તારે એને સમજાવવાની નહીં, સમજવાની જરૂર છે!

તારે એને સમજાવવાની
નહીં, સમજવાની જરૂર છે!

35

ચિંતનની પળે – કૃષ્ણકાંત ઉનડકટ

વો ગુનહગાર મેરે હક મેં દુઆ કર દેતા,
મેરે સુખે હુએ જંગલ કો હરા કર દેતા,
એક મુદ્દત સે યે હમરાહ રહા કરતી હૈ,
રંજિશે કોઈ મેરે દિલ સે જુદા કર દેતા.
– બશીર બદ્ર

સબંધ અને સમજને બહુ નજીકનો નાતો છે. સમજ હોય ત્યાં જ સ્નેહ હોય છે. જે માણસને પ્રેમ કરતા આવડતું ન હોય એ નફરત સિવાય કંઈ ન કરી શકે. સમજ વગરના સંબંધો જીવાતા હોતા નથી, ઢસડાતા હોય છે. ઘણા સંબંધો એવા હોય છે જે નિભાવવા પડે છે. આવા સંબંધો ઢસડાતા સંબંધો છે. ઢસડાતા સંબંધોમાં બંને ઘવાતા અને દુ:ખી થતા હોય છે. સ્નેહ પણ સમજ વગરનો હોય તો એનો કોઈ અર્થ નથી. જ્યાં સમજ છે ત્યાં સ્નેહ છે,જ્યાં સ્નેહ છે ત્યાં જ સંબંધ છે.

દરેક માણસ કોઈનીને કોઈની સાથે જોડાયેલો છે. કોઈનું ગ્રૂપ નાનું છે તો કોઈનું મોટું. કોઈની જવાબદારી વધુ છે તો કોઈની ઓછી. સંબંધ ટકાવવા માટે દરેક માણસ પોતાની શક્તિ મુજબ પ્રયાસ કરતો રહે છે. સમાજ એ સંબંધોનું જ વિસ્તૃત સ્વરૂપ છે. દરેક સંબંધનો કોઈ આધાર હોય છે. સ્વાર્થ પણ સંબંધનો એક આધાર છે. જોકે, આવા સંબંધો સ્વાર્થ સધાઈ જાય એટલે સમાપ્ત થઈ જતા હોય છે. સંબંધનો સાચો આધાર સ્નેહ છે.

સંબંધ ક્યારેય સીધી લીટીમાં ચાલતો નથી. ચડાવ અને ઉતાર એ સંબંધની ફિતરત છે. સમય, સ્થળ અને સંજોગો મુજબ સંબંધો બદલતા રહે છે, બગડતા રહે છે, બંધાતા રહે છે અને તૂટતા રહે છે. સંબંધો બગડવાનું કે તૂટવાનું કારણ શું? સંબંધો બંધાવાનાં કોઈ કારણો ઘણી વખત નથી હોતાં, પણ સંબંધો તૂટવાનાં કારણો તો હોય જ છે. સંબંધ તૂટે ત્યારે એની વેદના થાય છે. સંબંધ જેટલો વધુ નજીક હોય એટલી તૂટવાની પીડા વધારે થાય છે. જેને પોતાના માનતા હોય એનું પોત નબળું પડે ત્યારે માણસને આઘાત લાગે છે. સાવ નજીકના સંબંધો ઘણી વખત પરપોટાની જેમ ફૂટી જાય છે. સંબંધનું આયખું ખૂટી જાય છે. જેના સંબંધ વધારે ટકે છે એ માણસે ઘણું બધું જતું કર્યું હોય છે.

બે મિત્રોની વાત છે. બંને વચ્ચે આર્થિક વ્યવહાર થયો. લેતી-દેતી બાબતે ગેરસમજ થઈ. એક મિત્રએ કહી દીધું કે, તું સાચો. જવા દે, મારે રૂપિયા નથી જોઈતા. જતું કરનારને તેના એક સ્વજને કહ્યું કે, તું સાચો હતો તો પણ તેં રૂપિયા કેમ જતા કર્યા? મિત્રએ કહ્યું કે, મેં રૂપિયા જતા કરીને અમારી દોસ્તી બચાવી લીધી. મારા માટે દોસ્તીની કિંમત એટલા રૂપિયા કરતાં ક્યાંય વધુ છે. જ્યારે બંને પોતાને સાચા માનતા હોય ત્યારે સંબંધ ટકાવવા માટે એકે ખોટા સાબિત થવું પડતું હોય છે.

દુશ્મની નિભાવવી સહેલી છે, દોસ્તી નિભાવવી અઘરી છે. દુનિયાનો દરેક સંબંધ ક્યારેક તો કસોટીની એરણે ચડે જ છે. એક સંતે સરસ વાત કરી છે. સંબંધ ટકાવવા માટે સમજની જરૂર છે. આ સમજ આપણી વ્યક્તિને સમજવાની છે. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સમજવા નહીં, પણ સમજાવવાનો જ પ્રયાસ કરતા રહીએ છીએ. સંતે કહ્યું કે, મારી પાસે એક ભાઈ આવ્યા હતા. પત્ની સાથે એને બનતું ન હતું. નાની નાની વાતમાં ઝઘડા થાય. આ ભાઈએ સંતને કહ્યું કે, હું મારી પત્નીને સમજાવીને થાકી ગયો, એ કોઈ વાતે સમજતી જ નથી. સંતે તેને કહ્યું કે, તારે એને સમજાવવાની નહીં, પણ સમજવાની જરૂર છે. બનવા જોગ છે કે એ પણ તને સમજાવતી જ હશે, પણ તું સમજતો નહીં હોય. બેમાંથી એકે તો સમજવું જ પડે. બંને સમજાવતાં રહે તો કોઈ ઉકેલ જ ન આવે.

આપણે સમજાવવામાં જેટલી મહેનત કરીએ છીએ એનાથી અડધી મહેનત પણ જો સમજવામાં કરીએ તો ઘણી બધી સમસ્યાઓનો અંત આવી જાય. એક સફળ માણસને એક વખત પૂછવામાં આવ્યું કે, તમારી સફળતાનું મુખ્ય કારણ શું? તેણે કહ્યું કે, મને સારા માણસો મળ્યા છે. આ જ પ્રશ્ન તેના માણસોને પૂછવામાં આવ્યો ત્યારે એ બધાએ કહ્યું કે, અમને સારા બોસ મળ્યા છે! સફળ માણસને કહ્યું કે તમે સ્પષ્ટ વાત કરો કે, તમે કેવી રીતે સફળ થયા? આખરે તેણે કહ્યું કે, હું ક્યારેય મારા માણસોને સમજાવતો નથી, માત્ર એને સમજુ છું. એ કંઈ કરે છે તો શા માટે કરે છે? કંઈ નથી કરતો તો એનું કારણ શું છે? તમે તમારા લોકો પાસે તમારી સમજ મુજબ નહીં, એની સમજ મુજબ જ કામ લઈ શકો.

દરેક વ્યક્તિને કંઈક ગમતું હોય છે. દરેકને કંઈક ન પણ ગમતું હોય છે. તમને ખબર છે કે તમારી વ્યક્તિને શું ગમે છે? શું નથી ગમતું? જો તમને એ ખબર હોય તો તમે એને સમજો છો. માત્ર સમજવાથી પણ વાત પતી જતી નથી. તેને ન ગમતું હોય એવું કરવું પણ ન જોઈએ. તેને ન ગમે તો કંઈ નહીં, મને ગમે છેને! મને તો જે ગમે એ જ હું કરવાનો કે કરવાની છું. પોતપોતાની રીતે ઘણા જીવતા હોય છે, એકબીજાની રીતે જીવનારા બહુ ઓછા છે.

જીવન તો ચાલવાનું જ છે. તમે રડશો તો પણ દિવસ પસાર થવાનો છે અને તમે હસશો તો પણ ઘડિયાળના કાંટા ફરતા જ રહેવાના છે. હસવામાં હળવાશ છે અને રડવામાં કડવાશ છે. હળવાશ હશે તો સહવાસ ખીલશે અને જીવવા માટે પ્રયાસ નહીં કરવા પડે. કેટલાં ઘર પ્રેમ અને શાંતિનાં પ્રતીક હોય છે? અમુક ઘર એવાં હોય છે જેની દીવાલોને પણ રડવાનું મન થાય.

એક બાળકને ઘર વિશે નિબંધ લખવાનું કહેવાયું. બાળકે લખ્યું, મારે એક ઘર છે. તેમાં અમે રહીએ છીએ. મમ્મી છે, પપ્પા છે, એક બહેન પણ છે. મમ્મી-પપ્પા રોજ ઝઘડે છે. સાવ નાની નાની વાતે. એક વખત પાણીનો પ્યાલો આપવા બાબતે બંને વચ્ચે તકરાર થઈ. મેં કહ્યું કે લાવો હું આપી દઉં, પણ તમે ઝઘડવાનું બંધ કરો. હું મારા મિત્રના ઘરે જાઉં છું તો એનું ઘર મને જુદું લાગે છે. એનાં મમ્મી-પપ્પા ઝઘડતાં નથી. એક વખત એ અંકલ-અાન્ટીને મેં પૂછ્યું કે તમે કેમ ઝઘડતાં નથી? એ બંનેએ કહ્યું, અમને નથી આવડતું! મેં કહ્યું, સારું છે તમને નથી આવડતું. મારે પણ એવું નથી શીખવું. કંઈ ન આવડે એના માટે શું કરવું? સ્કૂલમાં તો બધું આવડે એવું જ શીખવવામાં આવે છે! મને ક્યારેક થાય છે કે ન આવડવા જેવું થોડુંક ક્યારેક આપણે ઘરમાં જ શીખતા હોઈએ છીએ. આવડતું હોય એ ભૂલી જવાય એવી કોઈ શાળા ખરી? મારે મારાં મા-બાપને ઝઘડતાં ન આવડે એવું કરવું છે, મારે મારા ઘરને પણ મારા ફ્રેન્ડના ઘર જેવું બનાવવું છે. મને મારું ઘર બહુ ગમે છે, બસ ઘરમાં થતા ઝઘડા નથી ગમતા. બાળકનો નિબંધ વાંચી ટીચરની આંખો ભીની થઈ ગઈ. તેનાં મા-બાપ પાસે જઈને દીકરાનો નિબંધ આપ્યો અને કહ્યું કે, તમે એકબીજાને તો નથી સમજતાં, કમ સે કમ આ નિર્દોષ દીકરાને તો સમજો!

દરેક માણસ બસ સમજાવતો રહે છે. શું સાચું, શું ખોટું, શું હોવું જોઈએ, શું ન હોવું જોઈએ, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ. પોતાનો કક્કો ક્યારેય કોઈને ખોટો લાગતો હોતો નથી. આપણે કોઈને પૂછતાં પણ નથી કે મારો કક્કો સાચો છે કે ખોટો? સમજાવતા રહેશો તો સંબંધમાં ક્યારેય સફળ નહીં થાવ અને સમજતાં રહેશો તો સંબંધ ટકાવવા માટે ક્યારેય પ્રયાસ કરવો નહીં પડે. તમારી વ્યક્તિને સમજવાનો જરાક પ્રયાસ કરજો, નજીક આવવા અને નજીક રહેવા માટે બીજું કંઈ કરવું નહીં પડે!{

છેલ્લો સીન:
જેને ગુણની પરખ નથી એની પ્રશંસાથી ડરવું. જેને ગુણની પરખ છે એના મૌનથી ડરવું. – એક વોટ્સએપ મેસેજ

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 25 મે 2016, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

26.5 in size.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

15 thoughts on “તારે એને સમજાવવાની નહીં, સમજવાની જરૂર છે!

 1. HI SIr, Good Morning. How ARE YOU DOING ?

  Very nice,good Article for FAMILY, Who live TOGATHER,

  We have a very good family, we Always Go togather. We get togather all oktn,,,

  very understanding ARTICLE SIR. THANK YOU SO MUCH.

  I THINK YOU HAVE SO MUCH FAMILY EXPERN,,

  I HOPE NEW JONARN,,UNDERSTAND YOUR ARTICLE..

  ENJOY YOUR YOUR DAY.

  THANK YOU SO MUCH SIR FOR WONDERFUL ARTICLE.

  PLEASE DO NOT POST THIS COMMENT ON FB OK<

  THANK YOU AGAIN

  HAVE A GOOD NIGHT SIR.

  PARIKA PANCHAL

 2. Really it’s superb very very very nice story ,soooooo goood it, I always read it, I am every day waiting for the next story

 3. ખુબ સરસ લેખ..
  ક્રિશ્નકાન્ત ભાઇ .. હાર્દિક અભિનન્દન
  વારંવાર વાંચવાનું મન થાય એવા તમામ લેખ..

 4. Hii.. Sir., i am Saurabh Trivedi., we are living in joint family. and we always believe in joint family. now i am 21 year Old. and i can understand only one thing about relations,and also as par my own thoughts

  “EGO in a Relationship, it destroy your Relationship..but if you have EGO on that Relation, than no any one destroy your Relationship.”

  Thank Sir,

 5. Hii.. Sir., i am Saurabh Trivedi., we are living in joint family. and we always believe in joint family. now i am 21 year Old. and i can understand only one thing about relations,and also as par my own thoughts

  “EGO in a Relationship, it destroy your Relationship..but if you have EGO on that Relation, than no any one destroy your Relationship.”

  Thank Sir,

 6. Dear sir;
  Again it was a mind-blowing
  Article.
  You just ROCKED sir.
  What you write is
  All about Life.
  You cover little tiny
  Issues of life and relationships.
  Thank you for such great
  Inspiration.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *