તું બીજાની વાતમાં શા માટે માથું મારે છે? – કૃષ્ણકાંત ઉનડકટ

તું બીજાની વાતમાં શા

માટે માથું મારે છે?

-કૃષ્ણકાંત ઉનડકટ

આકાશના એ રંગ તને યાદ તો હશે,

રંગીન એટલું જ એ તારા વિનાય છે,

એય દોસ્ત ગઇ નથી હજી ગુંજાશ સ્મિતની,

રોવાનાં કારણો તો મને પણ ઘણાંય છે.

-જવાહર બક્ષી

દરેક માણસમાં કુદરતે કેટલીક ચોક્કસ શક્તિઓ મૂકી હોય છે. દરેકમાં થોડીક ખૂબીઓ અને થોડીક ખામીઓ હોય છે. માણસ એની શક્તિનો ક્યાં અને કેવો ઉપયોગ કરે છે તેના પરથી તેની સફળતા, નિષ્ફળતા, કામયાબી કે નાકામયાબી નક્કી થતી હોય છે. આપણે આપણી એનર્જીનો કેવો ઉપયોગ કરીએ છીએ? આપણી તાકાતને ક્યાં ઇન્વેસ્ટ કરીએ છીએ. આપણે કંઇ કરવાનું શરૂ કરીએ એ પહેલા એવો વિચાર કરીએ છીએ ખરા કે આ કામ કરવા જેવું છે કે નહીં? આ કામ હું શા માટે કરું છું? એનાથી મને શું મળી જવાનું છે? માણસ બધું જ કામ માત્ર સફળતા માટે જ નથી  કરતો. કેટલાંક કામ આપણે મજા, ખુશી અને આનંદ માટે પણ કરતા હોઇએ છીએ. એમાં પણ કશું ખોટું નથી. પોતાના માટે પણ માણસે સમય કાઢવો જોઇએ. આપણને શેમાં મજા આવે છે એની આપણને કેટલી ખબર હોય છે? આપણો ટાઇમ માત્ર પાસ કરવા માટે હોય છે? સમયને વાપરવામાં અને સમયને વેડફવામાં બહુ ફર્ક છે. મજા પણ રાજસી અને તામસી હોય છે. ખુશી પણ સારી અને ખરાબ હોય છે. આનંદ પણ અહલાદક કે આક્રમક હોય છે. મુશ્કેલીમાં મૂકે એવી મજા ક્યારેક જોખમી બને છે. ઘણાને પેટ ચોળીને શૂળ ઊભું કરવાની આદત હોય છે.

તમારા ફ્રી ટાઇમમાં તમે શું કરો છો? તમે જે કંઇ કરો છો એ પૂરું થાય એ પછી તમને ખુશી થાય છે કે અફસોસ? એક યુવાનની આ વાત છે. એને મોબાઇલ પર ગેઇમ રમવાની લત હતી. નવરો પડે એટલે એ તરત જ હાથમાં મોબાઇલ લઇને ગેમ રમવા માંડે. ઘણી વખત તો મહત્ત્વનું કામ હોય તો પણ એ મોબાઇલ લઇને બેસી જતો હતો. મોબાઇલ પર કલાકો સુધી ગેમ રમ્યા બાદ જ્યારે પૂરું કરે ત્યારે એને હંમેશાં એમ થતું કે, મેં કેટલો સમય બગાડી નાખ્યો? આ સમય દરમિયાન હું કંઇક સારું, કંઇક કન્સ્ટ્રકટિવ કામ કરી શક્યો હોત. આપણી તકલીફ એ જ હોય છે કે, આપણને બધી વાત મોડી સમજાય છે. સંબંધોની કદર પણ આપણને ત્યારે થાય છે જ્યારે સંબંધ છૂટી કે તૂટી જાય છે.

યુવાનોની એક શિબિર હતી. આ શિબિરનું સંચાલન એક ફિલોસોફર કરતા હતા. ફિલોસોફરે બધાને પૂછ્યું કે, તમને એવી તક આપવામાં આવે કે, તમે ભૂતકાળમાં કરેલી ભૂલ સુધારી શકો તો તમે કઇ ભૂલ સુધારવાનું નક્કી કરશો? દરેક યુવાને જુદી જુદી વાત કરી. કોઇએ કહ્યું કે, મેં મારા મિત્ર સાથે ખોટો ઝઘડો કર્યો હતો, એના કારણે અમારી દોસ્તી તૂટી ગઇ. કોઇએ કહ્યું કે, ભણવાના સમયે મેં વાંચવાને બદલે વેબસિરિઝો જોઇ હતી. કોઇએ મા-બાપનું દિલ દુભાવ્યું હતું. કોઇએ કામ ચોરી કરી હતી. એ પછી ફિલોસોફરે કહ્યું કે, કેટલી સારી વાત છે કે તમને બધાને તમારી ભૂલો વિશે ખબર છે. હવે તમે એ કહો કે એ ભૂલ સુધારવા તમે શું કર્યું? દોસ્ત સાથે ઝઘડો થયો એ પછી તમે દોસ્તને જઇને સોરી કહ્યું હતું? મા-બાપ પાસે એવી કબૂલાતકરી હતી કે, મારાથી તમારું દિલ દુભાવાઇ ગયું એનું મને દુ:ખ છે? આપણે એવું નથી કરતા. ભૂલનો અફસોસ કરવો પૂરતું નથી, ભૂલ સુધારવાનો પ્રયાસ કરવો એ જરૂરી છે. આ જ સવાલ તમને પૂછવામાં આવે કે, તમને જો ભૂલ સુધારવાની તક મળે તો તમે કઇ ભૂલ સુધારો? વિચારી જોજો, થોડોક વધુ વિચાર કરશો તો એ પણ મળી આવશે કે, એ ભૂલ સુધારવાનો મોકો હજુ પણ છે. આપણી ઘણી ભૂલો એવી હોય છે જેને આપણે સુધારી શકીએ છીએ. આપણે એ તરફ પ્રયાસ જ કરતા હોતા નથી. ભૂલ સુધારતા તો નથી ઉપરથી ભૂલો ઉપર ભૂલો કરતા જઇએ છીએ.

માણસ પોતે શું કરે છે એ ઓછું વિચારે છે અને બીજા શું કરે છે એની પંચાત વધુ કરતો હોય છે. આપણે મિત્રો કે સ્વજનો સાથે વાતો કરીએ છીએ એમાં કેટલી વાતો આપણી હોય છે અને કેટલી વાતો બીજાની હોય છે? આપણી પાસે આપણી વાત કરવા જેવું કંઇ હોય છે ખરું? જે માણસ પાસે કહેવા જેવું પોતાનું કંઇ નથી હોતું એ બીજા વિશે વાતો કરતો રહે છે. તમે કોઇ માણસને પૂછજો કે, ટેલ મી સમથિંગ અબાઉટ યુ, મને તમારા વિશે કંઇક વાત કરો. જુઓ કે એ શું જવાબ આપે છે? તમને કોઇ તમારા વિશે પૂછે તો તમારી પાસે કહેવા જેવું શું છે? કંઇક તો એવું હોવું જોઇએ જેનાથી તમને તમારું ગૌરવ થાય. એક યુવાન સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો કે, મારે મારી જિંદગીમાં શું કરવું જોઇએ? સંતે કહ્યું કે, તું જ્યારે વૃદ્ધ થઇ જાય ત્યારે તારા દીકરા કે દીકરીના સંતાનોને કહેવા માટે તારી પોતાની સારી કહાનીઓ હોય એવું કરવું જોઇએ. માણસ જ્યારે બુઢ્ઢો થાય છે ત્યારે એની પાસે સૌથી મોટી કોઇ મૂડી હોય તો એ એનો ભૂતકાળ હોય છે, એના અનુભવો હોય છે, એની જિંદગીમાં બનેલી ઘટનાઓ હોય છે, એણે કરેલી ભૂલો હોય છે અને એણે મેળવેલી સફળતાઓ હોય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે, તમારી પાસે તમારી બીજી પેઢીને કહેવા જેવી કઇ વાત હશે?

એક વખત એક દાદાને તેના પૌત્રએ સવાલ કર્યો. તમે તમારી જિંદગીમાં શું ન કરવા જેવું કર્યું અને શું કરવા જેવું કર્યું? દાદાએ કહ્યું, એક વાત એવી છે જેમાં તારા બંને પ્રશ્નોના જવાબ આવી જશે. હું બીજાની વાતો બહુ કરતો. પેલાએ આવું કર્યું. એક વખત મને ખબર પડી કે, મારો એક મિત્ર મોટા ઉપાડે વિદેશ ગયો હતો. એ ત્યાં જઇને એક ફાઇવ સ્ટાર હોટલમાં ટોઇલેટ સાફ કરવાનું કામ કરતો હતો. મને એ વાતની ખબર પડી એટલે મેં મારા મિત્રોમાં એની વાતો કરવાનું શરૂ કર્યું. બહુ ઊંચી ઊંચી વાતો કરતો હતો કે વિદેશ જઇને આમ કરીશ અને તેમ કરીશ, ત્યાં જઇને ટોઇલેટ સાફ કરવાનું કામ કરે છે. મારી વાત સાંભળીને મારા એક મિત્રએ કહ્યું કે, તું બીજાની વાતોમાં માથું શા માટે મારે છે? એને જે કરવું હોય એ કરે! એને પોતાના પ્રોબ્લેમ અને ઇશ્યૂઝ હશે. તું કેમ એને જજ કરે છે? તું તારું કામ કરને. તું બીજાનું નહીં જો, તું શું કરે છે કે તારે શું કરવું જોઇએ એ વિચાર! એ દિવસથી મેં નક્કી કર્યું કે, હું હવેથી બીજાની વાતોમાં માથું નહીં મારું. ન કરવા જેવું કામ એ હતું કે, હું બીજાની વાતમાં માથું મારતો હતો. કરવા જેવું કામ એ કર્યું કે, મિત્રની વાત પછી મેં બીજાની પંચાત કરવાનું બંધ કર્યું. આપણે આપણો મગજ બીજાની વાતો કરીને કારણ વગરનો બગાડતા હોઇએ છીએ.

ઘણી વખત આપણું કોઇ ખરાબ બોલતું હોય તો એને પણ આપણે યાદ રાખીએ છીએ. વાગોળતા રહીએ છીએ. વખોડતા રહીએ છીએ. બચાવ કરતા રહીએ છીએ. એક યુવાનને તેના મિત્રએ કહ્યું કે, પેલો ભાઇ તારા વિશે ઘસાતું બોલતો હતો. એ યુવાને કહ્યું કે, પ્લીઝ હવે તું મને એ ન કહેતો કે એ મારા વિશે શું ઘસાતું બોલતો હતો. મારે એવી બધી વાતોમાં નથી પડવું. મારે તો એવું કામ કરવું છે કે, મારા વિશે ઘસાતું બોલવાવાળા પણ મારું સારું બોલે. એને કોઇ કંઇ ન બોલે તો પણ મને કોઇ ફેર પડતો નથી. મારે મારું સંપૂર્ણ ધ્યાન મારે જે કરવું છે એની પાછળ જ કેન્દ્રીત કરવું છે. આપણે એ પણ ધ્યાન રાખવું જોઇએ કે, આપણું ધ્યાન ક્યાંય ભટકી ન જાય. જે ભટકી જાય છે એ અટકી જાય છે. બીજાની પંચાતમાં ન પડવા જેટલું જ મહત્ત્વનું એ છે કે, બીજા આપણી પંચાત કરતા હોય તો એમાં પણ ન પડવું. આપણી શક્તિ વેડફવા માટે નથી. પોતે જે ધાર્યું હોય એ કરી છૂટવા માટે ઘણી બધી બાબતોથી મુક્ત રહેવું પડતું હોય છે. જેનામાં આવી આવડત છે એ જ પોતાની મંઝિલ સરળતા અને સહજતાથી પામી શકે છે.

છેલ્લો સીન :

જિંદગીમાં આપણને આપણા માર્ગથી ભટકાવનારા પરિબળો અને લોકો આવવાના જ છે, જે લોકો એને ગણકારતા નથી, એ જ લોકો નક્કી કરેલા મુકામ સુધી પહોંચી શકે છે.    –કેયુ.

( ‘સંદેશ’ સંસ્કાર પૂર્તિ, તા. 10 ઓકટોબર 2021, રવિવાર.  ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “તું બીજાની વાતમાં શા માટે માથું મારે છે? – કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *