લેડીઝ ડ્રેસમાં ખિસ્સાં કેમ નથી હોતાં? પર્સ કેમ શોધાયાં? દૂરબીન

લેડીઝ ડ્રેસમાં ખિસ્સાં કેમ નથી

હોતાં? પર્સ કેમ શોધાયાં?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

લેડીઝ ડ્રેસમાં ખિસ્સાં નથી હોતાં

એનું કારણ ભેદભાવ છે?

લેડીઝ ડ્રેસમાં ખિસ્સાં હોત તો

પર્સ વાપરવાની પરંપરા શરૂ થઇ ન હોત?

ખિસ્સાં અને પર્સની અંદર-બહારની

વાગોળવા જેવી થોડીક વાતો…

 

લેડીઝ ડ્રેસમાં ખિસ્સાં હોવા જોઇએ

એ મુદ્દે યુરોપમાં ‘ગિવ અસ પોકેટ’

જેવાં આંદોલનો પણ થયાં છે!


કફનમાં ખિસ્સું નથી હોતું. જગતને જીતવા નીકળેલો સિંકદર કહી ગયો હતો કે હું મરી જાઉં પછી નનામીમાં મારા ખુલ્લા હાથ બહાર રાખજો જેથી જમાનાને ખબર પડે કે છેલ્લે તો ખાલી હાથે જ જવાનું છે. સંપત્તિ પાછળની દોટ ખોટી છે, સુખ અને શાંતિની ફિલોસોફી સમજાવવા આવી વાતો કહેવા અને સાંભળવામાં આવે છે. સાચી વાત છે, કોઇ કંઇ સાથે નથી લઇ જવાનું, જોકે સાથોસાથ એ પણ હકીકત છે કે જીવતાં હોઇએ ત્યારે તો નાણાંની જરૂર પડે જ છે. નાણાં રાખવા માટે ખિસ્સાં વગર ચાલતું નથી. હા, ખિસ્સાં માત્ર રૂપિયા રાખવા માટે જ નથી હોતાં, અમુક લોકોનાં ખિસ્સાં તો ગોડાઉન જેવાં હોય છે, એમાંથી જાતજાતની વસ્તુઓ નીકળે!

 

જેન્ટસ ખિસ્સાં વગરના ડ્રેસની કલ્પના કરી શકતા નથી. લેડીઝ ડ્રેસમાં ખિસ્સાં કેમ નથી હોતાં? તમે આનો જવાબ એવો આપી શકો કે, લેડીઝ પાસે પર્સ હોય છે ને. આ જવાબ સાચો છે કે ખોટો? એવું પણ ન હોઇ શકે કે લેડીઝ ડ્રેસમાં ખિસ્સાં નથી હોતાં એટલે એમણે પર્સ રાખવું પડે છે! પાયાનો સવાલ એ છે કે લેડીઝ ડ્રેસમાં ખિસ્સાં ન હોવા પાછળ કોઇ લોજિક છે ખરું?

 

લેડીઝ પર્સ વિશે ઘણી રમૂજો થતી આવી છે. ઘણી મહિલાઓના પર્સમાં તો આખેઆખું બ્યુટિપાર્લર હોય છે. સલામતી માટે લેડીઝે પોતાના પર્સમાં મરચાની ભૂકી અને નાનકડું કોઇ શસ્ત્ર રાખવું જોઇએ એવી પણ સલાહો આપવામાં આવે છે. લેડીઝ પર્સ માટેની રમૂજ કરતાં પુરુષો એ વિશે વાત કરવાનું ટાળે છે કે ઘણા પુરુષોનાં ખિસ્સાં પણ મસમોટા પડીકા જેવાં હોય છે. પેન્ટનાં આગળનાં બે અને પાછળનાં બે મળી ચારેય ખિસ્સાં ઠાંસોઠાંસ ભર્યાં હોય છે. પુરુષોના ખિસ્સામાં શું હોય છે? મિનિમમ વસ્તુઓની વાત કરીએ તો એક પાકીટ, દાંતિયો, રૂમાલ અને એની પાસે જે કંઇ વાહન હોય એની ચાવી તો હોય જ છે. ઘણા પાસે રૂપિયા રાખવાનું પાકીટ પણ દેડકા જેવડું મોટું હોય છે. અમુક લોકો માત્ર રૂપિયા કે કાર્ડ્સ રાખવા માટે પર્સ નથી વાપરતા, તેના પાકીટમાંથી જાતજાતની સ્ટેશનરી પણ મળી આવે. અલબત્ત, એમાં કંઇ ખોટું નથી. શું હોવું જોઇએ અને શું ન હોવું જોઇએ એનાં કોઇ નક્કી થયેલાં ધોરણો નથી. પસંદ અપની અપની. બધા પોતાની જરૂરિયાત મુજબની વસ્તુઓ પર્સમાં રાખતા હોય છે!

 

આપણા દેશ અને આખી દુનિયામાં ખિસ્સાં રાખવાનું ક્યારથી શરૂ થયું એ સંશોધનનો વિષય છે. ઘણા અભ્યાસો થયા પણ છે, જોકે એ બધા તર્ક આધારિત વધુ છે. સાચી વાત કદાચ એ છે કે જરૂરિયાત જણાય એ મુજબ ખિસ્સાં રાખવાનું શરૂ થયું હતું. આપણા પ્રાચીન પહેરવેશ ધોતિયામાં ખિસ્સાં ન હતાં. જોકે ઝભ્ભા કે બંડીમાં ખિસ્સાં હતાં. ખેડૂતોની ચોયણીમાં પણ ખિસ્સાં ન હતાં. હવે અમુક લોકો કરાવે છે. આપણે ત્યાં દરેક જ્ઞાતિનો પહેરવેશ અલગ અલગ હતો એટલે ખિસ્સાંનાં સંશોધન પણ જુદાં જુદાં કરવાં પડે તેમ છે.

 

પુરુષોની વાત જવા દો, લેડીઝ ડ્રેસમાં તો ખિસ્સાં અગાઉ પણ ન હતાં અને હજુ પણ ખિસ્સાં હોતાં નથી. અપવાદરૂપે કોઇ લોંગ કુર્તીમાં ખિસ્સું હોય કે બ્લાઉઝમાં નાની ખીસી હોય છે. જોકે તેમાં પણ મહિલાઓ ખાસ કંઇ રાખતી હોતી નથી. લેડીઝ માટે તો પર્સ જ હર મર્જ કી દવા છે. જોકે અમુક મહિલાઓનું એવું પણ કહેવું છે કે પર્સ હોવાના કારણે અમે ફ્રીલી રહી શકતાં નથી. અમારા હાથ ઓક્યુપાઇડ રહે છે. આ તો અમારી સ્વંત્રતા પર તરાપ જેવું છે. બીજો એક આક્ષેપ એ પણ છે કે લેડીઝ ડ્રેસમાં ખિસ્સાં ન હોવાં એ અમારા પ્રત્યે ભેદભાવ છે. યુરોપમાં આ જ મુદ્દે ‘ગીવ અસ પોકેટ’ નામની મૂવમેન્ટ પણ થઇ છે!

 

પ્રાચીન સમયમાં ડ્રેસ ડિઝાઇનિંગનું કામ પુરુષોના હાથમાં જ હતું. એ લોકોએ સ્ત્રીઓને સુંદર દેખાડવા માટે તેના ડ્રેસમાં ખિસ્સાં જ નહોતાં રાખ્યાં. એ હિસાબે પુરુષોની માનસિકતા જ એવી હતી કે સ્ત્રી તો સુંદરતાની પૂતળી જ હોવી જોઇએ. અમુક ફેમિનિસ્ટ્સ તો આને નર્યો ભેદભાવ જ કહે છે! જોકે અમુક મહિલાઓ જ આવી વાતને વાહિયાત ગણે છે. એ એવું કહે છે કે, તમારે ખિસ્સાં રાખવાં હોય તો રાખોને, તમને કોણ રોકે છે? કોઇ તમને રોકતું હોય અને તમે વાંધો ઉઠાવો તો એ બરાબર છે, બાકી કરવા ખાતર ભેદભાવની વાત કરવી વાજબી નથી. લેડીઝ જિન્સમાં ખિસ્સાં હોય જ છે. મોટાભાગની યંગ ગર્લ્સ જીન્સના ખિસ્સાનો ઉપયોગ મોબાઇલ રાખવા માટે કરે છે. હવે ખિસ્સાનો ઉપયોગ કેવો કરવો, કરવો કે નહીં એ તો એના મનની મરજી ઉપર છે.

 

અગાઉના સમયમાં મહિલાઓ ઘરની ચાવીનો ઝૂડો કમરે ખોંસીને રાખતી. એ સાથે કપડાંની નાની ફૂમકાવાળી થેલી પણ રાખતી. બ્લાઉઝમાં નાની ખીસી થતી. ઘણી મહિલાઓ રૂમાલમાં રૂપિયા રાખી રૂમાલને વાળી બ્લાઉઝસમાં રાખતી. બટવો કે પર્સ એ મહિલાઓ માટે સારી સગવડ છે. હવે તો પર્સ એ સ્ટાઇલ સ્ટેટમેન્ટ બની ગયું છે. બ્રિટનનાં ભૂતપૂર્વ વડાંપ્રધાન માર્ગરેટ થેચર મોટું પર્સ રાખતાં હતાં. એક વખત તેને એવો સવાલ પુછાયો હતો કે આવડું મોટું પર્સ શા માટે? માર્ગારેટ થેચરે કહ્યું હતું કે, હું મહિલાઓ માટેની આઝાદી અને પોતાના નિયમો પોતે નક્કી કરવામાં માનું છું એટલે મોટું પર્સ રાખું છું.

 

આપણે ત્યાં ખિસ્સા કલ્ચર વિશે એવું પણ કહેવાય છે કે અંગ્રેજો આવ્યા પછી પુરુષોમાં ખિસ્સાંનું રાખવાનું વધ્યું. અંગ્રેજોના પહેરવેશમાં ખિસ્સાં હતાં. આપણા જૂના પહેરવેશ ટ્રેડિશનલ હતા. હવે સમય બદલાયો છે. હવે તો વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ કામ કરે છે. અત્યારના ડ્રેસ ડિઝાઇનર્સ લેડીઝ ડ્રેસમાં ખિસ્સાં ન હોવાનો એવો બચાવ પણ કરે છે કે લેડીઝ ડ્રેસ પ્રમાણમાં પતલા કપડાંમાંથી બને છે અને મોટાભાગના ડ્રેસ શરીરને ચોંટેલા હોય એવા બને છે. એટલે તેમાં ખિસ્સાં સારાં નથી લાગતાં. અમુક મહિલાઓ ડ્રેસ ડિઝાઇનર કે તેના ટેઇલરને કહી ખિસ્સાં કરાવડાવે છે, એમાં કંઇ અયોગ્ય નથી. અમુક લેડીઝ ડ્રેસમાં ખિસ્સાની માત્ર ડિઝાઇન હોય છે, એ ખિસ્સાં અંદરથી સીવેલાં જ હોય છે.

 

લેડીઝ ડ્રેસીઝમાં અધધધ કહેવાય એટલી વેરાઇટીઝ છે. પુરુષો માટે તો પેન્ટ અને શર્ટ, વધુમાં વધુ ટી-શર્ટ. યંગ જનરેશન હવે બર્મુડા અને સ્લીવલેશ ટી-શર્ટ પહેરતી થઇ છે. જોકે એ પણ માત્ર ઘરમાં, નાઇટડ્રેસમાં અને વધુમાં વધુ ફરવા ગયા હોય ત્યારે જ પહેરાય છે. લેડીઝ ડ્રેસમાં ખિસ્સાં ન હોવા વિશે એવું પણ કહેવાય છે કે પર્સ ઇન્ડસ્ટ્રી ચાલે એટલા માટે પણ ખિસ્સાં રાખતા નથી! દરેક લોકો પોત-પોતાની રીતે દલીલો કરે છે. જમાનો બદલાયો છે, લેડીઝને ગમશે તો એ ખિસ્સાં રાખશે અને નહીં ગમે તો નહીં રાખે! એની મરજી. એની પાસે પર્સની કેટલી બધી વેરાઇટીઝ હોય છે? બાકી વિચાર કરો કે કોઇ પુરુષ પર્સ લઇને નીકળે તો કેવો વહરો લાગે?

 

પેશ-એ-ખિદમત

અપને સબ યાર કામ કર રહે હૈ,

ઔર હમ હૈ કિ નામ કર રહે હૈ,

તેગ-બાઝી કા શૌક અપની જગહ,

આપ તો કત્લ-એ-આમ કર રહે હૈ.

(તેગ-બાઝી: તલવારબાજી)  -જૌન એલિયા

 

જૌન એલિયાનો જન્મ ઉત્તરપ્રદેશના અમરોહામાં 1931માં થયો હતો. ભાગલા વખતે તેઓ પાકિસ્તાનના કરાચીમાં ચાલ્યા ગયા. આધુનિક પાકિસ્તાની શાયરોમાં મોટું કાંઠું કાઢનારા જોન એલિયનું 8 નવેમ્બર, 2002ના રોજ 71 વર્ષની વયે નિધન થયું. તેઓ ઉર્દૂ, અરેબિક, પર્સિયન, હિબ્રુ, સંસ્કૃત અને અંગ્રેજી ભાષા જાણતા હતા અને જ્યોતિષશાસ્ત્રનું પણ સારું એવું જ્ઞાન હતું.

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 16 એપ્રિલ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

 

 

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *