USB કોન્ડોમ : તમારા મોબાઇલને બચાવી શકો તો બચાવી લો! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

USB કોન્ડોમ : તમારા મોબાઇલને

બચાવી શકો તો બચાવી લો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આપણા મોબાઇલમાં જે ડેટા છે એના ઉપરનો ખતરો

દિવસે ને દિવસે વધતો જાય છે. બહાર ચાર્જર પોઇન્ટ

પર મોબાઇલ ચાર્જ કરવામાં પણ હવે મોટું જોખમ છે!

યુએસબી કોન્ડોમ એક એવી ડિવાઇસ છે જે મોબાઇલને બચાવે

છે. કોન્ડોમ નામના કારણે તેના પર લોકોનું વધુ ધ્યાન ખેંચાયું છે!

મોબાઇલ હવે આપણા સહુની જિંદગીનું એક અનિવાર્ય અંગ બની ગયું છે. કોઇ થોડો સમય તો કોઇ વધુ સમય મોબાઇલ સાથે ચોંટેલા રહે છે. મોબાઇલના વપરાશ અંગે જાતજાતની ચેતવણીઓ પણ અપાતી રહે છે. મોબાઇલ આપણું મગજ બગાડે છે, સમય વેડફે છે, સંબંધમાં ડિસ્ટન્સ લાવે છે, કાર્યક્ષમતા ઘટાડે છે. આવી વાતોથી માંડીને મોબાઇલથી ડિપ્રેશનનો ભોગ બનાય છે ત્યાં સુધીની વાતો થાય છે. ભલે ગમે તેવી વાતો થાય, મોબાઇલની આદત વધતી જ જાય છે અને વધતી જ જવાની છે. મોબાઇલ એ દુનિયાનો નવો નશો છે. લોકોને એના ઇશારે નાચવાની મજા આવે છે. માણસને અત્યારે જેટલી ચિંતાઓ છે એમાં એક ચિંતા એવી છે જે દરરોજ બધાના મગજ પર સવાર રહે છે. એ છે મોબાઇલની બેટરી ડાઉન થવાની ચિંતા!

મોબાઇલની બેટરી પતી જશે તો? અમુક લોકો તો વારેવારે એ ચેક કરતા રહે છે કે, હવે કેટલા ટકા બેટરી બચી છે? બહાર ગયા હોય અને ખબર પડે કે મોબાઇલનું ચાર્જર ઘરે ભુલાઇ ગયું છે તો માણસ ટેન્શનમાં આવી જાય છે. લોકો હવે પોતાની સાથે પાવર બેંક રાખવા લાગ્યા છે. ઘણા લોકો તો વળી એક કરતાં વધુ પાવર બેંક સાથે રાખે છે. ઇમરજન્સીમાં કામ લાગે! અમુક લોકોનો મોબાઇલનો યુઝ એટલો હોય છે કે, એના ફોન સાથે પાવર બેંક સતત લાગેલી જ હોય છે. તમે માર્ક કરજો હવે આપણને અપાતી બેઝિક સુવિધાઓમાં ચાર્જર પોઇન્ટનો સમાવેશ થઇ ગયો છે.

આપણા મોબાઇલની બેટરી ડાઉન થતી જતી હોય અને આપણને કોઇ જાહેર જગ્યાએ ચાર્જર પોઇન્ટ દેખાઇ જાય તો આપણે રાજીના રેડ થઇ જઇએ છીએ. એરપોર્ટ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, મોલ, મલ્ટિપ્લેક્સ, ટ્રેન, પ્લેન, બસ સહિત અનેક જગ્યાએ આપણને પબ્લિક ચાર્જર પોઇન્ટ જોવા મળે છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક તો પબ્લિક ચાર્જર પોઇન્ટનો ઉપયોગ કર્યો જ હોય છે. તમને એ વાતની ખબર છે કે, જાહેર ચાર્જિંગ પોઇન્ટ્સ ઉપર મોબાઇલ ચાર્જ કરવો જોખમી છે? મોબાઇલ ચાર્જ કરવા તમે ફોન મૂકો એ સાથે જ તમારો તમામ ડેટા ચોરાઇ જવાથી માંડીને તમારા ફોનમાં વાઇરસ ઘુસાડી દેવા સુધીની ઘટનાઓ બની શકે છે? અગાઉ તો આપણને ઠેકઠેકાણે ચાર્જિંગ માટે પ્લગ જોવા મળતા હતા, પણ હવે એ પ્લગની જગ્યા યુએસબી પાર્ટે લીધી છે. આપણે ફટ દઇને એ પાર્ટમાં આપણો ચાર્જિંગ વાયર ઘુસાડી દઇએ છીએ.

અમેરિકામાં તો ઘણા સમય પહેલાંથી સાઇબર એક્સપર્ટ્સે એવી ચેતવણીઓ આપી હતી કે, જાહેર સ્થળો પર તમારા મોબાઇલને ચાર્જ કરવાનું ટાળો. હવે જેટલી ચેતવણીઓ આવે એની સામે તેનાથી બચવા માટેનાં ઉપકરણો પણ માર્કેટમાં આવી જાય છે. આઇટીના ભેજાબાજોએ એક નવું સાધન બજારમાં મૂક્યું અને તેને નામ આપ્યું, યુએસબી કોન્ડોમ! કોન્ડોમ એવો શબ્દ છે જે દરેકને કુતૂહલ જગાડે છે. આ સાધનને પોપ્યુલર બનાવવા માટે ભેજાબાજોએ યુએસબીને કોન્ડોમ નામ સાથે જોડી દીધું અને એ રાતોરાત લોકોની નજરમાં આવી ગયું. કોન્ડોમ શબ્દ કેમ? એવા સવાલના જવાબમાં એ લોકો એવું કહે છે કે, આ કોન્ડોમ તમારા મોબાઇલને તમામ પ્રકારના સંક્રમણથી બચાવે છે! યુએસબી કોન્ડોમ મોબાઇલ અને ચાર્જરના યુએસબી પોર્ટ વચ્ચે લાગે છે. આ ડિવાઇસ તમારા મોબાઇલ ફોનનો કોઇપણ ડેટા બહાર જતા રોકે છે અને વાઇરસને અંદર આવવા દેતો નથી.

આઇબીએમની સાઇબર સિક્યોરિટીના નિષ્ણાતો કહે છે કે, બહાર ચાર્જ કરવાથી તમારી બેંક ડિટેઇલ્સ મેળવીને બદમાશો તમારા બેંક ખાતામાંથી તમામ રકમ ચાઉં કરી શકે છે. એ સિવાય તમારા બીજા પર્સનલ ડેટાનો મિસયુઝ પણ થઇ શકે છે. જો ચાર્જર પોઇન્ટ દ્વારા વાઇરસ ઘુસાડી દેવામાં આવે તો મોબાઇલ સ્લો થઇ જવાથી માંડીને બંધ થઇ જવા સુધીનો ખતરો રહે છે. હજુ થોડા દિવસ અગાઉ જ અમેરિકાના લોસ એન્જલસની કાઉન્ટી ડિસ્ટ્રિક્ટ એટોર્નીની ઓફિસ દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી હતી, જેમાં જણાવાયું હતું કે, તમારા ડેટાની સુરક્ષા ઇચ્છતા હોવ તો પબ્લિક ચાર્જર પોઇન્ટ ઉપર મોબાઇલ ચાર્જ કરવાનું ટાળજો.

દિલ્હી સાઇબર પોલીસ તો અત્યારે એવા અનેક કિસ્સાની તપાસ કરી રહી છે, જે ચાર્જર પોઇન્ટના કારણે બની હતી. અમિતકુમાર મિશ્રાએ કોનોટ પેલેસના એક ચાર્જર પોઇન્ટ ઉપર ફોન ચાર્જ કરવા મૂક્યો હતો. ફોન ચાર્જ થાય એ પહેલા જ તેને મેસેજ આવ્યો કે, તમારા ખાતામાંથી 50 હજાર રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. અમિતે કોઇ ટ્રાન્ઝેક્શન કર્યું નહોતું. સુસ્મિતા પુરોહિત નામની એક ફેશન ડિઝાઇનર સ્ટુડન્ટે પોતાનો મોબાઇલ ચાર્જ કરવા મૂક્યો એ પછી તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાં ગંદી તસવીરો પોસ્ટ થવા લાગી હતી. ફોન ચાર્જ કરવા મૂક્યા બાદ માત્ર ત્રણ મિનિટમાં મોબાઇલનો બધો જ ડેટા ચોરાઇ જાય છે. નોઇડાની એક 24 વર્ષની સ્ટુડન્ટ્સના મોબાઇલમાંથી ફોટોઝ અને વીડિયો ચોરીને તેને બ્લેકમેલ કરવાનો કેસ પણ પોલીસ ચોપડે નોંધાયો છે. આમ તો અત્યારે હાલત એવી છે કે, કોઇપણ રીતે આપણો ડેટા ચોરી થઇ શકે છે. નિષ્ણાતો છેલ્લે તો એવી જ સલાહ આપે છે કે, તમારા મોબાઇલમાં એવો ડેટા રાખવાનું ટાળો, જે તમારા માટે ઉપાધિનું કારણ બની શકે તેમ હોય. મોબાઇલમાં એવા ફોટા ન રાખો જે બતાવવા જેવા ન હોય, બેંક ખાતાની ડિટેઇલ્સ, પાસવર્ડ અને બીજી જરૂરી વિગતો મોબાઇલમાં સેવ ન કરો. માત્ર એટલી વાત યાદ રાખો કે, મોબાઇલમાં જે કંઇ છે એ જરાયે સેફ નથી, તમારા ઉપર ગમે ત્યારે ગમે એ રીતે સાઇબર એટેક થઇ શકે છે. આજના જમાનામાં સાવચેતી એ જ સલામતી છે! 

પેશ-એ-ખિદમત

જિંદગી સે બડી સજા હી નહીં,

ઔર ક્યા જુર્મ હૈ પતા હી નહીં,

ઇતને હિસ્સોં મેં બટ ગયા હૂં મૈં,

મેરે હિસ્સે મેં કુછ બચા હી નહીં.

– કૃષ્ણ બિહારી નૂર

 (‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 15 ડિસેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *