તું જ્યાં પણ હોઈશ, મારી
પ્રાર્થનાઓ તારી સાથે હશે
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
સાચેસાચા સમ ખાવાનું એકાદું ઠેકાણું રાખો,
સુખ-દુ:ખનું ગાણું ગાવાનું એકાદું ઠેકાણું રાખો,
પાણીથી પલળેલી કાયા પળભરમાં કોરી થઈ જશે,
અંદર અંદર ભીંજાવાનું એકાદું ઠેકાણું રાખો.
-નીતિન વડગામા.
તું મારી સાથે નથી. તું મારી પાસે નથી. જરૂરી થોડું છે કે આપણે જેને ઝંખતા હોઈએ એ આપણી સાથે જ હોય! દરેક વખતે અવાજ આપીએ અને હોંકારો ન પણ મળે! એટલે શું મારે અવાજ આપવાનું બંધ કરી દેવાનું? ના, હું નથી છોડી શકતો. છોડવા ઇચ્છતો પણ નથી. કેવું છે નહીં, ભૂલવા માટે મહેનત કરવી પડે છે અને યાદ આપોઆપ આવી જાય છે! તને યાદ કરવા માટે કોઈ જ પ્રયાસ કરવા પડતા નથી એટલે મેં તને ભૂલવાના પ્રયાસ છોડી દીધા છે. તું યાદ આવે ત્યારે થોડોક હસી લઉં છું. ચહેરા પર થોડીક તાજગી આવી જાય છે. હાથની રેખાઓ જોઉં છું, એમાં તું ક્યાં હતી?
એક આખું આયખું આંખ સામેથી ધીમે ધીમે સરકતું રહે છે. આયુષ્યની રેખામાં વર્ષના આંકાઓ હોતા નથી. હાથની રેખા જિંદગીની લંબાઈ કદાચ બતાવી શકતી હશે, પણ ગહેરાઈ? એ તો દિલમાં જ વર્તાતી હોય છેને! આયુષ્યરેખાના કયા ટુકડામાં આપણે સાથે હતા? મારું ચાલે તો તેના ઉપર માર્કિંગ કરી લઉં. રેખાઓનો પડછાયો પડતો હોત તો બાકીની આયુષ્યરેખા પર તેનો પડછાયો પાડત! પડછાયો નથી પડતો! પડછાયો ન પડે તો કંઈ નહીં, પણ હું પડદો પાડતો નથી. જોતો રહું છું થોડુંક પાછું ફરીને. પેલા ગીતની પંક્તિ છેને, જો ચલા ગયા ઉસે ભૂલ જા! શા માટે ભૂલવાનું? જે સમય સોળે કળાએ જીવ્યા હોય એ શા માટે ભૂલી જવાનો? સારી વાતોનું સ્મરણ સજીવન રહેવું જોઈએ.
બધું જ બરાબર ચાલે છે. કોઈ જ કમી નથી. કોઈ રંજ નથી. કોઈ અફસોસ નથી. કોઈ ફરિયાદ નથી. અગાઉની જેમ જ દિવસ ઊગે છે. અજવાળું રોજેરોજ થોડું થોડું આછું થઈ જાય છે અને રાબેતા મુજબ જ રાત પડે છે. ફૂલ પણ દરરોજ ખીલે છે. પક્ષીઓના અવાજમાં એવી ને એવી મીઠાશ છે. આંગળીઓના નખ પણ વધતા રહે છે. વાળ પણ વધવાની એની ગતિ છોડતા નથી. ઉંમર પણ દરરોજ થોડી થોડી વધતી રહે છે. બધું એવું ને એવું તો છે! કંઈ બદલતું નથી તો પછી હું શા માટે બદલાઉં? હું પણ નથી બદલાયો. એવો જ છું. અગાઉ હતો એવો જ. જતી વખતે તેં કહ્યું હતું કે, દુ:ખી ન થતો. મેં કદાચ તને થોડુંક જુદું કહ્યું હતું. મેં કહેલું કે, સુખી થજે. મને ખબર મળતી રહે છે કે તું સુખી છે. સુખી થાઉં છું એ વાતથી. મારે પણ તને સુખી જ કરવી હતીને! તું સુખી હોય તો બીજું મને શું જોઈએ?
તું મારા વિચારોમાં છે. તું મારી પ્રાર્થનાઓમાં છે. તું મારા વર્તનમાં છે. તને જે નહોતું ગમતું એ હું આજે પણ નથી કરતો. હા, ક્યારેક એમ થાય છે કે તું ક્યાં જોવા આવવાની છે? જોકે, પછી એમ થાય છે કે ના તું જુએ છે. ભગવાનને કોઈએ જોયો નથી, છતાં બધા એવું કહે છે કે ભગવાન બધું જુએ છે. એને તો કોઈએ જોયો નથી, મેં તો તને જોઈ છે. માત્ર જોઈ નથી, મહેસૂસ કરી છે. હજુ પણ કરું છું. તું જ્યારે મળતી ત્યારે પૂછતી કે, મજામાં? હું કહેતો, એકદમ મજામાં! હવે તું પૂછતી નથી તો પણ કહેતો રહું છું કે એકદમ મજામાં છું, કંઈ ચિંતા ન કરતી!
તમારી સાથે જે વ્યક્તિ નથી એના માટે તમે શું વિચારો છો? કેટલા દુ:ખી થાવ છો? દરેક સંબંધના લલાટે આયુષ્યની રેખા દોરાયેલી હોય છે. કોઈ ટૂંકી હોય છે, તો કોઈ લાંબી હોય છે. કોઈ રેખા અચાનક કટ થઈ જાય છે. હાથની રેખાઓ લસરપટ્ટી જેવી હોય છે. ક્યારે શું લસરી જાય અને ક્યારે કોણ સરકી જાય એનો અંદાજ આવતો નથી. જિંદગીનો અમુક સમય જીવાઈ જતો હોય છે. એ જીવાતો હોય ત્યારે ખબર નથી હોતી, ચાલ્યો જાય પછી જ એનું મૂલ્ય સમજાતું હોય છે.
ધોઝ વેર ધ ડેઇઝ! કેવા દિવસો હતા એ! આપણને જે વીતી ગયું એ જ કેમ વહાલું લાગતું હોય છે? બચપણની યાદો, સ્કૂલના કિસ્સા, કોલેજની મસ્તી અને બીજું ઘણું બધું આપણે વાગોળતા રહીએ છીએ. આ સમયે એવો કેમ વિચાર નથી આવતો કે આજનો દિવસ પણ પસાર થઈ જવાનો છે. આજે તો જીવી લઈએ. દરરોજ માણસે એવું જીવવું જોઈએ કે જિંદગી યાદગાર રહે. કોઈ નથી, કંઈ વાંધો નહીં. એ હતી કે હતો ત્યારે તો જીવી લીધું હતુંને? તો પછી ફરિયાદ શા માટે?
એક પતિ-પત્ની હતાં. પત્નીને ખબર પડી કે તેના પતિની લાઇફમાં કોઈ છોકરી હતી. કોઈ કારણસર બંને સાથે થઈ ન શક્યાં. પત્નીએ એક વખતે વાત કાઢીને પતિને પૂછ્યું, બહુ પ્રેમ કરતો હતો એને? પતિએ કહ્યું કે, બહુ એટલે કેટલો? પ્રેમ ક્યાં વધુ કે ઓછો હોય છે? પ્રેમ તો પ્રેમ હોય છે. હતો. પત્નીએ બીજો સવાલ કર્યો કે તો તારો પ્રેમ પૂરો ન થયો? પતિએ કહ્યું, પૂરો ન થયો મતલબ? એ કદાચ એટલો જ હતો. અધૂરો નહોતો. પત્નીએ કહ્યું કે, પહેલો પ્રેમ ભુલાતો નથી એ વાત સાચી? પતિએ બહુ જ પ્રેમથી કહ્યું, એ વિશે હું બહુ વિચાર કરતો નથી. મને તો એટલી ખબર છે કે તારી સાથેનો પ્રેમ જીવાય છે. હું ભૂતકાળને ક્યારેય એટલો ખોતરતો નથી કે આપણો વર્તમાન કણસે. આજે જે સાથે છે એ મહત્ત્વનું છે. હા, ક્યારેક કોઈ વાત કે કોઈ ઘટના યાદ આવી જાય છે, પણ એનો અર્થ એ પણ નથી કે હું એ સમયમાં જ જીવું છું. હું આજમાં જીવું છું. આજ એ સત્ય છે અને તું જ મારું સત્ય છે.
માત્ર પ્રેમ જ શા માટે, કોઈ પણ સંબંધ હોય એ ભુલાતો નથી. ઘણા સંબંધો એવા હોય છે જે જ્યારે હોય છે ત્યારે જીવાઈ ગયા હોય છે. બે મિત્રોની વાત છે. બંને બચપણથી સાથે ભણતા હતા. મોટા થયા, સાથે બિઝનેસ કર્યો. જોકે, એક તબક્કે બંને વચ્ચે અણબનાવ થયો. જુદા પડી ગયા. વ્યવહાર ઓછો થતો ગયો. બંનેના મિત્રો બદલાઈ ગયા. એક મિત્ર તેના બીજા મિત્રો સાથે બેઠો હતો. એ સમયે વાતવાતમાં જૂના મિત્ર વિશે એકે વાત કરી. તેણે કહ્યું કે, ‘તારી સાથે એણે બદમાશી કરી નહીં? પેલા મિત્રએ સીધો જ સવાલ કર્યો, કોણે કહ્યું કે એણે બદમાશી કરી હતી? માનો કે બદમાશી કરી તો પણ શું? અમે લોકો વર્ષો સુધી સાથે રહ્યા છીએ, સાથે ખૂબ જ એન્જોય કર્યું છે, એક ફેમિલી જેવા હતા અમે. આજે નથી તો શું થયું? એટલે મારે એનું ખરાબ બોલવાનું? એનું બૂરું ઇચ્છવાનું? અરે! હું તો આજે પણ તેના માટે સારું જ વિચારું છું. એના વિશે ક્યારેય ખરાબ વિચારી જ ન શકું. શા માટે એવું ખરાબ વિચારું? દૂર થઈ ગયા એટલે? ના, એટલો સ્વાર્થી હું નથી. અમે સાથે હતા ત્યારે એના માટે મારા મોઢે પ્રાર્થના જ નીકળતી અને આજે પણ પ્રાર્થના કરું છું ત્યારે એ યાદ આવી જાય છે અને તેના માટે સારા વિચારો જ મારા મનમાંથી નીકળે છે. આજે તમે બધા મિત્રો મારી સાથે છો, માનો કે આવતી કાલે આપણે જુદા પડી ગયા તો મારે તમારા વિશે સારું નહીં વિચારવાનું? કોઈ જુદું પડે એટલે એ દુશ્મન થઈ જાય?
સંબંધ તૂટ્યો ન હોય એ પણ ક્યાં આખી જિંદગી આપણી સાથે હોય છે? ઘણા સંબંધો દૂરથી જીવાતા હોય છે. તો પછી પ્રેમ કેમ દૂરથી જીવી ન શકાય? તમારા બધા મિત્રો કાયમ માટે તમારી સાથે હોય છે? નથી હોતાને? તો પણ તમે એમ કહો છો કે હવે અમારી વચ્ચે દોસ્તી નથી? કોઈ સાથે હોય કે ન હોય, એના માટે તમારા દિલમાંથી પ્રાર્થનાઓ વહેતી રહે એ પ્રેમ, લાગણી અને દોસ્તી જ છે. ઘણા સંબંધો દૂરથી પણ છલોછલ જીવાતા હોય છે. હાજરી કે પઝેશન હોવું જરૂરી હોતું નથી. બસ, પ્રેમ હોવો જોઈએ. પ્રેમ હોય તો તમારો સંબંધ સાર્થક છે.
બે બહેનપણીની આ સાવ સાચી વાત છે. લગ્ન પછી બંને દૂરના શહેરમાં ચાલી ગઈ. એક ફ્રેન્ડને કેન્સરની બીમારી થઈ. બીજી ફ્રેન્ડ આવી શકે તેમ નહોતી. કેન્સર ક્યોરેબલ હતું, પણ એની ફ્રેન્ડને શાંતિ મળતી ન હતી. એ ફ્રેન્ડ એક વખત એક સંત પાસે ગઈ. સંતને કહ્યું કે, હું મારી ફ્રેન્ડ માટે કંઈ કરી શકતી નથી. સંતે કહ્યું, કોણ કહે છે કે તું કંઈ કરી શકતી નથી? તું કરી શકે છે, તું એના માટે પ્રાર્થના કર. પ્રાર્થનામાં જબરજસ્ત તાકાત છે. એના માટે સારા વિચાર કર અને દૂર બેઠાં બેઠાં તારાથી થાય એ બધું કર. એને હસાવ. એને ખુશ રાખવાનો પ્રયાસ કર. એને ખબર પડી કે, કીમોથેરપી જ્યારે લીધી હોય ત્યારે આખી રાત તેને ઊંઘ નથી આવતી. એ ફ્રેન્ડ કહ્યું કે, આજે આખી રાત વીડિયો કોલથી હું તારી સાથે વાતો કરીશ. આખી રાત બંને વાતો કરતાં રહેતાં. હસતાં રહેતાં. કીમોનું દર્દ ક્યાં ગાયબ થઈ જતું એની ખબર જ પડતી નહીં.
સાજી થઈ પછી પહેલી ફ્રેન્ડે કહ્યું કે, યાર! હું તારી સાથે ન હતી. બીજી ફ્રેન્ડે કહ્યું, કોણે કહ્યું કે તું સાથે ન હતી? તું મારી સાથે જ હતી. તારી પ્રાર્થનાઓ મારી સાથે જ હતી. તબિયત પૂછવા અને કદાચ સારું લગાડવા ઘણા આવ્યા હતા, પણ એ બધા સાથે ન હતા. તું મારી સાથે હતી. હજુ પણ છો અને કાયમ માટે રહીશ.
સામે હોય એ જ સાથે હોય એવું જરૂરી નથી. એ જૂનો પ્રેમ હોય કે જૂની દોસ્તી, એની જગ્યાએ જીવતી હોય છે. એ જીવતી રહે એમાં કંઈ ખોટું પણ નથી. હા, એના કારણે આપણી આજ ન મરવી જોઈએ. અત્યારે તમને જે પ્રેમ કરે છે એ આજનો, તાજો અને જીવતો પ્રેમ છે. આપણો ભૂતકાળ આપણા વર્તમાન ઉપર ભારે પડવો ન જોઈએ, એ આપણને હળવો બનાવવો જોઈએ. જે નથી એના માટે કડવાશ રાખશો, ફરિયાદ કરશો કે અફસોસ કરશો તો તમે તમારી આજને જીવી નહીં શકો. જે નથી એનાં સ્મરણોને સલૂકાઈથી સાચવી રાખો, પણ જે છે એની સાથે જીવી લો. તમારું સુખ, તમારી ખુશી અને તમારી જિંદગી તમને વર્તમાનમાંથી જ મળશે, આજે જે છે એ જ અંતિમ સત્ય છે!
છેલ્લો સીન :
કરમાઈ ગયેલા ફૂલનો અફસોસ કરીને આપણે ઘણી વખત આજે ખીલેલા ફૂલને અન્યાય કરતા હોઈએ છીએ.- કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 05 એપ્રલ 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)
kkantu@gmail.com
જયારે કારણ વગર
આનંદની અનુભૂતિ થાય
ત્યારે
સમજવા નુ કે આ જગત માં
કોઈ ને કોઇ
તમારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.
Jay Shri Krishna
Thank you
Awsm…best best best….. I like ur all article….
Thank you