આ ‘જીવ’ માણસ માટે સૌથી વધુ ખતરનાક છે – દૂરબીન

આ ‘જીવ’ માણસ માટે

સૌથી વધુ ખતરનાક છે

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

માણસ જાતનો સૌથી મોટો દુશ્મન

જો કોઇ હોય તો એ મચ્છર છે.

આપણે તેને ચપટીમાં મસળી નાખવાની વાત કરીએ છીએ

પણ એ દર વર્ષે દસ લાખથી વધુ લોકોનો ભોગ લે છે

 

મચ્છરથી બચવા માટે તમે કયો ઉપાય

અજમાવો છો? આપણે ગમે તે કરીએ

પણ તેનાથી સંપૂર્ણ છૂટકારો શક્ય નથી.

સાલા એક મચ્છર આદમી કો હિજડા બના દેતા હૈ, ‘યશવંત’ નામની ફિલ્મમાં નાના પાટેકરના મોઢે બોલાયેલો આ ડાયલોગ બહુ ગવાયો હતો. જોકે મચ્છર માત્ર લોકોને તાળીઓ પાડતા નથી કરતો, લોકોને પથારીવશ કરી દે છે અને લોકોના રામનામ પણ બોલાવી દે છે. તમને ખબર છે, માણસ જાતનો સૌથી મોટો દુશ્મન જો કોઇ હોય તો એ આ ટચૂકડો મચ્છર છે. મચ્છર જેટલા લોકોના જીવ લે છે એટલા જીવ દુનિયાના બીજા કોઇ પશુ, પક્ષી, જીવ કે જંતુ લેતા નથી.

આપણને ખબર ન પડે એમ મચ્છર ચટકો ભરી લે છે, લાલ ટપકાં જેવું નિશાન થઇ જાય છે. થોડી વાર ચચરે છે. આપણે મનમાં ને મનમાં મચ્છરને બે-ચાર ચોપડાવીએ છીએ પણ એ તો એનું કામ પતાવીને ઊડી ગયું હોય છે. અરે હા, એ વાતની તો તમને કદાચ ખબર જ હશે કે મેલેરિયા માદા મચ્છર એનોફિલીસ કરડવાથી જ થાય છે. માદા મચ્છર રાતના સમયે જ કરડે છે. દિવસે એ ઇંડાં મૂકવાનું કામ કરે છે. મચ્છર આલવેઝ સ્થિર પાણીમાં જ ઇંડાં મૂકે છે. નર મચ્છર નિર્દોષ હોય છે. એ વાત જુદી છે કે મચ્છરને જોઇને આપણને એ ખબર નથી પડતી કે એ નર છે કે માદા.  મેલેરિયા શબ્દ ઇટાલિયન શબ્દ માલા એરિયા પરથી બન્યો છે, જેનો અર્થ ખરાબ હવા અથવા તો કાદવી તાવ થાય છે.

માણસ જાત અસ્તિત્વમાં આવી ત્યારથી મચ્છરનું અસ્તિત્વ હોવાનું ઇતિહાસ નોંધે છે, મતલબ કે પહેલેથી મચ્છર આપણા માટે માથાનો દુખાવો બનેલા છે. મચ્છરથી બચવા માણસ જાતજાતના ઉપાયો કરતો આવ્યો છે, આમ છતાં આપણે હજુ તેનાથી છુટકારો મેળવી શક્યા નથી. સાયન્સ ભલે આજે આટલું આગળ વધી ગયું પણ આ ટચૂકડા ત્રાસવાદીને હજુ કંટ્રોલ કરી શક્યું નથી, ઊલટું એ તો વધુ ને વધુ આઉટ ઓફ કંટ્રોલ થતું જાય છે.

ડીડીટીની શોધ થઇ ત્યારે આખી દુનિયા એવું માનવા લાગી હતી કે હવે મચ્છરનો ખાતમો થઇ જશે. ડીડીટીનું ફુલ ફોર્મ ડિકલોરો ડિફેનિલ ટ્રિક્લોરોએથાને થાય છે. ડીડીટી માટે તો સ્વીસ સાયન્ટિસ્ટ પોલ હરમન મુલરને વર્ષ 1948નું મેડિસિનનું નોબલ પ્રાઇઝ પણ આપવામાં આવ્યું હતું. જોકે થોડાં જ વર્ષોમાં ડીડીટીનું ટાંઇ ટાંઇ ફિસ થઇ ગયું. ડીડીટીની  તો વળી બમણી ઊંધી અસર થઇ. એક તો મચ્છરો રીઢા થઇ ગયા, મતલબ કે એ ડીડીટી પ્રૂફ થઇ ગયા, એણે પોતાની શક્તિ વધારી લીધી. બીજી તરફ એવું બહાર આવ્યું કે ડીડીટી તો માણસજાત, પર્યાવરણ અને ખેતીને નુકસાનકારક છે. અમેરિકા, યુકે, યુરોપિયન કન્ટ્રીઝ સહિત અનેક દેશોમાં ડીડીટી ઉપર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

પહેલાં તો એવું મનાતું હતું કે ગંદા પાણીના મચ્છરથી મેલેરિયા, ચિકનગુનિયા જેવી બીમારી થાય છે. ડેન્ગ્યુ આવ્યો પછી ખબર પડી કે ચોખ્ખા પાણીમાં થતાં મચ્છરોથી પણ બીમારી થાય છે. એક સમયે એવું પણ મનાતું કે મેલેરિયા ગરીબોનો રોગ છે, ગરીબો સ્વચ્છતાનું પૂરું ધ્યાન નથી રાખતાં એટલે બીમાર પડે છે. જોકે એ ભ્રમ પણ હવે ભાંગી ગયો છે, મચ્છરની ચુંગાલમાંથી કોઇ બચી શકતું નથી. તમને ખબર છે, આખી દુનિયામાં બધા મળી અંદાજે 2500થી વધુ જાતના મચ્છરો થાય છે. મચ્છરો માત્ર માણસોને જ નહીં, પશુઓને પણ પરેશાન કરે છે. પશુપાલન કરનારા લોકો ઢોરના વાડાને મચ્છરોથી સુરક્ષિત રાખવા અનેક પ્રયત્નો કરે છે.

આખી દુનિયામાં મચ્છરોના કારણે અબજો રૂપિયાનો કારોબાર ચાલે છે. કેટલી બધી ઇન્ટસ્ટ્રીઝ અને અસંખ્ય લોકો મચ્છર મારવાના કે તેને દૂર રાખવાના કારોબાર ઉપર નભે છે. બાય ધ વે, મચ્છરો માટે તમે કેટલું બજેટ ફાળવો છો? થોડું ઘણું તો બધાએ રાખવું જ પડે છે. મચ્છરોનો પ્રતિકાર એ ઘર ઘરની સમસ્યા બની ગયો છે. જ્યારે કોઇ અન્ય સાધનો અવેલેબલ ન હતાં ત્યારે એટલે કે પ્રાચીન સમયમાં લોકો લીમડાનાં પાંદડાંનો ધુમાડો કરીને મચ્છરોને ભગાડતા. જોકે હજુ પણ આ જૂની રીત જરાક નવી રીતે અપનાવવામાં આવે છે. ફોગિંગ કરી મચ્છરોથી મુક્તિ મેળવવાના પ્રયાસો થાય છે. મચ્છરદાની એ બેસ્ટ અને નિર્દોષ વિકલ્પ છે. જોકે મચ્છરદાનીમાં ઘૂસતા પહેલાં એ ચેક કરી લેવું પડે છે કે ક્યાંક એકાદું મચ્છર અંદર રહી ગયું નથીને. જો એવું થાય તો લેને કે દેને પડ જાયે.

મચ્છરથી બચવા એ પછી અગરબત્તી આવી. ગૂંચળા જેવી અગરબત્તી બહુ પોપ્યુલર થઇ હતી. જોકે એનો ધુમાડો ઘણા લોકોથી સહન નથી થતો. એમાં પણ એવી વાતો તો વહેતી થઇ જ કે ધુમાડાના કારણે શ્વાસની અને બીજી તકલીફો ઊભી થાય છે. હવે તો ધુમાડા વગરની અને ગંધ વગરની અગરબત્તીઓ આવી ગઇ છે. જોકે ઇલેક્ટ્રિક સાધનોએ અગરબત્તીનું માર્કેટ તોડી નાખ્યું. પહેલા ટીકડીવાળા અને પછી પ્રવાહીવાળા મોસ્કિટો રેપેલન્ટનું બજાર આજકાલ જબરજસ્ત ગાજી રહ્યું છે. વચ્ચે મલમનું ચલણ હતું. ઓઇન્ટમેન્ટ ટ્યુબ્સ ધડાધડ વેચાતી હતી. આજે પણ લોકો ખાસ કરીને બાળકોને મચ્છરથી બચાવવા માટે જાતજાતના મલમનો ઉપયોગ કરે છે.

વિદેશમાં આજકાલ જેની ધૂમ છે એ છે મચ્છરોથી બચાવે એવાં કપડાં. આપણે ત્યાં હજુ એનું માર્કેટ ઓછું છે પણ જે લોકો આનાથી વાકેફ છે એ લોકો વિદેશથી પોતાનાં બાળકો માટે આવાં કપડાં મંગાવે છે. બાકી મોસ્કિટો બેલ્ટ તો તમે જોયા જ હશે. ઉદ્યોગપતિઓઓ મચ્છરોની સામે લડવા અને નફો રળવા નવું શું લાવવું તેની પાછળ પડ્યા છે તો વિશ્વના વૈજ્ઞાનિકો મેલેરિયાની રસી શોધવામાં વર્ષોથી મથી રહ્યા છે. મચ્છરોથી ફેલાતી બીમારી સામે કોઇ સચોટ ઉપાય ન મળે ત્યાં સુધી આપણી પાસે તો તેનાથી બચતા રહેવા સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી. સો, બી કેરફુલ.

 

પેશ-એ-ખિદમત

કહાની લિખતે હુએ દાસ્તાં સુનાતે હુએ,

વો સો ગયા હૈ મુજે ખ્વાબ સે જગાતે હુએ,

અબ ઇસ જગહ સે કંઇ રાસ્તે નિકલતે હૈ,

મૈં ગુમ હુઆ થા જહાં રાસ્તા બતાતે હુએ.

-સલીમ કૌસર.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 07 જાન્યુઆરી 2018, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “આ ‘જીવ’ માણસ માટે સૌથી વધુ ખતરનાક છે – દૂરબીન

  1. Khub j saras abhyashu lekh, hu A.M.C. ma Health department ma malaria khata ma job karu chhu, tamaru machhar vishe ni mahiti khub gami.

Leave a Reply to Mr. Ripple Parikh Cancel reply

%d bloggers like this: