મોતની તારીખ જાણવાનો ધંધો જરાયે કરવા જેવો નથી!દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

મોતની તારીખ જાણવાનો ધંધો
જરાયે કરવા જેવો નથી!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મોડેલ હવે કોઈને પોતાના મોતની તારીખ જાણવી હશે તો કહી દેશે!

આ મુદ્દે દુનિયામાં એ ચર્ચા ચાલી છે કે,
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને આવું કરવા દેવું જોઈએ નહીં.
મોતની તારીખ માણસનું જીવવું હરામ કરી શકે છે!


———–

જિંદગી ઔર મોત ઉપર વાલે કે હાથ મેં હૈ જહાંપનાહ, જિસે ના આપ બદલ સકતે હૈં ન મૈં, હમ સબ તો રંગમંચ કી કઠપુતલિયાં હૈં, જિસ કી ડોર ઉપર વાલે કે હાથ બંધી હૈ, કબ કૌન કૈસે ઉઠેગા યે કોઇ નહીં જાનતા… હા…હા…હા… ફિલ્મ આનંદનો આ ડાયલોગ આજની તારીખે પણ એટલો જ પોપ્યુલર છે. અલબત્ત, હવે આ ડાયલોગ થોડોક ખોટો પડે એવી સ્થિતિ પેદા થઇ છે. કબ કૌન ઉઠેગા એ હવે જાણવું હશે તો જાણી શકાશે! આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હવે એ હદે પહોંચી ગયું છે કે, એ માણસના મોતની તારીખ જણાવી દેશે! અમેરિકા અને ડેનમાર્કના આઇટી એક્સપર્ટે એક એવું એઆઇ મોડેલ બનાવ્યું છે જે માણસના મોતની તારીખ કહી આપે છે. નેચર કમ્પ્યૂટેશન સાયન્સ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા આ મોડેલના અહેવાલે દુનિયામાં ખળભળાટ મચાવ્યો છે. આ એઆઇ મોડેલને લાઇફ-ટુ-વેક (Life2vec) નામ આપવામાં આવ્યું છે. આને ડેથ કેલ્ક્યુલેટર પણ કહેવામાં આવે છે. 35થી 65 વર્ષના લોકો માટે આ મોડેલ ડેથ પ્રિડિક્ટ કરી શકે છે. આ માત્ર વાતો નથી પણ સાબિત થયેલી વાત છે! ડેનમાર્કના 60 લાખ લોકોના ડેટા આ મોડેલમાં ફીડ કરવામાં આવ્યા હતા. એઆઇ મોડેલે 78 ટકા કિસ્સામાં સાચા જવાબ આપ્યા હતા! ડેનમાર્કની ટેક્નિકલ યુનિવર્સિટીના પ્રોફેસર સુને લીમૈનની આગેવાનીમાં આ મોડેલ બનાવાયું છે. આ મોડેલ એક ચેટબોટ છે, જે ચેટજીપીટીની જેમ જ કામ કરે છે. એ માણસની જિંદગીના દરેક પહેલૂઓની ગણતરી કરીને મોતની તારીખ કહી આપે છે. હજુ તો આ મોડેલ ત્યાં સુધી જ પહોંચ્યું છે કે, માણસનું મૃત્યુ ક્યારે થશે? હવે આઇટી નિષ્ણાતો એવા પ્રયોગો કરી રહ્યા છે કે, માણસનું મોત કેવી રીતે થશે એ પણ જાણી શકાય! હજુ આ મોડેલની પૂરી વાત બહાર આવી નથી ત્યાં જ તેનો જબરજસ્ત વિરોધ થવા લાગ્યો છે. માનસશાસ્ત્રીઓથી માંડીને અનેક ક્ષેત્રના નિષ્ણાતો એવું કહે છે કે, આ ખતરનાક પ્રયોગ છે. તેને તત્કાળ રોકો. જો આ મોડેલને રોકવામાં નહીં આવે તો કોઇએ ક્યારેય કલ્પના ન કરી હોય એવાં ખરાબ પરિણામો લાવશે. મોતની તારીખ જાણીને આખરે કરવું છે શું?
મોત ડરામણો શબ્દ છે. ગમે એવી ઊંચી ઊંચી હાંકતો માણસ પણ મોતનું નામ પડે એટલે ઢીલોઢફ થઇ જાય છે. ક્યારેક કંઈક ઓચિંતું થાય તો પણ પરસેવો વળી જાય છે. મેડિકલ ટેસ્ટ કરાવવા ગયા હોઇએ એ પછી રિપોર્ટ ન આવે ત્યાં સુધી જીવ તાળવે ચોંટેલો રહે છે. કોઇની તબિયત પૂછવા ગયા હોઇએ ત્યારે એ વ્યક્તિને શું થયું હતું એ જાણ્યા બાદ એક વખત તો એવો વિચાર આવી જ જાય છે કે, મને તો એવું કંઈ થતું નથીને? જેમ જેમ ઉંમર વધતી જાય એમ એમ માણસને મોતનો ડર વધતો જાય છે. ઘણાનાં મોઢે એવું સાંભળવા મળે છે કે, હવે ક્યાં ઝાઝા રહ્યા છે? બધાને એ વાતની ખબર છે કે, એક દિવસ મોત આવવાનું જ છે તો પણ એનો ડર તો રહે જ છે. આ ડર સ્વાભાવિક છે. જિંદગી બધાને વહાલી હોવાની જ છે, હોવી પણ જોઇએ. આપઘાતનો પ્રયાસ કરનારા લોકોમાં પણ એ જાણવા મળ્યું છે કે, આપઘાતનો પ્રયાસ થતાં થઇ જાય છે અને પછી જીવવા માટે ફાંફાં મારતાં હોય છે.
જ્યોતિષમાં માનનારા લોકોમાંથી ઘણા એવા હોય છે જે પોતાની કુંડળી કે હાથ બતાવતી વખતે એવું કહે છે કે, આયુષ્ય વિશે કંઇ ન કહેતાં. મારે એ વિશે કંઇ નથી જાણવું. નેચરલ ડેથ છે કે એક્સિડેન્ટલ ડેથ એ પણ જાણવું નથી. કુદરતે જે નસીબમાં લખ્યું હશે એ થશે. બધું જાણી લેવાની કંઇ જરૂર પણ હોતી નથી. કેટલુંક અજાણ્યું રહે એ જ બહેતર હોય છે. બે ઘડી માની લો કે, કોઇ પોતાના મોતની તારીખ જાણી લે છે, એ ભલે દસવીસ વર્ષ પછીની હોય તો પણ માઇન્ડમાં એવું તો રહે જ છે કે, હવે મારી પાસે આટલો જ સમય છે. જેમજેમ તારીખ નજીક આવતી જશે એમ એમ ફફડાટ વધતો જવાનો છે. બીજી વાત એ કે, એઆઈના આ મોડેલ વિશે એવું કહેવાયું છે કે, એ 78 ટકામાં સાચી આગાહી કરી જાણે છે. સવાલ એ થાય કે, બાકીના 22 ટકાનું શું? એનું તો ખોટું પ્રિડિક્ટ થયુંને? એ 22 ટકામાં કોનો સમાવેશ થાય છે? કોઇને કહી દેવામાં આવે કે તારું મોત આ દિવસે છે એટલે એ તો અર્ધો મરી જ જાય!
હવે એક બીજી વાત. મોતની તારીખ જાણી દેતું મોડેલ કોઇના હાથમાં આવી ગયું તો એનો ખતરનાક દુરુપયોગ થઇ શકે છે. બે ઘડી માની લો કે આ મોડેલ ઇન્સ્યૂરન્સ કંપનીના હાથમાં આવી ગયું તો? એ તો કોઈનો વીમો ઉતારતા પહેલાં એ જ જોવાના છેને કે, આ ભાઈ કે બહેન કેટલું જીવવાનાં છે? કોઈ બીમાર પડે તો એની સારવાર પાછળ ખર્ચ કરવો કે નહીં એ જાણવા પણ આ મોડેલનો દુરુપયોગ થઇ શકે છે. આ આમેય વધુ સમય કાઢવાના નથી તો પછી એની પાછળ ખર્ચ શા માટે કરવો? માણસ સરવાળે સ્વાર્થી પ્રકૃતિનો છે. એ તો લગ્ન કરતી વખતે પણ જોવે એવો છે કે, હું જેને પરણું છું એ મારી સાથે કેટલો સમય કાઢવાનો કે કાઢવાની છે?
આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સામે અમેરિકા સહિત અનેક દેશમાં ચળવળ ચાલે છે કે, આને ગમે તેમ કરીને અટકાવો. માત્ર મોતની તારીખની જ વાત નથી, બીજી ઘણીબધી રીતે એઆઇ જોખમી છે. માણસ હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી તૈયાર થયેલી છોકરી કે છોકરા સાથે પ્રેમ કરવા લાગ્યા છે! એઆઈ માણસની નોકરીઓ જ ખાઈ નથી જવાનું, એ તો માણસની સંવેદનાને પણ બુઠ્ઠી કરી નાખશે. એઆઇની મર્યાદા નક્કી કરવા માટે આંતરરાષ્ટ્રીય કાયદાઓ બનાવવાની વાત પણ ચાલી રહી છે. ખુદ એઆઇના એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે, અત્યારે જે ચાલી રહ્યું છે એ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે. અત્યાર સુધી તો લોકોની પ્રાઇવસી સુધીનો જ ખતરો હતો, હવે તો એઆઇ એનાથી ક્યાંય આગળ નીકળી ગયું છે. પ્રાઇવસી જેવું તો હવે કંઈ રહ્યું જ નથી. બધાનું બધું જ જાણી શકાય છે. કોઇના પણ મોબાઇલ કે ડિજિટલ ડિવાઇસીસ હેક કરી શકાય છે. કોઇને પણ તેની અંગત વિગતો અને ફોટોગ્રાફ્સ મેળવીને બ્લેકમેલ કરી શકાય છે. ડિજિટલ અથવા તો વર્ચ્યુઅલ ગેંગરેપની ઘટનાઓ પણ બનવા લાગી છે. આ બધું ક્યાં જઈને અટકશે એ કહેવું અઘરું છે.
બાય ધ વે, તમારી પાસે આ મોડેલ હોય તો તમે મોતની તારીખ જાણવાની ચેષ્ટા કરો ખરાં? હશે, કેટલાંક લોકો એવા પણ હશે જે કહેશે કે આપણને ખબર તો પડે કે આપણી પાસે કેટલો સમય છે, આપણે એ રીતે લાઇફને સેટ કરી શકીએ. એવી દલીલ કરવાવાળા પણ છે કે, એક દિવસ મરવાનું જ છે તો કયા દિવસે મરવાનું છે એ જાણવામાં શું વાંધો છે? આ મોડેલનો ઉપયોગ કર્યા પછી ઘણા લોકો બેફામ બની જાય એવી પણ શક્યતાઓ છે. આપણને હમણાં ક્યાં કંઈ થવાનું છે એવું વિચારીને એ મનફાવે એમ કરવા લાગશે! આ સિવાય પણ માણસ પોતાની રીતે વિચારીને એનો સારો કે નરસો ઉપયોગ કરી શકે છે. એટલે જ આવા જોખમી પ્રયોગો અટકે એ જરૂરી છે. મોતને બહુ છંછેડવામાં માલ નથી. જિંદગી જીવો, જે છે એને માણો, બાકી જે થવાનું હશે અને જ્યારે થવાનું હશે એ થશે. લોકોની જિંદગી આમ પણ હરામ થતી જાય છે, શ્વાસ લેતા લોકોમાંથી પણ ખરેખર કેટલા લોકો જીવવા જેવી જિંદગી જીવતાં હોય છે? ધ્યાન જિંદગીનું રાખવાનું છે, મોતનું નહીં!
હા, એવું છે!
જિંદગી અને મોત વિશે અનેક લોકોએ જાતજાતની ફિલોસોફીઓ આપી છે. મૃત્યુ પછી શુંથી માંડીને પુનર્જન્મ વિશે પણ બહુ કહેવાયું છે. આ બધામાં એક મહત્ત્વની વાત એ છે કે, મોત વિશે બહુ વિચારવા જેવું નથી. મોતના વિચારો માણસને શાંતિથી જીવવા દેતા નથી. જિંદગી જીવવા માટે છે, ડરવા માટે નહીં!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 10 જાન્યુઆરી 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: