તમે આખા દિવસમાં કેટલી વખત ખડખડાટ હસો છો? : દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

તમે આખા દિવસમાં કેટલી

વખત ખડખડાટ હસો છો?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

હસતા ચહેરા આજકાલ દુર્લભ બની ગયા છે.

ચડેલા, ફૂલેલા અને સોગિયા મોઢા એ

સામાજિક પ્રદૂષણ છે. હાસ્ય જેવું બેસ્ટ

સૌંદર્ય પ્રસાધન બીજું કોઇ નથી.

હસવાથી શરીરમાં એન્ડોર્ફિન નામના

હોર્મોનનું સર્જન થાય છે, જે કુદરતી રીતે જ રોગ

પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે અને

માણસને થનગનતા રાખે છે.

જે માણસ હસતો રહે છે એને કોઇ જ પ્રકારની ટાપટીપ એટલે કે કોઇ જાતના મેક-અપની જરૂર પડતી નથી. સ્માઇલિંગ ફેઇસ હંમેશાં એટ્રેક્ટિવ લાગે છે. બે વ્યક્તિ વચ્ચેનું ઓછામાં ઓછું અંતર એ હાસ્ય છે. તમે કોઇની સામે જરાકેય મુસ્કુરાશો તો એ વ્યક્તિના મનમાં તમારી અનોખી ઇમેજ ઊભી થશે. લોકોને થશે કે એ માણસ કેટલો સારો છે! એને કોઇ જ અભિમાન નથી, બધા સાથે પ્રેમથી હસે છે. જે માણસ ક્યારેય હસતો ન હોય એના વિશે આપણો અભિપ્રાય કેવો હોય છે? ખબર નહીં એ પોતાની જાતને શું સમજે છે? થોડુંક હસી દે તો એનો શું ગરાસ લૂંટાઇ જવાનો છે?

હસવામાં કોઇ કિંમત ચૂકવવી નથી પડતી, ઊલટું હાસ્ય આપણને ધબકતા રાખે છે. માણસ કેટલો જીવતો છે અને કેટલો મરેલો છે એ તેના ચહેરા ઉપરથી ખબર પડી જાય છે. હાસ્ય એ તો ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે, એના માટે કોઇ શબ્દોની જ જરૂર નથી. જોકે, એક વાત એ પણ યાદ રાખવા જેવી છે કે ક્યારેય ખોટું હસવું નહીં. હસવાનું નાટક પકડાઇ જતું હોય છે. આપણે ઘણા લોકો વિશે એવું કહેતા હોઇએ છીએ કે એના હસવા ઉપર ન જઇશ, એનો ચહેરો કંઇક કહે છે અને એના દિમાગમાં બીજું જ કંઇ ચાલતું હોય છે.

બાય ધ વે, તમે આખા દિવસમાં કેટલું હસો છો? આપણે જિમ જઇએ ત્યારે કેટલું ચાલ્યા, કેટલી કેલેરી બર્ન કરી તેની નોંધ રાખીએ છીએ. હવે તો એવી એપ્સ, હેન્ડ બેંડ અને સ્માર્ટ વોચ પણ આવી ગઇ છે જે તમારી કસરતનો હિસાબ રાખે છે. એ વાત આપણને ક્યારેય ખબર નથી હોતી કે આપણે દિવસમાં કેટલું હસ્યા. 24 કલાકની 1440 મિનિટમાંથી કેટલી ક્ષણો આપણો ચહેરો મલકતો હતો અને કેટલો સમય આપણું મોઢું ચડેલું હતું. હસતા ચહેરા એ વાતની નિશાની છે કે આ માણસ મજામાં છે. બે પ્રકારના લોકો કાયમ હસતા હોય છે. એક જે ખૂબ જ ડાહ્યા છે અને બીજા જે તદ્દન પાગલ છે. આપણા હાસ્યમાં હળવાશ હોવી જોઇએ, છળકપટ નહીં. ડિપ્રેશન અને બીજા માનસિક રોગોની નિશાની એ છે કે એના દર્દીના ચહેરા ઉપર ક્યારેય મુસ્કુરાહટ નહીં હોય.

હસવા ઉપર અનેક સંશોધનો થયાં છે, આ તમામે તમામ રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે હસવું એ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેને હસતાં આવડે છે તેનાથી અનેક બીમારીઓ દૂર રહે છે. માણસ હસતો હોય ત્યારે એના શરીરમાં તરંગો ઊઠે છે અને એન્ડોર્ફિન નામનું હોર્મોન સર્જાય છે. આ હોર્મોન ખુદ જ રોગ પ્રતિકારક છે. હસમુખી વ્યક્તિ માનસિક તનાવ, અનિદ્રા અને નકારાત્મક વિચારોથી દૂર રહે છે. જે માણસનું હાસ્ય નિર્દોષ હોય તેના ઉપર તમે આરામથી ભરોસો મૂકી શકો છો.

હાસ્ય થેરપી હવે કોઇ નવી વાત રહી નથી. આજે દરેક શહેરમાં લાફિંગ ક્લબ છે. જોકે જે લોકો આવી ક્લબ્સમાં જોડાયેલા છે તેમાંથી કેટલા લોકો સાચું એટલે કે દિલથી હસતા હોય છે એ સૌથી મોટો સવાલ છે. કૃત્રિમ હાસ્યથી કોઇ જ ફાયદો થતો નથી. ઘણા લોકો છેતરામણું હસે છે. અમુક વખતે આપણે ન હસવું હોય તો પણ હસવું પડે છે. બોસ જોક કહે ત્યારે એવું જ થતું હોય છે. ક્યારેક એમ થાય કે આ જોકમાં હસવા જેવું છે શું? પણ બોસને રાજી રાખવા માટે ઘણા લોકો ન ઇચ્છવા છતાં હસતા રહે છે.

દરેક માણસે દિવસમાં એટલિસ્ટ 15 મિનિટ તો હસવું જ જોઇએ, એવું એક અભ્યાસ કહે છે. એ ટોનિકનું કામ કરશે. ધ્યાન એટલું રાખવાનું કે ધરાર હસવાનું નથી. હસવું એ સ્વભાવ બનવો જોઇએ.

ઘણા લોકો તો એવા ભારે ચહેરા સાથે ફરતા હોય છે જાણે એ હસશે તો કંઇક ન થવાનું થઇ જશે. એક વર્ગ એવો પણ છે જે એવું માને છે કે આપણે હસતાં રહીએ તો લોકો આપણને ગંભીરતાથી ન લે. એવું હોતું નથી, આપણે હસીએ કે ન હસીએ, લોકો આપણને માપી લેતા હોય છે કે આ ભાઇમાં કેટલી આવડત છે. ઊલટું તમે જો હોશિયાર હશો અને હસતા રહેતા હશો તો તમારી ઇમ્પ્રેસન સારી રહેશે.

હાસ્ય પણ જાતજાતનાં હોય છે. લોકોની હસવાની સ્ટાઇલ પણ જુદી જુદી હોય છે. ઘણા લોકો તો એવી રીતે હસતા હોય છે કે એનો હસવાનો અવાજ સાંભળીને આપણાથી હસવું ન રોકી શકાય. હાસ્યના કુલ 64 પ્રકાર પાડવામાં આવે છે. હાસ્યના બે પ્રકારથી આપણે સૌથી વધુ પરિચિત છીએ. એક છે સ્થૂળ હાસ્ય, જેમાં સીધી જ હસવાની વાત હોય છે. બીજું છે સૂક્ષ્મ હાસ્ય. એને સમજવા માટે પણ સમજદારી જોઇએ. બીટવીન-ધ-લાઇન્સમાં ઘણું બધું કહેવાઇ જતું હોય છે. હાસ્યના બીજા પ્રકારોમાં અટ્ટહાસ્ય, ખંધુ હાસ્ય, લુચ્ચું હાસ્ય, મીંઢું હાસ્ય, રાક્ષસી હાસ્ય, ભૂભૂ હાસ્ય, ખીખી હાસ્ય, ઊંટાટિયા હાસ્ય, ડકડક હાસ્ય સહિત અનેક પ્રકારોનો સમાવેશ થાય છે.

અમેરિકન જર્નલમાં પ્રસિદ્ધ થયેલા એક અભ્યાસમાં એવું જણાવાયું છે કે, દરરોજ 10 મિનિટ હસતા રહેવાથી બીપીનું પ્રમાણ 10થી 20 ટકા ઘટે છે. મતલબ કે બીપીના દર્દીઓએ હસવાનું પ્રમાણ વધારવું જોઇએ. હસવાની સૌથી મોટી વાત તો એ જ છે કે આપણે હળવાફૂલ રહીએ છીએ. હમણાં એક મેસેજ સોશિયસ મીડિયા પર બહુ ફર્યો કે કોઇને ઇર્ષા કરાવવી હોય તો ખોટેખોટું પણ હસતા રહો, એને થશે કે એવું તે આને શું મળી ગયું છે કે આ માણસ હસે છે? સવાલ એ થાય કે ખોટું ખોટું શા માટે? સાચે સાચું જ હસોને! તમને હસતા જોઇને લોકોને એમ થવું જોઇએ કે જિંદગી તો આ માણસ જીવે છે! બાકી બધા તો ફોટો સારો આવે એટલે ધરાર જ હસતાં હોય છે. તમે તમારા હાસ્ય વિશે ક્યારેય વિચાર કર્યો છે? કરી જોજો, જો ઓછું હસતાં હોવ તો થોડુંક વધારી દેજો, એનાથી ફાયદો જ ફાયદો છે. સો કીપ સ્માઇલિંગ.

પેશ-એ-ખિદમત

યે મૈં થા યા મેરે અંદર કા ખૌફ થા જિસને,

તમામ ઉમ્ર દી તન્હાઇ કી સજા મુઝ કો,

હર એક ને દેખા મુઝે અપની અપની નજરોં સે,

કોઇ તો મેરી નજર સે ભી દેખતા મુઝ કો.

-આઝાદ ગુલાટી

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 18 ફેબ્રુઆરી 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *