તને મારા પર પ્રેમ
હોય એવું લાગતું નથી
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
બને કે આપણી સમજણમાં ભેદ હોઇ શકે!
તું જેને મુક્તિ ગણે છે એ કેદ હોઇ શકે!
પ્રથમ એ માની લો કે આભ એક ચાદર છે,
પછી સિતારા બધા એના છેદ હોઇ શકે!
-જિગર જોષી ‘પ્રેમ’
પ્રેમ છુપો રહી શકતો નથી. પ્રેમ છુપો રહી જ ન શકે. પ્રેમ વર્તાઇ આવતો હોય છે. પ્રેમ રગે રગમાં રોમાંચ રોપી દે છે. એ રોમાંચની અસર ચહેરા ઉપર વર્તાવાની જ છે. અચાનક બધું જ રંગીન અને સંગીન લાગવા માંડે છે. જીવવાનું જાણે કોઇ અદ્ભુત કારણ મળી ગયું હોય એવી અનુભૂતિ થાય છે. સૃષ્ટિનો દરેકે દરેક કણ સાળે કળાએ ખીલેલો લાગે છે. એનું કારણ એ છે કે, પ્રેમમાં પડેલો માણસ ખુદ હન્ડ્રેડ પર્સન્ટ જીવતો હોય છે. જોઇતું હોય એ જડી ગયું હોય ત્યારે ઠંડી હવાથી પણ નશો ચડે છે. આંખોમાં અનેરી ચમક તરવરે છે. બંધ આંખોએ પણ એક ચહેરો દેખાતો રહે છે. આંગળીઓના ટેરવામાં ગજબની ઝંખના જાગે છે. પ્રેમીનો વિચાર મનમાંથી ખસતો જ નથી. વાત સાવ ક્ષુલ્લક હોય તો પણ એ સૌથી અગત્યની લાગે છે. પ્રેમમાં એવી તાકાત છે કે, માણસ બગાવત પર ઉતરી આવે છે. પોતાની વ્યક્તિ માટે એ કંઇ પણ કરી છુટવા તૈયાર થઇ જાય છે. એની ચાલમાં ગજબનો થનગનાટ આવી જાય છે. પ્રેમી કે પ્રેમિકા નજરે પડે કે તરત જ બત્રીસ કોઠે દીવા પ્રગટી જાય છે. પ્રેમમાં હોય એ માણસ ઉદાર અને દિલદાર બની જાય છે.
વિરહ હવે પહેલા જેટલો અઘરો અને આકરો નથી. મોબાઇલે પ્રેમીઓના મિલન અને દર્શનને બહુ સરળ બનાવી દીધા છે. ફટ દઇને મોબાઇલ કોલથી કલાકો સુધી વાતો કરી શકાય છે. ઘરેથી વાત થાય એમ ન હોય તો સોશિયલ મીડિયામાં મૂકેલી તસવીરો અને તેણે લખેલી વાતો મમળાવતા રહેવાય છે. એકની એક વાત હોય, એકનો એક ફોટો હોય તો પણ ગમે એવું પ્રેમમાં જ સંભવે. વોટ્સઅપનું પ્રોફાઇલ પિક્ચર પણ નિકટતા જેવું લાગે. લાસ્ટ સીનને સમય થઇ ગયો હોય તો એવો વિચાર આવી જાય કે, શું કરતી હશે કે શું કરતો હશે? તેં ખાઇ લીધું એવા પ્રશ્નનના જવાબમાં હા આવી જાય એટલે એવું લાગે જાણે પોતાને ઓડકાર આવી ગયો હોય! પ્રેમમાં કંઇ પણ શક્ય છે. પ્રેમમાં માણસ પોતે પણ કલ્પના ન કરી હોય એવા કરતૂત કરતો કરતો હોય છે. પ્રેમીઓને એમ જ તો કંઇ પાગલ કે દીવાના નહીં કહેવાતા હોયને!
પ્રેમના અનુભવ વિશે એક છોકરીને પૂછવામાં આવ્યું ત્યારે તેણે એવું કહ્યું હતું કે, પ્રેમ તમને ભૂતની જેમ વળગે છે. કંઇ દેખાતું હોતું નથી, બધું જ અનુભવાતું હોય છે. પ્રેમના સ્વીકારની પળ પછી એક એવી અવસ્થામાં આવી જવાય છે કે, શું થઇ રહ્યું છે એની સમજ જ ન પડે! વાતે વાતમાં વ્યક્તિ વણાઇ જતી હોય છે. વાત કરવાની તરસ અને મળવાની તડપ આયખાને થોડી થોડી પરેશાન કરતી રહે છે. પ્રેમ સાથે એક વિચિત્ર પીડા પણ જોડાયેલી હોય છે. એની સાથે વાત ન થાય, એનો મેસેજ ન આવે કે આપણે કરેલા મેસેજનો જવાબ ન આવે ત્યાં સુધી ચેન પડતું નથી. કેમ હજુ જવાબ ન આવ્યો? બધું બરાબર તો હશેને? કંઇ થયું તો નહીં હોયને? પ્રેમમાં આધિપત્યની શરૂઆત ત્યાંથી જ થતી હોય છે કે, તારે તરત જવાબ આપી દેવાનો! એમાં કેટલી વાર લાગે? ગુડ નાઇટનો મેસેજ ન આવે ત્યાં સુધી મને ઊંઘ નથી આવતી. પ્રેમમાં હોઇએ ત્યારે આવી દાદાગીરી પણ કેર કરતા હોય એવી લાગતી હોય છે! પ્રેમ વિશે કોઇને કહી પણ નથી શકાતું અને કહ્યા વગર રહી પણ નથી શકાતું, છોકરો હોય કે છોકરી, જ્યારે કોઇ ગમવા લાગે છે એ પછી સૌથી પહેલા પોતાના દોસ્તને જ વાત કરતા હોય છે. ઘરમાં કોઇની નજર જો શાર્પ હોય તો એ તરત જ પકડી પણ પાડે છે. એક માતાની વાત છે. તેની દીકરીની લાઇફમાં એક છોકરાનો પ્રવેશ થયો. દીકરીના હાવભાવ જ જાણે બદલી ગયા. દીકરીના વર્તનને પારખી ગયેલી માતાએ પૂછી જ લીધુ, કોણ છે? દીકરીએ સામો સવાલ કર્યો કે, તને કેમ ખબર પડી ગઇ કે, મારી લાઇફમાં કોઇ છે? માતાએ કહ્યું, બેટા અમે પણ પ્રેમ કર્યો છે, તારા પપ્પા મળ્યા ત્યારે તને થાય છે એવું જ મને થતું હતું!
પ્રેમનો પ્રોબ્લેમ એ છે કે, એ સમયની સાથે ક્યારેક ઓસરી પણ જતો હોય છે. ઓસરતો પ્રેમ જિંદગીમાં ચાસ પાડી દેતો હોય છે. એ વાતથી ઇનકાર ન થઇ શકે કે, પ્રેમ ક્યારેય એક સરખો રહેતો નથી. માણસ પણ ક્યાં કાયમ માટે એક સરખો જ હોય છે? લગ્નમાં પરિણમતો પ્રેમ પણ ક્યારેક અલોપ થઇ જતો હોય છે. માણસને આમેય જે જોઇતું હોય એ મળી જાય પછી એની કોઇ ખાસ વેલ્યૂ રહેતી નથી. એક પતિ પત્નીની આ વાત છે. બંનેએ લવમેરેજ કર્યા હતા. મેરેજ માટે ગમે તે કરવા બંને તૈયાર હતા. બંનેના મા-બાપ માની ગયા એટલે કોઇ વાંધો આવ્યો નહોતો. થોડાક સમયમાં જ બંને રૂટિન લાઇફ જીવવા લાગ્યા. પ્રેમ ક્યાં અલોપ થઇ ગયો એ ખબર જ ન પડી. એક સમયે પત્નીએ પતિને કહ્યું કે, તને એવું નથી લાગતું કે આપણે બંને એક-બીજા માટે જ બોરિંગ થતાં જઇએ છીએ? પતિએ કહ્યું, હા એવું તો લાગે છે. પત્નીએ કહ્યું. ચાલ આપણે સાથે બેસીને વિચારીએ કે એવું કેમ લાગે છે અને એવું ન લાગે એ માટે શું કરવું? પ્રેમમાં અને દાંપત્યમાં પણ માણસે સ્ટેટસ ચકાસતું રહેવું જોઇએ કે, લવમાં રોમાંચ તો બચ્યો છેને? રોમાન્સ જેવું જે તરબતર હતું એ સૂકાઇ નથી ગયુંને? જિંદગી પર પણ નજર રાખવી પડતી હોય છે, જો નજર ન રાખીએ તો જિંદગી પણ છેતરી જતી હોય છે. આપણી વ્યક્તિ આપણી જિંદગી હોવી જોઇએ, એ ધબકતી હશે તો જ જિંદગી જીવવા જેવી લાગવાની છે.
પ્રેમ દરેક વખતે સાચો જ હોય એવું પણ જરૂરી હોતું નથી. પ્રેમનો ભ્રમ ખતરનાક હોય છે. પ્રેમને પારખતા આવડવું જોઇએ. મીઠી મીઠી વાતોવાળો પ્રેમ ઘણી વખત છેતરામણો ચહેરો પહેરીને આવતો હોય છે. એક છોકરા છોકરીની આ વાત છે. બંને પ્રેમમાં હતા. છોકરીને થોડા જ સમયમાં એવું લાગવા માંડ્યું કે, બંનેની વચ્ચે કંઇક મિસિંગ છે. ખૂટતું હોય તો એને પૂરી શકાય પણ જો હોય જ નહીં તો એનો કોઇ ઇલાજ હોતો નથી. પ્રેમનો વહેમ ગંભીર બાબત હોય છે. જે આ વહેમને સમજી નથી શકતા એ છેતરાતા હોય છે. એક દિવસ છોકરીએ નક્કી કરી લીધું કે, મારે આ સંબંધનો અંત લાવવો છે. તેણે છોકરાને કહ્યું કે, મને લાગતું નથી કે તને મારા પર પ્રેમ હોય! કંઇક અધૂરું લાગે છે અને એ પૂરું થાય એવા કોઇ એંધાણ પણ મળતા નથી. પ્રેમ કરવા ખાતર કરવાની ચીજ નથી. પ્રેમી મળે અને એક ધબકારો પણ ન વધે તો, સામેની વ્યક્તિનો ચહેરો જરાય ન ખીલે તો, સ્પર્શમાં જરાયે ભીનાશ ન વર્તાય તો, હવામાં ઉડવાની જરાયે અનુભૂતિ ન થાય તો, વાત કરવા માટે વિષય ન મળે તો, મૌન પણ બોલકું ન લાગે તો, એના માટે કંઇપણ કરી છૂટવાની તમન્ના ન થાય તો, તેની સાથે વાત કરવાનું મન ન થાય તો, છૂટા પડતી વખતે જરાયે દર્દ ન થાય તો, મળીને હાશ ન થાય તો અને કાયમ માટે એક-બીજાના થઇ જવાનું મન ન થાય તો સમજવું કે કંઇક ગરબડ છે!
પ્રેમ હોય તો પણ એ સૂકાઇ ન જાય, મૂરઝાઇ ન જાય એની કાળજી રાખવી પડે છે. ક્યારેક થોડીક ઓટ આવે એ સ્વાભાવિક છે પણ પાછી ભરતી પણ આવી જવી જોઇએ. ચેક કરતા રહો, તમારો પ્રેમ સજીવન તો છેને? ન હોય તો એમાં નવેસરથી પ્રાણ ફૂંકો. રોમાંચ અને રોમાન્સ માટે કારણો ન હોય તો બેઠા કરો. મોડું થઇ જાય એ પહેલા પણ સમય મળતો હોય છે. એટલું મોડું ન થવા દો કે અફસોસ સિવાય કંઇ બાકી ન રહે!
છેલ્લો સીન :
પ્રેમમાં ઉતાવળ જોખમી હોય છે કારણ કે, પ્રેમ ઘડીકમાં ઓળખાતો નથી. સમય આવ્યે જ એ સાબિત થતું હોય છે કે, પ્રેમ સાચો હતો કે બનાવટી? કળી પરથી નક્કી નથી થતું કે, ફૂલ કેવું અને કેટલું ખીલશે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 08 મે 2022, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
Nice…👌👌👌
🙂