કૉલેજના પ્રોફેસર્સે દરરોજ માત્ર
બે જ કલાક ભણાવવાનું!
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
આરામ અને મોજની નોકરી કરવી છે? તો પ્રોફેસર બની જાવ! કૉલેજ જઇ બે-ત્રણ પિરિયડ લઇ લેવાના પછી આપણે જે કરવું હોય એ કરવાનું. વેકેશનનો પણ લાભ મળે, મજા પડી જાય એટલી રજાઓ આવે, તગડો પગાર. ફાજલ સમયમાં બીજું કામ કરવું હોય તો પણ કરી શકાય. એક વખત નોકરી મળી જાય પછી જલસા જ જલસા! આ વાત સાચી છે ખરી? હા, આ વાત તદ્દન સાચી છે એવા પ્રોફેસર્સ માટે જે અેક નંબરના આળસુ છે, જેને માત્ર પગારથી જ મતલબ છે અને જેને બીજું કંઇ કરવું નથી એના માટે આ વાત સંપૂર્ણ સત્ય છે, જેને કંઇક નવું કરી બતાવવું છે, જેને માત્ર સ્ટુડન્ટસની જ નહીં પણ દેશની પણ ચિંતા છે, જે સતત નવું સંશોધન કરતા રહે છે તેના માટે આ વાત ખોટી છે. અલબત્ત, જેના માટે આ વાત તદ્દન ખોટી છે એવા પ્રોફેસર્સ લઘુમતીમાં છે, બહુમતી પ્રોફેસર્સ લોકોની માન્યતાઓમાં એકદમ ફિટ થાય છે!
આપણા દેશની હ્યુમન રિસોર્સિસ ડેવલપમેન્ટ મિનિસ્ટ્રીએ હમણાં પ્રોફેસર્સના લેક્ચર લેવાના સમયમાં બે કલાકનો ઘટાડો કરી નાખ્યો. નવા નિયમ મુજબ યુજીસીની ગ્રાન્ટ મેળવતી કોલેજિસના એસોસિએટ પ્રોફેસર્સે દર અઠવાડિયે 16 કલાકને બદલે 14 કલાક ભણાવવાનું રહેશે. મતલબ કે દરરોજના બે કલાક! રવિવારની રજાને બાદ કરો તો બાકીના છ દિવસમાં અઢી અઢી કલાક ભણાવવાનું. પિરિયડ મુજબ ગણીએ તો પચાસ મિનિટના ત્રણ પિરિયડ લેવાના! આ વાત સાંભળી પહેલો વિચાર તો એ જ આવે કે, કેવું સરખું પડી જાય! સામાન્ય સંજોગોમાં મિનિમમ આઠ કલાકની નોકરી હોય છે. હવે તો લંચ અને ટી બ્રેક અલગ ગણી લેવાય છે એટલે નોકરી નવ કલાકની થઇ ગઇ છે. ઘણી પ્રાઇવેટ કંપનીઝમાં તો વળી એવું પણ છે કે આવવાનો ટાઇમ નક્કી પણ જવાનો કોઇ ચોક્કસ સમય નહીં! કામ પતે નહીં ત્યાં સુધી અથવા તો બોસ રજા ન આપે ત્યાં સુધી નહીં જવાનું! એની સામે પ્રોફેસર્સે અઢી જ કલાક ભણાવવાનું! આવી નોકરી તો નસીબદારને જ મળે!
પ્રોફેસર્સે દરરોજના બે કલાક જ કામ કરવાનું હોય છે? તેનો જવાબ છે, ના! તેમણે કામ તો આઠ કલાક જ કરવાનું હોય છે. બે કલાક સિવાયના બાકીના છ કલાક તેમને રિસર્ચ અને લેક્ચરની પ્રિપ્રેરેશન માટે આપવામાં આવે છે. હે દેશના પ્રોફેસર્સ, તમે તમારા દિલ ઉપર હાથ રાખીને તમારી જાતને જ એક પ્રશ્ન પૂછો કે તમે દરરોજ છ કલાક તો શું, બે-ત્રણ કલાક પણ રિસર્ચ કરો છો? જો તમે આ કામ કરતા હોવ તો તમને વંદન છે! ન કરતા હોવ તો? તો તમે સ્ટુડન્ટ્સ અને દેશને મોટું નુકસાન કરી રહ્યા છો!
દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝ જેવી કે ઓક્સફર્ડ, હાવર્ડ, કેમ્બ્રિજ અને બીજી જે સુપ્રસિદ્ધ યુનિવર્સિટીઝ છે એ તેમના રિસર્ચના કારણે છે. દુનિયાની શ્રેષ્ઠ વસ્તુઓ અને ટેક્નોલોજીનો વિકાસ આ યુનિવર્સિટીઝના કેમ્પસમાં થાય છે. આપણે ત્યાં રિસર્ચના નામે થવું જોઇએ એવું કંઇ થતું નથી. વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાં આપણા દેશની યુનિવર્સિટીઝનું નામ બિલોરી કાચ લઇને શોધવા બેસો તો પણ મળે એમ નથી! યુરોપ અને અમેરિકાની વાત તો જવા દો, આપણે તો એશિયામાં પણ ઘણા પાછળ છીએ. એશિયાની ટોપ હન્ડ્રેડ યુનિવર્સિટીઝમાં આપણી નવ યુનિવર્સિટીનાં નામ છે. આમાં પણ ટોપ ટેનમાં તો આપણી એકેય યુનિવર્સિટી નથી. એશિયાની ટોપ હન્ડ્રેડમાં ચીનની 21, જાપાનની 19 અને દ. કોરિયાની 13 યુનિવર્સિટીઝ છે. આપણે ખરેખર બહુ પાછળ છીએ.
દેશના એક મીડિયા હાઉસે નેલ્સન રિસર્ચ ગ્રૂપ સાથે મળી એક સર્વે કર્યો હતો, તેમાં દેશની યુનિવર્સિટીઝ દુનિયામાં પાછળ હોવાનું સૌથી મોટું કારણ એ બહાર આવ્યું હતું કે, આપણી યુનિવર્સિટીઝમાં રિસર્ચના નામે તાગડધિન્ના ચાલે છે. આપણા દેશમાં 700 યુનિવર્સિટીઝ છે અને 35,500થી વધુ કોલેજિસ છે. આમ છતાં, આપણે કંઇ ઉકાળી શકતા નથી. ઘણી કોલેજિસ તો એવી છે જેના ટીચર્સની ક્ષમતા ઉપર જ સવાલ થાય! દેશની યુનિવર્સિટીઝ 30 ટકા જેટલું વેઇટેજ પણ રિસર્ચને આપતી નથી. અમુક પ્રોફેસર્સે કરવું પડે એટલું જ રિસર્ચ કરે છે, જે એના બાયો-ડેટાને નોકરીને યોગ્ય બનાવે. આપણે ત્યાં પ્રોફેસર્સ કરતાં તો સ્ટુડન્ટ્સમાં વધુ દમ હોય છે. જોકે સ્ટુડન્ટસને પણ રિસર્ચ માટે જેટલા પ્રોત્સાહિત કરવા જોઇએ કે જેટલી મદદ કરવી જોઇએ એટલી પ્રોફેસર્સ દ્વારા થતી નથી. પ્રોફેસર્સ શોર્ટક્ટ્સ શોધી આપે છે અને જલદી પૂરું કરાવીને વાત પતાવવાની જ દાનત રાખે છે.
દેશમાં શિક્ષણનું સ્તર કેમ નીચું છે એનાં કારણ શાળા કે કોલેજના કેમ્પસમાં જ મળી આવે તેમ છે. એક પ્રોફેસરે પોતાનો બચાવ કરતા કહ્યું કે નીચેથી જ એટલે કે હાઇસ્કૂલમાંથી જ નબળો માલ આવે તો અમે શું કરીએ? સ્કૂલ અને હાઇસ્કૂલના ઘણા ટીચર્સને પણ હવે પાછા ભણાવવા પડે એવી હાલત છે. આપણા શિક્ષકોનું સ્ટાન્ડર્ડ સમજવા માટે એક ઉદાહરણ પૂરતું છે. ધ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી બોર્ડે હમણાં આપણા રાજ્યના એક હજાર શિક્ષકોને નોટિસ ફટકારી છે. કારણ જાણીને કદાચ તમને આઘાત લાગશે, આ શિક્ષકોએ બોર્ડનાં પેપર્સ જોયાં પછી માર્ક્સનો સરવાળો ખોટો કર્યો હતો! તમે વિચાર તો કરો, પેપર જોવામાં આવી લાપરવાહી કે અણઆવડત કેમ ચાલે? બાય ધ વે, પેપરમાં જે ટોટલ મારવાના હોય છે એ સો માર્કની અંદરના જ હોય છે! આપણા શિક્ષકોને સરવાળા પણ નથી આવડતા!
શિક્ષણનું કાર્ય એ સતત સંશોધન અને અપડેટ રહેવાનું કામ છે. જે ભણાવવાનું હોય એટલું જ યાદ રાખી લેવાથી કામ પૂરું થઇ જતું નથી. બે-ચાર પાઠ સિવાય શિક્ષકોને કંઇ જ ગતાગમ પડતી નથી. જે પ્રોફેસર્સ ખરેખર હોશિયાર છે એ ટ્યૂશન્સ અથવા તો કન્સલ્ટન્સી ખોલીને તગડી કમાણી કરે છે. એ લોકોને માત્ર ને માત્ર કમાવવામાં જ રસ છે. ચાણક્યએ કહ્યું હતું કે, શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી! હે દેશના ગુરુદેવો, તમે ખરેખર અસાધારણ રહ્યા છો ખરા?
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 05 જુન 2016, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
Email : kkantu@gmail.com