બુઢ્ઢા રાજકારણીઓ : ઘરડાં ગાડાં વાળે કે ગાડાને ગોથાં ખવડાવે? દૂરબીન

બુઢ્ઢા રાજકારણીઓ : ઘરડાં ગાડાં વાળે
કે ગાડાને ગોથાં ખવડાવે?

40

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

રાજકારણીઓ માટે રિટાયર થવાની કોઇ ઉંમર હોવી જોઇએ કે નહીં?

ચાલી શકતા ન હોય એ દેશ શું ચલાવવાના!

નેતાઓના રિટાયરમેન્ટ વિશે સ્પષ્ટ નિયમો બનાવવાની જરુર નથી લાગતી?

-0-0-0-0-0-0-0-0-0-0-0

સાઠે બુદ્ધિ નાઠે એવી એક કહેવત ગુજરાતીમાં બહુ જાણીતી છે. આ વાત શું સાચી છે? એનો જવાબ છે, ના. દરેક કહેવત દરેકના કિસ્સામાં સાચી હોય એવું જરૂરી નથી. એમ તો એવું પણ કહેવાય છે કે, ઘરડાં ગાડાં વાળે. હવે જો સાઠે બુદ્ધિ નાઠી જતી હોય તો ઘરડાં ગાડાં ક્યાંથી પાછાં વાળે? અનુભવી માણસ અભ્યાસુ કરતાં વધુ હોશિયાર હોય છે. બુઢ્ઢા બુદ્ધિ વગરના હોય છે એવું કહેવું વડીલોનું અક્ષમ્ય અપમાન છે. જે સમાજમાં વડીલોનું સન્માન થાય છે એ સમાજ જ સુસંસ્કૃત છે.

વડીલો વિશે એમ પણ કહેવાય છે કે શાણો સજ્જન સમય આવ્યે એની જવાબદારી નેક્સ્ટ જનરેશનને સોંપી દે છે. તકલીફ ત્યારે થાય છે જ્યારે વડીલોથી કંઇ છૂટે નહીં. એક પગ કબરમાં હોય તોપણ એનો કકળાટ ખતમ થતો નથી. સત્તા એવી ચીજ છે કે એક વખત એનો સ્વાદ ચખાઇ જાય પછી ડ્રગ્સ કરતાં પણ તેનું ખતરનાક વ્યસન થઇ જાય છે. એ લોકોને કદી એવું થતું નથી કે હવે નાના અને નવા લોકોનો વારો આવવા દઇએ.

આપણા દેશમાં રાજકારણીઓ માટે નિવૃત્તિની કોઇ ઉંમર હોવી જોઇએ કે નહીં? તેના વિશે ચર્ચાઓ તો આઝાદી મળી ત્યારથી ચાલી આવે છે, પણ તેના વિશે કોઇ નિર્ણય લેવાતો નથી. ક્યાંથી લેવાય? જેમણે નિર્ણય લેવાનો છે એ બધા જ મોટી ઉંમરના છે! કંઇ નક્કી કરે તો ઘરે બેસવાનો પહેલો વારો એનો પોતાનો આવે. પ્રાચીન સમયમાં જવાબદારીઓ પૂરી થાય પછી વાનપ્રસ્થાશ્રમનો કન્સેપ્ટ હતો. હવે તો ડૉક્ટર છોડવાનું કહે તોપણ આપણા વડીલો કંઇ છોડતા નથી.

સરકારી અને ખાનગી નોકરીમાં જો નિવૃત્તિ વય હોય તો પછી રાજકારણમાં શા માટે નહીં? આપણા દેશની વાત નીકળે ત્યારે બધા છાતી ઠોકીને કહે છે કે, ઇન્ડિયા યંગસ્ટર્સનો દેશ છે. આખી દુનિયાના દેશોની સરખામણીમાં આપણા દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે. આ યંગ પીપલ જ આપણા દેશને સુપરપાવર બનાવશે. વાત સાચી પણ તમે એ લોકોનો વારો તો આવવા દો, એ લોકોને એ પોઝિશન પર તો મૂકો જ્યાં એ ડિસિઝનમેકર હોય. સત્તામાં તો યુવાનોને સરખા ભાગીદાર બનાવો. નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે એવા અણસાર આપ્યા હતા કે હવે નવા અને તાજા લોહીને તક મળશે. 88 વર્ષના લાલકૃષ્ણ અડવાણી, 82 વર્ષના મુરલી મનોહર જોશી, 83 વર્ષના યશવંત સિંહા, 81 વર્ષના શાંતાકુમાર, 81 વર્ષના બી.સી. ખંડુરી સહિત મોટી ઉંમરના નેતાઓને એમણે સત્તાથી દૂર રાખ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા મંગળવારે પ્રધાનમંડળમાં બીજી વખત પરિવર્તન કર્યું. આ ઘટના અગાઉ જ મધ્યપ્રદેશ રાજ્ય સરકારના બે વયોવૃદ્ધ મંત્રીઓ 86 વર્ષના બાબુલાલ ગૌર અને 76 વર્ષના સરતાજ સિંઘનાં રાજીનામાં લઇ લેવાયાં હતાં. કારણ એવું અપાયું હતું કે ઉંમર થઇ ગઇ હોવાથી તેમને આરામ અપાયો છે. સાથોસાથ એવી વાત પણ વહેતી થયેલી કે, આ ભાજપ પક્ષનો નિર્ણય લાગે છે અને હવે નરેન્દ્ર મોદી કેન્દ્રમાં પણ આવું જ કરશે. બે કેન્દ્રીય પ્રધાનો 76 વર્ષના નઝમા હેપતુલ્લા અને 75 વર્ષના કલરાજ મિશ્રને પણ પાણીચું આપી દેવાશે એવી વાતો પણ જોરશોરથી ચાલી. મોદીએ પાંચને પાણીચું આપ્યું પણ એમાં આ બેનાં નામ ન હતાં. જેની હકાલપટ્ટી કરાઇ તેઓને પણ ઉંમરને કારણે નહીં પરંતુ તેનાં પરફોર્મન્સના કારણે દૂર કરાયા હતા. મતલબ કે એજ ફેક્ટરે કામ કર્યું નથી.

ખેર હશે, જે થયું તે. અલબત એ સવાલ તો ઊભો જ છે કે રાજકારણીઓને એક નિશ્ચિત ઉંમરે નિવૃત્ત કરી દેવા જોઇએ કે નહી? અમેરિકામાં પ્રેસિડેન્ટ બે ટર્મથી વધુ રહી શકતા નથી. ત્યાં ટર્મ પણ ચાર વર્ષની જ હોય છે. બરાક ઓબામા 54 વર્ષના છે. આ વર્ષે ઇલેક્શન પછી તેઓ નિવૃત્ત થઇ જશે. તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ બન્યા ત્યારે 46 વર્ષના હતા. જોકે અત્યારે જે ચૂંટણીના મેદાનમાં છે એ બંનેમાં હિલેરી ક્લિન્ટન 68 વર્ષનાં અને ડોનાલ્ડ ટ્રમ્પ 70 વર્ષના છે. એ રીતે જુઓ તો બંને કંઇ નાનાં નથી. રશિયાના પ્રેસિડેન્ટ વ્લાદીમિર પુતિન 63 વર્ષના છે. બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર ડેવિડ કેમરોન 49 વર્ષના છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 65 વર્ષના છે અને રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી તો 80 વર્ષના છે. આપણાં સીએમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ 74 વર્ષનાં છે.

આપણે ત્યાં જે યુવા નેતાઓ થઇ ગયા કે અત્યારે છે એ પણ મોટાભાગે તેના પરિવારના કારણે છે, જો તેના બાપા કે બીજા કોઇ વડીલ રાજકારણમાં ન હોત તો તેનો મેળ પડત કે કેમ એ સવાલ છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અખિલેશ યાદવે જ્યારે સત્તા સંભાળી ત્યારે યંગેસ્ટ સીએમ તરીકે બહુ ગાજ્યા હતા. અખિલેશ આજે 43 વર્ષના જ છે. સીએમ બન્યા ત્યારે તો 39 વર્ષના જ હતા. જોકે તેની બધી જ ક્રેડિટ તેના પિતા મુલાયમસિંહ યાદવને જાય છે. તેઓ દીકરાને એસ્ટાબ્લિશ કરવા માંગતા હતા. ફારુક અબ્દુલ્લાએ પણ ઓમારને સીએમ બનાવ્યા હતા. અરે સ્વ. વડાપ્રધાન રાજીવ ગાંધીને પણ માતાના કારણે જ એ પદ મળ્યું હતું. બીજા યુવા નેતાઓ જ્યોતિરાદિત્ય સિંધિયા (45 વર્ષ), મિલિન્દ દેવરા (39 વર્ષ), પ્રિયા દત (49 વર્ષ), સચિન પાઇલટ (38 વર્ષ), અગાથા સંગ્મા (35 વર્ષ)ને પણ તક તો એના સ્વર્ગસ્થ પિતાના રાજકારણને કારણે જ મળી હતી. બાકી તો બુઢિયા નેતાઓ કોઇનો વારો જ આવવા દેતા નથી. નરેન્દ્ર મોદીએ યંગ નેતાઓ પર વધુ વિશ્વાસ મૂક્યો છે. અત્યાર સુધી સૌથી નાની વયના મિનિસ્ટર સ્મૃતિ ઇરાની (40 વર્ષ) હતાં. હમણાં મંત્રી બનનાર અનુપ્રિયા પટેલ તો માત્ર 35 વર્ષની જ છે.

આપણે ત્યાં મહિલાઓને રાજકારણમાં 33 ટકા અનામત આપવાની વાત ઘણા સમયથી થતી આવી છે. સાથોસાથ હવે અમુક ટકા તો યંગસ્ટર્સ હોવા જ જોઇએ એવું પણ નક્કી કરવાની જરૂર છે. નાનાઓને આખરે અનુભવ તો ત્યારે જ મળશેને જ્યારે તેને નાની ઉંમરે ચાન્સ આપવામાં આવે. રાજકારણીઓની નિવૃત્તિ માટે ઉંમરનો કોઇ ચોક્કસ અને બંધારણીય નિયમ બનાવવાની જરૂર છે, એવું નહીં થાય તો અમુક નેતાઓ તો ગુજરી નહીં જાય ત્યાં સુધી ખુરશીને ચીપકેલા જ રહેશે

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 10 જુલાઇ 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

26.5 in size_rasrang.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *