તને જિંદગીની મજા માણતાં જ ક્યાં આવડે છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને જિંદગીની મજા

માણતાં જ ક્યાં આવડે છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

સત્યનો એક જબરજસ્ત પુરાવો લઈને,

આખરે આવી રહ્યો છે એ ધુમાડો લઈને.

એ જુએ એ રીતે કૈં હાથની રેખાઓમાં,

કે છુપાયું કોઈ હો એમાં ખજાનો લઈને.

– ભાવેશ ભટ્ટ

મજા એટલે શું? આનંદ કોને કહેવાય? ખુશી કેવી રીતે મળે? સુખનો અહેસાસ કેવી રીતે થાય? દરેક માણસને મજામાં રહેવું છે. ઉદાસ, દુ:ખી, હતાશ, નિરાશ, નારાજ તો કોઈને રહેવું ગમતું નથી. આપણને બધાને જિંદગીની વ્યાખ્યા સારી રીતે સમજાય જ છે. મજા ક્યારે, કેમ અને કોની સાથે આવે એની પણ આપણને આછી પાતળી ખબર જ હોય છે. પ્રોબ્લેમ એટલો જ થાય છે કે, આપણે મજા કરી શકતા નથી! કંઈક ને કંઈ એવું થાય છે જે મજાની આડે આવી જાય છે. ક્યારેક સમય નથી મળતો, સમય હોય છે ત્યારે મૂડ નથી હોતો, મૂડ હોય ત્યારે કંપની મળતી નથી. કંપની હોય તો એકાદની સાથે ફાવતું હોતું નથી. નક્કી કર્યું હોય કે આજે તો બસ, મજા જ કરવી છે, તો પણ થઈ શકતી નથી. અચાનક કંઈક બને છે અને જે ધાર્યું હોય એના પર પાણી ફરી વળે છે.

આપણે મજાની એક ફ્રેમ મનમાં તૈયાર કરી રાખી હોય છે. એમાં નાનો સરખો પણ ફેરફાર થાય કે કોઈ પ્રોબ્લેમ થાય તો આપણી બધી જ મજાનું બાષ્પીભવન થઈ જાય છે. એક યુવાનની આ વાત છે. એનું એક સપનું હતું, સ્કૂબા કરવાનું! સ્કૂબા કરનારના વીડિયો જોઈ એની નજર સામે દરિયાના તળિયે સરકતી રંગબેરંગી માછલીઓનો નજારો ખડો થઈ જતો! એક વખત તેણે મિત્રો સાથે એક બીચ પર ફરવા જવાનો પ્લાન કર્યો. તેને ખુશી એ વાતની હતી કે, સ્કૂબાનું સપનું પૂરું થવાનું હતું. મિત્રો સાથે એ બીચ પર પહોંચ્યો. દરિયે પહોંચ્યો ત્યાં અચાનક વાતાવરણ બદલાઈ ગયું. ધોધમાર વરસાદ વરસવા લાગ્યો. દરિયો તોફાની બની ગયો. સ્કૂબાવાળાએ કહી દીધું કે, આવા સંજોગોમાં સ્કૂબા કરવામાં જોખમ છે. સ્કૂબા નહીં થાય! એ યુવાન ડિસ્ટર્બ થઈ ગયો. ચહેરા ઉપર ઉદાસી છવાઈ ગઈ. મિત્રોના મોઢે એવું બોલવા લાગ્યો કે, આખા પ્લાનની પથારી ફરી ગઈ. મારો તો મૂડ જ ઓફ થઈ ગયો. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, એમાં મૂડ શા માટે ઓફ કરે છે? સ્કૂબા ન થયું તો ન થયું! એ સિવાય અહીં બીજું છે એને એન્જોય કરને! બધા ફ્રેન્ડ્સ સાથે છીએ! રિસોર્ટમાં સરસ મજાનો ડિસ્કો થેક છે! લેટ્સ ડાન્સ! ના, મારે નથી આવવું, તમે નાચો! ફૂલેલા મોઢા સાથે એ ખૂણાના એક ટેબલ પાસે ખુરશીમાં બેઠો! જે લોકો નાચતા હતા એ બધાના ચહેરા ઉપર વારાફરતી તેણે જોયું! બધા લોકો બધું જ ભૂલીને ડાન્સ કરતા હતા! તેને વિચાર આવ્યો કે, હું કેમ કંઈ ભૂલી શકતો નથી? હું કેમ ઉદાસી ઓઢીને બેઠો છું? જે મજા નથી થઈ એને પકડી રાખીને હું જે મજા સામે દેખાય છે એને કેમ ગુમાવું છું? બરાબર એ જ સમયે મિત્રએ ઇશારો કરીને કહ્યું, કમ ઓન યાર, જસ્ટ એન્જોય ધ ડાન્સ! એ ઊભો થયો અને નાચવા લાગ્યો! ઘડીકમાં બધું જ ભુલાઈ ગયું! આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે ઘણું બધું પકડી રાખતા હોઈએ છીએ! વિચારને પણ આપણે પકડીને ઘૂંટ્યે જ રાખીએ છીએ. બહાર નીકળતાં જ નથી! મજા માટે મોટાભાગે મૂડ જ બદલવાનો હોય છે. મૂડ સારો ન હોય તો સામે સ્વર્ગ હોય તો પણ મજા આવવાની નથી! આપણે આપણી આજુબાજુમાં સ્વર્ગ ખડું કરવું કે નર્ક ઊભું કરવું એ આપણે જ નક્કી કરવાનું હોય છે!

એન્જોયમેન્ટ બધાને સમજાતું નથી. ઘણા લોકો ફરવા ગયા પછી ત્યાં પણ ઉપાડો લેતા હોય છે. જેને પ્રોબ્લેમ શોધવા હોય એને મળી જ જવાના છે. દુનિયામાં પ્રોબ્લેમ અને ઇસ્યૂઝની ક્યાં કમી હોય છે? એક શોધો તો હજાર મળી આવશે. એક વ્યક્તિની આ સાવ સાચી વાત છે. એક વખત એ બરફના પહાડો ઉપર ફેમિલી સાથે ફરવા ગયો. ટેમ્પરેચર માઇનસ ડિગ્રીમાં હતું. હોટલમાં ચેકઇન કર્યું. એ ભાઈએ બાથરૂમમાં જઈને જોયું તો શાવર બંધ હતો! તેણે આખી હોટલ માથે લીધી. આવું થોડું ચાલે? આટલી મોંઘી હોટલની સર્વિસ સાવ આવી વાહિયાત! પતિના ધમપછાડા જોઈ પત્નીએ કહ્યું, તમે અહીં નહાવા આવ્યા છો? આટલી ઠંડીમાં તમે નહાવાના છો? ખોટી મગજમારી શા માટે કરો છો? કેટલું સરસ વાતાવરણ છે, એને એન્જોય કરો ને! એ ભાઈ પત્ની ઉપર પણ બગડ્યા! તું વચ્ચે ન બોલ! મારી વાત ખોટી નથી. પત્નીએ બહુ સલુકાઈથી કહ્યું, તારી વાત સાચી છે, પણ સારી નથી. તારો મૂડ ન બગાડ. એક વાર ઝઘડો કર્યા પછી તને કંઈ જ નહીં ગમે. શાવર પછી તું બીજામાં પણ પ્રોબ્લેમ શોધશે. મજા કરવા આવ્યો છે તો મજા કરને! મજા કરવાની ઘણા લોકોની ફિતરત જ નથી હોતી! ક્યારેક તો એવું લાગે કે, આને ધાંધલ ધમાલ કરવામાં જ મજા આવતી લાગે છે! આવા લોકો પોતે તો મજા નથી કરતા, બીજાને પણ મજા કરવા દેતા નથી. જે વ્યક્તિ પોતે મજા કરી ન શકે, એ બીજાને ક્યારેય મજા કરાવી શકતી નથી! મજા કરતાં આવડવું એ પણ કંઈ નાનોસૂનો ગુણ નથી! જેને મજા કરતા આવડે છે એ મુશ્કેલીમાં પણ મજા શોધી લે છે!

પોતાના લોકોને મજા કરતા શિખવાડવું એ પણ એક સંસ્કાર જ છે. આપણે આપણાં સંતાનોને મહેનત કરતા શિખવાડીએ છીએ, પોતાના કામ પ્રત્યે સિન્સીઅર રહેતા શિખવાડીએ છીએ, મજા કરતાં કેટલું શિખવાડીએ છીએ? જિંદગીમાં મજાનું પણ મહત્ત્વ છે, એવું કેટલી વાર કહીએ છીએ. આપણે એવું જ માની લેતા હોઈએ છીએ કે, બધા પોતપોતાની રીતે મજા કરી લેતા હોય છે. આવું હોતું નથી. બધાને પોતાનો ટાઇમ એન્જોય કરતા આવડતું હોતું નથી. એક બાપ-દીકરાની આ વાત છે. દીકરો ખૂબ જ ડાહ્યો. ભણવામાં પણ હોશિયાર. દીકરાએ ભણી લીધું પછી એને સારી જોબ મળી. જોબમાં પણ એનું પરફોર્મન્સ બેસ્ટ રહેતું. ઓફિસે ધગશથી કામ કરે. ઘરે આવીને પણ એનું કોઈ ને કોઈ કામ ચાલુ જ હોય. એક દિવસ તેના પિતાએ એને બોલાવ્યો. પિતાએ કહ્યું કે, મારે તારી સાથે વાત કરવી છે. દીકરાને પૂછ્યું કે, લાઇફમાં મજા, ખુશી અને આનંદ માટે તારી વ્યાખ્યાઓ શું છે? તું બસ, કામ જ કરતો હોય છે. આખો દિવસ તારા કામમાં જ રચ્યોપચ્યો હોય છે. દીકરાએ કહ્યું કે, મને કામમાં જ મજા આવે છે. આ વાત સાંભળીને પિતાએ કહ્યું કે, જિંદગીમાં માત્ર કામ જ મહત્ત્વનું નથી. મજા પણ કરવી જોઈએ. તું તારા ફ્રેન્ડ્સને મળ, ક્યાંક ફરવાના પ્લાનિંગ કર, કામથી થોડો સમય દૂર રહે. તને ભલે એવું લાગતું હોય કે તને કામમાં મજા આવે છે, પણ તું વર્કોહોલિક થઈ ગયો છે. કામ ન થાય એ દિવસે તને બેચેની લાગવા માંડે છે. કામના કારણે બધા હોય તો પણ તું તારી રૂમમાં જઈને કામ કરવા લાગે છે.

આપણે આપણાં સંતાનો વધુ પડતી મજા કરતાં હોય તો એને રોકીએ છીએ. આ શું આખો દિવસ કંઈક ને કંઈક લઈને બેઠો હોય છે? તારી કરિયર પ્રત્યે કેરફુલ થા. વધુ પડતું કામ કરતા હોય ત્યારે આપણે કંઈ કહેતા નથી. અલબત્ત, એના માટે સૌથી પહેલાં તો પોતાને ખબર હોવી જોઈએ કે, મજા શું છે? તમે મજાને ફીલ કરો છો? મજા કરતા હોવ ત્યારે તમને ખબર હોય છે કે, તમે અત્યારે એન્જોય કરો છો. મજા કરતા હોવ ત્યારે થોડુંક એવું વિચારજો કે, હું મજા કરું છું, વધુ મજા આવશે. એક કપલની આ વાત છે. બંને ત્રણ દિવસ માટે ફરવા ગયા. એક દિવસ પૂરો થયો ત્યારે પત્નીએ કહ્યું કે, યાર એક દિવસ ચાલ્યો ગયો. હવે બે જ દિવસ રહ્યા. હમણાં આ બે દિવસ પણ પૂરાં થઈ જશે પછી ફરીથી એની એ જ જંજાળ! આ વાત સાંભળીને પતિએ કહ્યું કે, રજા પછીની જંજાળની ચિંતા અત્યારે શા માટે કરે છે? અત્યારે એટલું જ વિચાર કે હજુ બે દિવસ છે અને હન્ડ્રેડ પર્સન્ટ મજા કરવી છે.

આપણે મજાનો સમય હોય ત્યારે જંજાળના વિચારો કરીએ છીએ અને જંજાળમાં હોઈએ ત્યારે રિલેક્સ થવાનું વિચારીએ છીએ. મજાને માણતા શીખવું પડે છે. ફિલોસોફી એવું કહે છે કે, જો માણતા આવડે તો દરેક ક્ષણને એન્જોય કરી શકાય છે. વાત સાચી છે, પણ આપણાથી એવું થઈ શકતું નથી. એટલિસ્ટ મજા કરતી વખતે મજા માણીએ તો પણ જિંદગી થોડીક હળવી થાય. જ્યારે પણ મજાનો સમય હોય ત્યારે એમાં ઓતપ્રોત થઈ જાવ! બીજું કંઈ જ ન વિચારો! જસ્ટ એન્જોય યોર ટાઇમ! તમારો સમય તમારી પાસેથી કોઈ છીનવી શકવું ન જોઈએ.

છેલ્લો સીન :

મોજમાં રહેવા માટે ‘મજા’ની સમજ હોવી જોઈએ. તમને મજામાં રહેતા આવડે છે? ન આવડતું હોય તો એ પણ શીખી શકાય છે. બસ, મજા કરતી વખતે બીજી કોઈ વાત, વિચાર કે ઘટનાને વચ્ચે ન આવવા દો.         -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 04 માર્ચ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તને જિંદગીની મજા માણતાં જ ક્યાં આવડે છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *