આપણે થોડા દિવસ માટે આપણને ‘મરેલા’ માની શકીએ? : ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

આપણે થોડા દિવસ માટે

આપણને મરેલામાની શકીએ?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બાકી શરીર કૈં નથી ચહેરો છે દોસ્તો,

ઓળખ, અટક ને નામનો પહેરો છે દોસ્તો,

માણસ સુધી તો કઈ રીતે પહોંચી શકે કોઈ,

દેખાય તેથી પણ વધુ ગહેરો છે દોસ્તો.

– નયન દેસાઈ

નસીબ, તકદીર, કિસ્મત, નિયતિ એ રહસ્યમય કોયડો છે. કંઈક સારું થાય છે તો આપણે એને નસીબ માની લઈએ છીએ. કંઈક ખરાબ બને તો પણ એમ જ કહીએ છીએ કે જેવાં જેનાં નસીબ. નસીબમાં માનતા હોય એ પણ નસીબને માત્ર નસીબ તરીકે જોતા નથી. એ લોકો પણ સારું નસીબ અને ખરાબ નસીબ એવા ભેદ પાડતા હોય છે. કંઈક ખરાબ બન્યું હોય અને તેના કારણે પછી કંઈ સારું થયું હોય તો પણ નસીબને આગળ ધરી દેવામાં આવે છે. આપણે કહીએ છીએ કે જે કંઈ થતું હશે એ સારા માટે થતું હશે. માણસ આખી જિંદગી સારા અને ખરાબ વચ્ચે ઝૂલતો રહે છે.

બધાને બધું સારું અને શ્રેષ્ઠ જોઈએ છે. આવી અપેક્ષા જરાયે ગેરવાજબી નથી. જિંદગી સરવાળે તો સુખ શોધવાની સતત ચાલતી રહેતી પ્રવૃત્તિ છે. માણસ સતત સુખ શોધતો રહે છે. દુ:ખનું કારણ પણ કદાચ એ જ છે. સુખ શોધવાની વસ્તુ નથી. સુખ તો અનુભવવાની ઘટના છે. સુખ તો આપણી પાસે હોય જ છે, આપણને એની ખબર નથી હોતી એટલે આપણે સુખને શોધતા રહીએ છીએ.

એક માણસ દુનિયાથી કંટાળી ગયો હતો. બધું છોડીને ભાગી જવાનું મન થતું હતું. આખરે એણે એવું કર્યું પણ ખરું. થોડા દિવસ માટે ક્યાંક ચાલ્યા જવાનું નક્કી કર્યું. એ ફરતો ફરતો જંગલમાં ગયો. જંગલમાં એક સાધુ ઝૂંપડી બાંધીને રહેતો હતો. સાધુ સાથે એ વાતે વળગ્યો. સાધુને કહ્યું કે હું દુનિયાથી થાકી ગયો છું. મને ચેન નથી પડતું. મને શાંતિ જોઈએ છે. હું શાંતિ શોધવા જંગલમાં આવ્યો છું. સાધુએ કહ્યું, તો તને આ જંગલમાં શાંતિ મળી કે નહીં? પેલા માણસે કહ્યું, ના, મને શાંતિ થતી નથી! સાધુએ કહ્યું, અરે! તને કેમ શાંતિ નથી મળી? શાંતિ તો છે જ. આ જો કેવી સરસ પ્રકૃતિ પથરાયેલી છે. લીલાંછમ ઝાડ છે, ખળખળ વહેતું ઝરણું છે, પક્ષીઓનો મધુર કલરવ છે, વાતાવરણમાં પણ ટાઢક છે. મને તો શાંતિ મળે છે, તને કેમ નથી મળતી? સાધુએ પછી હસીને કહ્યું કે, શાંતિ બહાર હોતી નથી, શાંતિ તો અંદર હોય છે. પહેલાં તું તારી અંદરથી એને શોધ, પછી બહાર ફાંફાં મારજે. ઘણા લોકો એકલા હોય તો પણ ઉકળતા હોય છે અને કેટલાક ટોળામાં પણ એકાંત માણી લેતા હોય છે. તમારી શાંતિ, તમારું સુખ અને તમારો આનંદ જો તમને તમારી પાસેથી ન મળતો હોય તો બીજે ક્યાંય મળવાનો નથી.

આપણા બધાંનાં એટલાં બધાં લાઇક્સ, ડિસલાઇક્સ, પ્રેજ્યુડાઇઝ, ગમા, અણગમા, અભિપ્રાય, ઇગો, નારાજગી, અપેક્ષા હોય છે કે આપણે એમાંથી બહાર જ આવી શકતા નથી. હું ઇચ્છું એમ થવું જોઈએ. બધાએ હું કહું એમ કરવું જોઈએ. જરાકેય હાથમાંથી કંઈક છૂટે તો માણસ તરત જ એને પકડી લેતો હોય છે. આપણે હંમેશાં બધું આપણા કેન્દ્રિત રહે એવી જ દાનત રાખતા હોઈએ છીએ. એક વૃદ્ધ માણસની આ વાત છે. ઘરમાં બધા શું કરે છે એના ઉપર એ સતત નજર રાખે. કોઈએ કંઈ કરવું હોય તો એને પૂછીને જ કરવું પડે. કોઈ જરાકેય પૂછ્યા વગર કંઈ કરે તો તરત જ એ ખખડાવી નાખે અને કહે કે કેમ મને પુછાતું નથી? હું હજુ જીવું છું, મરી નથી ગયો! માણસ મરણપથારીએ હોય તો પણ મુક્ત થઈ શકતો નથી! બધાને ખબર છે કે એક દિવસ મરી જવાનું છે, બધું જ છોડી દેવાનું છે, છતાં કોઈથી કંઈ છૂટતું નથી!

તમે ક્યારેય એવું વિચારી શકો છો કે તમે નથી! તમારી હયાતી જ નથી! હમણાં એક મિત્ર પાસેથી વિચારવા માટે મજબૂર થઈ જવાય એવી ગહન વાત સાંભળવા મળી. એ મિત્રને કેન્સર ડિટેક્ટ થયું. કેન્સર સર્જને કહ્યું કે, જેટલી બને એટલી વહેલી સર્જરી કરવી પડશે. ઓપરેશનની ડેટ નક્કી થઈ. ઓપરેશન ટેબલ પર લાવવામાં આવ્યો ત્યારે તેણે ડૉક્ટરને હસીને પૂછ્યું, ડૉક્ટર મરી જવાના ચાન્સીસ કેટલા? ડૉક્ટરે પણ હસીને જવાબ આપ્યો કે એવું નહીં પૂછો, પૂછવું હોય તો એમ પૂછો કે જીવી જવાના ચાન્સીસ કેટલા છે? ડૉક્ટરે કહ્યું કે જનરલી અમે આવો જવાબ ટાળીએ છીએ. તમે જાણીતા છો, વિદ્વાન છો એટલે કહું છું કે, ચાન્સ ફિફ્ટી ફિફ્ટી છે. હવે તમે એને મરી જવાના ગણો તો પણ ફિફ્ટી જ છે. એનેસ્થેસિયા આપે એ પહેલાં જીવવાના ચાન્સીસનો વિચાર કરો! માત્ર જિંદગીને જ નહીં, મોતને પણ તમે કેવી રીતે જુઓ છો એના ઉપરથી પણ ઘણો મોટો ફરક પડતો હોય છે!

ઓપરેશન થયું. સદ્્નસીબે ઓપરેશન સફળ થયું. એ મિત્ર સ્વસ્થ થઈ ગયો. અલબત્ત, આ ઘટનાથી એની જિંદગીમાં જબરજસ્ત પરિવર્તન આવી ગયું. એને વિચાર આવી ગયો કે હું મરી ગયો હોત તો? તો તો કંઈ હતું જ નહીં. હું આ વિચાર કરવા પણ હાજર ન હોત. બધું છૂટી ગયું હોત! બીજો વિચાર એને એ આવ્યો કે, જીવતાં જીવ બધું ન છૂટી શકે? બધું એટલે ઘરની જવાબદારીમાંથી ભાગવું નથી, કોઈ કામ છોડવું નથી, પણ મારી અપેક્ષાઓ અને અભિપ્રાયોમાંથી હું મુક્ત ન થઈ શકું? અધિકારો અને આધિપત્યોમાંથી હળવો ન થઈ શકું?

એ મિત્રએ નક્કી કર્યું કે આજથી હું મારી જિંદગી ભરપૂર જીવીશ, પણ મારી જાતને મરેલી માનીશ. એ દિવસથી એ કોઈના પર કંઈ ઠોકી બેસાડતા નથી. કોઈની ઇચ્છા ઉપર રાજી કે નારાજગી વ્યક્ત કરતા નથી. કોઈને કોઈ વાતે રોકતા નથી. કોઈ કંઈ પૂછીને જ કંઈ કરે એવો આગ્રહ રાખતા નથી. એણે કહ્યું કે મને બહુ જ હળવાશ લાગે છે. પહેલાં હું એવું ઇચ્છતો કે હું કહું એમ થઈ જવું જોઈએ. હવે હું કહું છું, પણ એમ જ થાય એવો આગ્રહ રાખતો નથી. કોઈથી કશી ફરિયાદ નથી. કોઈ અફસોસ નથી. કોઈ દુરાગ્રહ નથી. મજાથી જીવું છું. બધાનું સારું ઇચ્છું છું. મારાથી બને એટલું બધાનું ધ્યાન રાખું છું. હા, કોઈને નડતો નથી, કોઈને અટકાવતો નથી. સંઘર્ષની શરૂઆત મોટાભાગે કોઈને અટકાવવાથી જ શરૂ થતી હોય છે. કોઈની મરજી ઉપર આપણી ઇચ્છા લાદી દેવા જેવું ગેરવાજબી કૃત્ય કોઈ નથી. કોઈને કંઈ કહેતો નથી એવું નથી. હું કહું છું, પણ એ હું કહું એમ જ કરે એવી ઇચ્છા રાખતો નથી.

બાય ધ વે, તમે તમારી જાતને અમુક સમય પૂરતા પણ મરેલા માની શકો? ભલે આખી જિંદગી નહીં, એક-બે દિવસ કે બે-ચાર અઠવાડિયાં જ? ટ્રાય કરજો. જુદો જ અનુભવ થશે. સહેલું નથી. બહુ અઘરું છે. વાત ભાગવાની નથી, વાત છટકવાની પણ નથી, વાત માત્ર ને માત્ર મુક્ત થવાની છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે, કર્મ કર અને ફળની આશા ન રાખ. એવું થઈ શકે તો તો પછી કોઈ પ્રશ્ન જ ક્યાં છે! જોકે, એવું થઈ શકતું નથી. આપણને ફળ જોઈતું હોય છે. ઘણી વખત તો આપણે ફળ મળે એટલે જ કર્મ કરતા હોઈએ છીએ. ફળ તો આપણે પહેલેથી જ કલ્પી લીધું હોય છે. આવું કરું પછી મને આવું મળવું જોઈએ, આટલું તો મળવું જોઈએ. એ નથી મળતું ત્યારે આપણે દુ:ખી, હતાશ, નિરાશ, ઉદાસ અને નારાજ થઈએ છીએ.

આપણે બધું જ આપણને અનુકૂળ હોય એવું કરવું હોય છે. ક્યારેય કોઈ વ્યક્તિ કે સ્થિતિ સાથે અનુકૂળ થવું હોતું નથી. તમે તમારી વ્યક્તિ પાસે અપેક્ષા રાખો. અપેક્ષા રાખવામાં કંઈ ખોટું નથી. પોતાની વ્યક્તિ પાસે જ માણસને અપેક્ષા હોય છે. સાથોસાથ માત્ર એટલું વિચારો કે તમે તમારી વ્યક્તિની કેટલી અપેક્ષાઓ પૂરી કરો છો? તમને એની કેટલી દરકાર છે? આજનો માણસ બહુ જ સ્વકેન્દ્રી થઈ ગયો છે. દરેક વિચારમાં પોતે જ કેન્દ્રસ્થાને રહે છે. મને શું? મારે શું? આપણા મનમાં આપણે કેટલા બધા અવરોધો ઊભા કરી રાખ્યા હોય છે? એ અવરોધો ધીરે ધીરે એટલા મોટા થઈ જાય છે કે એક સમયે આપણે જ એને ઓળંગી કે અતિક્રમી શકતા નથી.

માણસને બીજું કોઈ નડે એનાથી વધુ માણસ પોતાને જ નડતો હોય છે. તમે બીજાથી તો છેડો ફાડી શકો, પણ તમારી જાતથી? માણસ ક્યારેય પોતાનાથી છેડો ફાડી શકતો નથી. આપણે આપણી જાત સાથે રહેતા હોઈએ છીએ. આપણા મનમાં કેટલી બધી ગ્રંથિઓ જામી ગઈ હોય છે? આ ગમે, આ ન ગમે, આ જોઈએ જ, આ તો ન જ જોઈએ, હું શા માટે કોઈનું માનું, હું તો મને ગમે એમ જ કરું, કેટલું બધું મનમાં સતત ચાલતું હોય છે? ઘણી વખત તો આપણને જ ખબર નથી હોતી કે આપણે આપણામાં જ કેટલા કેદ થઈ ગયા હોઈએ છીએ. માણસે બે વાતનું ધ્યાન રાખવાનું હોય છે. એક તો પોતે કોઈ પ્રકારની સાંકળથી જકડાઈ ન જવાય. કોઈ ગ્રંથિ ઘર કરી ન જાય. બીજી વાત એ કે જો કોઈ સાંકળ બંધાઈ ગઈ હોય તો એ સાંકળને તોડી પાડો. આપણી સાંકળ આપણે જ તોડવી પડે, કારણ કે એ આપણા કારણે જ બંધાઈ હોય છે.

થોડાક મુક્ત થાવ. થોડાક હળવા થાવ. થોડાક છૂટો અને થોડુંક છોડો. આપણા તીવ્ર અને ઉગ્ર થઈ ગયેલા અભિપ્રાયો દરેક વખતે યોગ્ય હોતા નથી. તંગદિલીનું સૌથી મોટું કારણ તંગ મનોદશા હોય છે. એક સમયે બધું જ છોડી દેવાનું છે. તમને જો કોઈ એક વ્યક્તિ નફરત કરતી હોય તો તેનું કારણ કદાચ એ માણસ હોઈ શકે, પરંતુ જો તમને બધી જ વ્યક્તિઓ નફરત કરતી હોય તો માનજો કે તેનું કારણ તમે પોતે જ હશો. ઘણી વખત આપણા લોકો આપણને કંઈ કહી શકતા હોતા નથી. ક્યારેક ડરથી કે ક્યારેક આદરથી, પણ આપણું માન જાળવતા રહેતા હોય છે, પણ એ ખરેખર આપણને પ્રેમ કરે છે અથવા તો આપણને સાચો આદર આપે છે કે કેમ? એ આપણે જ નક્કી કરવાનું હોય છે. એક વાત હંમેશાં યાદ રાખવા જેવી હોય છે, સરવાળે તો આપણે જેવા હશું એવા જ લોકો આપણને કહેવાના છે! તમે કેવા છો એ તમે જ નક્કી કરી લેજો.

છેલ્લો સીન :

ઉમદા વિચારોનો જેમને સહવાસ છે તેઓ ક્યારેય એકલા હોતા નથી.   -સર ફિલિપ સિડની.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 26 જુલાઇ 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: