GPSના કારણે આપણા મગજ
પર કાટ ચડી રહ્યો છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
બ્રિટનની એક યુનિવર્સિટીએ કરેલા સંશોધનમાં
એવી વાત બહાર આવી હતી કે, જીપીએસનો ઉપયોગ
કરતી વખતે આપણા મગજનો અમુક ભાગ
સ્વીચ ઓફ થઈ જાય છે!
આપણા દેશમાં તો એટલી બધી ગલીગૂંચીઓ
છે કે, ગૂગલ પણ ગોથાં ખાઈ જાય.
તમને આવો અનુભવ થયો છે?
મોબાઇલે માણસની જિંદગી ધરમૂળથી બદલી નાખી છે. મોબાઇલમાં કેમેરા, રેડિયો, ટીવી, મૂવિ, ઘડિયાળ, હોટલના મેનુ, રિઝર્વેશન સહિત કેટલી વસ્તુઓનો સમાવેશ થાય છે એનો હિસાબ માંડીએ તો લિસ્ટ બહુ લાંબું થાય એમ છે. યુ નેઇમ ઇટ, બધું જ મોબાઇલમાં છે. કંઈ પણ હોય તો તરત જ માણસ મોબાઇલ હાથમાં લે છે. મોબાઇલે આપણી જિંદગીને બહુ સરળ બનાવી દીધી છે. પાંચ બાય પાંચનો સ્ક્રીન આપણી સામે આખી દુનિયા ઉઘાડી આપે છે. હવે કંઈ યાદ રાખવાની પણ ઝંઝટ નથી. જે કંઈ જાણવું હોય એ ફટ દઈને જાણી શકાય છે. મોબાઇલના ગેરફાયદાઓ ગણાવનારા એક પછી એક વાતો ગાઈ વગાડીને કહેતા રહે છે. એક વાત એવી છે કે, મોબાઇલના કારણે લોકો મગજને બહુ કષ્ટ આપતા નથી. લોકોની યાદશક્તિ ઘટી રહી છે. પહેલાં બધાના ફોનનંબર મોઢે રહેતા. હવે તો આપણે આપણો પોતાનો નંબર પણ યાદ કરવો પડે એવી સ્થિતિ થઈ ગઈ છે. એન્ટરટેઇનમેન્ટની તો આખી દુનિયા હાથવગી થઈ ગઈ છે.
આ બધામાં એક અને બહુ ઇમ્પોર્ટન્ટ કંઈ હોય તો એ છે જીપીએસ. કોઈના ઘરે જવું હોય તો આપણે ફટ દઈને કહી દેશું કે, લોકેશન મોકલી આપને. આમ તો હવે પ્રિન્ટેડ ઇન્વિટેશનનો જમાનો રહ્યો નથી, છતાં અમુક કાર્યક્રમોનાં કાર્ડ અને કંકોતરીઓ હજુ આવતાં રહે છે. એમાં પણ એડ્રેસનો સ્કેનિંગ કોડ હોય છે. કેમેરા ઓન કરીને મોબાઇલનો સ્ક્રીન રાખો એટલે રસ્તો ખૂલી જાય. મગજ ચલાવવાનું જ નહીં. ક્યાં વળવાનું છે એ પણ કહી દેવામાં આવે. એક્ચ્યુલી બહુ જ મસ્ત સર્વિસ છે, પણ એના કારણે રસ્તાઓ યાદ રાખવાની મજા ચાલી ગઈ છે.
અગાઉના સમયમાં ઘણા લોકો એવો દાવો કરતા હતા કે, આપણે એક વખત જે રસ્તે જઈએ એને કોઈ દી’ ન ભૂલીએ. વર્ષો પછી જાવ તો પણ શોધી લઉં. રસ્તાઓ યાદ રાખવાની દરેકની પોતાની ટ્રિક્સ હોય છે. કોઈ દુકાનને યાદ રાખે છે, કોઈ બિલ્ડિંગને, કોઈ ઝાડને અથવા તો કોઈ બીજા સ્થળને મગજમાં રાખીને રસ્તાઓ યાદ રાખતા હોય છે. બધા પ્રયત્નો પછી સરનામું ન મળે તો કોઈને પૂછી જોવાનું કે, ભાઈ આ ક્યાં આવ્યું? વાર્તા પૂરી! જોકે, જીપીએસે હવે બધી મુશ્કેલીઓનો અંત લાવી દીધો છે. નેવિગેશનના ઉપયોગથી આપણા મગજમાં શું ફેરફાર થાય છે? બ્રિટનની યુનિવર્સિટી ઓફ કેન્ટના ન્યુરોસાયન્ટિસ્ટ અમીર હોવાયોન જાવાડીએ એના પર એક સંશોધન કર્યું છે. તેણે જીપીએસ સાથે અને જીપીએસ વગર રસ્તા શોધનારના બ્રેઇનનું મેપિંગ કર્યું હતું. પોતાના અભ્યાસ બાદ તેમણે કહ્યું કે, રસ્તા શોધવા માટે આપણે જીપીએસનો ઉપયોગ કરીએ ત્યારે આપણા મગજનો અમુક હિસ્સો સ્વિચ ઓફ થઈ જાય છે. આપણા મગજમાં હિપ્પોકૈમ્પસના નામે ઓળખાતો એક ભાગ હોય છે. મગજનો આ ભાગ મેમરી અને નેવિગેશનનું કામ કરે છે. એની સાથે જ પ્રિફ્રન્ટલ કોર્ટેક્સ આપણને રસ્તા પર આગળ વધવામાં અને નિર્ણય કરવામાં મદદ કરે છે. જે લોકો જીપીએસનો ઉપયોગ કરતા હતા તેના મગજનો આ ભાગ બંધ થઈ ગયો હતો. જીપીએસ વગર ગયા તેના મગજનો આ હિસ્સો એક્ટિવ થઈ ગયો. આ અભ્યાસ પછી લંડનના ટેક્સી ડ્રાઇવર્સ ઉપર પણ કરવામાં આવ્યો હતો. એમાં પણ આ વાત સાચી જણાઈ હતી. આમ તો આવો અનુભવ આપણને બધાને થતો હોય છે. જીપીએસ ચાલુ હોય ત્યારે આપણે આપણું મગજ દોડાવવાનું બંધ કરીને જીપીએસને જ ફોલો કરતા હોઈએ છીએ. આજુબાજુના રસ્તાઓ ઉપર શું ચાલે છે એની પણ પરવા કરતા નથી. આમ તો એવું કહેવાય છે કે, મંજિલ શોધવાની મજા સફરમાં જ છે. જીપીએસ તો રસ્તાને માણવાની દિલચશ્પી જ ભુલાવી દીધી છે.
જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમની પોતાની એક અલગ અને ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. હવે તો અનેક ખાનગી કંપનીઓ સેટેલાઇટની મદદથી નેવિગેશન સિસ્ટમ ચલાવે છે. ગૂગલ મેપ સિવાયની ઢગલાબંધ એપ્લિકેશન છે જે આપણને રસ્તાઓ ચીંધે છે. જીપીએસ શરૂ થઈ ત્યારે એ સિવિલિયન્સ માટે ન હતી. અમેરિકન સરકારે મિલિટરી અને એરફોર્સ માટે આજથી 41 વર્ષ અગાઉ ફેબ્રુઆરી 1978માં પહેલો સેટેલાઇટ છોડ્યો હતો. આજે રેડિયોનેવિગેશન માટે જ અમેરિકાના 33 સેટેલાઇટ અવકાશમાં ઘૂમી રહ્યા છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સ ઓપરેટ કરે છે. રેડિયો નેવિગેશન હવાઈયાત્રાને સુરક્ષિત બનાવવામાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આજે તો જીપીએસ બાઇકમાં પણ આવી ગયા છે. એક સમયે આ સિસ્ટમ બહુ દુર્લભ હતી.
ગૂગલ મેપનું અપડેશન સતત ચાલતું રહે છે. ઓન વે હોઈએ અને આગળ ટ્રાફિક જામ હોય તો પણ ગૂગલ આપણને કહી દે છે. આમ છતાં દરેકને ક્યારેક એવો અનુભવ પણ થયો હોય છે કે, ગૂગલે ગોથે ચડાવી દીધા હોય. ક્યારેક એવું પણ થાય છે કે, જ્યાં રસ્તો જ ન હોય ત્યાં વળવાનું કહે છે. આપણી ગલીગૂંચીઓ પણ એવી છે કે, ગૂગલ પણ ગૂંચવાઈ જાય. એક જગ્યાએ જવાના દસ રસ્તા હોય છે. ગૂગલ ક્યારેક એમાં સેટ થયેલા રોડ મુજબ આપણને દોરે છે અને ક્યારેક આડા રસ્તે પણ ચડાવી દે છે. આવા લોચા ન થાય એ માટે ગૂગલ એક્ટિવ છે. હવે તો સ્થાનિક ભાષાઓમાં પણ દિશાઓનાં સૂચનો મળવા લાગ્યાં છે. ગમે તે હોય, જીપીએસ છે તો બહુ જ કામની ચીજ. બાકી મગજનો કોઈ હિસ્સો થોડો સમય બંધ થઈ જાય એમાં કોને ક્યાં કંઈ ખાસ ફેર પડે છે? આપણે પહોંચવું હોય ત્યાં પહોંચાડી દે એટલે બસ.
પેશ-એ-ખિદમત
મિલને કી તરહ મુજસે વો પલ ભર નહીં મિલતા,
દિલ ઉસસે મિલા જિસસે મુકદ્દર નહીં મિલતા,
કુછ રોજ ‘નસીર’ આઓ ઘર મેં રહા જાએ,
લોગોં કો યે શિકવા હૈ કિ ઘર નહીં મિલતા.
– નસીર તુરાબી
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 31 માર્ચ 2019, રવિવાર)
kkantu@gmail.com