પ્રેમમાં એવો તે શું જાદુ છે કે માણસ ‘આંધળો’ થઇ જાય છે? : દૂરબીન

પ્રેમમાં એવો તે શું જાદુ છે કે

માણસ ‘આંધળો’ થઇ જાય છે?

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

પ્રેમમાં હોઇએ ત્યારે પ્રેમીની કોઇ

ખામી, બદમાશી, માનસિકતા કે વૃત્તિ

ખરાબ લાગતી નથી તેનું કારણ ‘પ્રેમ’ નહીં પણ

શરીરમાં સર્જાતો કેમિકલ પ્રોબ્લેમ હોવાનું

એક રિસર્ચમાં બહાર આવ્યું છે.

 

સમય જતાં સમજાય છે કે પ્રેમ સાચો હતો કે

આપણાથી પસંદગીમાં કોઇ ભૂલ થઇ ગઇ છે?

લવમેરેજ નિષ્ફળ જવાનું કારણ પણ આ જ છે?

 

પ્રેમ એક અલૌકિક અનુભૂતિ છે. પ્રેમમાં હોય ત્યારે માણસ થોડોક કવિ અને થોડોક ફિલોસોફર થઇ જાય છે. પ્રેમ માણસને ઉમદા અને ઉદાર બનાવી દે છે. પ્રેમ કેવી રીતે થઇ જાય છે એની કંઇ ખબર પડતી નથી. કોઇ વ્યક્તિ અચાનક એટલી બધી ગમવા માંડે છે કે એ આપણા માટે સર્વસ્વ બની જાય છે. વિચિત્ર પ્રકારની એક તડપ જાગે છે અને સાવ અજાણી જ તરસ ફૂટે છે. પ્રેમીનું સાંનિધ્ય જિંદગીની સાર્થકતા લાગવા માંડે છે. પ્રેમ જ એવી ચીજ છે કે માણસ મરવા કે મારવા તૈયાર થઇ જાય છે. પ્રેમી ઉપર એક ફનાગીરી હાવી થઇ જાય છે. તારા માટે કંઇ પણ! તારા માટે હું કંઇ પણ કરી છૂટું. તારા સિવાય બીજા કોઇની પરવા નથી. તારા સિવાય બીજું કોઇ જોઇતું નથી. પ્રેમી ખાતર માણસ પોતાની અંગતમાં અંગત વ્યક્તિ સામે બાંયો ચડાવી લે છે. પ્રેમી વિરુદ્ધ કંઇ જ સાંભળવા તૈયાર હોતા નથી. આવું કેમ થાય છે?

પ્રેમી ખાતર જાપાનની એક રાજકુમારીએ રાજપાઠને રામ રામ કરી દીધા. પ્રેમની સામે બધું જ તુચ્છ લાગતું હોય છે. રાજકુમારીનો કિસ્સો કંઇ પહેલો નથી અને છેલ્લો પણ નથી જ. આવી ઘટનાઓથી તો પ્રેમનો આખો ઇતિહાસ છલોછલ ભરેલો છે. અમુક પ્રેમીઓનાં કારનામાં તો એવાં હોય છે કે આખેઆખી દુનિયા એને મૂર્ખ સમજે. જોકે પ્રેમીઓને એવી પરવા નથી હોતી. જેને જે સમજવું હોય એ સમજે, જેને જે કહેવું હોય એ કહે અને જેને જે માનવું હોય એ માને, અમને કંઇ જ ફર્ક પડતો નથી.

પ્રેમને કદાચ એટલે જ આંધળો કહ્યો છે. પ્રેમીને પ્રેમી સિવાય કશું જ દેખાતું નથી. ક્યારેક કોઇની વાત જાણીને એમ થાય કે આને બીજું કોઇ ન મળ્યું તે આના ચક્કરમાં પડ્યો. દુનિયાના છોકરાઓ મરી ગયા હતા કે એના પ્રેમમાં પડી! પ્રેમમાં છોકરા કે છોકરીમાં કોઇ ભેદ હોતો નથી. બંને એકસરખા પાગલ હોય છે અને એકસરખા ગાંડા કાઢે છે. હા, એકમાં થોડુંક ઓછું અને બીજામાં કદાચ થોડુંક વધુ પાગલપન હોય શકે પણ હંડ્રેડ પર્સન્ટ ડહાપણ તો હોતું જ નથી!

એકદમ સંસ્કારી અને સારા ઘરની છોકરી ક્રિમિનલના પ્રેમમાં પડે કે અત્યંત ડાહ્યો છોકરો કોઇ ખેલાડી છોકરી પાછળ પાગલ થાય ત્યારે એવો સવાલ થાય કે આ એનામાં શું જોઇ ગઇ છે કે શું જોઇ ગયો! જોકે પ્રેમમાં પ્રેમી-પ્રેમિકા કંઇક એવું જોઇ જાય છે જે બીજા કોઇને દેખાતું નથી. એને તો પોતાનો પ્રેમી કે પ્રેમિકા જ સાચી લાગે છે. પ્રેમ એક અદ્્ભુત રહસ્ય છે. પ્રેમ વિશે ખૂબ લખાયું છે, ખૂબ બોલાયું છે પણ જે પ્રેમ કરે છે એ લખતાં કે બોલતાં હોતા નથી, એ તો પ્રેમ જીવતાં હોય છે. એ સાચું હોય છે કે ખોટું એ એની જગ્યાએ પણ પ્રેમ હોય છે ત્યારે છલોછલ, અનરાધાર અને ભરપૂર જિવાતો હોય છે. લવમેરેજ કરનારા મોટી ઉંમરના ઘણા લોકો કહે છે કે અમે એવા ગાંડા કાઢ્યા છે કે આજે અમને જ આશ્ચર્ય થાય છે!

હવેનાં મા-બાપને છોકરો કે છોકરી કોઇના પ્રેમમાં પડે એની સામે બહુ વાંધો હોતો નથી, ચિંતા એ જ વાતની હોય છે કે દીકરાની પ્રેમિકા કે દીકરીનો લવર સારો અને સમજુ માણસ હોય. સંતાનની સગાઇની વાત કરતાં પહેલાં માતા-પિતા પૂછી લે છે કે કંઇ હોય તો કહી દેજે, આપણને કંઇ વાંધો નથી. એ વાત જુદી છે કે દીકરો કે દીકરી સાચેસાચું કહી દે પછી જ ભવાં તંગ થઇ જાય છે કે આ! એને તું પ્રેમ કરે છે?

પ્રેમ આંધળો છે એ વાત સાચી પણ પ્રેમ આંધળો થઇ કેમ જાય છે? એવું તે શું થઇ જાય છે કે આખી દુનિયામાં આપણને એક જ વ્યક્તિ ગમવા માંડે છે? એક રિસર્ચમાં એવું બહાર આવ્યું છે કે એક ખાસ પ્રકારના ન્યૂરો-કેમિકલના કારણ પ્રેમીને પોતાના પ્રેમીની કોઇ જ ખરાબ બાબત સ્પર્શતી નથી. કોઇ ખામી દેખાતી નથી. પ્રેમીમાં બધું જ સારું, સાચું, ઉમદા, વાજબી અને શ્રેષ્ઠ લાગે છે! મિશિગનની ફેરિશ સ્ટેટ યુનિવર્સિટીના સાયન્ટિસ્ટ રોબર્ટ ફેયરે આ સંશોધન કર્યું છે. ડો. રોબર્ટનું કહેવું છે કે શરીરમાં ફિનાઇલ ઇથાઇલ એમાઇન નામનું ન્યૂરોકેમિકલ સર્જાય છે. આ કેમિકલ પ્રેમીઓને આંખ આડા કાન કરાવે છે. પ્રેમી કંઇક નાનું અમથું કરે તો પણ ગ્રેટ લાગે છે. એ તમને એકવાર લેવા કે મૂકવા આવે તો પણ તમને એવું લાગે છે કે મારી કેટલી બધી કેર કરે છે. એક ચોકલેટ કે એક ફૂલ આપે તો પણ એવું લાગે કે જગતનું સઘળું સુખ મારા ચરણોમાં લાવીને મૂકી દીધું છે.

આ કેમિકલ ધીમે ધીમે ઘટતું જાય છે અને થોડાં વર્ષમાં નાબૂદ થાય છે. પ્રેમમાં હોઇએ ત્યારે તો કોઇ ખામી દેખાતી જ નથી, મેરેજ થાય પછી સૂક્ષ્મ ભૂલો પણ વિશાળ, વિરાટ અને કદાવર થઇ જાય છે. મોડે મોડે સમજાય છે કે યાર ભૂલ થઇ ગઇ છે. હવે રિસર્ચ કેટલું સાચું અને કેટલું ખોટું એ પણ પાછો સંશોધનનો વિષય છે. તેનું કારણ એ કે ઘણા લોકો આજીવન પ્રેમમાં હોય એ રીતે જીવે છે. અમુક કપલ એવાં હોય છે કે જેને જોઇને એમ થાય કે ‘પરફેક્ટ પેર’ છે. માત્ર લવમેરેજની જ વાત નથી, એરેન્જ મેરેજ કરનારા પણ પ્રેમીપંખીડા માફક રહેતા હોય છે.

સાવ એવું પણ હોતું નથી કે છોકરો કે છોકરી ગમે એના પ્રેમમાં પડી જાય છે! કંઇક લાઇક માઇન્ડેડ હોય છે, પછી એ સારું પણ હોઇ શકે અથવા તો ખરાબ પણ હોઇ શકે. બ્રેક-અપ થવાનાં ઘણાં કારણોમાં એક કારણ એ પણ હોય છે કે આપણને આની સાથે નહીં ફાવે. મોટી ઉંમરના લોકો યંગસ્ટર્સને જેટલા મૂર્ખ, ભોળા કે અણસમજુ સમજતા હોય છે એટલા એ હોતા નથી. આજનો યંગસ્ટર્સ બહુ જ સમજુ, ડાહ્યો, હોશિયાર, સભાન અને સ્પષ્ટ છે એને પોતાની વ્યક્તિની કલ્પના પણ સ્પષ્ટ છે. અમુક કિસ્સા ભલે ઓડ, અધકચરા કે અરરર થઇ જાય એવા લાગે પણ એકંદર પ્રેમ એ પ્રેમ હોય છે. દુનિયા કે સાયન્સ ભલે ગમે તે કહે, પ્રેમ ક્યાં કંઇ વિચારીને થતો હોય છે! એ તો બસ થઇ જતો હોય છે! અલબત્ત, એટલું વિચારાય તો સારું કે મને જે ગમે છે એ રાઇટ પર્સન કે બેસ્ટ ગર્લ છે કે કેમ? લગ્ન વિશે કહેવાય છે કે, લગ્ન સ્વર્ગમાં નક્કી જાય છે! પ્રેમ તો તમને ધરતી ઉપર જ સ્વર્ગ ખડું કરી દેતો હોય છે! એ સ્વર્ગને કોઇ નર્ક બનાવી દે તો વાંક પ્રેમનો નથી હોતો, બેમાંથી એકનો અથવા તો બંનેનો હોય છે!

પેશ-એ-ખિદમત

આંખો મેં રહા દિલ મેં ઉતર કર નહીં દેખા,

કશ્તી કે મુસાફિર ને સમુંદર નહીં દેખા,

યારોં કી મોહબ્બત કા યકીં કર લિયા મૈં ને,

ફૂલો મેં છુપાયા હુઆ ખંજર નહીં દેખા.

-બશીર બદ્ર.

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 28 મે 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “પ્રેમમાં એવો તે શું જાદુ છે કે માણસ ‘આંધળો’ થઇ જાય છે? : દૂરબીન

Leave a Reply to Krishnkant Unadkat Cancel reply

Your email address will not be published. Required fields are marked *