કામ વિશે કામની વાત! રીડર્સ, તને મારા પર ભરોસો નહીં કે? : દૂરબીન

કામ વિશે કામની વાત! રીડર્સ,

તને મારા પર ભરોસો નહીં કે?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

માણસે આખા દિવસમાં

કેટલા કલાક કામ કરવું જોઈએ?

મજબૂરી હોય અને કામ કરવું પડે

એ જુદી વાત છે,

પણ ઘણા તો ટેવના માર્યા કામ કર્યે રાખે છે!

કામ વગર ચેન ન પડે, કામને જ

જિંદગી સમજનાર માણસે પોતાની

વર્કોહોલિક મેન્ટાલિટીની સારી અને નરસી બાબતો

પર પણ વિચારવું જોઈએ!

આજકાલ કોઈની પણ સાથે વાત કરો ત્યારે મોટાભાગે એવું જ સાંભળવા મળે છે કે યાર બહુ કામ રહે છે. નવરા જ નથી પડાતું. પોતાના માટે પણ ફુરસદ નથી મળતી. કામ હોવું એ સારી વાત છે. નવરો માણસ નખ્ખોદ વાળે. એક વર્ગ એવો છે જેની પાસે કામ તો છે, પણ તે પોતાના કામમાં આળસ જ કરતા રહે છે. શું ફેર પડે છે? થાય છે! કંઈ અટકી પડવાનું નથી. આવા લોકો પાછા અવતરણો પણ ટાંકતા રહે છે કે, મારા વગર દુનિયા અટકી પડશે એવું માનનારાઓથી કબ્રસ્તાનો ભર્યાં છે.

દરેક માણસે કામ કરવું જોઈએ. જોકે, સવાલ એ જ છે કે કેટલું કામ કરવું? જનરલી તો દિવસના 8 કલાક કામ કરવાનું કહેવાતું આવ્યું છે. રવિવાર બાદ કરો તો છ દિવસના આઠ કલાક લેખે વીકના 48 કલાક થાય. આટલું કામ વાજબી છે. જોકે, હવે ઘણી ખાનગી કંપનીઓમાં કામના નવ કલાક કરી દેવાયા છે. લંચ બ્રેક પણ એમાં ગણી લેવામાં આવે છે. લોકોને સૌથી વધુ કંઈ ખટકતું હોય તો એ હાજરી પૂરવાની પંચિંગ સિસ્ટમ છે. દસ મિનિટથી વધુ મોડા થશું તો અડધો દિવસ ગેરહાજરી ગણાય જશે. પગાર કપાઈ જશે. કામ પર પહોંચવાનું પ્રેશર રહે છે. નોકરી પૂરી થવામાં બે-ચાર મિનિટની વાર હોય તો લોકો પંચિંગ મશીન પાસે ઊભા રહે છે. ક્યાંક તો વળી લાઇન લગાવાય છે. જેવો સમય પૂરો થાય કે તરત જ આંગળીઓ મૂકવાનું ચાલુ! ઘણી ઓફિસમાં તો એવો વણલખ્યો કાયદો હોય છે કે આવવાનું ઓફિસના ટાઇમે પણ જવાનું કામ પૂરું કરીને! ભલે ગમે એટલા વાગે. અમુક કંપનીઓ તો આના માટે કુખ્યાત છે. અમુક કંપનીઓ વિશે એવું પણ સાંભળવા મળે છે કે પગાર તો સારો આપે છે, પણ રૂપિયા વાપરવાનો સમય જ નથી આપતા! વેલ, દરેકની પોતપોતાની કહાની હોય છે.

માણસે કેટલું કામ કરવું જોઈએ? એ વિશે દરેક વ્યક્તિ પોતાના લાભ-ગેરલાભ જુએ છે. જેને પોતાના કામ-ધંધા છે એ ક્યારેય સમય વિશે વિચારતાં નથી. અલબત્ત, વધારે પડતું કામ કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ વાત હમણાં એક સંશોધન દરમિયાન વધુ એક વખત બહાર આવી છે. લંડનની યુનિવર્સિટી કોલેજના પ્રિન્સિપાલ મિકા કિવિમાકીએ કરેલું આ સંશોધન ‘યુરોપિયન હાર્ટ જનરલ’માં પ્રસિદ્ધ થયું છે. આ સંશોધનમાં કહેવાયું છે કે, જે લોકો અઠવાડિયાના 35થી 40 કલાક કામ કરે છે તેની સરખામણીમાં જે લોકો અઠવાડિયે પંચાવન કલાક કામ કરે છે તેને હાર્ટ પ્રોબ્લેમનો ખતરો 40 ટકા વધુ રહે છે. મતલબ કે રોજનું નવ-સવા નવ કલાક કામ કરવું હિતાવહ નથી.

પ્રોફેસર મિકા કિવિમાકી કહે છે, વધુ પડતું કામ કરવાથી હૃદયના ધબકારા અનિયમિત બને છે. મેડિકલની ભાષામાં તેને આટ્રિયલ ફાઇબ્રલેશન કહે છે. તેનાથી સ્ટ્રોક અથવા હાર્ટએટેકનું જોખમ વધે છે. આ ઉપરાંત ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, હાઈ કોલસ્ટ્રોલ અને મેદસ્વિતાનું જોખમ પણ વધે છે. જોકે, કામના કલાકોની સાથે કામ આપણા પર કેટલું અને કેવું સવાર રહે છે એ વાત પણ બહુ મોટી અસર કરે છે.

અમુક લોકોની ફિતરત જ વર્કોહોલિક હોય છે. વર્કોહોલિક લોકોને કામ વગર ચેન નથી પડતું. આ પ્રકારના લોકોને માત્ર શારીરિક જ નહીં, માનસિક અસ્વસ્થતાનું પણ જોખમ રહે છે. આવા લોકોની ટેન્ડેન્સી બહુ વિચિત્ર હોય છે. કામ વગર તેઓ રહી શકતાં નથી. કામ અધૂરું હોય તો એને ચેન નથી પડતું. નવરા હોય તો એને ગિલ્ટી ફીલ થવા લાગે છે. એક કામ પૂરું થાય એટલે તેમને થોડો સમય સારું લાગે છે પછી એ બીજા કામની શોધમાં અને એ કરવામાં લાગી જાય છે. કામ એના માટે એડિક્શન જેવું હોય છે. કોઈ લત સારી નથી, પછી એ વધુ પડતા કામની હોય કે વધુ પડતા આરામની હોય. એક બીજો સર્વે એવું પણ કહે છે કે જે લોકો નવ કલાક કે તેથી વધુ સૂતા રહે છે તેની ઇમ્યુન સિસ્ટમ પણ બગડે છે.

વર્કોહોલિક લોકો લાઇફ બેલેન્સ કરી શકતા નથી. આ અંગે જાણીતા મનોચિકિત્સ ડૉ. પ્રશાંત ભીમાણી કહે છે કે, વર્કોહોલિક લોકો પરિવાર તો દૂર પોતાના માટે પણ સમય કાઢી શકતા નથી. સારી રીતે જીવવા માટે લોકોએ 8 કલાક કામ, 8 કલાક ઊંઘ અને બાકીનો સમય ઇતર પ્રવૃત્તિઓ, એક્સરસાઇઝ અને આરામ કરવો જોઈએ. આ સાથે જ ફેમિલી માટે પણ પૂરતો સમય કાઢવો જોઈએ. અત્યારે જે સ્ટ્રેસ અને ફસ્ટ્રેશન જોવા મળે છે તેનું એક કારણ વધુ પડતું કામ અને એ કામ પૂરું કરવાનું પ્રેશર છે!

વર્કોહોલિક લોકોને ઉંમર વધતી જાય તેમ સાયકોલોજિકલ પ્રોબ્લેમ થતાં જાય છે. ઉંમર વધે એની સાથે કામ કરવાની શક્તિ ઘટે છે. વર્કોહોલિક હોવાના કારણે કામની તલપ ઘટતી નથી. અમુક ઉંમર પછી ધીમે ધીમે થોડું થોડું છોડવું જોઈએ, એવું એ લોકો કરી શકતા નથી. એમાં પણ જે લોકોના કામમાં કમ્પલસરી રિટાયરમેન્ટ હોય છે એ લોકો અચાનક સાવ નવરા થઈ જાય છે ત્યારે એમને એવું લાગવા માંડે છે કે હવે હું કોઈ કામનો નથી.

જે લોકોના કામની નોંધ લેવાતી હોય એની હાલત ફ્રી થયા પછી વધુ ખરાબ થતી હોય છે. એ લોકો એટેન્શન સિક થઈ જતા હોય છે. લોકો પોતાની નોંધ લે એના માટે ધમપછાડા કરતાં હોય છે. સેલિબ્રિટીઝ આવી ઘટનાઓનો વધુ ભોગ બને છે. એ લોકોને સતત ચર્ચામાં રહેવાની આદત પડી ગઈ હોય છે. એ ચર્ચામાં રહેવા માટે ક્યારેક તો ન કરવા જોઈએ એવા ઉધામા પણ કરતાં હોય છે. પોઝિટિવલી મેળ ન પડે તો એ લોકો નેગેટિવ પબ્લિસિટી તરફ પણ વળે છે.

સફળતા માટે અને આવક માટે કામ જરૂરી છે એ વાતમાં કોઈ બેમત નથી. જોકે, જિંદગી જુદી જ વસ્તુ છે. તમારું સાચું સુખ અને શાંતિ શેમાં છે એ વિચારવું જ પડે. પોતાની જાત અને પરિવાર માટે સમય રાખવો જોઈએ, જો એવું ન કરીએ તો જ્યારે આપણી પાસે સમય જ સમય હોય ત્યારે આપણા લોકો પાસે આપણા માટે સમય હશે નહીં. કામ કરો, દિલથી કરો, પૂરી મહેનતથી કરો, પણ જિંદગી, સુખ, શાંતિ કે સંવેદનાના ભાગે નહીં. કેટલું દોડવું, ક્યાં સુધી દોડવું અને ક્યાં બ્રેક મારવી એની જેને ખબર છે એને જતી જિંદગીએ જે કરવાનું હતું એ ન કર્યું એવો અફસોસ રહેતો નથી.

પેશ-એ-ખિદમત

દેખેં કરીબ સે ભી તો અચ્છા દિખાઈ દે,

એક આદમી તો શહર મેં ઐસા દિખાઈ દે.

અબ ભીક માંગને કે તરીકે બદલ ગયે,

લાજિમ નહીં કિ હાથ મેં કાસા દિખાઈ દે.

(ભીક-ભીખ. લાજિમ-જરૂરી. કાસા-કટોરો)

– જફર ગોરખપુરી

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 23 જુલાઇ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: