સફળ થવું હોય તો સૌથી પહેલા ‘વાત કરતાં’ શીખી લો! – દૂરબીન

સફળ થવું હોય તો સૌથી

પહેલા ‘વાત કરતાં’ શીખી લો!

દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 

બોલતાં બધાને આવડે છે પણ

ઇમ્પ્રેસિવ રીતે વાત કરવાની માસ્ટરી

બહુ ઓછા લોકોમાં હોય છે.

નિષ્ફળતાનું એક કારણ એ છે કે

ઘણાને વાત કરતાં જ નથી આવડતી!

 

તમારો ટોન તમારો કોન્ફિડન્સ બતાવે છે.

આંખમાં આંખ પરોવી દૃઢતાપૂર્વક વાત કરવી

એ નાનીસૂની કલા નથી!

 

તમને વાત કરતાં આવડે છે? એવો સવાલ કોઇ પૂછે તો આપણે કદાચ એમ જ કહીએ કે શું નાખી દીધા જેવી વાત કરો છો? દરેકને એમ જ હોય છે કે મને બરાબર વાત કરતાં આવડે છે! વાત કરતાં આવડતી હોય તો એ સારી વાત છે, યાદ રાખવા જેવી વાત એ પણ છે કે તમે તમારી વાત કરવાની સ્ટાઇલ હોય એનાથી વધુ બહેતર કરી શકો છો. આપણે આપણી વાત કરવાની રીતને કેટલી ગંભીરતાથી લેતો હોઇએ છીએ?

ઘણા લોકોની વાત કરવાની સ્ટાઇલ એવી હોય છે કે આપણને સાંભળતા રહેવાનું જ મન થાય. કેટલાક લોકો બોલે ત્યારે એમ થાય કે હવે આ બંધ થાય તો સારું! બાળકનો જન્મ થાય પછી એ દોઢેક વર્ષમાં બોલતાં શીખી જાય છે પણ વાત કરતાં ઘણાને આખી જિંદગી આવડતું નથી. એવી તોછડાઇથી વાત કરે કે આપણને એમ થાય કે આ એની જાતને સમજે છે શું? બાય ધ વે, તમે ક્યારેય તમારી સૌથી નજીકની વ્યક્તિને એવું પૂછ્યું છે કે હું બરાબર વાત કરું છું? મને વાત કરતાં આવડે છે? વધુ સારી રીતે વાત કરવા માટે મારે શું કરવું જોઇએ? ન પૂછ્યું હોય તો પૂછી જોજો. જે જવાબ મળે તેના પર ગંભીરતાપૂર્વક વિચાર કરજો! ટોન્ટ મારવા સહેલા છે, સહજ રીતે સમજાવવું અઘરું છે.

હમણાં થયેલા એક સર્વેમાં એવું બહાર આવ્યું છે કે નિષ્ફળતા માટે જવાબદાર હોય એવાં અનેક કારણો છે પણ એમાંથી એક કારણ વાત કરવાની અણઆવડત છે. માણસ એના તરફ સૌથી ઓછું ધ્યાન આપે છે. પોતાના ફિલ્ડનું અત્યંત ઉમદા નોલેજ હોય પણ બોલે એવી રીતેને કે કોઇ એની પડખે ન ચડે!

બોલવા વિશે બહુ બોલાયું અને લખાયું છે પણ બહુ ઓછું સમજાયું છે. કમ્યુનિકેશન સ્કિલ્સ માત્ર કામ, ધંધા કે બિઝનસ માટે જ નથી. પોતાના લોકો સાથે સંવાદિતા જળવાય એ માટે પણ વાત કરતાં આવડે એ જરૂરી છે. આપણે ઘણાં વિશે એવું બોલીએ છીએ કે એની જીભ તો કુહાડા જેવી છે. હા એવી જીભ હોય છે જે માણસને ઊભેઊભો વેતરી નાખે. એવી જીભ પણ હોય છે જે ગભરાઇ ગયેલા માણસને બેઠો કરી દે, રડતાં માણસને હસાવી દે અને ઉદાસ માણસમાં ઉત્સાહ ભરી દે!

‘એ બોલે જ કડવો છે પણ દિલનો સારો માણસ છે’, એવું પણ આપણે ઘણા માટે બોલતાં અને સાંભળતાં હોઇએ છે. દિલનો સાફ હોય પણ જીભનો કડવો હોય તો પણ લોકો નજીક જવાનું ટાળે છે. તમારી જરૂર હોય અને એની મજબૂરી હોય તો એ સાંભળી લેશે પણ જેવો બીજો મેળ ખાશે કે તરત જ એ એક દૂરી બનાવી લેશે. ઘણા હોશિયાર માટે એવું પણ કહેવાય છે કે ખાલી જો એનો એની જીભ પર કાબૂ હોતને તો માણસ આજે ક્યાંનો ક્યાં હોત!

વેલ, બોલવામાં શું ધ્યાન રાખવું જોઇએ? સૌથી પહેલા તો કંઇ બોલતાં પહેલાં સામેવાળાની વાત ધ્યાનથી સાંભળવી જોઇએ. આપણે કોઇની વાત સમજવા માટે સાંભળતા હોતા નથી, મોટાભાગે તો જવાબ દેવા માટે સાંભળતા હોઇએ છીએ. દરેક વાત જવાબ દેવા માટે કહેવામાં નથી આવતી, મોટાભાગની વાતો સ્થિતિ, સંજોગ, કામ કે પ્લાનિંગ સમજાવવા માટે થતી હોય છે. એમ તો આપણને સરખા જવાબ દેતા પણ ક્યાં આવડતું હોય છે. આપણે ટુ-ધ-પોઇન્ટ ઓછી વાત કરીએ છીએ અને વાતને ફેરવી ફેરવીને જવાબ આપીએ છીએ.

એક ઉદાહરણ જુઓ. એક મેનેજરે એના કર્મચારીને પૂછ્યું. આજે જે ઓર્ડર આવ્યો છે એનો માલ ક્યારે રવાના થશે? કર્મચારીએ કહ્યું, જુઓને આજે તો હજુ મુંબઇનો માલ રવાના થશે. કાલે દિલ્હીનો ઓર્ડર પૂરો કરીશું. પરમ દિવસે રજા છે. ચોથા દિવસે બે-ચાર નાના-નાના ઓર્ડરનું કામ પતાવીશું. કદાચ પાંચમા દિવસે તમે કહો છો એ ઓર્ડરનો વારો આવે! હવે મેનેજરના પ્રશ્નનો જવાબ બે જ શબ્દોમાં આપવાનો હતો કે પાંચમા દિવસે. એને બદલે આખી વાર્તા કહી નાખી. હા, એવું પૂછે કે પાંચ દિવસ કેમ થશે અને તમે આવો જવાબ આપો તો ઠીક છે. ટુ-ધ-પોઇન્ટ આન્સર આપતા હોય એવા લોકો બહુ ઓછા હોય છે!

ચલો, હવે થોડીક સારી રીતે વાત કરવાની થોડીક ટિપ્સ ઉપર નજર નાખી જોઇએ. સૌથી મહત્ત્વની વાત, આંખમાં આંખ મિલાવીને વાત કરો. વાત ચાલતી હોય ત્યારે તમારી નજર બીજે ક્યાંય ન હોવી જોઇએ. ટિપ્સ નંબર ટુ. કંઇ ખાતાં ખાતાં વાત ન કરવી. ચપ ચપ ચાવતાં હોઇએ ત્યારે વાત કરનાર વાહિયાત વાત કરતાં હોય એવું લાગે છે. હવે નવી એક બીમારી એ છે કે લોકો વાત કરતાં હોય છે અને ધ્યાન મોબાઇલમાં હોય છે. કોઇ વાત કરતું હોય કે તમે કોઇને કંઇ કહેતા હોય ત્યારે ફોન સાઇડમાં મૂકી દેવો. વાત કરતી વખતે ડોમિનેટ કરવાનો પ્રયાસ પણ ન કરો. વાત એવી રીતે સાંભળો કે સામેવાળી વ્યક્તિને એવું લાગે કે તમને વાત સાંભળવામાં પૂરેપૂરો રસ છે. વાત કરતી વખતે સામેની વ્યક્તિને ઇમ્પ્રેસ કરવાનો કે છાકો પાડવાનો પ્રયાસ ન કરો. તમારી સહજતા જ છેવટે તો માણસને સ્પર્શતી હોય છે. એક્ટિંગ આખરે તો ઓળખાઇ જ જતી હોય છે.

વાત કરવાની રીતને તમારી રોજિંદી આદત બનાવો. બધા સામે એક સરખી રીતે વાત કરો. એવું કરશો તો તમારે કોઇ સમક્ષ વાત ગળે ઉતરાવવા સ્પેશિયલ એફર્ટસ નહીં કરવા પડે.

ઘણા લોકોને એવી આદત પણ હોય છે કે સામેવાળો માણસ વાત પૂરે કરે એ પહેલાં જવાબ આપવા માંડે! પહેલાં પૂરેપૂરી વાત સાંભળવી અને પછી જવાબ આપવો. ઘણા લોકો ઉતાવળમાં જવાબ આપવામાં ફસાતા હોય છે. ભૂલ હોય તો બચાવ કરવા કરતાં ભૂલનો સ્વીકાર કરવામાં વધુ શાણપણ હોય છે અને હા, તમારે કોઇના દિલને સ્પર્શવું હોય તો એની લાઇફ વિશે પ્રશ્ન પૂછો. દરેકને પોતાની વાત કરવી ગમતી હોય છે. ખાસ વાત એ કે વાત સાંભળતી કે વાત કરતી વખતે, જજ ન બનો, દોસ્ત બનો. લોકોને તમારા ન્યાયમાં નહીં, તમારી સંવેદનામાં રસ હોય છે.

કેમ બોલવું, શું બોલવું, ક્યાં બોલવું, ક્યાં ન બોલવું, કેવી રીતે બોલવું અને શા માટે બોલવું એ બધું જ બોલતાં પહેલાં વિચારવા જેવું છે. તમે સિનિયર કે બોસ હશો તો કદાચ તમારા કડવાં વેણ તમારી સાથે કામ કરનાર સાંભળી લેશે પણ તમારા પ્રત્યે એને આદર ક્યારેય નહીં થાય. પરિવાર અને મિત્રોમાં પણ તમારી વાત કરવાની આવડત તમને વધુ પ્રિય બનાવશે. પ્રેમ, લાગણી, સ્નેહ અને સંવેદના સરવાળે તો સરળ, સહજ અને સુંદર શબ્દો દ્વારા જ બયાન થતી હોય છે. તમે કેવી રીતે વાત કરો છો તેના ઉપરથી જ તમારી આઇડેન્ટિટી બનતી કે બગડતી હોય છે!

 

પેશ-એ-ખિદમત

મુદત સે લાપતા હૈ ખુદા જાને ક્યા હુઆ,

ફિરતા થા ઇક શખ્સ તુમ્હે પૂછતા હુઆ,

હમ ને તેરે બગૈર ભી જી કર દિખા દિયા,

અબ યે સવાલ ક્યા હૈ કિ ફિર દિલ કા ક્યા હુઆ.

– અખ્તર સઇદ ખાન

(ભોપાલના અખ્તર સઇદ ખાનનું તા. 10 સપ્ટેમ્બર, 2006ના રોજ 83 વર્ષની વયે અવસાન થયું. તેઓને ઉર્દૂ ગઝલમાં પ્રદાન બદલ ગાલિબ એવોર્ડ સહિત અનેક એવોર્ડ્ઝથી નવાજવામાં આવ્યા છે.)

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 02 એપ્રિલ 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *