ્ટી છે. દુનિયાએ તારા જેવા લોકોથી ડરવાની જરૂર નથી. ડરવાની જરૂર એનાથી છે, જે છે નાલાયક છે અને ડોળ કરે છે સારા હોવાનો! સ્ટાન્ડર્ડ ભલે નેગેટિવ હોય પણ ડબલ સ્ટાન્ડર્ડ કરતાં તો એ સારું જ છે! તારી સાથે કોઇ માણસ સમજી-વિચારીને સંબંધ રાખશે. અમુક લોકો તો એવા હોય છે કે, આપણને ખબર જ ન પડે કે, આ માણસ આપણું સારું વિચારે છે કે ખરાબ? એ આપણું ભલું કરશે કે બૂરું? કળિયુગની એક વ્યાખ્યા એ પણ કરવા જેવી છે કે, કળી શકાય નહીં એવા લોકોનો યુગ એટલે કળિયુગ!

આપણે એવું કહીએ છીએ કે, આપણી પીઠ પાછળ બોલે એ જુદા હોય છે અને મોઢામોઢ કહેનારા સારા હોય છે! મોઢે કહેનારા પણ સારા, સાચા અને આપણું ભલું ઇચ્છવાવાળા જ હોય, એવું જરૂર નથી. હું તો તારા સારા માટે કહું છું એવું કહેનારા પણ સારા માટે જ કહેતાં હોય એની ગેરંટી હોતી નથી. આપણે માણસને પારખવો પડતો હોય છે. કોણ કેવા છે એની ખબર અને એની સમજ જરૂરી છે. સારા ન હોય એની સાથે પંગા લેવાની જરૂર નથી, એની સાથે ડિસ્ટન્સ જ રાખવાનું હોય છે. ભૂંડ ગંદકીમાં જ રહે છે. એની સાથે બથોડા લઇએ તો ગંદા આપણે જ થવાનાં છીએ. એને તો ગંદકીમાં જ મજા આવે છે. એની સાથે ઝઘડો વ્હોરી લઇએ તો એમાં વાંક એનો નથી હોતો, અણસમજ આપણી હોય છે. આગથી એટલું અંતર રાખવું પડે કે આપણને હૂંફ મળે. ગમે એવી ઠંડી હોય તો પણ સળગતું લાકડું આપણે આપણા હાથમાં નથી લઇ લેતાં. હાથમાં લઇએ તો દાઝવાનો જ વારો આવે! અમુક લોકો એવા હોય છે, જે એવું વિચારે છે કે, ચેક તો કરવા દે, આપણને પણ ખબર પડે કે એ કેવો છે! આવા પ્રયાસો પણ કરવા જેવા હોતા નથી. ખબર હોય છે કે કારેલું કડવું જ હોવાનું પછી એને ચાખવા જાવ તો કડવાશ જ લાગવાની છે!

એક વાત એ પણ છે કે, સાચા લોકોની વાત સાંભળવી જોઇએ. માનવી કે ન માનવી એ પછીની વાત છે, પણ ડાહ્યા લોકોની વાત સાંભળવી તો જોઇએ જ. અમુક લોકો એમ ને એમ, કહેવા ખાતર કે બોલવા ખાતર કશું નથી બોલતા. એના કહેવાનો કંઇક ઉદ્દેશ હોય છે. એક યુવાન એક કામ કરતો હતો. તેના એક વડીલે એવું કહ્યું કે, ‘તું એ ન કર!’ એ યુવાને કામ પડતું મૂકી દીધું! તેના મિત્રએ તેને કહ્યું, ‘એણે ના પાડી અને તેં કામ છોડી દીધું?’ પેલા યુવાને કહ્યું, ‘હા, છોડી દીધું. એ વ્યક્તિ એમ જ ના ન કહે, એણે ભલે એક વાક્ય જ કહ્યું હોય, પણ બહુ વિચારીને કહ્યું હશે. એ ભલે બોલે એક મિનિટ પણ તેની પાછળ ઘણી વખત એક દિવસનું મંથન હોય છે. બીજું, મને ખબર છે કે, એ મારું ભલું જ ઇચ્છે! મારું ખરાબ થાય એવું તો એને સપનું પણ ન આવે!’ છેલ્લે એક વાત, તમારી વાતથી કોઇને ફેર પડે છે? તમારી વાત કોઇ સિરીયસલી લે છે? તમારા શબ્દોને કોઇ આદર આપે છે? જે આવું કરે છે, તેની સાથે વાત કરવામાં, તેને સલાહ આપવામાં, તેને અભિપ્રાય આપવામાં કાળજી રાખજો. આદરપાત્ર બની રહેવા માટે પણ એક કક્ષા મેળવવી અને જાળવવી પડતી હોય છે!

છેલ્લો સીન :

શું કહે છે એના કરતાં પણ વધું મહત્ત્વનું એ હોય છે કે, કોણ કહે છે? કહેનારા પરથી જ વાતનું વજન નક્કી થતું હોય છે.    –કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 10 માર્ચ 2021, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: