તું બધાને બધી જ વાત
કરવાનું ક્યારે બંધ કરીશ?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કોણ જાણે એ હતી કેવી વિરહની રાત કે,
આંખમાં આંસુ હતા પણ સ્હેજે રોવાયું નહીં,
વૈદ્ય સૌ લાચાર થઇ, નિરાશ થઇ પાછા ગયા,
દર્દ મારા દિલ તણું તેઓથી પરખાયું નહીં.
–બેદાર લાજપુરી
દરેક માણસને કંઇક વાત કરવી હોય છે. આપણા બધાની સાથે દરરોજ કંઇક બનતું રહે છે. આપણને એમ થાય છે કે, આ વાત કોને કહું? શેરિંગની મજા એની સાથે જ છે, જે કેરિંગ છે. કંઇ પણ કહેવા માટે તો સોશિયલ મીડિયાની ભરમાર છે. બધું ક્યાં સોશિયલ મીડિયા પર લખી શકાતું હોય છે! લાઇક કરવાવાળા પણ લાઇક કરતાં જ હોય એવું જરૂરી નથી. પાર્ટીની વાતો અને ફોટા અપલોડ કરી દેવાય છે, પણ ગમગીની દિલમાં ચીપકી રહે છે. ઉજવણી જાહેર કરી શકાય છે, ઉદાસી પોતીકી હોય છે. ચિચિયારીઓ સોશિયલ મીડિયા પર વર્તાય છે, પણ નિસાસા સંભળાતા નથી. ડૂસકાંનો અવાજ બધાને સંભળાતો નથી. આપણે એવું ઇચ્છતાં પણ નથી કે વેદનાની બધાને ખબર પડે. દરેક માણસ બે સર્કલમાં જીવે છે. એક ઇનર સર્કલ અને બીજું આઉટર સર્કલ. બંને વચ્ચે એક દેખાય નહીં એવી રેખા દોરાયેલી હોય છે. અહીં સુધીનું અંગત અને એનાથી બહારનું જાહેર. આપણે બધાને બધી છૂટ આપતાં નથી. બધા એને લાયક પણ હોતા નથી.
અધિકારભાવ પણ આપણને ગમતો હોય છે. આપણે એવું પણ ઇચ્છતા હોઇએ છીએ કે, કોઇ મારા પર અધિકાર જમાવે. આધિપત્યનો પણ એક અનેરો આનંદ છે. સમર્પણ એની પાસે જ સહજ હોય છે જેનું આધિપત્ય આપણે મનથી સ્વીકાર્યું હોય છે. કોઇ એમ કહે કે, ના, તારે આમ નથી કરવાનું ત્યારે આપણને એમ નથી લાગતું કે એ મને ડિક્ટેટ કરે છે, મારી આઝાદી છીનવે છે. ક્યારેક એવું પણ લાગે છે કે એને મારી ચિંતા છે. દરેક વખતે રોકવું એ જબરદસ્તી નથી હોતું. વ્યક્તિ કોણ છે, એ કેટલી નજીક છે, એના પર બધો આધાર રહેતો હોય છે. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. બંને મળે, વાતો કરે. થોડોક સમય થાય એટલે પ્રેમિકા કહે કે, ચાલ, હવે હું જાઉં! પ્રેમી તરત જ કહી દે, ભલે! પ્રેમિકાને થાય કે એક વખત તો એવું કહે કે, રોકા ને થોડી વાર! જવાય છે હવે! મારે રોકાવું હોય તો પણ તું તો રોકતો જ નથી! થોડીક તો દાદાગીરી કર! આટલો બધો સારો પણ નહીં થા! અધિકારભાવ પોતાના લોકો માટે તો હોય છે!
બીજા એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. પ્રેમિકા મળવા આવે. થોડી વાર બેસીને પ્રેમિકા જવાની વાત કરે કે તરત જ પ્રેમી તાડૂકે. આટલી વાર જ આવવું હતું તો પછી આવી જ શા માટે? આવવા-જવામાં જેટલી વાર થઇ એનાથી અડધો સમય પણ બેસતી નથી! છોકરી હસીને કહે, મને ગમે છે તું મને રોકવા માટે કરગરે! ઘણી વખત તો સમય હોય તો પણ હું કહું છું કે, હું જાઉં છું. જવાની વાત કરું પછી તારા ચહેરા પર જે તલસાટ ઝળકે છે, એ જોવો મને ગમે છે. એક તડપ વર્તાય છે મને! એનાથી જ મને એવું થાય છે કે તું મને કેટલો પ્રેમ કરે છે. એક પ્રેમી-પ્રેમિકાની આ સાવ સાચી વાત છે. બંને એક શહેરમાં રહેતાં હતાં. છોકરાને નજીકના શહેરમાં જોબ મળી. ત્રણ કલાકનો રસ્તો હતો. છોકરી ઘરે ખોટું બોલીને એને મળવા જાય. ત્રણ કલાક જવાના અને ત્રણ કલાક આવવાના, એમ છ કલાક થાય. મળવાનું તો એક જ કલાક હોય! છોકરાએ કહ્યું, એક કલાક માટે તું કેટલું બધું ટ્રાવેલ કરે છે? છોકરીએ કહ્યું, મળીએ ભલે એક કલાક, બાકી તો સાતેસાત કલાક તારી સાથે જ હોઉં છું. આવતી વખતે તારી સાથે શું વાત કરીશ એવા વિચારો હોય છે અને જતી વખતે તારી સાથેની વાતો અને યાદો સાથે હોય છે. દૂરથી મળવા આવતી પ્રેમિકા કે દૂરથી મળવા આવતા પ્રેમીને મૂકવા જવાની પણ એક મજા હોય છે. ચાલ, તને મૂકી જાઉં, બસ, ટ્રેન કે કારમાં એટલી વાર સાથે તો રહેવાય! એક છોકરીએ કહેલી આ વાત છે, હું એને મળવા જાઉં પછી એ મને મારા ગામ સુધી મૂકવા આવે! જતી હોઉં ત્યારે સમય કેમેય પાસ ન થાય અને પરત વળતી વખતે એ સાથે હોય ત્યારે ગામ ક્યારે આવી જાય એની જ ખબર પડતી નથી! પ્રેમમાં હોય ત્યારે સમય પણ આપણી સાથે રમત કરતો હોય છે. જે સમય ઝડપથી પસાર કરવો હોય એ ધીમો ચાલે અને જ્યારે સમય ધીમો ચાલે એવી ઇચ્છા હોય ત્યારે સમય જાણે પાંખો લગાવી લે છે!
જિંદગીમાં આવા લોકો નસીબનો જ એક હિસ્સો હોય છે. એક એવી વ્યક્તિ જેની સાથે તમામે તમામ વાત શેર કરવી ગમે! એક છોકરી સોશિયલ મીડિયા પર ક્યારેય પોતાની તસવીર અપલોડ ન કરે! તેની ફ્રેન્ડ્સને આશ્ચર્ય થાય. એ પૂછે પણ ખરી, તું તો કેવી છે? સોશિયલ મીડિયા પર જરાયે એક્ટિવ નથી! એ છોકરી હસીને કહેતી, મારે જેને મારા ફોટા બતાવવા હોય છે ને એને હું પર્સનલ મેસેજ કરીને મોકલી દઉં છું. એ જુએ છે અને પર્સનલી કમેન્ટ પણ કરી દે છે. મારે બધાની લાઇકની જરૂર જ નથી. જેને હું લાઇક કરું છું, જે મને લાઇક કરે છે, એની જ લાઇકથી મને ફેર પડે છે. બધાને બધું કહેવાનું મને જરૂરી નથી લાગતું. મારું સૌંદર્ય, મારા શબ્દો અને મારી સંવેદના પણ મારા લોકો પૂરતી મર્યાદિત રાખું છું. સો લાઇક મળે અને હું જેને લાઇક કરું છું એને ખબર પણ ન પડે તો એનો મતલબ શું છે? દરેકની પોતાની એક ફિલોસોફી હોય છે. જિંદગી મારી છે, ફિલોસોફી મારી છે, મેં એક વર્તુળ બનાવ્યું છે, એની બહાર જવું કે ન જવું એ નક્કી કરવાનો પણ મને અધિકાર છે. દુનિયામાં ઘણા લોકો એવા હોય છે, જેને પોતાના લોકોથી જ મતલબ હોય છે. મારી વ્યક્તિ, મારો પરિવાર, મારા મિત્રો, મારા સ્વજનો એ જ મારી દુનિયા છે. મને એનાથી વધારે કંઇ જોઇતું જ નથી!
બધાને વાત કરવામાં ઘણી વખત વાતનું વતેસર થઇ જાય છે. એક પતિ-પત્નીની આ વાત છે. પત્નીને બધી જ વાત બધાને કરવાની આદત હતી. પતિ એક વખત પોતાની સોસાયટીમાં બેઠો હતો. એ જ સમયે સોસાયટીમાં રહેતા એક ભાઇ આવ્યા. હાય-હલ્લો થયું. એ ભાઇએ પૂછ્યું, તમારો પેલો પ્રોબ્લેમ સોલ્વ થઇ ગયો? કયો પ્રોબ્લેમ? અરે, હું એ પ્રોબ્લેમની વાત કરું છું જેના વિશે તમારે તમારી પત્ની સાથે ઝઘડો થયેલો! પતિ બધી વાત સમજી ગયો. ઘરે આવીને તેણે પત્નીને કહ્યું કે, તું બધી વાત બધાને કહેવાનું ક્યારે બંધ કરીશ? આપણી વચ્ચે ઝઘડો થયો હોય એ પણ તું બધાને કહે છે! તું જરાક તો વિચાર કર! તું જેને જેને તારી અંગત વાતો કરે છે, એમાંથી કેટલા લોકો તને એની અંગત વાતો કરે છે?
ઘણા લોકો એવું પણ કહે છે કે, તો શું કોઇને નહીં કહેવાનું? મનમાં ને મનમાં ધરબી રાખવાનું? એવું કરીએ તો તો ગૂંગળામણ થાય! સાચી વાત છે. મનમાં ઘૂંટાયા રહેવા કરતાં એ વાત કહી દેવાથી હળવાશ ફીલ થાય છે, પણ આપણે કોને વાત કરીએ છીએ એ મહત્ત્વનું છે. એવી વ્યક્તિ જે આપણી હોય, આપણી ફીલિંગને સમજતી હોય, આપણને જજ ન કરતી હોય, જે ‘ટેસ્ટેડ’ હોય, એને વાત કરવામાં કશું જ ખોટું નથી. બાકી અમુક વાતો મનમાં રાખવાની પણ એક મજા હોય છે. કોઇને કંઇ કહેવાની જરૂર નથી! દિલમાં એક ખૂણો હોય છે, જ્યાં ઘણું બધું સંગ્રહી રખાતું હોય છે. એ ખૂણો આપણી મિલકત હોય છે. ક્યારેય એ ખૂણો ખૂલી જાય ત્યારે હસવા જેવી વાત હોય તો હસી લેવાનું અને કોઇ ગમ, વેદના કે પીડાની વાત હોય ત્યારે આંખો ભીની પણ થઇ જવા દેવાની! થોડીક યાદો, થોડીક ફરિયાદો, થોડાક સ્મરણો, થોડીક ઘટનાઓ, થોડાક પ્રસંગો, થોડીક સંવેદનાઓ જે પોતીકી અને અંગત હોય છે. એના ઉપર આપણો જ અધિકાર હોય છે. એ જાણવાનો અધિકાર પણ એને જ હોય છે, જે એને લાયક હોય!
છેલ્લો સીન :
તમારી અંગત લાઇફમાં કોઇ દખલ ન દે એવું જો તમે ઇચ્છતાં હો, તો તમારે પણ કોઇની જિંદગીમાં ચંચુપાત ન કરવો જોઇએ. -કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 30 ડિસેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com