એવું ન કર્યું હોત તો બહુ સારું થાત! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

એવું ન કર્યું હોત
તો બહુ સારું થાત!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


અજબ ચરાગ હૂં દિનરાત જલતા રહેતા હૂં,
મૈં થક ગયા હૂં હવાઓ સે કહો બૂઝાયે મુઝે,
બહોત દિનોં સે મૈં ઇન પત્થરોં મેં પત્થર હૂં,
કોઇ તો આયે જરા દેર કો રૂલાએ મુઝે.
-બશીર બદ્રજિંદગી ગજબ રીતે ચાલતી હોય છે. આપણે ધારતા હોઇએ છીએ કંઇક અને થતું રહે છે કંઇક. આપણે કરવું હોય છે કંઇક પણ થઇ જાય છે કંઇક જુદું જ! પાછળ વળીને જોઇએ ત્યારે જે રસ્તે પસાર થઇ ગયા છીએ એના પર નજર જાય છે અને એવો વિચાર આવી જાય છે કે, ત્યાં ઠોકર વાગી હતી, ત્યાં થોડું ધ્યાન રાખ્યું હોત તો સારું હતું. ભૂતકાળનાં પાનાં ઉથલાવીએ ત્યારે કેટલાંક ચહેરાઓ સામે આવી જાય છે. કેટલા નજીક હતા? આજે ક્યાં છે એ જ ખબર નથી! ક્યારેક સોશિયલ મીડિયા પર ઝળકી જાય છે. એ વખતે પણ વિચાર આવી જાય છે કે, લાઇક કરું કે નહીં? કમેન્ટમાં કંઇ લખું કે નહીં? કંઇ લખવાનું મન થાય તો પણ એવો વિચાર આવે છે કે, એ કેવો મતલબ કાઢશે? છેલ્લે એવું થાય છે કે, જવા દે, કંઇ નથી કરવું! આપણને જ એવું મન થાય છે કે, આપણી જાતને કોચલામાં પૂરી દઇએ. કોઇને કંઈ કહેવું નથી. કોઈનું કંઈ સાંભળવું નથી. જેને જે કરવું હોય એ ભલે કરે. મારે હવે કોઇની દરકાર કરવી નથી. આપણે આવું વિચારીએ છીએ પણ એવું થઇ શકતું નથી. બધાથી દૂર ભાગી જવાનું મન થાય છે પણ ક્યાંય ભાગી શકાતું નથી. છેલ્લે તો માણસે પોતાના તરફ જ પાછું વળવાનું હોય છે. જિંદગી એ આખરે તો પોતાને પામવાની જ યાત્રા છે.
જિંદગીમાં ક્યારેક એવું બની જતું હોય છે જે અફસોસ બનીને સતાવતું રહે. આમ ન કર્યું હોત તો સારું હતું. બીજાની ભૂલ માણસ હજુયે માફ કરી શકતો હોય છે પણ પોતે જે ભૂલો કરી હોય એ કનડતી રહે છે. દુનિયામાં સૌથી અઘરું હોય તો એ પોતાને માફ કરવાનું છે. એક છોકરાની આ વાત છે. તે એક છોકરીને પ્રેમ કરતો હતો. પેલી છોકરીને પણ થોડોક સોફ્ટ કોર્નર હતો. છોકરાએ પ્રેમનો એકરાર કરતી વખતે જ ન કરવાનું વર્તન કર્યું અને પેલી છોકરીએ મોઢું ફેરવી લીધું. તેના મિત્રોએ કહ્યું કે, તું મૂરખ છે? કોઈ છોકરી સાથે એવું વર્તન કરાય? તને શરમ ન આવી? ક્યાં કેવું વર્તન કરવું એની સમજણ ન હોય એને પસ્તાવાનો વારો આવે છે.
માણસે બોલતાં પહેલાં કે કંઇ વર્તન કરતાં પહેલાં તેનાં પરિણામોનો વિચાર કરવો જોઇએ. જે માણસ કંઇ બોલતા કે કંઇ વર્તન કરતાં પહેલાં કંઇ વિચાર કરતો નથી એ પસ્તાતો હોય છે. ઘણા લોકો બોલી નાખ્યા પછી વિચારે છે. એક યુવાનની આ વાત છે. તે જોબ કરતો હતો. મિટિંગમાં એક વાર તેણે પોતાના બોસનો જ ઉધડો લઇ નાખ્યો. બધા તેની સામે જોતા જ રહી ગયા. મિટિંગ પૂરી થઇ એ સાથે જ તેને સસ્પેન્ડ કરી દેવાયો. તેણે પોતાની સાથે જોબ કરતા મિત્રને પૂછ્યું, મારે આવું નહોતું બોલવું જોઈતું? તેના મિત્રએ કહ્યું કે, એનો વિચાર તારે બોલતાં પહેલાં કરવાની જરૂર હતી. તેણે બીજો પ્રશ્ન કર્યો, મેં કહ્યું એમાં ખોટું શું હતું? તેના મિત્રએ કહ્યું, સાચાખોટાનો સવાલ જ નથી, તમે કોની સામે બોલો છો અને શું બોલો છો એ જ મહત્ત્વનું હોય છે. તમે તમારા સિનિયરને કંઇ શીખવાડી શકતા નથી. એ તમારું કામ પણ નથી. આપણે આપણું કામ જ કરવાનું હોય છે. ઘણી વખત ઘણા લોકો બીજા વતી લડવા નીકળી પડતા હોય છે. વાત સાચી હોય અને કોઇ આપણો સાથ માંગે ત્યારે આપણે તેની પડખે ઊભા રહીએ એ હજુ સમજી શકાય એવી વાત છે. જેને અન્યાય થયો હોય એ જો ચૂપ હોય તો પછી કંઈ ન થાય. દરેકે પોતાની લડાઇ પોતે લડવાની હોય છે. આપણે લડવા નીકળીએ તો કોઇ મદદ પણ કરે.
વૅલ, બીજી વાત એ કે, કંઇક થતાં થઇ ગયું, ઇરાદો નહોતો પણ ભૂલ થઇ ગઇ, પછી શું? ઘણા લોકો પોતાનાથી થયેલી ભૂલને પણ પકડી રાખતા હોય છે. મારાથી આવું થાય જ કેવી રીતે? ગમે એવો હોશિયાર, ડાહ્યો, શાણો, સમજુ, વિદ્વાન, મહાન કે બુદ્ધિજીવી માણસ હોય એણે ક્યારેક તો ભૂલ કરી જ હોય છે. આપણાથી પણ ભૂલો થઇ જ હોય છે. માણસ છીએ, ભૂલ થઇ જાય. ભૂલમાંથી શીખીને એને ભૂલી જવામાં જ બધાનું હિત હોય છે. આપણો કોઇ ખરાબ ઇરાદો ન હોય અને જાણેઅજાણે આપણને જેમના માટે લાગણી હોય એ હર્ટ થાય ત્યારે તેની સાથે આપણે પણ હર્ટ થતા હોઇએ છીએ. એક છોકરીની આ વાત છે. તેણે પોતાના એક વડીલને સાચી વાત મોઢામોઢ કરી. વડીલને ખોટું લાગી ગયું. તેણે બોલવાનું બંધ કરી દીધું. છોકરીને એ વડીલ માટે આદર હતો. તેણે વડીલ પાસે જઇને કહ્યું કે, તમને ખોટું લાગ્યું હોય તો હું માફી માંગું છું. તમને હર્ટ કરવાનો મારો કોઇ ઇરાદો નહોતો. બીજી વખત હું ધ્યાન રાખીશ. ભૂલ થઇ જાય ત્યારે માફી માંગી લેવામાં કોઇ સંકોચ રાખવો ન જોઇએ. કેટલીક વાતો એવી હોય છે કે, જેનો જેમ બને એમ વહેલીતકે અંત લાવી દેવો જોઇએ. અંત ન લાવીએ તો એ વાત ખેંચાતી જ રહે છે. બે ફ્રેન્ડ હતી. એક વખત એક સામાન્ય બાબતે બંને વચ્ચે ઝઘડો થયો. બંનેએ બોલવાનું બંધ કરી દીધું. એક છોકરીની મમ્મીએ કહ્યું કે, એ તારી ફ્રેન્ડ છે, એને સોરી કહી દે. વાંક કોનો હતો એ મહત્ત્વનું નથી હોતું, વ્યક્તિ કોણ છે એ મહત્ત્વનું હોય છે. ક્યારેક આપણે એ નક્કી કરવું પડતું હોય છે કે, મારા માટે મારી જીદ મહત્ત્વની છે કે એ વ્યક્તિ? એ છોકરીએ તેની ફ્રેન્ડને સોરી કહી દીધું. બંને પાછી હતી એવી જ થઇ ગઇ. તેની ફ્રેન્ડને વિચાર આવ્યો કે, સોરી કહેવામાં આટલું મોડું કરવાની શું જરૂર હતી?
ઘણી વખત એવું પણ બનતું હોય છે કે, વાત તો બંનેને પતાવવી હોય છે, સવાલ એ હોય છે કે, શરૂ કોણ કરે? સોરી કહેવામાં જીગરની જરૂર પડતી હોય છે. સોરી કહેવા માટે ઈગોને ઓગાળવો પડે છે. સંબંધમાં ઈગોને ન ઓગાળીએ તો સંબંધ જ ઓગળી જતો હોય છે. અફસોસ થાય એવું કંઈ બાકી જ ન રાખવું. અફસોસનો બોજ આકરો હોય છે. આપણી અંદર સતત એવું ચાલતું રહે છે કે, મેં ખોટું કર્યું છે. માફી માંગી લો અને વાત પૂરી કરો. માફી મળી જાય એની અપેક્ષા પણ ન રાખો. બે મિત્રોની વાત છે. એક મિત્રએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. તેના મિત્રે મજાકમાં કમેન્ટ લખી. કમેન્ટમાં જે લખ્યું હતું એનાથી તેનો ફ્રેન્ડ નારાજ થઇ ગયો. તેણે કહ્યું કે, તારાથી આવું લખાય જ કેમ? તેના મિત્રએ કહ્યું, મેં તો મજાકમાં લખ્યું હતું. તને ખરાબ લાગ્યું હોય તો હું કમેન્ટ ડિલીટ કરી નાખું છું. તેના મિત્રએ કહ્યું, જેણે વાંચવી હશે એણે તો વાંચી જ લીધી હશે. તેના મિત્રએ કહ્યું, આઇ એમ રિઅલી સોરી. હવે વાત જવા દે. મિત્રએ સોરી કહ્યું તો પણ પેલાએ નારાજગી ચાલુ જ રાખી. આખરે તેના મિત્રએ કહ્યું કે, મારે જે કરવું જોઇએ એ મેં કરી લીધું છે, હવે તારે મનમાં રાખવું હોય તો તારી મરજી. આવું આપણી સાથે પણ ક્યારેક બનતું જ હોય છે. આપણે બસ એ જ વિચારવાનું હોય છે કે, મારે શું કરવું જોઇએ? આપણું દિલ કહે એ કરવાનું. ધ્યાન એટલું રાખવાનું કે એ સાચું અને સારું હોય. માણસે ક્યારેક પોતે જ હળવું થવું પડતું હોય છે. બધું મનમાં ભરી કે સંઘરી રાખવાની કંઇ જરૂર હોતી નથી!
છેલ્લો સીન :
આપણી આસપાસ એવા લોકો પણ હોય છે જેને આપણું પેઇન, વેદના, પીડા અને મુશ્કેલી જોઈને મજા આવતી હોય છે. કોઈનું સારું જોઈને રાજી થનારા અને અને કોઈને તકલીફમાં જોઇને દુ:ખી થનારા લોકોની સંખ્યા સતત ઘટતી જાય છે! કોઈનું સારું જોઈને બળનારાની કમી જ નથી! –કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 16 જુલાઈ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: