ડિપ્રેશન સાથે ડીલ કરવાનું આપણે ભૂલતા જઇએ છીએ? : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ

ડિપ્રેશન સાથે ડીલ કરવાનું

આપણે ભૂલતા જઇએ છીએ?

દૂરબીનકૃષ્ણકાંત ઉનડકટ

*****

જિંદગીમાં નાની મોટી હતાશા આવવાની જ છે.

નબળા સમય માટે પણ માનસિક તૈયારીઓ રાખવી જઇએ.

ક્યાંય ધ્યાન ન પડે ત્યારે શાંત રહો, ગભરાઇ ન જાવ!

*****

આપઘાત અને સામુહિક આપઘાતના

કિસ્સાઓ વધી રહ્યા છે. સંબંધો દાવ પર લાગેલા છે

ત્યારે સમજને વધુ સતર્ક રાખવાની જરૂર છે

*****

તમને ખબર છે, દુનિયામાં ભાગ્યેજ એવો કોઇ માણસ હશે જેને ક્યારેય હતાશા ન આવી હોય! આપણે બધા જ સમયે સમયે નાની-મોટી હતાશાનો ભોગ બનતા જ હોઇએ છીએ. માણસમાં જેમ રોગ પ્રતિકારક શક્તિ હોય છે એવી જ રીતે હતાશાને ખંખેરવાની પણ તાકાત હોય છે. આજના સમયમાં પ્રોબ્લેમ એ છે કે, મેન્ટલ ઇમ્યુનિટી ઘટી ગઇ છે. હતાશા, ઉદાસી, એકલતા કંઇ આજના યુગમાં જ છે એવું નથી, એ તો અગાઉ પણ હતા અને ભવિષ્યમાં પણ રહેવાના છે. અગાઉના સમયમાં માણસ એકલો નહોતો. લોકોને મનને મનાવતા કદાચ વધુ આવડતું હતું. કંઇ ખરાબ બને ત્યારે પોતાની જાતને કહેતા કે, આવું થાય, ચાલ્યા રાખે, બધા જ દિવસો કંઇ થોડા સરખા રહેવાના છે? ખરાબ થાય તો પણ એવું વિચારતા કે, કુદરત જે કરતી હશે એ સારા માટે કરતી હશે. નાની નાની વાતમાં નાસીપાસ થઇ જનારાની સંખ્યા વધતી જ જાય છે.

હમણા વડોદરા અને આણંદમાં સામુહિક આપઘાતની બે ઘટના બની. એકલ દોકલ આપઘાત તો હવે સાવ સામાન્ય વાત થઇ ગઇ છે. સામુહિક આપઘાતના કિસ્સામાં એક એવો સવાલ પણ ઉઠે કે, એક સાથે બધા લોકો મરવા કેમ તૈયાર થઇ જતા હશે? નાના છોકરાંવની વાત જુદી છે. એને તો બિચારાઓને જિંદગી શું છે કે મોત કોને કહેવાય, એ પણ ખબર હોતી નથી એ પહેલા જ જિંદગીથી હારી ગયેલા મા-બાપ કે પરિવારજનો તેને મારી નાખે છે. ઘણા કિસ્સામાં તો બધા બુદ્ધિનો ઉપયોગ કરી શકે એટલા મોટા હોય છે. સામુહિક આપઘાત એ સામુહિક હતાશાના ઉદાહરણો છે. સાથોસાથ સામુહિક મૂર્ખતાના પણ. પતિ હતાશ હોય, એ મરવાની વાત કરે ત્યારે પત્ની પણ એવું કહી દે કે તો હું પણ તારી સાથે મરી જઇશ!

એક સાવ સાચી ઘટનાની આ વાત છે. એક કપલ હતું. બંનેને એક બાળક છે. પતિની જોબ ચાલી ગઇ. ઘરમાં બેસી રહેતો હતો. ક્યાંય નોકરી મળતી નહોતી. શું થશે એની ચિંતા કોરી ખાતી હતી. એક વખત તેણે પત્નીને કહ્યું કે, મરી જવાનું મન થાય છે. મને થાય છે કે, હું મરી જઇશ તો તારું શું થશે? ચાલ આપણે સાથે મરી જઇએ. પતિના આ વાત સાંભળીને પત્નીએ કહ્યું, ગાંડો થઇ ગયો છે? આવા વિચાર કેમ આવે છે? ચાલ તને સાઇકિયાટ્રિસ્ટ પાસે લઇ જાવ. નોકરી ગઇ એને તો હજુ ચાર મહિના જ થયા છે, એમાં આવા ઊંધા-ચત્તા વિચાર કરવાના થોડા હોય? એ કપલ મનોચિકિત્સક પાસે ગયું. ડોકટરે સૌથી પહેલા તો એની પત્નીને અભિનંદન આપ્યા કે, તમે જે એટિટ્યૂડ રાખ્યો એ કાબિલેદાદ છે. બાકી થાય છે એવું કે, પતિની હાલત ખરાબ હોય એટલે પત્ની પણ એની સાથે રડવા બેસી જાય છે. બેમાંથી એક વ્યકિત હતાશ હોય ત્યારે બીજાની જવાબદારી વધી જાય છે. લગ્ન વખતે હવે એક વચન એ પણ આપવાની જરૂર છે કે, આપણે એક-બીજાને કોઇ દિવસ નબળા પડવા નહીં દઇએ. મરવાનો તો વિચાર જ નહીં કરીએ.

આપઘાતના વધી રહેલા કિસ્સાઓ વિશે હમણા એક માનસ શાસ્ત્રીએ એવું કહ્યું કે, અત્યારના સમયમાં આપઘાતના મુખ્ય બે કારણો છે. એક તો કોઇને એ ખબર જ નથી કે, તેની નજીકની વ્યક્તિ કેવી માનસિકતામાંથી પસાર થઇ રહી છે. આપણે બધા પ્રાયવસીના રવાડે એટલા ચડી ગયા છીએ કે, આપણી વ્યક્તિને પૂછતા પણ નથી કે, તું કેવા સમયમાંથી પસાર થાય છે? ચહેરાની ભાષા વાંચવાનું તો આપણે ક્યારનાયે ભૂલી ગયા છીએ. હાવભાવ ફરે ત્યારે આપણને એવો સવાલ થતો નથી કે, આનામાં આવો ચેન્જ કેમ આવ્યો? બીજી વાત એ કે, બેમાંથી એક હતાશ હોય ત્યારે બીજો એને સાચવી લે એટલો સક્ષમ હોવો જોઇએ. અત્યારે થાય છે એવું કે, બંને નબળા પડી જાય છે. બંનેને પોતપોતાના ઇસ્યૂઝ હોય છે. બે મૂંઝાયેલી વ્યકિત ભેગી થાય ત્યારે હતાશા બેવડાઇ જતી હોય છે. આપણી વ્યક્તિ ડિસ્ટર્બ હોય ત્યારે આપણી જવાબદારી વધી જાય છે. આપણે એનું પણ ધ્યાન રાખવાનું છે અને સાથોસાથ આપણે પોતે પણ નબળા ન પડી જઇએ એની કાળજી રાખવાની છે. મનને એટલો મેસેજ આપતા રહો કે, ટફ સમય આવવાનો જ છે, એ સમયે મારે જરાયે નબળું પડવાનું નથી. બીજી વાત એ યાદ રાખો કે, કોઇ જ સમય, કોઇ જ સંજોગ, કોઇ જ સ્થિતિ કાયમ માટે ખરાબ રહેવાની નથી. એક એવો દોર આવે છે જે થોડોક અઘરો હોય છે. સાથોસાથ એ પણ હકીકત છે કે, કોઇ દોર એટલો અઘરો નથી હોતો કે એને પહોંચી ન વળાય! પોતાની જાત પર શ્રદ્ધા રાખો કે, હું દરેક પરિસ્થિતિને પહોંચી વળીશ. નબળી પળોમાં જે નબળા નથી પડતા એને કોઇ હરાવી, ડરાવી કે થકાવી નથી શકતું!

*****

પેશ-એ-ખિદમત

ચલ દિલ ઉસ કી ગલી મેં રો આવેં,

કુછ તો દિલ કા ગુબાર ધો આવેં,

દિલ કો ખોયા હૈ કલ જહાં જા કર,

જી મેં હૈ આજ જી ભી ખો આવેં.

-મીર હસન

( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 14 માર્ચ 2021, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: