તારે તારું મન થાય એમ જ કરવું છે? – ચિંતનની પળે

તારે તારું મન થાય

એમ જ કરવું છે?

68

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

નિકાલ લાયા હૂં ઇક પિંજરે સે ઇક પરિંદા,

અબ ઇસ પરિંદે કે દિલ સે પિંજરા નિકાલના હૈ.

-ઉમૈર નજમી.

 

તમારી ડેસ્ટીની તમે ઘડો. તમારો માર્ગ તમે નક્કી કરો. તમારાથી વધારે સારી રીતે તમને કોઈ ઓળખી ન શકે. આવું ઘણું બધું આપણે સાંભળતા હોઈએ છીએ. આ બધી જ વાત સાચી છે. જોકે, એનો અર્થ જરાયે એવો નથી કે આપણું મન થાય એમ કરવું. કોઈની કંઈ વાત માનવી નહીં. કોઈની સલાહ લેવી નહીં. ઘણા લોકો એવું માનતા હોય છે કે, મારામાં બુદ્ધિ છે. મારે કોઈની સલાહની જરૂર નથી. બુદ્ધિ બધામાં હોય છે. દરેક માણસ વિચારતો જ હોય છે. આમ છતાં જિંદગીમાં અમુક સમય એવો આવતો હોય છે કે આપણે અવઢવમાં મુકાઈ જઈએ. આવા સમયે કોઈ કંઈ માર્ગદર્શન આપે તો એના ઉપર વિચારવું જોઈએ. એવું જરાયે જરૂરી નથી કે કોઈની વાત માની જ લેવી, પણ એના થોટ ઉપર થોડુંક થિંકિંગ કરવામાં કંઈ ખોટું હોતું નથી.

 

કોઈની વાત સાંભળીને તમને ક્યારેય એવું થયું છે કે, આ રીતે અથવા તો આ દિશામાં તો મેં વિચાર્યું જ નહોતું? કોઈ એક નિર્ણય, ઘટના કે વિચારના અનેક એંગલ હોય છે. કોઈ એક વસ્તુને વચ્ચે મૂકીને તેના ઉપર અલગ અલગ ખૂણાઓથી નજર માંડજો. દરેક જગ્યાએથી એ વસ્તુ તમને થોડીક જુદી લાગશે. નિર્ણય કે વિચારનું પણ આવું જ છે. તમે કેટલા એંગલથી કોઈ વિચાર, વાત કે નિર્ણયને જોઈ શકો છો? બે, ચાર, પાંચ, આઠ કે દસ એંગલથી આપણે વિચાર કરતા હોઈએ છીએ. આમ છતાં બનવાજોગ છે કે અમુક એંગલ આપણા ધ્યાનમાં જ આવ્યા ન હોય. આ માટે જ કોઈ મહત્ત્વના નિર્ણય વખતે મિત્રો, વડીલો કે શુભેચ્છકો સાથે આપણે વાત કરતા હોઈએ છીએ.

 

કોઈ નિર્ણય કરતી વખતે આપણે સૌથી વધુ આપણો ફાયદો જોતા હોઈએ છીએ. એ વિચાર કે એ એંગલ આપણા મગજ ઉપર એટલો હાવિ હોય છે કે આપણે બીજો કોઈ વિચાર જ નથી કરતા. ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે બાકીનું બધું જોયું જશે. હમણાં બીજો કોઈ વિચાર જ નથી કરવો. આવી વાત કરીને આપણે વિચારથી જ ભાગતા હોઈએ છીએ. આપણે ઘણી વખત એવું પણ કહી દેતા હોઈએ છીએ કે એ વાત ન કાઢ, એનાથી હું કન્ફ્યૂઝ થાઉં છું, એનાથી ડિસ્ટર્બ થાઉં છું. મારે કોઈની કંઈ વાત નથી સાંભળવી. મેં નક્કી કર્યું છે એ ફાઇનલ છે. આપણે નક્કી કર્યું હોય એ ફાઇનલ રાખીએ એમાં કંઈ વાંધો નથી, પણ બીજા ઉપર વિચાર સુધ્ધાં ન કરવો એ ઘણી વખત જોખમી સાબિત થતું હોય છે.

 

એક સફળ માણસની આ વાત છે. તેના નિર્ણયોની બધા નોંધ લેતા હતા. તેણે લીધેલા મોટાભાગના નિર્ણયો સાચા પડ્યા હતા. આ વ્યક્તિને એક વાર પૂછવામાં આવ્યું કે તમે લીધેલા નિર્ણયો તમે જ ક્યારેય બદલ્યા છે? એ માણસે કહ્યું કે હા, મેં મારા નિર્ણયો અનેક વાર બદલ્યા છે. જો બદલ્યા ન હોત તો ઘણા નિર્ણયો ખોટા પડ્યા હોત. મેં અમુક નિર્ણયો લીધા પછી તેને પૂરતો સમય આપ્યો છે. એમ કહોને કે વિચારને પાકવા દીધા છે. વિચારને ચાખ્યા છે. વિચાર ખાટો છે કે મીઠો, તીખો છે કે તૂરો? મારે જોઈએ એવો હોય ત્યારે હું ફાઇનલ ડિસીઝન પર આવું છું. દરેક વ્યક્તિ પાસે પોતાના થોડાક અંગત લોકો હોય છે. એમાંથી કઈ વ્યક્તિને વાત કરવી જોઈએ તેની પસંદગી કરતા આવડવું જોઈએ. તમારે તમારી થિંક ટેંક પણ ઊભી કરવી જોઈએ. મેં વાત કર્યા પછી મારા નિર્ણયોને બદલ્યા છે એના કરતાં પણ વધુ તો હું એમ કહીશ કે મેં મારા નિર્ણયો સુધાર્યા છે.

 

આપણા નિર્ણયોમાં પણ આપણે આપણા સમજુ, શાણા, ડાહ્યા અને આપણા વિચારને ચકાસી શકે એવાં સ્વજનોને ભાગીદાર બનાવવા જોઈએ. ઘણા કિસ્સામાં આપણે આપણી મેળે નક્કી કરી લેતા હોઈએ છીએ કે હવે આમ જ કરવું પડશે. આ એક જ રસ્તો છે. બીજો કોઈ માર્ગ છે જ નહીં. હકીકતે આવું હોતું નથી. માર્ગ હોય જ છે. એ વાત જુદી છે કે આપણને એ માર્ગ દેખાતો હોતો નથી. એક પ્રેમીયુગલની આ વાત છે. બંનેની કાસ્ટ અલગ અલગ હતી. મેરેજની વાત નીકળી ત્યારે છોકરાએ કહ્યું કે, મારા ઘરે કોઈ માનવાના જ નથી. મેં તો નક્કી કરી લીધું છે કે, ભાગીને લગ્ન કરી લેવાનાં. કોઈને કંઈ પૂછવું કે કહેવું જ નથી. આ વાત સાંભળીને તેની પ્રેમિકાએ કહ્યું, એક વાત સમજ, આપણે લગ્ન કરવાં છે એ પાક્કું છે, પણ કેવી રીતે કરવાં એ મહત્ત્વનું છે. તારે તેં ધાર્યું હોય એમ જ કરવું છે? જો તું એવું વિચારતો હોય તો એ વાત યોગ્ય નથી. તું ઘરે વાત તો કર. તારી રીતે બધું ધારી ન લે. ના તો પાડવા દે. વિરોધ તો કરવા દે. એવું થશે જ એમ તું શા માટે માની લે છે? એ લોકોની વાત તો સાંભળ. જિંદગીમાં માત્ર નિર્ણય લેવાનો જ જરૂરી નથી હોતો. એ નિર્ણયથી આપણા લોકો ઉપર થનારી અસરો વિશે પણ વિચારવું જોઈએ. નિર્ણય ભલે આપણે લઈ લીધો છે, પણ કમ સે કમ આપણને ભવિષ્યમાં એવું તો નહીં થાય કે આપણે જે કરવું જોઈતું હતું એ નહોતું કર્યું! આવું કરનારાને ઘણી વખત પોતાના લોકો જ એવું કહેતા હોય છે કે, એવું હતું તો અમને વાત તો કરવી હતી. કમ સે કમ આપણને કોઈ એવું તો નહીં કહે કે અમને વાત તો કરવી હતી. ઘણી વખત આપણે આપણા લોકોને જ જેવા અક્કડ, જિદ્દી અને પોતાનું જ ધાર્યું કરે એવા માનતા હોઈએ છીએ, એવા એ હોતા નથી. હોય તો પણ માણસ બદલતા હોય છે. બનવાજોગ છે કે, એ સમયે જ એ બદલે. મને ભાગવામાં વાંધો નથી, ‘ભાગેડુવૃત્તિ’ સામે વાંધો છે.

 

ઘણા નિર્ણયો આવેશમાં કે ઉત્સાહમાં લઈ લેવાતા હોય છે. કળ વળે પછી સમજાય છે કે ખોટું થઈ ગયું. આપણે એવું પણ કહેતા અને સાંભળતા આવ્યા છીએ કે અતિશય ખુશ હોઈએ ત્યારે અથવા તો ખૂબ જ દુ:ખી હોઈએ ત્યારે કોઈ નિર્ણય ન કરવો. આવા નિર્ણયો સરવાળે ખોટા, અયોગ્ય અને નુકસાનકારક સાબિત થતા હોય છે. આપણે ઘણા નિર્ણયો લઈને પછી પડતા મૂકતા હોઈએ છીએ. આ વાત સાબિત કરે છે કે, મનમાં આવે એ બધું સાચું હોતું નથી. આપણે કહીએ છીએ કે બોલતાં પહેલાં બે વાર વિચાર કરવો જોઈએ. એવી જ રીતે કોઈ નિર્ણય લેતી વખતે પૂરતો સમય વિચાર કરવો જોઈએ.

 

આપણને એવા અનેક કિસ્સાઓ જોવા મળશે જેમાં બધા સાથે હોઈએ ત્યારે ભાવુક બનીને કોઈ નિર્ણય લઈ લઈએ છીએ અને પછી કંઈ જ થતું નથી. એક સાચો કિસ્સો છે. એક યુવાનનું અવસાન થયું. તેની પત્ની અને બે નાનાં બાળકો હતાં. એ ત્રણેય એકલાં થઈ ગયાં એટલે બધા બહુ ડિસ્ટર્બ થયા. ચિંતા પણ થઈ કે હવે શું થશે? દસેક અંગત લોકોએ સાથે મળીને કહ્યું કે, આપણે બધા એક ચોક્કસ રકમ કાઢીએ અને બાળકોનાં નામે બેન્કમાં જમા કરાવી દઈએ. એ રકમનું વ્યાજ આવશે એનાથી ઘર ચલાવવામાં વાંધો નહીં આવે. છોકરાંવ મોટાં થશે એટલે તેને મોટી રકમ મળશે એ તેને કામ લાગશે. વાત પૂરી થઈ. બધાએ આ નિર્ણયને વખાણ્યો. જોકે, પછી બધા પોતપોતાના કામમાં પરોવાઈ ગયાં. કોઈએ કંઈ કર્યું જ નહીં. આપણે આવું શા માટે કરતા હોઈએ છીએ? તમારા નિર્ણયોથી તમારી ઇમેજ બનતી હોય છે અને બગડતી હોય છે.

 

કોઈ કંઈ ઓફર કરે ત્યારે પણ આ વાત મહત્ત્વની બની જાય છે. ફટ દઈને ‘હા’ પાડવામાં કે ઝટ દઈને ‘ના’ પાડવામાં પણ ઘણા લોકો ઉતાવળ કરી દે છે. આપણે એમ કેમ કહેતા નથી કે તમારી વાત સારી છે, પણ મને વિચારવા માટે થોડોક સમય જોઈશે. હું વિચારીને તમને જે હશે એ કહીશ.

 

નિર્ણય લેતી વખતે દિલની વાત સાંભળવી કે દિમાગની? આ વિશે પણ ચર્ચાઓ ચાલતી રહે છે. હા, દિલની વાત સાંભળવી જોઈએ. આપણે એવું કહીએ છીએ કે છેલ્લે તારું દિલ કહે એમ કરજો. આમાં જે ‘છેલ્લે’ છે એ મહત્ત્વનું છે. પહેલાં તો તું તારા દિમાગને કામે લગાડજે, દિલથી પણ વિચારજે અને છેલ્લે તારું દિલ કહે એમ કરજે. માત્ર દિલની વાત જ માનવાની નથી.

 

મન થાય એવું કરવાનું બધાને ગમતું હોય છે. એનો અર્થ જરાયે એવો નથી કે ‘મન ફાવે’ એમ કરવું. આપણે ધારતા હોઈએ, આપણે માનતા હોઈએ એ સાચું જ હોય એ જરૂરી નથી. સાથોસાથ એ ખોટું છે એવું માની લેવાની પણ જરૂર નથી. થોડાક અંગત લોકોને પૂછવામાં કંઈ ખોટું નથી. એકથી વધુ લોકોનું મંતવ્ય જો જુદું હોય તો વધુ વિચાર કરવાની પણ જરૂર રહે છે. એક યુવાને નિર્ણય લીધો, સલાહ પણ લીધી, જોકે એ માનવા માટે તૈયાર ન થયો. આ વખતે તેના મિત્રએ કહ્યું કે, અમે બધા જ ખોટા અને તું એક જ સાચો? ચાલ, આપણે એ પણ માની લઈએ કે તું સાચો, પણ આ લોકો જે કહે છે એના પર વિચાર તો કર. દરેક નિર્ણય તાત્કાલિક લેવા જરૂરી નથી હોતા. થોડોક સમય લઈએ તો કંઈ ખાટું-મોળું થઈ જતું હોતું નથી. હા, ઉતાવળમાં સાચું-ખોટું થઈ જાય. મનમાં આવે એમ કરો, પણ જરાક તપાસ કરી લેજો કે મન જે કહે છે એ સાચું તો છેને? સારું તો છેને?

 

છેલ્લો સીન:

Don’t make a permanent decision for your temporary emotion.     -Unknown

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 25 જાન્યુઆરી, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

25-january-2017-68

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “તારે તારું મન થાય એમ જ કરવું છે? – ચિંતનની પળે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *