હું તારાથી ડરું છું કારણ કે
તને પ્રેમ કરું છું
ચિંતનની પળે – કૃષ્ણકાંત
ઉનડકટ
તારા હૈયે જે વાત ઘૂંટાઈ,
જો એ મારી કિતાબમાં આવી,
પ્રેમનો દાખલો ફરી માંડો,
ભૂલ પાછી હિસાબમાં આવી.
– આદિલ મન્સૂરી
પ્રેમ ક્યારેય એકલો હોતો નથી. પ્રેમ ‘પેકેજ’માં હોય છે. પ્રેમમાં ઘણું બધું સાથે આવે છે. અઢળક લાગણી, થોડીક ચિંતા, થોડોક ભય અને થોડોક ડર પણ પ્રેમ સાથે જોડાયેલો હોય છે. પોતાની વ્યક્તિની ચિંતા એ પણ પ્રેમ જ છે. મારી વ્યક્તિ મજામાં અને સલામત તો હશે ને એવો ભય પણ પ્રેમ સાથે જોડાયેલો હોય છે. એવી જ રીતે પ્રેમમાં એક છૂપો ‘ડર’ પણ સામેલ હોય છે. અધિકારભાવ અનેક સીધા અને આડકતરાં બંધનો લાદે છે. તારે આમ નથી કરવાનું, તું પ્લીઝ આવું ન કરતો, તું આવું કરીશ તો મને નહીં ગમે આવું ઘણું પ્રેમમાં થતું હોય છે.
એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. લાંબા સમયના પ્રેમસંબંધ પછી બંનેએ લવમેરેજ કરી લીધાં. પતિ કુંવારો હતો ત્યારે પાનના ગલ્લે ઊભાં રહી મિત્રો સાથે ગપ્પાં મારતો હતો. પતિ પાનના ગલ્લે ઊભો રહે એ પત્નીને જરાયે ન ગમતું. પતિએ પ્રોમિસ આપ્યું હતું કે, લગ્ન પછી હું પાનના ગલ્લે ઊભો નહીં રહું. લગ્ન પછી તેણે પ્રોમિસ પાળ્યું અને પાનના ગલ્લે ઊભા રહેવાનું બંધ કરી દીધું. તેના મિત્રો તેને ખીજવતાં કે તું તારી પત્નીથી ડરે છે. ધીમે ધીમે આ વાત પત્ની સુધી પણ પહોંચી કે, પતિના મિત્રો એવી વાતો કરે છે કે તે મારાથી ડરે છે.
એક વખત પતિના બધા ફ્રેન્ડસ ગેટ ટુ ગેધર માટે ઘરે ભેગાં થયાં. પત્નીએ મોકો જોઈને વાત કરી કે, તમે બધા મારા હસબન્ડને એવું કહો છો કે એ મારાથી ડરે છે. મારે તમને બધાને આજે એક વાત કરવી છે. એ વાત કરે એ પહેલાં જ પતિએ તેને રોકી અને કહ્યું કે તારી વાત પહેલાં મને મારી વાત કરી લેવા દે. તેણે બધાં મિત્રોને સંબોધીને કહ્યું કે, તમે બધાં એમ કહો છો ને કે હું મારી પત્નીથી ડરું છું એટલે પાનના ગલ્લે નથી આવતો. તો સાંભળી લો, હા હું મારી પત્નીથી ડરું છું. હું તેનાથી એટલા માટે ડરું છું, કારણ કે હું તેને પ્રેમ કરું છું. તેને ન ગમે એવું મારે નથી કરવું. મને ડર લાગે છે કે જો એવું કહીશ તો એ નારાજ થશે, એ દુ:ખી થશે અને કદાચ મારી સાથે ઝઘડો પણ કરશે. મારે એને નારાજ નથી કરવી. તમે જો એને ડર કહેતા હોવ તો મને એ ડરમાં પણ પ્રેમ દેખાય છે. તેણે મારા માટે ઘણું છોડ્યું છે. મને નથી ગમતું એવું ઘણું એ નથી કરતી, તો હું એને ન ગમે એવું ન કરું એ કેવી રીતે ગેરવાજબી છે?
પત્નીએ પછી વાત કરી કે પતિ પાન ખાય એની સામે મને વાંધો નથી. તમારા બધા સાથે ગપ્પા મારે એમાં પણ કોઈ તકલીફ નથી. બસ, પાનનો ગલ્લો મને ગમતો નથી. તમે ઘરે બેસો તો મને વધુ ગમશે. બાકી વાત રહી ડરની, તો મારો પતિ જો આ કારણે ડરતો હોય તો હું કહીશ કે એ ખરેખર મને બહુ પ્રેમ કરે છે. આપણે બધા જ એવું ઘણું બધું નથી કરતાં જે આપણી વ્યક્તિને ગમતું ન હોય.
એક યુવાનની વાત છે. એ સ્મોકિંગ કરતો હતો. એની પત્નીને જરાયે ન ગમતું. પત્નીને ખબર ન પડે એમ ક્યારેક એ ફ્રેન્ડસ સાથે સ્મોકિંગ કરી લેતો. ઘણી વખત એકલો પણ છાનાખૂણે સ્મોકિંગ કરી લેતો. એક વખત તેણે ફ્રેન્ડને સ્મોકિંગની ના કહી દીધી. તેણે કહ્યું કે, યાર હું સ્મોક કરું છું, પણ સાવ સાચું કહું જેટલી વાર સિગરેટ પીઉં છું એટલી વખત ગિલ્ટ થાય છે કે હું મારી વાઇફને છેતરું છું. હા,  થોડીવાર મજા આવે છે પણ પછી એમ પણ થાય છે કે આવું
ન કરવું જોઇએ. એવો ડર પણ લાગે છે કે જો એને ખબર પડશે તો બબાલ થશે.
પ્રેમમાં ડર એ લાગણીભર્યો હોવો જોઈએ, દાદાગીરીવાળો નહીં. તકલીફ ત્યારે થાય છે જ્યારે તેમાં આદેશ ભળે છે. તારે આમ નથી જ કરવાનું, આવું કર્યું છે તો જોઈ લેજે, આવા વાક્યો માણસને બળવો કરવા ઉશ્કેરે છે. એક યુવતીએ કહ્યું કે, એ સીધી રીતે માનતો જ નથી તો હું શું કરું? આવી વાત સાંભળીને તેના પતિએ કહ્યું કે, તે ક્યારેય મને સીધી રીતે મનાવ્યો છે? પ્રેમમાં માણસને સુધારવાની તાકાત છે અને પ્રેમનાં આધિપત્યમાં માણસને બગાડવાનું જોખમ પણ રહેલું છે. વાત ત્યાં સુધી પહોંચી જાય છે કે આમ જ થશે તારે જે કરવું હોય તે કર. વાત ધીમે ધીમે વણસતી જાય છે. અંતે શું થાય છે? તારે જેમ કરવું હોય એમ કર, હવે હું કંઈ કહેવાની કે, કહેવાનો નથી. બંને પછી પોત પોતાની રીતે રહેવા લાગે છે અને આ બધાની વચ્ચે પ્રેમનું પોત પોતળું ને પાતળું થતું જાય છે, ગૃહસ્થી ખેંચાતી રહે છે, એમાં નિભાવવાનું જ બાકી રહે છે, જીવવાનું ઘટી ગયું હોય છે.
પતિ-પત્ની વચ્ચેનાં ઝઘડાં કયાં કારણોસર થાય છે? નારાજગી પાછળ કયું તત્વ જવાબદાર હોય છે? આપણે એવું સાંભળતાં અને કહેતાં આવ્યા છીએ કે પતિ-પત્ની વચ્ચે ઝઘડાં થવાં સ્વાભાવિક છે. કોઈ જો એમ કહેતું હોય કે અમારી વચ્ચે ક્યારેય ઝઘડાં જ નથી થતાં તો કંઈક ખૂટતું હોય છે. બે વ્યક્તિ સાથે હોય ત્યારે ઘણી વખત એવી સ્થિતિ સર્જાતી હોય છે જ્યારે બંને પોતાને સાચા માનતાં હોય છે. એવું પણ શક્ય છે કે બંને પોત પોતાની જગ્યાએ કદાચ સાચા પણ હોય. દર વખત વચલો કે ત્રીજો માર્ગ પણ હોય એવું જરૂરી નથી. બે જ માર્ગ હોય છે. કાં તો તારો માર્ગ અથવા મારો રસ્તો. બેમાંથી એક પોતાનો રસ્તો છોડે તો જ બંને સાથે ચાલી શકે છે. આવું ન થાય તો રસ્તા ફંટાય જાય છે. હાથ છૂટી જાય છે, સાથ ખૂટી જાય છે. તું તારા રસ્તે અને હું મારા રસ્તે. આ રસ્તાં આખરે ક્યાં જતાં હોય છે? આ રસ્તાની મંઝિલ કઈ હોય છે? ત્યાં પહોંચી ગયાં પછી પણ શું હોય છે? ખાલીપો, એકલતા સન્નાટો અને શૂન્વકાશ.
ઘણી વખત માણસને બહુ મોડું સમજાય છે કે થોડુંક જતું કરી દીધું હોત તો આ નોબત ન આવત. એક કપલની વાત છે. બંને વચ્ચે ઝઘડાં થતાં હતાં. આખરે વાત ડિવોર્સ સુધી પહોંચી. બંને છૂટાં પડી ગયાં. એક-બીજાથી એવા ત્રાસી ગયાં હતાં કે, બંનેએ મનોમન એવું નક્કી કર્યું હતું કે હવે બીજા મેરેજ કરવા જ નથી. સમય ગયો. બંનેને ધીમે ધીમે એવું થવાં લાગ્યું કે આખી જિંદગી કંઈ એકલું થોડું જીવાય છે? બંનેએ આખરે ફરીથી જીવનસાથી શોધવાનું નક્કી કર્યું. કોઈને જોવા જાય કે મળે ત્યારે એમ થતું કે આના કરતાં તો એ સારો હતો અથવા તો એ સારી હતી. નવી વ્યક્તિ સાથે એડજસ્ટ થવાશે કે કેમ એ વિશે પણ સંદેહ થતો હતો. ધીમે ધીમે એવા વિચાર પણ આવ્યા કે નવી વ્યક્તિ સાથે ફરીથી ટેવાવું એના કરતાં અગાઉની વ્યક્તિ શું ખોટી હતી? કમસે કમ એક-બીજાના લાઇકિંગ અને ડિસલાઇકિંગ તો ખબર હતાં. આખરે બંને ફરી વખત મળ્યા અને વાત કરી કે આપણે ફરીથી સાથે રહેવાથી ટ્રાય કરી શકીએ? હજુ થોડો સમય સાથે રહીએ. નહીં ફાવે તો ફરીથી જુદાં થઈ જશું. ફરીથી લગ્ન વગર બંને સાથે રહેવાં લાગ્યાં. બંનેએ નક્કી કર્યું કે એક-બીજાના અણગમા સ્વીકારી લઇશું. વર્ષો વીતતા ગયા. અક વખત પત્નીએ
કહ્યું કે, આપણે હવે જે જતું કરીએ છીએ એ પહેલાં કર્યું હોય તો? ડિવોર્સનો જે મામલો આવ્યો એ ન આ‌વ્યો હોત. પતિએ કહ્યું કે, તો કદાચ આપણે એક-બીજાને પૂરાં સમજી શક્યા ન હોત. અરે, એક-બીજાને નહીં, આપણે કદાચ આપણને જ ઓળખી શક્યાં ન હોત!
શું જોઈએ છે? શું મેળવવું છે? કઈ કિંમતે મેળવવું છે ?એ ઘણી વખત સમજવું પડે છે. એકબીજાને ન ગમતું કરતી વખતે વાત ડરની નથી હોતી, વાત સ્વીકારની હોય છે, વાત સ્નેહની હોય છે. પ્રેમમાં કોઈ  બંધન, કોઈ ડર કે કોઈ ખચકાટ ન હોવો જોઈએ એવી ડાહી ડાહી અને આદર્શ વાતો થતી હોય છે, પણ એવું હોતું નથી. માણસની પ્રકૃતિ છે કે એને પોતાની વ્યક્તિ પર થોડું ઘણું આધિપત્ય જોઈતું જ હોય છે. સ્ત્રી હોય કે પુરુષ એમાંથી કોઈ બાકાત નથી. સરવાળે તો દરેક સ્થિતિ, દરેક સમય અને દરેક સંજોગમાં પ્રેમ જળવાઈ રહે એ જ મહત્ત્વનું હોય છે.
છેલ્લો સીન :
આપણી ભૂલને ભૂલ ન સમજવી, તે મોટામાં મોટી ભૂલ છે. 
–અજ્ઞાત
(દિવ્ય ભાસ્કર, કળશ પૂર્તિ, ચિંતનની પળે કોલમ, તા. 11 મે 2016, બુધવાર)
Email : kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *