ખબર નહીં આ બધામાંથી મને ક્યારે છુટકારો મળશે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

ખબર નહીં આ બધામાંથી

મને ક્યારે છુટકારો મળશે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

આભ છે ઘનઘોર ને છે વાદળોનો ગડગડાટ,

એક જણને ભીતરે તડકાપણું લાગી શકે,

Deal કરતા આવડે આકાશ સાથે જો તને,

Lampને બદલે તું ઘરમાં ચંદ્ર પણ ટાંગી શકે!

-ગુંજન ગાંધી

દરેક જિંદગીનો કોઈ ઉદ્દેશ હોય છે. આપણા હોવાનો કોઈ અર્થ છે. આપણી હયાતીનું કોઈ કારણ છે. ફાલતું કે નક્કામું કંઈ જ નથી હોતું. દરેક કર્મનો મર્મ છે. કામનો પણ કોઈ અર્થ છે અને આરામનો પણ કોઈ મતલબ છે. દરેક ક્ષણે આપણે કંઈક નવું મેળવીએ છીએ. દિલ ધડકતું રહે છે. શ્વાસ ચાલતો રહે છે. ઘડિયાળના કાંટા ફરતા રહે છે. આ બધું જ એ વાતની ગવાહી પૂરે છે કે જિંદગી ગતિશીલ છે. સતત ચાલતા રહેવું એ જિંદગીની પ્રકૃતિ છે. ક્યારેક એવું લાગે છે જાણે બધું જ થંભી ગયું છે. હકીકતે કંઈ જ અટક્યું હોતું નથી. આપણે થોડાક રોકાઈ ગયા હોઈએ છીએ. જ્યાં સુધી છેલ્લો શ્વાસ છે ત્યાં સુધી બધું જ ચાલતું હોય છે. ઘડિયાળના કાંટાને પકડી લેવાથી સમય અટકતો નથી.

પ્રકૃતિનો કણેકણ એ જ મેસેજ આપે છે કે ગતિશીલ રહો, ધબકતા રહો, હસતા રહો. પરિવર્તનો તો ચાલતાં જ રહેવાનાં છે. સાંજ પડવાની છે, રાત થશે એટલે અંધારું થવાનું જ છે, બીજા દિવસે ફરી સૂરજ ઊગવાનો છે. જિંદગીમાં પણ ક્યારેક આવું થતું રહેવાનું છે. ક્યારેક અંધારું લાગવાનું છે. ક્યારેક થાક લાગવાનો છે. બધું મૂકી દેવાનું પણ ક્યારેક મન થવાનું છે. કશાનો કંઈ જ મતલબ નથી એવી ફીલિંગ ક્યારેક તો આવવાની જ છે. એક યુવાન સાધુ પાસે ગયો. સાધુને કહ્યું કે, જિંદગીનો કોઈ અર્થ જ લાગતો નથી. શા માટે કંઈ કરવાનું? કોના માટે કરવાનું? સાધુએ કહ્યું, જિંદગીનો મતલબ હોતો નથી, એ તો શોધવાનો હોય છે. જીવવાનું કોઈ કારણ હોવું જોઈએ. કારણ ન હોય તો બેઠું કરવું જોઈએ. નદીના કિનારે થોડાક છોકરાંવ રમતાં હતાં. સાધુએ કહ્યું, આ છોકરાંવને જો. એ રેતીના ઘર બનાવે છે. થોડીક વાર થાય છે અને એ રેતીનું ઘર પડી જાય છે. છોકરાંવ પાછું ઘર બનાવે છે. હવે એ જો એવું જ વિચારે કે ઘર બનાવવાનો અર્થ શું છે? એ તો પડી જ જવાનું છેને? તો તો એને રમવાનો આનંદ જ ન રહે. જીવવાનો જ આનંદ ન રહે! તારામાં જીવવાનો આનંદ છે? ઘર પડી જવાનો ડર ન રાખ, ઘર બનાવવાનો આનંદ માણ.

તમને ક્યારેક એવું ફીલ નથી થતું કે કુદરતે આ આખી દુનિયાનું સર્જન મારા માટે જ કર્યું છે? મારા માટે ફૂલો ખીલવ્યાં છે. મારા માટે ઝરણાં વહાવ્યાં છે. ક્યાંક બરફ બિછાવ્યો છે તો ક્યાંક ઊછળતાં મોજાં બનાવ્યાં છે. પ્રેમ કરવાનું મન થાય એવા લોકો બનાવ્યા છે. તમને ખબર છે, સૃષ્ટિમાં જે કંઈ અમૂલ્ય છે એ બધું જ ઈશ્વરે આપણને સાવ મફતમાં આપ્યું છે. પંખીઓના કલરવની કોઈ કિંમત રાખી નથી, ફૂલોની ખુશબૂનો કોઈ ભાવ નથી, સૂરજના પ્રકાશ માટે કંઈક ચૂકવવું પડતું નથી. કુદરત તો કહે છે કે, તું એન્જોય કર. તને આનંદ કરાવવા તો મેં બધું બનાવ્યું છે. તને ચાલવાની મજા આવે એટલે તો હું મોજાંને મોકલીને દરિયાની રેતીને ભીની કરી દઉં છું. આરોહણનો આનંદ મળે એ માટે તો પર્વત બનાવ્યો છે. તૃપ્તિનો અહેસાસ થાય એટલે તો તરસ મૂકી છે. તને પ્રેમ મળે એટલે તો તારા માટે પરિવારનું સર્જન કર્યું છે. અમુકને તો મેં ફક્ત તારા માટે જ બનાવ્યા છે. તારા મિત્ર, તારો પ્રેમી, તારી પ્રેમિકા, તારા સંબંધ અને તારું હોવું એ તો ખાસ તારા માટે જ છે. તું ક્યાં છે? તું જ ગેરહાજર હોય તો તું જિંદગીને દોષ કઈ રીતે દઈ શકે? એક વાર થોડોક હળવો તો થઈ જો! તેં જ બનાવેલા બંધનમાંથી મુક્ત તો થા, બધું જ એવું ને એવું છે. તું દૂર થઈ ગયો છે! તું તારી જ થોડોક નજીક તો આવ!

હા, જિંદગી છે, ક્યારેક એકસરખી નથી ચાલવાની. ક્યારેક એ સવાલ પૂછવાની છે, ક્યારેક એ જવાબ માગવાની છે, ક્યારેક તમને માપવાની છે, ક્યારેક તો સમસ્યા આવવાની જ છે. ક્યારેક કશાનો કંઈ જ મતલબ લાગવાનો નથી. આપણને જ ક્યારેક એવું લાગવાનું છે કે, આપણે એવું તે શું કર્યું જે અગાઉ કોઈએ નથી કર્યું? બીજાની જેમ આપણે પણ આ જગતમાં આવ્યા છીએ અને ચાલ્યા જવાના છીએ. આપણે પણ ભુલાઈ જવાના છીએ. આપણને આપણી જ બે-ત્રણ પેઢી અગાઉનું કંઈ ખબર નથી. પરદાદાના દાદા કોણ હતા, એ શું કરતા હતા, એણે જિંદગી કેવી રીતે પસાર કરી, એ કંઈ જ ખબર નથી. તો આપણને તો કોણ યાદ રાખવાનું? દરેક વ્યક્તિએ એક વાત યાદ રાખવાની હોય છે કે, આજે તેની હયાતી છે, આજે તેનાથી લોકોને ફેર પડે છે, આજે તમને કોઈ પ્રેમ કરે છે, આજે તમે કોઈને ઝંખો છો, તમારા વજૂદને તમે ‘આજ’ની નજરથી જુઓ, ગઈ કાલ કે આવતી કાલની નજરથી નહીં. આજે તમારી વાતથી કોઈને સાંત્વના મળે છે, આજે કોઈ તમારી રાહ જુએ છે, જે છે એ આજ છે! એ શું કંઈ નાનીસૂની વાત છે? આપણી જિંદગી એ જ છે કે આપણે આપણી આજને કેવી રીતે જીવીએ છીએ. આજ એ આવતી કાલનો ઇતિહાસ છે. તમે તમારા ભૂતકાળને સમૃદ્ધ રીતે જોવા ઇચ્છતા હોવ તો તમારી આજને ન વેડફો. હતાશ ન થાવ. કોઈ નકારાત્મક ઘટના કે વિચારને તમારા પર હાવી થવા ન દો.

સમજણની સાવ સીધી-સાદી વ્યાખ્યા કરવી હોય તો એમ જ કરી શકાય કે તમે તમારી જ આડે આવતાં નકારાત્મક પરીબળો, વિપરીત સંજોગો, હતાશાજનક વિચારો અને નિરાશાને કેવી રીતે ટાળો છો, તેમાંથી કેવી રીતે બહાર નીકળો છો. બીમાર હોઈએ ત્યારે આપણે દવા લઈએ છીએ, ઉદાસ હોઈએ ત્યારે મનને પણ ઉપચાર જોઈતો હોય છે. જે મનથી સ્વસ્થ છે એને મનોચિકિત્સકની જરૂર પડતી નથી. તમે તમારા માર્ગદર્શક અને મદદગાર બની શકો છો? તો તમે સમજુ છો! તમને મુશ્કેલીમાંથી માર્ગ કાઢતા આવડે છે? તો તમે ડાહ્યા છો! તમને તમારા લોકોને સાચવતા આવડે છે? તો તમે ખરા પ્રેમી છો.

તમારી જિંદગીમાં કઈ વાત એવી છે, જેના વિશે તમને એમ થાય છે કે, ખબર નહીં આ બધામાંથી મને ક્યારે છુટકારો મળશે? કયું કામ તમને અઘરું લાગે છે? કઈ જવાબદારી તમને આકરી લાગે છે? કયો સંબંધ તમને ભારે લાગે છે? શેનાથી તમારે મુક્તિ જોઈએ છે? છુટકારો માત્ર વિચારોથી નથી મળતો, એના માટે પ્રયાસ કરવા પડતા હોય છે. એ પ્રયાસ ઉતાવળિયા અને આંધળૂકિયા હોય તો મુશ્કેલી ઘટવાને બદલે વધે છે. અમુક વાતને સમય ઉપર છોડવી પડે છે. સાથોસાથ બધી વાતોને સમય ઉપર છોડી શકાતી નથી. કઈ વાતે એક્શન લેવા અને કઈ વાતે રાહ જોવી એ પણ આપણી સમજદારી માગી લે છે. દરેક વાતનો એક સમય હોય છે, કેટલોક સમય આવતો હોય છે અને કેટલોક સમય લાવવો પડતો હોય છે!

એક યુવાનની વાત છે. એની જોબથી એ ખૂબ જ કંટાળી ગયો હતો. દરરોજ એવો વિચાર આવે કે આ કામ છોડી દઉં. હું કંઈ જ નવું નથી કરતો. દરેક રૂટિન વસ્તુ આપણને બોર કરતી હોય છે. બોર કરતી દરેક વસ્તુ છોડવાનું મન થતું હોય છે. જો આપણે એને છોડી શકીએ એમ ન હોઈએ તો એ વિચારવું જોઈએ કે, એ કામને કેમ ગમતું કરું? શું કરું તો મને મજા આવે? એ યુવાન તેના એક વડીલ પાસે ગયો. કામમાં મજા નથી આવતી, છોડી દેવાનું મન થાય છે એમ કહ્યું. વડીલે કહ્યું કે, સાચી વાત છે તારી. જે કામ ગમતું ન હોય એને છોડી જ દેવું જોઈએ. માત્ર એટલો વિચાર કર કે તારી પાસે બીજો કોઈ ઓપ્શન છે? બીજું એવું કામ છે જે કરવાથી તને મજા આવે? જો ઓપ્શન હોય તો તું તારે છોડી દે, પણ જો ઓપ્શન ન હોય તો ઓપ્શનની રાહ જો. ઓપ્શન બેઠો કરવાનો પ્રયાસ કર! એક વાત યાદ રાખજે કે તું બીજું કામ લઈશ તો ત્યાં કોઈ પડકાર નહીં હોય અથવા તો ત્યાં બધું જ સ્મૂધ હશે એવું જરાયે ન માનતો, ત્યાં પણ ચેલેન્જીસ તો હશે જ. સહુથી મહત્ત્વનું એ જ હોય છે કે, તમે જે કંઈ કરો છો એને એન્જોય કરો. કંટાળો ન લાવો. તમારામાં આવડત અને કાબેલિયત હશે તો ઓપ્શન તો સામે ચાલીને આવશે. સારા લોકોની બધાને જરૂર છે, આપણે આપણું સારાપણું સાબિત કરવું પડે. સારાપણું સાબિત કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ જ છે કે તમે જે કંઈ કરતા હોવ એ ઉમદા રીતે કરો.

જિંદગીમાં અમુક સંબંધો પણ એવા હોય છે જે આપણને સતત ભાર આપતા હોય છે. આપણે આપણા સંબંધો વિશે કેટલું વિચારીએ છીએ? કયા સંબંધો આપણને હળવાશ આપે છે? કયા સંબંધથી આપણામાં સંવેદનાનો સંચાર થાય છે? નેગેટિવ લોકોથી દૂર રહેવું એ પણ સુખી થવાની એક રીત છે. અલબત્ત, દરેક સંબંધોને આપણે કાપી શકતા નથી. અમુક સંબંધો આપણને વારસામાં મળ્યા હોય છે. આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ, આપણે તેનાથી સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકતા નથી. આવા લોકો સાથે સેફ ડિસ્ટન્સ રાખવું પડે છે. એવું અંતર જે આપણી માનસિકતાને કોઈ પણ જાતની અસર ન કરે. રિલેશનશિપનું પણ એક મેનેજમેન્ટ હોય છે. સંબંધો પણ જુદા જુદા સ્તરના હોય છે. દરેક સંબંધને એના સ્તર ઉપર જ જીવવાના હોય છે. કોઈને નફરત ન કરીએ, પણ કોને કેટલો પ્રેમ કરવો, કોને કેટલો આદર આપવો અને કોને કેટલું વેઇટેજ આપવું એ તો આપણે જ નક્કી કરવું પડે. ખોટી રીતે ખેંચાવાનો કોઈ અર્થ નથી હોતો. અમુક સંબંધો એવા હોય છે કે તેમાં ન તો ગાઢ દોસ્તી હોય છે કે ન તો તીવ્ર નફરત હોય છે. એ એની જગ્યાએ સ્થિર હોય છે, એને સ્થિતપ્રજ્ઞતાપૂર્વક જ જીવવાના હોય છે.

એક વસ્તુ યાદ રાખો, જિંદગી આપણી છે. તેને કેવી બનાવવી તે આપણા હાથની વાત છે. બેલેન્સ જાળવતા આવડવું જોઈએ. યોગ્ય કે વાજબી ન હોય એનાથી છુટકારો મળવાનો નથી, છુટકારો મેળવવો પડતો હોય છે. આપણને ખબર પડવી જોઈએ કે આપણને શું ખૂંચે છે, આપણને શું નડે છે, એને હટાવતા પણ આવડવું જોઈએ. પગમાં કાંટો વાગે ત્યારે આપણે ફટ દઈને કાંટાને ખેંચીને બહાર કાઢી લઈએ છીએ. આપણને ખબર હોય છે કે, જો કાંટો નહીં કાઢીએ તો એ આપણને પેઇન આપતો રહેશે. જિંદગીમાં પણ આવી સમજ કેળવવી પડે કે મને શું પેઇન આપે છે, એને આપણે આપણા હાથથી જ હટાવવું પડે. આપણાં સુખ કે આપણાં દુ:ખ માટે સરવાળે તો આપણે જ કારણભૂત હોઈએ છીએ! દુ:ખને દૂર કરતા અને દૂર રાખતા શીખી જાવ, સુખ તો જિંદગીમાં છે જ!

છેલ્લો સીન :

અઘરી પરિસ્થિતિ અને કપરા સંજોગોમાં જ આપણને આપણો સાચો પરિચય થતો હોય છે.   -કેયુ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 21 ફેબ્રુઆરી 2018, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *