જિંદગી જીવતા તો આપણે જ શીખવું પડે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જિંદગી જીવતા તો

આપણે જ શીખવું પડે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

ઇતના ક્યોં સિખાએ જા રહી હૈ જિંદગી,

હમેં કૌન સી સદિયાં ગુજારની હૈ યહાં!

-ગુલઝાર

જિંદગી એટલે શું? સાવ સરળ રીતે કહેવું હોય તો એમ કહી શકાય કે જિંદગી એટલે જન્મથી મૃત્યુ સુધીની સફર. આ સફર પાછી એવી છે કે એ શરૂ થઈ પછી સતત ચાલવાની જ છે. આપણે એને રોકી શકતાં નથી. ધીમી પણ પાડી શકતા નથી. એની ગતિ નિશ્ચિત છે. એનો અંત પણ નક્કી છે. હકીકતે જિંદગી એ છે જે આપણે જીવીએ છીએ. સૌથી મોટો સવાલ એ જ છે કે આપણે જિંદગી કેવી રીતે જીવીએ છીએ! સફરનો આનંદ માણીએ છીએ કે પછી જેમ ચાલતી હોય તેમ ચાલવા દઈએ છીએ?

આપણને જિંદગી જીવતા કોણ શીખવે છે? આપણી જિંદગી આપણા હાથમાં હોય છે? નાના હોઈએ ત્યારે આપણને જિંદગીની સમજ નથી હોતી. જન્મ થાય પછી જીવાતું હોય છે. પૂરા સમજતા થઈએ એ પહેલાં જ આપણી લાઇફમાં ‘મારું’ પ્રવેશે છે. મારું રમકડું, મારી ઢીંગલી, મારું ટેડીબેયર અને ઘણું બધું ‘મારું’ આપણી અંદર ઘૂસવા લાગે છે. ‘સિબલિંગ રાઇવલરી’ની વાત સાંભળી છેને? નાનો ભાઈ કે નાની બહેન આવે તો એની પણ ઈર્ષા થાય છે. આપણો ગરાસ લૂંટાઈ જાય છે. ધીમે ધીમે સમજ પડે છે કે મારી બહેન છે કે મારો ભાઈ છે, એની સાથે આવું ન હોય. આપણે એને સ્વીકારી લઈએ છીએ. મોટા થઈએ પછી ઘણું બધું સ્વીકારી શકાતું નથી. કદાચ ત્યારે આપણામાં ‘મારું’ વધુ ગાઢ અને તીવ્ર થઈ ગયું હોય છે. આધિપત્ય આદત બની જાય ત્યારે અસ્તિત્વ અઘરું બની જતું હોય છે.

દરેકની ‘પોતીકી’ જિંદગી હોય છે. થોડીક ‘સંગત’ સધાય છે. ઘણું બધું ‘અંગત’ રચાય છે. આમ તો જિંદગી જીવવાનો કોઈ અભ્યાસક્રમ નથી. પ્રેમના પિરિયડ ન હોય, સંવેદનાની શાળા ન હોય, કરુણાના ક્લાસ ન હોય, સ્નેહનો સિલેબસ ન હોય, છતાં આત્મીયતાની એક્ઝામ હોય છે, પડકારની પરીક્ષા હોય છે. ક્યારેક પાસ તો ક્યારેક નપાસ થવાતું હોય છે. આપણા વિશે માર્ક્સ મુકાતા હોય છે. ગુડ, બેડ, બેસ્ટ કે બેટરનાં લેબલ લાગતાં હોય છે. સ્ટાર્સ મળતા હોય છે અને સજા પણ થતી હોય છે. જિંદગીના ગુણોની માર્કશીટ નથી હોતી, એ તો અનુભવાતી હોય છે. આપણે કેવું જીવીએ છીએ તેના પરથી નક્કી થતું હોય છે કે આપણને જિંદગી જીવતા કેવું આવડે છે.

જિંદગી આપણી સામે બધું જ ધરે છે. કર્મ અને ધર્મ, હિંસા અને અહિંસા, પ્રેમ અને નફરત, પ્રકૃતિ અને વિકૃતિ, સ્નેહ અને નફરત, ક્રોધ અને શાંતિ, સફળતા અને નિષ્ફળતા, સ્વાર્થ અને નિ:સ્વાર્થ, ઘાત અને આઘાત, વિશ્વાસ અને છેતરપિંડી, ઉત્સાહ અને હતાશા, અપ્સ અને ડાઉન્સ, લવ અને બ્રેકઅપ, મેરેજ અને ડિવોર્સ, એકાંત અને એકલતા, સાંનિધ્ય અને સન્નાટો, અલ્પવિરામ અને પૂર્ણવિરામ, ભૂખ અને ભોજન, પ્યાસ અને પાણી, તીવ્રતા અને તડપ, વાસના અને ઉપાસના, મુક્તિ અને ગુલામી, વિશ્વાસ અને અંધવિશ્વાસ, આ સિવાય પણ કેટલું બધું. આપણી પસંદગી ઉપર નિર્ભર કરે છે કે આપણે શું અપનાવીએ છીએ! જિંદગી એ સરવાળે તો આપણી પસંદગીઓનું જ પરિણામ હોય છે! ઘણી વખત તો જિંદગી આપણને એવા કગાર પર લાવીને ઊભી રહે છે કે આપણી પાસે પસંદગીનો પણ અવકાશ રહેતો નથી! ઘણું બધું સ્વીકારવું પડતું હોય છે. કોઈ ચોઇસ જ નથી હોતી. ચોઇસ ન હોય ત્યારે જ સૌથી મોટી પરીક્ષા લેવાતી હોય છે કે આપણે એની સાથે કેવી રીતે ‘ડીલ’ કરીએ છીએ!

સૌથી વધુ અઘરું દિલ સાથે ડીલ કરવાનું હોય છે. દિલ ઘડીકમાં માનતું નથી. એ બળવો કરે છે. દિલ સાથે દ્વંદ્વ ચાલતું હોય ત્યારે હાંફી જવાય છે. એવું એટલા માટે થાય છે કે દિલની સામે દિમાગ પણ મેદાનમાં આવી ગયું હોય છે. આમ તો એવું કહેવાય છે કે જ્યારે ક્યાંય ધ્યાન ન પડે ત્યારે દિલનું કહેવું માનવું! સવાલ એ પણ પજવે છે કે દિલ કહે એ સાચું જ હોય છે? એની ક્યાં કોઈ ગેરંટી હોય છે! એમ તો દિમાગ પણ ક્યાં કોઈ શ્યોરિટી લઈને આવતું હોય છે? અનિશ્ચિતતા એ જિંદગીની સૌથી મોટી અકળામણ છે. જિંદગી ઘણી વખત આપણને ‘હા’ અને ‘ના’ની વચ્ચે ઝુલાવતી રહે છે. ‘ટુ બી’ ઔર ‘નોટ ટુ બી’ વચ્ચે માણસ ગૂંચવાયેલો રહે છે. કંઈક તો કરવું જ પડે છે. એક રસ્તો તો લેવો જ પડે છે. રસ્તો સાચો છે કે ખોટો એ તો આગળ નીકળી ગયા પછી ખબર પડતી હોય છે. એ સમજ પડે ત્યારે સ્થિતિ એવી હોય છે કે પછી પાછું પણ વળી શકાતું નથી.

તમને તમારી જિંદગીથી સંતોષ છે? હોય તો વાંધો નથી. ન હોય તો? દરેક માણસ કોઈક મુદ્દે તો મન મનાવીને જ જીવતો હોય છે. મનને મારવા કરતાં મનને મનાવવું વધુ સારું હોય છે. જે છે તે છે, જે નથી તે નથી, જે છે એને તમે કેવી રીતે જીવો છો એના પરથી જ ખબર પડતી હોય છે કે જિંદગીને આપણે કેટલી શીખ્યા છીએ અને આપણને કેટલું આવડે છે. સરવાળે તો માણસે પોતાની જિંદગી જીવતા પોતે જ શીખવું પડે છે!

એક યુવક અને યુવતીની આ વાત છે. બંને વચ્ચે ગાઢ દોસ્તી. યુવતી બહુ જ નેગેટિવ. દરેક વાતમાં વાંધા વચકા, ઉદાસી, નારાજગી અને અણગમો જ હોય. એક વખત યુવાને પૂછ્યું, તું કેમ આવી છે? એ યુવતીએ કહ્યું કે, કદાચ મારી માનસિકતા પાછળ મારા ઘરનું વાતાવરણ જવાબદાર છે. મારાં માતા-પિતાને બનતું નથી. દરરોજ બંને વચ્ચે ઝઘડા થાય. ભાઈ કોઈનું માનતો નથી અને રખડે રાખે છે. આખું ઘર જ ડિપ્રેસિવ છે! આ વાત સાંભળીને યુવાને કહ્યું કે, એ બધું તો છે જ અને રહેવાનું જ છે. તું કેમ એ બધાને તારા પર હાવી થવા દે છે? તારે શું કરવું એ તારે જ નક્કી કરવાનું હોય છે. એક વાત યાદ રાખ, આપણામાં કોઈ જબરજસ્તીથી કંઈ ઠોકી બેસાડતું નથી. આપણે નકારાત્મકતા આવવા દેતા હોઈએ છીએ. એને છૂટ આપતાં હોઈએ છીએ. તું એને મનાઈ ફરમાવી દે. દરેક માણસનું પણ એક વાતાવરણ હોય છે. તારા વાતાવરણને તું સક્ષમ બનાવી દે તો બહારના વાતાવરણની અસર નહીં થાય!

આપણને ઘરમાંથી સંસ્કારો મળે છે. આપણું વ્યક્તિત્વ એનાથી ઘડાય છે એ વાત સાચી. જોકે, ઘરમાં માત્ર સંસ્કારો જ હોય એવું થોડું જરૂરી છે? સુસંસ્કાર, કુરિવાજો, અંધવિશ્વાસ, બેહુદી પરંપરાઓ અને એવું ઘણું બધું હોય છે. આપણે આપણી બુદ્ધિના ત્રાજવે એને તોલવાનું હોય છે અને જે વાજબી ન લાગે એને ફગાવી દેવાનું હોય છે.

સારી જિંદગી જીવવા માટે એ જાણવું જરૂરી હોય છે કે શું પકડી રાખવું અને શું છોડી દેવું! આપણને જે પીડા, વેદના, વ્યથા, બેચેની, ઉદાસી, નારાજગી, હતાશા અને નકારાત્મકતા આપે એને બને એટલી ઝડપથી છોડતા આવડવું જોઈએ. દરેક સમયે આપણે કાં તો ખુશ રહી શકીએ અને કાં તો ઉદાસ રહી શકીએ, કાં તો સુખી રહી શકીએ અને કાં તો દુ:ખી, આપણે નક્કી કરવાનું હોય છે કે આપણે કેવી રીતે રહેવું છે. આપણી જિંદગી જેવી હોય છે એ ચોઇસ આપણી જ હોય છે. આપણી પસંદગી જેવી જ આપણી જિંદગી બને છે. જિંદગીમાં ગાંઠે બાંધી રાખવા જેવી વાત એ છે કે તમે જેટલો સમય દુ:ખી રહેશો, સુખી રહેવાનો એટલો સમય તમે ગુમાવો છો, જેટલો સમય નફરત કરશો, પ્રેમ કરવાનો એટલો સમય ગુમાવશો. શું મેળવવું અને શું ગુમાવવું, શું પકડી રાખવું અને શું છોડી દેવું એની સમજ જ જિંદગીને જીવવા જેવી બનાવે છે.

છેલ્લો સીન :

જિંદગી તો સારી જ હોય છે, જો આપણે એને સારી માનીએ તો!                  -કેયુ.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 28 માર્ચ 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “જિંદગી જીવતા તો આપણે જ શીખવું પડે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *