મને તો બધા ઉપરથી ભરોસો ઊઠી ગયો છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

મને તો બધા ઉપરથી

ભરોસો ઊઠી ગયો છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

 

શબ્દ સ્વછંદી બને તો રોકવો પડે,

મૌન તારી એ ફરજ છે, ટોકવો પડે,

વેદ શું છે એ જાણવા તું વૃક્ષ પાસે જા,

ભીતરે પણ છાંયડો છે, શોધવો પડે.

-ધૂની માંડલિયા.

આપણે કોઈના પર ભરોસો મૂકીએ ત્યારે સાથોસાથ થોડીક શ્રદ્ધા પણ રોપતા હોઈએ છીએ. ક્યારેક થોડીક શંકા પણ હોય છે. મેં કહ્યું એમ એ કરશે કે કેમ? ભરોસો ક્યારેક સાચો પડે છે તો ક્યારેક છેતરામણો પણ સાબિત થાય છે. આપણે કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે ભરોસા ઉપર તો દુનિયા કાયમ છે. ક્યારેક તો એવું પણ લાગે કે આખી દુનિયા ભરોસા ઉપર તો ચાલે છે. ક્યારેક તો આપણે અજાણતાં પણ ભરોસો મૂકી દેતા હોઈએ છીએ. વિમાનનો પાઇલટ જાણીતો હોતો નથી, પણ આપણને ભરોસો હોય છે કે એ આપણે જ્યાં જવું છે ત્યાં પહોંચાડી દેશે. બસ કે કાર ડ્રાઇવરના ભરોસે કેટલા લોકો સફર કરતા હોય છે! માલિકની આખી ફેક્ટરી કર્મચારીઓ ઉપર મૂકેલા ભરોસાથી ચાલતી હોય છે.

ભરોસો ગજબની ચીજ છે. આપણી ઉપર કોઈ ભરોસો મૂકે ત્યારે આપણી જવાબદારી વધી જતી હોય છે. હવે તો બસ તમે જ આધાર છો. તમે કરશો તો જ મારું ભલું થશે. બહુ મોટી આશા સાથે તમારી પાસે આવ્યો છું. આવું કોઈ કહે ત્યારે આપણને થાય છે કે આના માટે મારાથી થશે એ બધું જ કરી છૂટીશ. આપણા દરેક ઉપર કોઈને કોઈએ ભરોસો મૂક્યો જ હોય છે. આપણે ત્યાં એક કહેવત છે, ‘વાડ વગર વેલો ન ચડે’ વેલને ચડવા માટે કોઈ આધાર જોઈએ. જિંદગીમાં ભરોસો એ એવો આધાર છે જે માણસને આગળ લઈ જાય છે.

ભરોસો અને શંકા ઘણી વખત સાથે ચાલતાં હોય છે. આવા કિસ્સાઓમાં પણ શંકા કરતાં ભરોસો વધુ હોય તો વાંધો આવતો નથી. ભરોસા કરતાં શંકા વધી જાય તો પ્રોબ્લેમ શરૂ થાય છે. એક યુવાન શેઠને ત્યાં નોકરી કરતો હતો. શેઠ એક નંબરનો શંકાશીલ. આ માણસ મારું કંઈક લઈને ભાગી જશે તો? મારી વાત બીજાને પહોંચાડી દેશે તો? શેઠ યુવાન પર સતત નજર રાખે. એ યુવાને એની પત્નીને વાત કરી કે મને કામ કરવાની મજા નથી આવતી. મારા શેઠને મારા પર નયા ભારનો પણ ભરોસો નથી. બધી જ વાતમાં શંકા કરે છે. મને એની શંકાનો સતત ભાર રહે છે. આ વાત સાંભળીને પત્નીએ કહ્યું કે, તું માત્ર એટલું કર. તારો ભરોસો સાબિત કર. ભરોસો બેસતા વાર લાગે છે. એક વાર ભરોસો બેસી ગયો પછી કદાચ એ બધું જ તારા પર છોડી દેશે. બનવા જોગ છે કે એને ભૂતકાળમાં ખરાબ અનુભવ થયા હોય. ભરોસો પણ ક્યારેક પાકવા દેવો પડતો હોય છે. ભરોસાને એટલો સખત બનાવવો પડે છે કે એ ક્યારેય ન તૂટે. તને મારા પર ભરોસો છેને કે હું ઘરે જઈશ ત્યારે મારી વાઇફે મારા માટે જમવાનું બનાવી રાખ્યું હશે. તને ક્યારેય કેમ શંકા નથી જતી કે આજે એણે જમવાનું બનાવ્યું હશે કે નહીં? તને એવી શંકા નથી જતી, કારણ કે હું રોજ તારા માટે બનાવીને જ રાખું છું. જો હું કોઈક દિવસ બનાવું અને કોઈ દિવસ ન બનાવું તો તને શંકા જવા લાગશે કે આજે જમવાનું બનાવ્યું હશે કે નહીં? તને ભરોસો બેસી ગયો છે, કારણ કે મેં તારો ભરોસો તૂટવા દીધો નથી. તું પણ ભરોસો તૂટવા નહીં દે તો જે શંકા છેને એ શ્રદ્ધામાં પલટાઈ જશે.

હા, ક્યારેક કોઈ ઉપર મૂકેલો ભરોસો તૂટે છે. કોઈ આપણને છેતરી જાય છે. આપણને એવું લાગે છે કે એ મને મૂરખ બનાવી ગયો. આપણને બધા ઉપરથી વિશ્વાસ ઊઠી જાય છે. કોઈના પર વિશ્વાસ થાય એવો જમાનો જ નથી. હવે કોઈ પર ભરોસો મૂકવો નથી. આપણે કાગળિયા કરાવીએ છીએ. દસ્તાવેજ બનાવીએ છીએ. સહી-સિક્કા કરાવીએ છીએ.

એક શાહુકાર હતો. રૂપિયા ધીરવાનું કામ કરે. એક વખત એક ભાઈ રૂપિયા ઉછીના લેવા આવ્યા. શાહુકારે સારા માણસ વર્તીને એને રૂપિયા આપ્યા. પેલા ભાઈએ કહ્યું, કંઈ લખાણ નથી કરવું? શાહુકારે કહ્યું, ના નથી કરવું. પેલા ભાઈએ પૂછ્યું, કેમ? શાહુકારે કહ્યું કે લખાણ કર્યા પછી પણ ઘણાએ રૂપિયા પાછા નથી આપ્યા. એ પછી મેં વિચાર કર્યો કે ચાલને હવે ભરોસો કરીને જોઈ લઉં. હું ભરોસો કરવા લાગ્યો. મને ભરોસાના સારા અનુભવો છે. મને ઘણા મૂરખ કહે છે, પણ લખાણ લઈને મૂરખ બનવા કરતાં ભરોસો મૂકીને મૂરખ બનવું મને વધુ સારું લાગે છે.

આપણે પણ કેવા હોઈએ છીએ? એક માણસ વિશ્વાસઘાત કરે એટલે આખી દુનિયા ઉપર શંકા કરવા લાગીએ છીએ. આપણી માથે પણ કેટલા લોકોએ ભરોસો મૂક્યો હોય છે એનો ક્યારેય વિચાર કરતા નથી. આપણે કેવા માણસ છીએ એ એના ઉપરથી સાબિત થતું હોય છે કે આપણા ઉપર કેટલા લોકો ભરોસો કરે છે. તમારી છાપ ‘ભરોસાપાત્ર’ માણસની છે? તો તમે સજ્જન છો. ઘણા લોકો વિશે આપણે જ કહેતા હોઈએ છીએ કે એનો ભરોસો કરવા જેવો નથી. એ જરાયે વિશ્વાસપાત્ર નથી. ઘણા ઉપર આપણે આંખો મીંચીને ભરોસો મૂકી દઈએ છીએ. દિલમાં પણ સીસીટીવી કેમેરા જેવું કંઈક હોતું હશે, એનાથી આપણે માત્ર જોતા હોતા નથી, પણ ઓળખી લેતા હોઈએ છીએ. દૃષ્ટિ સાફ થઈ જાય પછી નજર રાખવાની જરૂર રહેતી નથી.

એ હકીકત છે કે દુનિયામાં બધા માણસો સારા હોતા નથી. કેટલાક ધુતારા, છેતરામણા, ઠગ, બદમાશ, ચીટર, લુચ્ચા અને મોકાનો ફાયદો ઉઠાવનારા હોય છે. જોકે, બધા માણસ ખરાબ પણ હોતા નથી. આપણને ખરાબ અનુભવો કરતાં સારા અનુભવો વધારે થયા હોય છે. એ વાત જુદી છે કે સારા અનુભવો આપણે યાદ રાખતા નથી અને ખરાબ ભૂલતા નથી. એક શેઠને ત્યાં કામ કરતા ક્લાર્કે છેતરપિંડી કરી. આ ઘટના પછી શેઠના બીજા ક્લાર્કે કહ્યું કે હવે તમે અમારા ઉપર પણ ભરોસો નહીં મૂકોને? શેઠે કહ્યું, મારે ત્યાં દસ લોકો કામ કરે છે. એક ખરાબ નીકળ્યો એટલે બાકીના નવ ઉપર મને શા માટે અવિશ્વાસ આવે? કરંડિયામાં એક કેરી બગડે એટલે આપણે આખો કરંડિયો ફેંકી દેતા નથી.

જે કોઈના ઉપર ભરોસો નથી મૂકતો એને ઘણી વખત પોતાના ઉપર જ ભરોસો હોતો નથી. હા, વ્યક્તિ ઉપર ભરોસો મૂકતા પહેલાં એને પૂરેપૂરો ઓળખો. એના ઉપર ભરોસો મૂકો અને પછી શ્રદ્ધા રાખો. અલબત્ત, એવું જરાયે જરૂરી નથી કે બધું વિચારીને કર્યું હોવા છતાં ભરોસો ન તૂટે. દસ વખત ભરોસો સાબિત કરી ચૂકેલો માણસ પણ અગિયારમી વખત ભરોસો તોડી શકે છે. કોઈ એક વ્યક્તિ અયોગ્ય ઠરે તો બધાને બદમાશ ન સમજો. એક વખત મિત્ર, પ્રેમી, પતિ કે પત્ની અથવા તો કોઈ પણ વ્યક્તિ સાથે ઝઘડો થાય તો આપણે પ્રેમ કરવાનું છોડતા નથી.

એક વખત એક ભાઈ સાથે એના ભાગીદારે દગો કર્યો. એ બહુ દુ:ખી થયો. એ એક સાધુ પાસે ગયો. સાધુ સાથે બગીચામાં ચાલતાં ચાલતાં વાત કરી. તેણે કહ્યું, હવેથી હું ક્યારેય કોઈ પર ભરોસો નહીં કરું. બધા બદમાશ છે. સાધુ કંઈ ન બોલ્યા. એની સાથે ચાલતા રહ્યા. બંને ચાલતા હતા ત્યાં પેલા ભાઈને એક પથ્થરથી ઠોકર લાગી. એ પડી ગયા. ઊભા થયા. સાધુ એની સામે જોતા હતા. સાધુએ કહ્યું, ઠોકર લાગી, હવે ચાલવાનું છોડી દે. પેલો માણસ બધું જ સમજી ગયો.

બધા પર અવિશ્વાસ રાખવા કરતાં બધા પર વિશ્વાસ રાખી ક્યારેક મૂર્ખ બનવું વધુ સારું છે. શંકા કરતાં શ્રદ્ધામાં વધુ તાકાત હોય છે. થઈ થઈને શું થઈ જવાનું છે? શું ગુમાવવાનું છે. બીજું ભલે ગમે એ ગુમાવો, પણ ભરોસા ઉપર વિશ્વાસ કાયમ રાખજો. ભરોસો મૂકવામાં ડરતા નહીં.

એક યુવાન એક કામ માટે એક ભાઈ પાસે ગયો. યુવાને કહ્યું કે મારા ઉપર ભરોસો રાખજો. પેલા ભાઈએ કહ્યું, હું તો ભરોસો રાખું છું, સાબિત તારે કરવાનો છે. તું ભરોસો તોડીશ તો હું બહુ બહુ તો થોડોક છેતરાઈશ, પણ તું મપાઈ જઈશ. તારું મૂલ્ય તારે નક્કી કરવાનું છે. તું મને એવો જ લાગવાનો જેવું તું કરીશ. તારે નક્કી કરવાનું છે કે તારે કેવા લાગવું છે!

બાય ધ વે, તમારા ઉપર કેટલા લોકોએ ભરોસો મૂક્યો છે? તમે એ ભરોસો સિદ્ધ કરવા કેવા સતર્ક છો? એક વખત એક યુવાને તેના મિત્ર સાથે છેતરપિંડી કરી. એ આવું કરે તેવો માણસ ન હતો. તેના બીજા મિત્રએ તેને કહ્યું કે, તેં આવું કર્યું? પેલા મિત્રએ કહ્યું કે હા, મેં એવું કર્યું. એટલા માટે એવું કર્યું કે એણે તો બધા જ લોકો સાથે છેતરપિંડી કરી છે. એને પણ ખબર પડે કે છેતરપિંડી કરીએ ત્યારે શું થાય! આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું કે, એની તો બધાને ખબર હતી, તારી છાપ અલગ હતી. તું એના જેવો શા માટે થયો? મારી સાથે એક માણસે ચીટિંગ કર્યું હતું. હું બહુ દુ:ખી થયો હતો. એ દિવસે મેં તો એવું નક્કી કર્યું હતું કે હું કોઈને હું જેમ દુ:ખી થયો છું એમ કોઈને દુ:ખી નહીં કરું. હું કોઈ સાથે ચીટિંગ નહીં કરું. દુનિયામાં વિશ્વાસ કાયમ રાખવાની થોડીક જવાબદારી તો આપણી પણ છે અને એ જવાબદારી સરવાળે તો કોઈએ આપણા પર મૂકેલા ભરોસાને સાર્થક કરીને જ પૂરી થવાની છે!

તમારાથી ક્યારેય કોઈનો ભરોસો તૂટ્યો છે? જો એવું થયું હોય તો બીજું ભલે કંઈ ન કરી શકો, એક વખત એની પાસે જઈને સોરી કહી દો, તમને હળવાશ લાગશે અને તમારા ઉપર જેણે ભરોસો મૂક્યો હશે એ બીજા ઉપર ભરોસો મૂકતાં અચકાશે નહીં. દુનિયા એવી જ બનતી હોય છે જેવા આપણે હોઈએ છીએ. કોઈ આપણી માથે ભરોસો ન મૂકે ત્યારે જવાબદાર દુનિયા નથી હોતી, મોટાભાગે આપણે જ કારણભૂત હોઈએ છીએ.

છેલ્લો સીન:

કોઈ મારી સચ્ચાઈ પર શંકા લાવે તો હું માત્ર એટલું જ કહી શકું કે એના આત્મવિશ્વાસના અભાવની મને દયા આવે છે.        -રૂડોલ્ફ એરિક.

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 14 જુન 2017, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: